નેતા પોલ્ટ્રી ફાર્મમાં જન્મે પણ રાજનેતાનો ઉછેર તો વિહરતા જંગલ વચ્ચે થાય

13 September, 2020 05:22 PM IST  |  Mumbai | Manoj Joshi

નેતા પોલ્ટ્રી ફાર્મમાં જન્મે પણ રાજનેતાનો ઉછેર તો વિહરતા જંગલ વચ્ચે થાય

પ્રતિકાત્મક તસવીર

ગઈ કાલે કહ્યું એમ, નેતા ક્યારેય જન્મે નહીં, તે અનુભવે તૈયાર થાય. નેતાને ઘડવો પડે, ટ્રેઇન કરવો પડે અને એને માટે સમય ફાળવવો પડે. આ બધું કર્યા પછી પણ તે પોતાની સ્વતંત્ર વિચારધારા મુજબ ચાલે એવી શક્યતા રોકડી એક ટકાની, પણ રાજનેતાને એ વાત લાગુ નથી પડતી. રાજનેતા તો જન્મતો હોય છે. તેનું ઘડતર ન કરવાનું હોય, તે તો ઘડતર સાથે જ કામે લાગતો હોય છે. રાજનેતાના આચાર-વિચાર જુદા હોય. તેના વાણી-વર્તન પણ બીજાથી સાવ જુદા હોય. દુનિયા શું કહે છે અને દુનિયા શું કરે છે એ બધાથી રાજનેતાને નિસબત નથી હોતી. રાજનેતા તો પોતાના નિર્ણય અને પોતે નક્કી કરેલી રૂપરેખા પર મુસ્તાકી સાથે આગળ વધે અને કામ કરતો રહે. રાજનેતાની આ ખાસિયત છે. તે બીજા કોઈની કામ કરવાની રીતથી પ્રભાવિત નથી થતા. તેમને ક્યારેય કોઈ વાત વિચલિત કરવાનું પણ કામ નથી કરતી અને તેમનામાં કોઈ ઈર્ષ્યા પણ નથી હોતી.

બ્લૅક ઍન્ડ વાઇટ. સારું અને ખરાબ.

રાજનેતા કોઈ પણ વાતને આ બે દૃષ્ટિકોણથી જોતા હોય છે અને એટલે જ તેને સ્પષ્ટવક્તા કહેવામાં આવે છે. સ્પષ્ટવક્તા હોવા છતાં તેમનામાં તોછડાઈ કે આછકલાઈ ક્યાંય દેખાતી નથી અને રાજનેતાની આ ગુણવત્તા હોય છે. એક ગુજરાતી કહેવત છે, ‘પુત્રનાં લક્ષણ પારણેથી.’ આ કહેવત રાજનેતા સાથે સીધી બંધ બેસતી છે. રાજનેતાનાં લક્ષણ પણ તેમની કામગીરીથી જ દેખાઈ આવતાં હોય છે.

રાજનેતા કોઈ વિદેશી આન્ટીના પેટમાંથી નથી પાકતા, એનું સેવન પોલ્ટ્રી ફાર્મમાં નથી થતું. રાજનેતા તો ગામડામાં કે એવા કોઈ સ્થાને જન્મે જ્યાં તેમને તમામ પ્રકારની અગવડ ભોગવવી પડે અને એ ભોગવ્યા પછી પણ તેમના ચહેરા પર તકલીફોનો કોઈ અણસાર પણ ક્યારેય વર્તાય નહીં. ખોટી વાત નહીં ચલાવવી એવું નેતાને શીખવવું પડે, પણ રાજનેતાને બે હાથ જોડો તો પણ એ ખોટી વાત ચલાવવા માટે તૈયાર નથી થતા. આ રાજનેતાનો ગુણ છે અને આ ગુણવત્તા સાથે જ તે કામ કરવાની જવાબદારી હાથ પર લેતા હોય છે. પ્રખર રામાયણકાર મોરારિબાપુ જો રામાયણકાર ન હોત તો તેઓ સર્વશ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી કે પ્રખર સાહિત્યકાર હોત. મારી આ વાત સાથે સૌકોઈ સહમત થશે. એવું જ સ્વામી વિવેકાનંદનું છે. સ્વામી વિવેકાનંદ સંન્યાસના માર્ગે ચાલ્યા, પણ એક હકીકત એ પણ છે કે તેમનામાં રાજનેતાના તમામ ગુણધર્મો હતા. તેમના માર્ગ પર ચાલવું એટલે જ આજે પણ સૌકોઈને આકરું લાગે છે. એ માર્ગ પર પગલું મૂકવાનું એ સૌ માટે અઘરું છે, જે નેતા છે, પણ રાજનેતાને ક્યાંય કોઈ અસર થતી નથી. તકલીફોને આપણે સૌ મુશ્કેલી તરીકે જોઈએ છીએ, એનાથી વિચલિત થઈએ છીએ, પણ જે રાજનેતા છે તે તકલીફોને પોતાનો શિક્ષણકાળ માને છે.

columnists manoj joshi