આવું છું, બસ રસ્તામાં છું

07 February, 2021 06:53 PM IST  |  Mumbai | Hiten Aanandpara

આવું છું, બસ રસ્તામાં છું

પ્રતિકાત્મક તસવીર

હું કેમ છું એ પ્રશ્નનો જવાબ આપણે આપણા શરીરને પૂછવાનો છે. હું શા માટે છું એ પ્રશ્નનો જવાબ આપણે મનને પૂછવાનો છે. હું કોને માટે છું એ પ્રશ્નનો જવાબ આપણે હૃદયને પૂછવાનો છે. આપણું હોવું અનેક દૃષ્ટિકોણ ધરાવે છે. ટૂંકમાં આપણે દેખાઈએ એના કરતાં અનેકગણા સંકુલ છીએ. એક જણમાં અનેકનો વસવાટ હોય, જે પ્રસંગો પ્રમાણે પોતાનો ચહેરો દેખાડતો જાય. શૈલ પાલનપુરી એને સમજવાની કોશિશ કરે છે...

હું તને સમજી રહ્યો છું

આઇનો ચૂમી રહ્યો છું

રાહ ખુદ દોડ્યા કરે છે

રાહમાં બેસી રહ્યો છું

આંદોલનકારી ખેડૂતો દિલ્હીની સરહદ પર અડિંગો જમાવીને બેઠા છે. આંદોલન ઑક્ટોબર સુધી લંબાવવાનો મનસૂબો ઘડાઈ ચૂક્યો છે. ટ્રૅક્ટરોને ડીઝલ પીવડાવવા અગાઉની જેમ જ કરોડો રૂપિયાનો ખર્ચ ઉઠાવવા હવાલા મારફત બધી ગોઠવણ થઈ ગઈ હશે. જબરદસ્ત આર્થિક પીઠબળ વગર આવા કમરતોડ શક્તિ-પ્રદર્શન શક્ય નથી. વાત અહંકારની ઉછામણી સાથે તિજોરી ભરવાની પણ નક્કી જ હશે, નહીંતર આટલું નુકસાન સામાન્ય કિસાનોને પોસાય નહીં. ગની દહીંવાળાની પંક્તિઓમાં વર્તાય છે એ વિનમ્રતા ફગાવી દેવાનો સમય લમણે ઝીંકાયો છે...   

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું

કોઈ મ્હારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું

જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું

કે નજરનો તાપ જોવા હું નયન સુધી ગયો છું

એક તરફ અર્થતંત્રને કોરોનાને કારણે માર પડ્યો છે. એમાં આવી કિસાનસર્જિત ઉપાધિઓ અવરોધમાં ઉમેરો કરે. પડખું ફરવાનો વખત આવે ત્યારે જ પડખામાં ખીલા મૂકી દેવાનું કારસ્તાન રચાયું છે. આ ખીલાઓમાં પાછું મોદીવિરોધી ઝેર પણ ચોપડેલું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. વિરોધ પક્ષો અવસરની શોધમાં હતા એ એમને મળી ગયો છે. ચતુર પટેલ આ ચતુરાઈ પારખી જાય છે...

અવસરોના હાથથી છટકી ગયો

પગરવોને સાંભળું છું આમ તો

એક પળ આવીને બેઠી હાથમાં

હસ્તરેખા થઈ ફરું છું આમ તો

હાથમાં બેઠેલી પીડાદાયક પળને ચારે બાજુથી પોષવામાં આવી રહી છે. શિવસેનાના બે નેતાઓએ હસતા મુખે કિસાન આંદોલનમાં પોતાની સંવેદના દર્શાવીને હમદર્દીનું રીતસર પ્રદર્શન કર્યું. કાન્ટ્રૅક્ટ ફાર્મિંગ મહારાષ્ટ્રમાં સુપેરે ચાલે છે એ વાત સગવડપૂર્વક વિસારે પાડી દેવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને થોડેઘણે અંશે ઉત્તર પ્રદેશના કિસાનોએ આદરેલી રમતને બાકી રાજ્યોના કિસાનો મોં વકાસીને જોઈ રહ્યા છે. નવા કાયદાની તરફેણમાં હોવા છતાં તેમની જીભ સીવેલી છે. નાના અને સીમાંત ખેડૂતોની વેદના ગંજાવર કમાણી કરતા ખેડૂત-નેતાઓના વાણીવિલાસમાં ઓગળી ગઈ છે. ખેડૂતકવિ મનીષ પરમારની પંક્તિમાં આ પીડા વર્તાશે...

