કાં હું મરું, કાં તને મારું

17 January, 2021 02:17 PM IST  |  Mumbai | Hiten Aanandpara

કાં હું મરું, કાં તને મારું

પ્રતિકાત્મક તસવીર

આપણે ત્યાં કેટલાક કામ-વ્યવસાય એવા પવિત્ર છે કે એની સામે આંગળી ચીંધતાં પહેલાં પચીસ વાર વિચારવું પડે. કંઈ અવળું થાય તોય બેનિફિટ ઑફ ડાઉટ તેમને મળે જ. ડૉક્ટર, શિક્ષક, ધાર્મિક સંસ્થાઓના વડા કે પ્રતિનિધિઓ માટે આપણને માન જ હોય છતાં એમાં પણ કેટલાક કિસ્સા એવા મળી આવવાના જે તેમના વ્યવસાય કે માનસને લજવે. કિસાનોની બાબતમાં કદાચ એવું જ થઈ રહ્યું છે. કિસાન આંદોલનના તેવર દિવસે-દિવસે તીખાંતમતમતાં મરચાં જેવા થતા જાય છે. અશોક જાની આનંદ વિષાદ સાથે ફરિયાદ કરે છે...

શમણાં લઈ બારાત જુઓને આવી પહોંચી

આંખ ચડી છે જીદે એક્કે દ્વાર ના ખોલે

શિયાળાની રાત ઘણી લંબાઈ છે, લ્યા

વાતનો રંધો લૈ કોઈ બે બાજુ છોલે

કિસાનોએ દરવાજા બંધ કરી દીધા છે અને ‘કાં હું મરું, કાં તને મારું’ એ અભિગમ અપનાવ્યો છે. હાઇવે રોકીને કિસાનોએ સરકાર તો ઠીક, જનતાને આડકતરી રીતે બાનમાં લીધી છે. મરીઝસાહેબનો શેર કોઈની ક્ષમાયાચના વગર જ વાંચીએ...    

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું મરીઝ

ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું

લોહરી તહેવારની ઉજવણીમાં કાયદાની નકલો બાળવામાં આવી. મહિલાઓએ ‘હાય હાય, મોદી મર જા તુ’ નારા પોકારીને મરશિયાનો અહેસાસ કરાવ્યો. વિરોધાભાસ એ છે કે જે કાયદા માટે બે-ત્રણ દાયકાથી લડાઈ ચાલતી હતી એ જ કાયદાને કાળો ચીતરવામાં આવ્યો. ૨૦ વર્ષે બાળક જન્મે અનેતેને ત્યજી દેવાની માગણી થાય એવી હાલત થઈ છે. હરકિસન જોષી કહે છે એ ભવિષ્યમાં અફસોસ કરાવે તો નવાઈ નહીં...

રદ્દી કાગળ માની એને આગમાં હોમી દીધું

શી ખબર, જન્મોત્રીનું કીમતી પાનું હશે!

ઘાવ અત્યંત કારમા, પણ યાદ રહી શકતા નથી

વિસ્મૃતિનું દિલમાં કોઈ ખાનગી ખાનું હશે!

આંદોલન આમ એકતાનું પ્રતીક લાગે છે, પણ એ અદૃશ્ય ખાનાંઓમાં વહેંચાયેલું દેખાય છે. ડાબેરી નેતાઓએ બૅકસીટ પર કબજો જમાવ્યો છે. સરકારે જે મહત્ત્વના કહી શકાય એવા ઉદ્યોગો જ પોતાને હસ્તક રાખવાના હોય દા.ત. ડિફેન્સ, સ્પેસ વગેરે. સરકારનું કામ ઉદ્યોગોને સવલત આપી ઊભા કરવાનું છે, પોતે ગલ્લે બેસવાનું નથી. ૧૯૯૧માં સુધારાઓનો પવન ફૂંકાયો એ પછી ભારતની પ્રગતિમાં છલાંગ દેખાઈ છે. એક જમાનામાં સ્કૂટર, ઘડિયાળ, શાહી વગેરે બનાવતી સરકાર જો પોતાની જ મોનોપૉલી રાખે તો ખાનગી ઉદ્યોગો કેવી રીતે વિકસે? વીરેન મહેતા સોઈ ઝાટકીને કહે છે...

