સીધા રસ્તે ચાલવામાં અડચણો હશે, પણ એ માર્ગ દુશ્કર ક્યારેય હોતો નથી

24 September, 2020 04:29 PM IST  |  Mumbai | Manoj Joshi

સીધા રસ્તે ચાલવામાં અડચણો હશે, પણ એ માર્ગ દુશ્કર ક્યારેય હોતો નથી

સીધા રસ્તે ચાલવામાં તકલીફ હશે, પણ મુશ્કેલીઓ નથી હોતી.

તકલીફ અને મુશ્કેલી. આ બે શબ્દો આમ તો એકબીજાના સમાનાર્થી જેવા લાગે છે, પણ આ શબ્દોના ભાવાર્થ જુદા છે. તકલીફનો અર્થ એવો કરી શકાય કે જેને પાર કરવાની ક્ષમતા તમારામાં હોય અને મુશ્કેલીનો અર્થ એવો કરી શકાય કે જે પાર કરવી અઘરી બન્યા પછી તમને અધવચ્ચે અટકાવી દે. સીધા રસ્તે ચાલવામાં તકલીફ હશે, પણ મુશ્કેલીઓ નથી હોતી. બને કે પ્રામાણિકતાથી ચાલવામાં કે નીતિ સાથે આગળ વધવામાં તમારો વિકાસ ધીમો હોઈ શકે, પણ એ વિકાસ વાજબી રીતે અને યોગ્યપણે થતો હોય છે. જો તમે નીતિ પડતી મૂકો અને પ્રામાણિકતાને છોડી દો તો બને કે તમને થોડી વાર માટે બધું સારું લાગવા માંડે અને સરળ પણ લાગે, પરંતુ આ ખોટો માર્ગ છે અને ખોટા માર્ગથી જે કંઈ મળતું હોય છે એ ક્યારેય સાચું નથી હોતું. ખોટા રસ્તે ચાલતી વખતે ક્યાંય તમને મુશ્કેલી ન પડે તો એનો અર્થ એવો નહીં કરવાનો કે એ રસ્તો સાચો છે. ખોટો રસ્તો એ ખોટો જ છે. બને કે આવનારી મુશ્કેલી તમને શરૂઆતમાં નાના સ્વરૂપમાં આવે, એને બદલે મોડેથી અને મહાકાય થઈને આવે, પણ એ આવતી તો હોય જ છે અને એ આવે ત્યારે ખરેખર છઠ્ઠીનું દૂધ યાદ આવી જતું હોય છે.
સુપરફાસ્ટ થવાની કોઈ જરૂર નથી અને ક્યાંય એની જરૂર નથી. સફળતા ધીમી પણ મક્કમ ગતિએ આવેલી હોવી જોઈએ. શૅરબજારનું જ્ઞાન મને નથી અને આજની સ્ટૉકમાર્કેટ વિશે મને કોઈ વાત કહેવી પણ નથી, પરંતુ નેવુંના દશકની શૅરબજારને જોશો કે એના વિશે કોઈને પૂછશો તો તમને એવા અનેક લોકો જોવા મળશે જે રાતોરાત પાયમાલ થઈ ગયા હોય અને તેમને નવેસરથી એકડો ઘૂંટવાનું આવી ગયું હોય. એવું તે કેવી રીતે બની શકે કે સવારના સમયે તમે ૧૦ રૂપિયાના ભાવનો શૅર ખરીદો અને સાંજ પડતા સુધીમાં એ શૅરનો ભાવ પચીસ રૂપિયા અને ૩૦ રૂપિયાનો થઈ જાય. આવી કમાણી જો સ્ટૉકમાર્કેટમાંથી થતી હોય તો ધીરુભાઈ અંબાણી પોતાના હજીરા પ્લાન્ટ પર અને અમદાવાદની મિલ પર ધ્યાન આપવાને બદલે શૅરબજારમાં લિસ્ટેડ હોય એવી બીજી કંપનીઓના શૅર પર જ ધ્યાન આપતા હોત અને આજે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિઓમાં તેમના દીકરાઓની ગણના થતી હોત, પણ એવું નથી હોતું. મહેનત જરૂરી છે અને મહેનત વિના ક્યારેય કોઈનો ઉદ્ધાર નથી થતો. મહેનત જરૂરી છે અને મહેનતનો કોઈ શૉર્ટકટ હોતો નથી. જો કોઈ દેખાડે તો પણ એ શૉર્ટકટનો ઉપયોગ કરવો ન જોઈએ. આજકાલ લોકો આ શૉર્ટકટને સ્માર્ટ-વેના નામે ઓળખાવે છે, પણ સ્માર્ટ-વેમાં સ્માર્ટનેસ જ હોય અને ચતુરાઈ પણ ક્યારેય કહેતી નથી હોતી કે પ્રામાણિકતા અને નીતિમતા છોડો. શૉર્ટકટના આધારે કામ ઝડપથી થઈ શકે એવું બની શકે, પણ જો શૉર્ટકટથી કાયમ માટે કામ આસાન થતું હોય તો જગતમાં અનેક બુદ્ધિજીવી એવા છે જે કાયમ માટે એ જ રસ્તો વાપરે. કહેવાનો તાત્પર્ય માત્ર એટલો, શૉર્ટકટ ક્યારેય મહેનત અને બુદ્ધિમતાનો ઉપયોગ કરવાની ના નથી પાડતું. ક્યારેય નહીં.

manoj joshi columnists