નપુંસકતાથી માંડીને સ્ત્રૈણ માનસિકતા સુધીના ગપગોળાઓનું કારસ્તાન

05 January, 2021 10:38 AM IST  |  Mumbai | Manoj Joshi

નપુંસકતાથી માંડીને સ્ત્રૈણ માનસિકતા સુધીના ગપગોળાઓનું કારસ્તાન

પ્રતીકાત્મક તસવીર

સાહેબ, જરા જુઓ તો ખરા, કેવા-કેવા ગપગોળાઓ ચાલી રહ્યા છે. ગપગોળાઓ જ કહેવાય આને, બીજું કહી પણ કશું ન શકીએ. વૅક્સિન લેવાથી નપુંસકતા આવી જશે, એવું ન કરવું હોય તો મહેરબાની કરીને કોરોનાની વૅક્સ‌િન લેવી નહીં. વૅક્સિન લેવાથી સ્ત્રૈણ માનસિકતા ઊભી થશે, માટે એ ન લેવી. એવું પણ કહેવામાં આવે છે કે કોરોનાની વૅક્સિન લેવાથી સ્ત્રી હશે એનો માસિક સ્ત્રાવ બંધ થઈ જશે માટે એ લેવાનું ટાળજો. ખુદાના નામે અને મહમદ પયગંબરને આંખ સામે રાખીને કોરોના સામે લડી લેજો, પણ વૅક્સિન લેવા નહીં જતા.

આ કેવી માનસિકતા, કેવી નબળી વાત અને કેવી વાહિયાત ચર્ચા. તમે યાદ કરો, લૉકડાઉન સમયે પણ આ આખી કમ્યુનિટી આવી જ રીતે બહાર આવી હતી અને દિલ્હીમાં કાબૂમાં આવી રહેલા કોરોનાને બેફામ બનાવવાનું કામ કરી ગઈ હતી. એ સમયે પકડાયેલા અનેક મુસ્લિમ બિરાદરોએ હૉસ્પિટલ માથે લીધી હતી અને નર્સ તથા બીજા પૅરામેડિકલ સ્ટાફ સાથે સૌથી વાહિયાત વર્તન કરીને ગામ ગજવ્યું હતું. આ જે માનસિકતા છે એ માનસિકતાને હવે મહેરબાની કરીને કાઢવાની જરૂર આવી ગઈ છે. કોરોનાની વૅક્સિન જો કોઈ આડઅસર આપતી હોત તો એને લોકો સુધી પહોંચવા દેવામાં જ ન આવી હોત. કોરોનાની વૅક્સિનની કોઈ આડઅસર હોત તો આજે દુનિયા વૅક્સ‌િન લેતી થઈ જ ન હોત. અત્યારે એક ચોક્કસ વર્ગ એ પ્રકારે લોકોના બ્રેઇન વૉશનું કામ કરે છે કે આખી કમ્યુનિટીને ખતમ કરવાનું કાવતરું સરકાર દ્વારા રચવામાં આવ્યું છે અને જે રીતે શેરીમાં રઝળતા કૂતરાઓનું ખસીકરણ કરી નાખવામાં આવે છે એ જ પ્રકારે વૅક્સિન દ્વારા એ કમ્યુનિટીનું ખસીકરણ કરી નાખવામાં આવવાનું છે. ગેરવાજબી લાગે એવી વાત કહેવાનું મન કોઈને પણ થઈ આવે કે ખરેખર આવી વાત કરનારા લોકોની અક્કલ ઘાસ ચરાવવા ગઈ છે.

વૅક્સિન દ્વારા જો આ પ્રકારનું પરિણામ લાવી શકાતું હોત અને સરકારની એવી માનસિકતા હોત તો તેણે એ પગલું ક્યારનું લઈ લીધું હોત અને દુનિયાને ખબર પણ ન પડી હોત. પણ ના, એવું નથી. વૅક્સ‌િન એ વૅક્સિન છે અને એ કોરોનાથી બચાવવા માટે ઉપાડવામાં આવેલી વૈશ્વિક ઝુંબેશનું પરિણામ છે. ગુજરાતી નાટકના અનેક પારસી કલાકારોના મિત્રો અત્યારે પાકિસ્તાનમાં છે. તે પારસી પાકિસ્તાની ઍક્ટરોને તમે સાંભળો તો તમને ખબર પડે કે આવી માનસિકતાને લીધે જ પાકિસ્તાનમાં કેવા હાલ થયા છે.

પહેલી વાત પાકિસ્તાનમાં આજે પણ કોરોના બેફામ રીતે પ્રસરેલો છે. કોરોનાના કારણે આજે પણ ત્યાં દરરોજ સેંકડો લોકોના જીવ જઈ રહ્યા છે. કોરોનાને લીધે મરનારા પાકિસ્તાનીઓના આંકડા કેમ સામે નથી આવતા, એવી જો તમારી દલીલ હોય તો કહેવાનું એટલું જ કે આંકડાઓ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના જ જાહેર થાય. આંકડાઓ એના જ બહાર આવે જે વિકસિત દેશો હોય. નેપાલમાં કોરોનાને લીધે કેટલા મર્યા એ ક્યારેય જાણવામાં કે પછી જણાવવામાં કોઈને રસ ન હોય માટે પાકિસ્તાનના દાખલા લેવાનું કે પછી પાકિસ્તાનના રસ્તે ચાલવાનું પાપ ભૂલથી પણ કરવું નહીં અને ગધેડાને તાવ આવે એવી અફવાઓને સાચી માનવાની ભૂલ કરવી નહીં. 

columnists manoj joshi