આપણો કક્કો જ સાચો ક્યાં સુધી?

કાખઘોડી સાથ નાચો ક્યાં સુધી?

વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં

એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી?

સરકારે હવે ડિફેન્સ અને સ્પેસમાં પણ ખાનગી સાહસિકો માટે દરવાજા ખોલ્યા છે જેથી આત્મનિર્ભર ભારત અભિયાનને એક કદમ આગળ લઈ જઈ શકાય. જે ઉદ્યોગ સમય સાથે તાલ નહીં મિલાવે એણે માઠાં પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. હેમંત ગોહિલ મર્મર વગરપૈસે કન્સલ્ટન્સી આપે છે...

યુગજૂની રીતમાંથી નીકળી જુઓ

વાર કે તારીખમાંથી નીકળી જુઓ

ભેટવા તૈયાર છે જગ હાથ ફેલાવી

ખુદ કસેલી ભીંસમાંથી નીકળી જુઓ

કિસાનો અજગરી ભીંસ વધારતા જ જાય છે. કાયદાના કાગળની હોળી કરે એ સમજ્યા, સરકારને ફિટકારે એ સમજ્યા, સંસદને ન માને એ પણ થોડુંઘણું સમજ્યા, પણ દેશની  સુપ્રીમ કોર્ટની અવગણના કરે એ ગંભીર જ નહીં, અતિગંભીર વિષય છે. વ્યાવસાયિક ગરિમાને ઢાલ બનાવી દેશને માથે ન લઈ શકાય. બહુત નાઇન્સાફી હૈ. ડૉ. મહેશ રાવલનો શેર કિસાનોને નહીં, પણ તેમના ગણતરીબાજ આકાઓના એજન્ડાને કપાળે ચોંટાડવા જેવો છે...

સધ્ધર ગણો છો એટલા સધ્ધર નથી તમે

માણસપણાથી ગ્રસ્ત છો, ઈશ્વર નથી તમે!

ઘૂંટ્યા કરો કક્કો ભલે, પણ ખ્યાલ રાખજો

બારાખડીની બહારના અક્ષર નથી તમે!

કિસાન સંઘના વડા રાકેશ ટિકૈત નિર્મમ નિરાંતથી નેગેટિવ વાતો કરી શકનાર ડકૈત જેવા લાગે છે. કાં હું મરું, કાં તને મારું. આમાં મારવાનો ભાવ જ વિશેષ વર્તાય છે. હું મરું એ તો માત્ર ધમકી માટે પ્રયોજાયેલી ઉક્તિ અને યુક્તિ છે. આ જ માણસે સંસદમાં કાયદાઓ પારિત થયા ત્યારે સ્વાગત કર્યું હતું. દેશવિરોધી કશુંક મોટું ષડ્‍યંત્ર સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. કિરીટ ગોસ્વામીની જેમ આપણે ઉકેલની રાહ જોઈએ...

બધું મિથ્યા ગણી બેઠો, હવે જે થાય એ સાચું

જગતને અવગણી બેઠો, હવે જે થાય એ સાચું

ગયો બારાક્ષરીની બહાર એને શોધવા કાજેઃ

નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય એ સાચું

ક્યા બાત હૈ

આકળવિકળ ફર મા ઓઘડ

નહીં કરવાનું કર મા ઓઘડ

ના પાડી દે ઠોકીને તું

સાચો છે તો ડર મા ઓઘડ

ભારેખમ છે આંખો તારી

ભારે સપનાં ભર મા ઓઘડ

હામ હોય તો ઊંડો જા ને

કાંઠે કાંઠે તર મા ઓઘડ

દુનિયાઆખી રખડી લે તું

સાચું સુખ તો ઘરમાં ઓઘડ

મોત આવે તૈં મરજે ને ભૈ

જીવતેજીવ તું મર મા ઓઘડ

- વસંત રાવલ ગિરનારી

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists