હુંય આસન લગાવી બેઠો છું

24 April, 2022 02:41 PM IST  |  Mumbai | Hiten Anandpara

બેસવું અને બેસી પડવું એ બંનેમાં ફેર છે

પ્રતીકાત્મક તસવીર

બેસવું અને બેસી પડવું એ બંનેમાં ફેર છે. એકમાં નિરાંત છે તો બીજામાં નિરાશા છે. ટ્રેનમાં બે કલાક ઊભા-ઊભા મુસાફરી કરી હોય અને અચાનક બેસવા માટે સીટ મળી જાય તો ટ્વિટર ખરીદી લીધાનો આનંદ થાય. મુંબઈની લોકલ ટ્રેનમાં સીટ માટે દોડાદોડી કરતા મુસાફરો જોઈને ગુજરાતના કાઇનેટિક-માલિકો ટાઇટૅનિક આઘાત અનુભવતા હોય છે. દિલ્હીમાં થયેલી કોમી ઘટનાના આઘાત સંદર્ભે હરીશ મીનાશ્રુની ધારદાર પંક્તિઓ જોઈએ...

કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે?
નાગી તલવાર ને તરફડતી ઢાલ શાથી છે?
અઢી અક્ષરની રમત સમજીને હું બેઠો તો
અઢી પગલાંની સાવ ટેઢી ચાલ શાથી છે?
ચેસમાં ઘોડો અઢી પગલાં ચાલે. અઢી અક્ષરનો પ્રેમ આખું બ્રહ્માંડ આવરી લેવા સક્ષમ છે. બજારમાં શાક લેવા જઈએ ત્યારે અઢી જણના પરિવાર માટે પા કિલો એટલે કે અઢીસો ગ્રામનું ચલણ વધારે હોય છે. આ અઢી અક્ષરમાં આપણે આપણું નામ ઓગાળી દેવાને લાયક બનીએ ત્યારે જિંદગીનો સાચો અર્થ ઊપસે. હરીશ ઠક્કરની પંક્તિઓ જોઈને પ્લેનમાં નેહરુ અને દિલીપકુમાર વચ્ચેની મુલાકાત યાદ આવી જાય...  
હામ ને હેસિયત થકી બેઠો
હું નથી કોઈના વતી બેઠો
જેમનું નામ છે ઘણું મોટું
એમનું નામ, હું પૂછી બેઠો
મીડિયાને કારણે હવે વિવિધ પ્રતિભાઓને પાંગરવાની તક મળે છે. ઘણી વાર એવું થાય કે પ્રસિદ્ધ વ્યક્તિનું નામ આપણને ખબર જ ન હોય, કારણ કે એ આપણું ક્ષેત્ર ન હોય. આવા સંજોગોમાં સામી વ્યક્તિએ કે આપણે નાનમ અનુભવવાની જરૂર નથી. માહિતીનો એટલો બધો ખજાનો ઠલવાય છે કે બધું યાદ રાખવું શક્ય નથી. આરામખુરસી પર બેસીને પુસ્તક વાંચવાનો સમય ઓઝલ થતો ગયો અને કમ્પ્યુટર પર સર્ફિંગનો સમય વધતો ગયો. 
આ બંનેમાં પણ બેસવાની રીત અને મિજાજ અલગ છે. રોહિત પંડ્યા ભગવો મિજાજ વ્યક્ત કરે છે...
શ્વાસની માળા મહીં એક જ રટણ
તું જ તુંનો એકતારો ને સ્મરણ
વરસોથી બેઠો જટાને ખોલીને
કે થશે ક્યારેક ગંગા અવતરણ
તપ કરતા ઋષિમુનિઓ કઈ રીતે એક જ બેઠક પર બેસી રહેતા હશે એ વિચારે ડિપ્રેશન આવી જાય. હવે તો બેસવાની આદત સાવ છૂટી ગઈ છે. ગઝલ મહેફિલનો એક કાર્યક્રમ કરેલો ત્યારે ભારતીય બેઠકમાં બેસવા શ્રોતાઓ તૈયાર નહોતા. ઘૂંટણની પ્રી-મૅચ્યૉર સમસ્યાને કારણે પલાંઠી વાળીને બેસવાની આદત રફુચક્કર થઈ ગઈ. આપણું કમનસીબ છે કે બેઠક-પરંપરા વીસરાતી જાય છે. હવે ખુરસીઓના પાયા આપણા ઘૂંટણને જોઈને અટ્ટહાસ્ય કરે તો સ્વીકારી લેવા પડે. પ્રમોદ અહિરે કહે છે એક એવું સત્ય પણ સ્વીકારવું પડશે...  
બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી
જાય છે રોજ્જે ઘણા સાગર સુધી
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?
ભીતર પહોંચવા પરમ-પલાંઠી મારવી પડે. પહેલાંના સમયમાં ઘરમાં ઝાપટિયું રહેતું. એક લાકડી ઉપર કપડું વીંટાળેલું હોય. બા એનાથી કબાટની કે અભરાઈની ધૂળ સાફ કરી લેતી. આ ધૂળ સાફ થાય તો મૂળ સુધી પહોંચાય અને વજેસિંહ પારગી કહે છે એવી અનુભૂતિ થઈ શકે...   
હુંય આસન લગાવી બેઠો છું
મારી ભીતર કબીર આજે છે
દેહ દરગાહ જેવો લાગે છે
રૂહ પણ જાણે પીર આજે છે
ભર્યું-ભર્યું થવા માટે ખાલી થવું પડે. તો 
દેવદાસ શાહ અમીરની આ પંક્તિઓ 
સમજાય...
મૌનની લહર આખો મર્મ સમજાવી ગઈ
વાણીનો દરિયો નકામો શિર પટકતો જાય છે
તોય મિત્રો! મયકદામાં સાવ તરસ્યો બેઠો છું
જામ મારા હાથમાં જોકે છલકતો જાય છે
ક્યા બાત હૈ
સુનો હઝરાત! હું નિરાંત વણવા બેઠો છું
અનાજમાંથી તિલસ્માત વણવા બેઠો છું

લલિત! તારી જરૂરિયાત વણવા બેઠો છું
શરીરમાંથી હું ઝીણી ભાત વણવા બેઠો છું

રૂની પૂણીમાંથી મિરાત વણવા બેઠો છું
કલમમાંથી હું દીવાબાત વણવા બેઠો છું

સપરમી દેહડીના ઊજળા ઊજળા ધબકારે
હે સુંદરી! હું દૂજી બાત વણવા બેઠો છું

હું દેતવાથીયે રખરખતું કાળજું લૈને
કલમ સંધ્રૂકું છું, હૈયાત વણવા બેઠો છું

પડે... પડે... રે હોથી! ઝીણી ભાત બીબા પર
હું બુદબુદા ઉપર રળિયાત વણવા બેઠો છું

મળે એ રોટલો જે હોય આપણા સૌનો
હું એવો એક અકસ્માત વણવા બેઠો છું

બીજી તો શું તને આપી શકું હું સાબિતી?
હું તાર તાર થૈ શરૂઆત વણવા બેઠો છું

લલિત ત્રિવેદી
ગઝલસંગ્રહ : બેઠો છું તણખલા પર

columnists hiten anandpara