પ્રશ્નો નથી, એવું નથી

12 July, 2020 07:28 PM IST  |  Mumbai | Hiten Anandapara

પ્રશ્નો નથી, એવું નથી

ઘણુંબધું એવું બની રહ્યું છે જેની કોઈએ કલ્પના કરી ન હોય. તરણું માટીમાંથી માથું ઊંચકે એમ અનેક ઘટનાઓ બની રહી છે. કાનપુરના ગૅન્ગસ્ટર વિકાસ દુબેએ અપરાધી અને સત્તાધીશો વચ્ચેની સાંઠગાંઠ પુરવાર કરી. આઠ પોલીસ માટે કાળ બનનાર આ ગુનેગારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ઝડપાઈને પોતાનું એન્કાઉન્ટર થતું બચાવી લીધું. આવા શાતિર દિમાગ પાછળ કોનો દોરીસંચાર કે માર્ગદર્શન છે એ તપાસનો વિષય છે. સારપનું મહોરું પહેરી સમાજમાં ફરતા રાજકારણીઓને રમેશ પારેખનો શેર લાગુ પડે છે...

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે

જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી

– એવું અમે તો સંત વિશે સાંભળેલ છે

પોતાની છાપ એક વિદ્વાન ધર્મગુરુ તરીકે ઊપસાવનાર ઝાકિર નાયકના તાર દિલ્હી હુલ્લડના મામલામાં સંધાયા છે. ઇમરાન ખાને પાકિસ્તાનમાં કૃષ્ણનું મંદિર બનાવવાની પરવાનગી આપી અને બબાલ થઈ ગઈ. મુસ્લિમ કટ્ટરવાદીઓએ હોબાળો મચાવી દીધો. પાકિસ્તાનનાં સેંકડોની સંખ્યામાં હિન્દુ ધર્મસ્થાનકો નષ્ટ થયાં છે પણ ઉન્નત બુદ્ધિવાદીઓ એના વિશે એક શબ્દ નહીં ઉચ્ચારે. ભારતમાં જો એક મસ્જિદ તૂટે તો આખું દિલ્હી ને મીડિયા માથે લે. સમરથ કો નહીં દોષ ગુંસાઈને બદલે કહેવું પડે ઝોલાવાલોં કો નહીં દોષ ગુંસાઈ. અરુણ દેશાણીના શેરમાં આપણી આશાને ખોટી ને ભોંઠી પડતી ભાળી શકશો...

કોઈ તો એકાદ એવું સ્થળ હશે

દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે

જળ હશે, પથ્થર હશે, વાદળ હશે

હોવું પણ હોવાનું કેવળ છળ હશે

છળની રમત ચીન અને પાકિસ્તાન સાથે મળીને રમી રહ્યા છે. શબ્દો ચોર્યા વગર કહેવું હોય તો એક નાગ છે ને એક વીંછી છે. ડંખ મારવો એમની ગળથૂથીમાં છે. ઝેરની માત્રામાં ફરક હોઈ શકે, ઇરાદામાં નહીં. ચીનની ચિંતામાં ને પાકિસ્તાનની પંચાતમાં ચોમાસું ક્યારે બેસી ગયું એનું પણ ભાન ન રહ્યું. વરસાદ પોતાની ન‌િયત માત્રા કરતાં થોડું વધારે ઍડ્વાન્સ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાય ડૅમમાં નવાં નીર આવ્યાં ને કેટલાક ઉમળકાભેર છલકાઈ ગયા. ખેતી માટે જો આ વરસાદ આશિષ પુરવાર થાય તો ગ્રામીણ અર્થતંત્રને થોડી કળ વળે. રવીન્દ્ર પારેખ વરસાદને હાથ પકડીને અતીત તરફ દોરી જાય છે...

વાત અતીતની થતી હોય ત્યારે મધુરપને બદલે અધૂરપ વધારે બળવાન પુરવાર થતી જોવા મળે છે. જલન માતરી લખે છે...

કંઈ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં

વીતી ગઈ છે રાત સવારે ખબર પડી

પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી

મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી

ખોટ હવે આપણા દેશને થાય એના કરતાં વિશેષ ચીનને થવી જોઈએ. મોદી સરકારે સ્ટાર્ટ અપ્સ અને ટેક્નૉલૉજીમાં મહારથ ધરાવતા લોકોને વિવિધ પ્રકારની ભારતીય ઍપ્સ બનાવવાનું આહવાન કર્યું છે. ભારતીય પ્રતિભા વિદેશમાં સંશોધન માટે વપરાય એની સાથે દેશ માટે પણ ખપમાં આવે એ જરૂરી છે. ચીનના તબક્કાવાર દેશનિકાલથી જે તક ઊભી થશે એના અણસારમાં ઉર્વીશ વસાવડાનું વરસાદી સ્વાગત ભેળવીએ...

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું

નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે

એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું

સુરતમાં એક વિસ્તારનું નામ પાણીની ભીંત છે. આ વાસ્તવિકતા સામે અમૃત ઘાયલે કરેલી કલ્પના સરખાવવા જેવી છે...

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે

હોતી નથી હવા અને ફેલી જવાય છે

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં

સમજી હવાને ભીંત અઢેલી જવાય છે

અઢેલવા માટે કોઈ પ્રિયજન ન હોય ત્યારે ભીંતનો સહારો લેવો પડે. અમૃત ઘાયલે હવા અને ભીંતના પ્રતીકનો સુંદર વિનિયોગ કર્યો. અનિલ ચાવડા એમાં સર્જકીય ઉમરો કરે છે... 

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે

તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?

સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા

કોરોનાની થપાટ ભલભલાને ભારી પડી રહી છે. હવે ઝટ બધું પાર પડશે એવી ધારણા મુંબઈ કે દિલ્હી જેવા શહેરને છડેચોક છેતરી રહી છે. એકાદ આશાનું કિરણ દેખાય ત્યાં પાછલી બારીએથી અંધકાર ચૂપચાપ પ્રવેશીને આપણી જ આરામખુરશી પર ગોઠવાઈ ગયો હોય. અંધકારની અણી દેખાતી ભલે ન હોય, પણ એ વાગે જરૂર છે. પંકજ વખારિયાની પંક્તિઓ ઉંમરના સ્વીકારની સાથે સંજોગોનો શિકાર બનેલાની વ્યથા પણ રજૂ કરે છે...  

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી

અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી

હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં

એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

ક્યા બાત હૈ

ઉત્તર નથી તેથી કોઈ પ્રશ્નો નથી, એવું નથી

ચર્ચા નથી તેથી કોઈ મુદ્દો નથી, એવું નથી

બસ આંખ મીંચી તોડશો સંધાન સઘળાં બાહ્ય પણ

ભીતર પજવતાં અવનવાં દૃશ્યો નથી, એવું નથી

ને તે છતાં ક્યાં એક્બીજાની ખરી ઓળખ મળે?

હર ધડ ઉપર પોતાતણો ચહેરો નથી, એવું નથી

 ભડભડ પ્રજળવાની પ્રથમ તૈયારી હોવી જોઈએ

ભડકો કરે એવો અહીં તણખો નથી, એવું નથી

જોઈ શકું, પામી શકું એને છતાં નખશિખ ‘સુધીર’

વચ્ચે કશી આડશ નથી, પર્દો નથી, એવું નથી

- સુધીર પટેલ

columnists