મળી શકતી નથી કેડી હવે તો હુંય થાક્યો છું

શબદનાં ખેતરો ખેડી હવે તો હુંય થાક્યો છું

જરી લીલાશ પણ ફૂટી નહીં વેરાન પટમાં જ્યાં

સતત રણમાં નદી રેડી હવે તો હુંય થાક્યો છું

ખેડૂતને માઇક્રો ઇરિગેશનની જરૂર છે, જનતા શાંતિ ઇચ્છે છે ત્યારે દેશવિરોધી પરિબળો સરકારને ઉથલાવવાના પ્રયાસમાં પડ્યાં છે. યુપીએ સરકાર વખતે બૉમ્બધડાકા થતા કે રાષ્ટ્રીય નુકસાનની ઘટનાઓ બનતી ત્યારે હંમેશાં અદૃશ્ય વિદેશી હાથનો ઉલ્લેખ કરવામાં આવતો. હવે સોશ્યલ મીડિયાને કારણે આ હાથને હાથો બનતો જોઈ શકાય છે. અમેરિકી પૉપસ્ટાર રિહાનાની કિસાનોની તરફેણમાં થયેલી ટ્વીટ આ વાતનો સ્પષ્ટ નિર્દેશ છે. આ પ્રકારનું રૂપાંતર ભયાવહ છે. અજય પુરોહિત ઇતિહાસ ઉખેળે છે...

અક્ષાંશે નિશદિન રૂપાંતર થયો છું

તરત કોઈમાં હું સ્થળાંતર થયો છું

હિરોશિમા, લોથલ કે હડપ્પા થજે તું

મુલાકાત નામે અવાંતર થયો છું

ભવિષ્યમાં કિસાન-બૉમ્બ હથિયારના ભાથામાં ઉમેરાઈ જશે. એની પાછળ-પાછળ આવી અન્ય કોઈ સંઘશક્તિ પણ ધાર્યું કરાવવા ઉશ્કેરાશે. ૨૦૧૪ પછી બૉમ્બધડાકાઓ, આતંકવાદીઓની પકડમાંથી છૂટી રહેલો દેશ આંતરિક ષડ્‍યંત્રોને કારણે બૅકફુટ પર જઈ રહ્યો છે. નાગરિકોની સંખ્યા કરોડોની હોવા છતાં કેટલાક લાખ લોકો ભીંસ વધારી રહ્યા છે. નિર્મિશ ઠાકર કહે છે એ અભયનું વાતાવરણ જલદીથી પાછું આવે તો સારું...  

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ

હજી એકધારા પ્રલય ચીતરું છું

લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં

મને હું અજય ને અભય ચીતરું છું

ક્યા બાત હૈ

કૈં મજાનાં ગીતોમાં છું, ટહુકામાં છું

બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું

 

એ દિવસથી મેં તો મારી ચિંતા છોડી

જે દિવસથી જાણ્યું કે હું તારામાં છું

 

ગમતી વ્યક્તિનો ગુસ્સો પણ કેવો મીઠો!

એવું લાગે કૂણા કૂણા તડકામાં છું

 

વૃક્ષ કહે આંધીને, હમણાં તો નહીં ઊખડું

ઊગી છે એક વેલ, હું એના ટેકામાં છું

 

ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે છે, ‘ક્યાં પહોંચ્યા?’

હું કહું છું કે ‘આવું છું, બસ રસ્તામાં છું’

- કિરણસિંહ ચૌહાણ

કાવ્યસંગ્રહ: દરજ્જો

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists