કોઈને સમજાવવું નથી

06 November, 2022 12:39 PM IST  |  Mumbai | Hiten Anandpara

આપણી સમજશક્તિની એક સીમા હોય છે. એનાથી આગળ કોઈ સમજાવે તો ઉપરથી જાય

પ્રતીકાત્મક તસવીર

આપણી સમજશક્તિની એક સીમા હોય છે. એનાથી આગળ કોઈ સમજાવે તો ઉપરથી જાય. એમાં રસ પણ કારણભૂત હોય અને અર્થ પણ કારણભૂત હોય. ગુજરાતના ગામડામાં ઊછરેલો જણ ચીનમાં સ્થાયી થઈને કામધંધો કરતો હોય તો યેનકેનપ્રકારેણ ખપ પૂરતું ચાઇનીઝ શીખી જ લે. ધનઉપાર્જન માટે જરૂરી બને. મુંબઈમાં બેઠાં બેઠાં આપણને કોઈ નિઃશુલ્ક ઑનલાઇન સંસ્કૃત શીખવાનું કહે તો પણ આપણે એ ગણતરી માંડીએ કે વહેવારજગતમાં એ કેટલું કામ આવશે. આ પ્રકારની સીમાદોરી આપણી જીવાદોરી પ્રમાણે આપોઆપ જ દોરાઈ જતી હોય છે. રમેશ પારેખની પંક્તિઓ સાથે ગાલ ઉપર સણસણતો તમાચો ખાઈએ...

કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે

ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે

તમારી દોસ્તીનો અર્થ શું હશે - ખબર નથી

તમારો અર્થ દોસ્ત, માત્ર હાડચામ થાય છે

હાડચામના માણસની જિંદગી હામ અને કામને કારણે નીખરતી હોય છે. પૅશન, ઉત્સાહ, ધગશ વગર જીવી જવાય, પણ કાટ ખાયેલી સ્થિતિ જેવું લાગે. મોરબીના ઝૂલતા પૂલની દર્દનાક ઘટનાના મહત્ત્વના કારણમાં કાટ લાગેલી સામગ્રી હતી જે વધુ પડતા બોજને ઝીલી ન શકી. આ ગમખ્વાર અકસ્માતમાં બે મહત્ત્વની વાત સામે આવી. શાસકપક્ષ દ્વારા સલામતીના નિયમોની ચોકસાઈ અને ચકાસણીમાં ખાંચા પડ્યા. નાગરિકપક્ષે સલામતીના નિયમોનું પાલન ન થયું. બે બેદરકારી ભેગી થાય ત્યારે ચાર ખભે થવાનો વારો આવે. નીતિન વડગામા આપણને આગાહ કરે છે...

અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું

દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે

નથી કંઈ સૂરની સમજણ છતાંય સાજ શણગાર્યા

બસૂરું ગાય એ પહેલાં બધાંએ બોલવું પડશે

નિષ્ણાત વ્યક્તિ કે સંસ્થાને કામ અપાય તો એમાં બરકત આવે. મોટી યોજનાઓમાં જે-તે વિષયના જાણકાર હોવા જરૂરી છે. તમે એક ફરક માર્ક કરજો. લાર્સન ઍન્ડ ટુબ્રો કે ટાટા જેવી પ્રતિષ્ઠિત કંપની રોડ બનાવે અને સ્થાનિક નગરસેવકોની મિલીભગતથી કૉન્ટ્રૅક્ટ મેળવનાર, હાથમાં તમાકુ ચોળી મોંમાં ઓરનાર ઠેકેદાર રોડ બનાવે એમાં આસમાન-જમીનનો ફરક હોવાનો. ‘હોતી હૈ ચલતી હૈ’નો અભિગમ પડતીનું કારણ બની શકે. કોઈ પ્રામાણિક માણસ આ વિશે ફરિયાદ કરવા જાય તોય સેટિંગ્સ એવા હોય કે એનો જ ઘડોલાડવો થઈ જાય. રાજેન્દ્ર શુક્લ ફરિયાદ કરે છે...

શાંત જળમાં એક પણ લહરી નથી

કોઈ થોડું ખળભળાવે તો કહું

કોઈને કહેવું નથી, એવું નથી

સહેજ તૈયારી બતાવે તો કહું

જિંદગીમાં આપણે અનેક પ્રકારની તૈયારી રાખવી પડે. કામધંધામાં સેટ થવાની લડત, સંસાર માંડવાની મથામણ, સંતાનોના ભણતરથી લઈને તેમના પ્રસંગો પાર પાડવાની જવાબદારી નજર સામે રાખવી પડે. આયોજન વગર આડેધડ જિવાતી જિંદગી અવારનવાર ઘા-ઘસરકા પડવાનો સંભવ રહે. રાજ લખતરવી પુરુષાર્થ સાથે પ્રારબ્ધને જોડે છે...

ધૂમ દોલત ફકીર પાસે છે

દોસ્ત પારસ કબીર પાસે છે

જે નથી હાથનેય હાથવગી

ચીજ એ સૌ લકીર પાસે છે

ફકીર પાસેની દોલત આપણી દુન્વયી સમજ પ્રમાણે નિરર્થક ગણાય છે. દુનિયાદારી કેટલું કમાયા, ફાવ્યા અને પામ્યા એ જુએ છે. ફકીરી પરમ તત્ત્વ સાથે કેટલું અનુસંધાન રચાયું અને ભીતરના વિશ્વમાં શું ઉમેરાયું એ જુએ છે. બંનેના માપદંડ જુદા છે. બંને પોતપોતાની રીતે ખોટા નથી. ઈશ્વરે પોતે જ કેટલું વૈવિધ્ય સર્જ્યું છે તો જીવનશૈલીમાં પણ વૈવિધ્ય હોય એ સ્વાભાવિક છે. સવાલ એ છે કે જે માન્યતા પ્રમાણે આપણે આખી જિંદગી જીવીએ છીએ એ ઉત્તરાવસ્થામાં સાર્થક લાગે છે કે નિરર્થક? અશરફ ડબાવાલાનો વિચાર ચિંતનપ્રેરક છે...

ગમતી હો જે વ્યથા એ સદા આવતી નથી

આવે જો એ કદી તો જવા આવતી નથી

હું જે ક્ષિતિજે પ્હોંચી, છું આતુર ચાલવા

એના પછી તો કોઈ ધરા આવતી નથી

columnists hiten anandpara