આયા ઝમાના વર્ચ્યુઅલ કૉમ્પિટિશન કા

14 August, 2020 07:00 PM IST  |  Mumbai | Varsha Chitalia

આયા ઝમાના વર્ચ્યુઅલ કૉમ્પિટિશન કા

મોક્ષીલ, આસ્થા, દ્રષ્ટિ તથા ખુશી

બાળકોમાં રચનાત્મક કાર્ય કરવાની કુદરતી જ ખૂબી હોય છે. ડાન્સ, પેઇન્ટિંગ, ગેમ્સ, સિન્ગિંગ જેવી ઍક્ટિવિટી તેમને આકર્ષે છે. હાલમાં સ્કૂલ-કૉલેજો બંધ હોવાથી સોશ્યલ મીડિયાના માધ્યમથી તેઓ આવી પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લેનારાં બાળકો અને ટીનેજરોના રેકૉર્ડિંગ વિડિયોને હજારો લાઇક્સ મળે છે. આ પ્લૅટફૉર્મ પર યોજાતી ટૅલન્ટ કૉમ્પિટિશનમાં દેશ અને દુનિયાના સ્પર્ધકો ભાગ લેતા હોવાથી એમાં આકર્ષણ ઉમેરાયું છે ત્યારે વર્ચ્યુઅલ સ્પર્ધાથી પ્રભાવિત મુંબઈના કેટલાક પર્ફોર્મરોને મળીએ...

ડ્રૉઇંગ ઍન્ડ સ્ટોરી ટેલિંગમાં પ્રાઇઝ મળ્યું : દૃષ્ટિ નેગાંધી, પ્રાર્થના સમાજ
નાનાં બાળકોને ઇનામ મળે એટલે તેઓ રાજીનાં રેડ થઈ જાય. ઈ-સર્ટિફિકેટ પણ મોટિવેશનનું કામ કરી જતું હોય ત્યાં ટ્રોફી અને ગિફ્ટ મળે તો ખુશીનો પાર ન રહે. પહેલા ધોરણમાં અભ્યાસ કરતી ૬ વર્ષની મલ્ટિ-ટૅલન્ટેડ ગર્લ દૃષ્ટિ નેગાંધી મુંબઈની જુદી-જુદી ચિલ્ડ્રન ઍકૅડેમી દ્વારા આયોજિત બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ, ડ્રૉઇંગ અને સ્ટોરી-ટેલિંગની વર્ચ્યુઅલ કૉમ્પિટિશનમાં પ્રાઇઝ જીતી છે. તેની મમ્મી ભાવિકાબહેન કહે છે, ‘લૉકડાઉનનો સમય લંબાઈ જતાં ઘરમાં રહીને કંટાળી ગયેલી દૃષ્ટિને બિઝી રાખવાના પ્રયત્ન કરી જોયા. શરૂઆતમાં ચૉકલેટ કેક અને પાસ્તા બનાવીને ટાઇમપાસ કર્યો, પરંતુ રોજ નવું શું શીખવાડવું એ મૂંઝવણ હતી. એવામાં બોરીવલીની ઇન્સ્ટિટ્યૂટે નાનાં બાળકો માટે વર્ચ્યુઅલ સ્પર્ધાનું આયોજન કર્યું છે એની લિન્ક ફેસબુક પર જોઈ. દૃષ્ટિ બોલકણી છે અને ક્રીએટિવ માઇન્ડ ધરાવે છે. તેની પાસે તમને આઇડિયાઝ મળી રહે. ઑનલાઇન સ્પર્ધામાં ભાગ લેવાથી તેનો સમય પસાર થશે અને ક્રીએટિવિટી ખીલશે એવા હેતુથી પાંચથી સાત વર્ષની શ્રેણીની ડ્રૉઇંગ સ્પર્ધા માટે ફૉર્મ ભર્યું. ઇમ્યુનિટી બૂસ્ટર સબ્જેક્ટ આધારિત ડ્રૉઇંગમાં થર્ડ પ્રાઇઝ મળ્યું. એક વાર ભાગ લીધો એ પછી તો અમને બીજી સંસ્થાઓની લિન્ક આવતી ગઈ. નવી-નવી સ્પર્ધાઓમાં ભાગ લઈ લોકડૉઉનમાં ખૂબ એન્જૉય કર્યું છે.’
હેલ્ધી રહેવા માટે ફ્રૂટ ખાવાં જોઈએ એટલે વેજિટેબલ-બાસ્કેટ બનાવી હતી એમ ઉત્સાહ સાથે દૃષ્ટિ કહે છે, ‘બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ કૉમ્પિટિશનમાં લિમકાની ખાલી બૉટલમાંથી બર્ડ માટે ફિડર બનાવ્યું એમાં પણ પ્રાઇઝ મળ્યું. સ્ટોરી ટેલિંગ કૉમ્પિટિશનમાં પેટ ડૉગની સ્ટોરી બોલીને સંભળાવી તો ફર્સ્ટ પ્રાઇઝ જીતી ગઈ. હવે ટ્રોફી મમ્મી સાથે લેવા જવાની છું.’

લાઇવ ઑડિયન્સ જેવી મજા ન આવી : ખુશી ચૌહાણ, કાંદિવલી
કોઈ પણ જાતની તાલીમ વિના રિધમમાં ગીત ગાવા અને કમ્પોઝ કરવામાં ૧૭ વર્ષની ખુશી ચૌહાણનો જવાબ નથી. ઘેરબેઠાં ખૂબ ગીતો ગાયાં છે અને ગિટાર વગાડ્યું છે. થોડા દિવસ પહેલાં આયોજિત ઇન્ટર કૉલેજ વર્ચ્યુઅલ સિન્ગિંગ કૉમ્પિટિશનમાં તેને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. બીજી સ્પર્ધાઓ પણ લાઇનમાં છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરેલા તેના રેકૉર્ડિંગ વિડિયો ટીનેજરોમાં ખાસ્સા પૉપ્યુલર છે. ખુશી કહે છે, ‘મારા પપ્પાને ગાવાનો ખૂબ શોખ છે. તેમને સંગીતનું સારું જ્ઞાન છે. લૉકડાઉનમાં અમે બન્ને ગીતો ગાઈને ટાઇમપાસ કરતાં હતાં. મારી હરકત વિશે તેઓ સમજાવતા. ઑનલાઇન સ્પર્ધા વિશે પહેલાં તો કાંઈ ખબર નહોતી. એક દિવસ કૉલેજની કલ્ચરલ કમિટીના મેમ્બરનો મેસેજ આવ્યો કે તું સારું ગાય છે તો ઇન્ટર કૉલેજ સિન્ગિંગ કૉમ્પિટિશનમાં કૉલેજને રિપ્રેઝન્ટ કર. આ સ્પર્ધામાં સેમી ક્લાસિકલ સૉન્ગ પર હાથ જમાવી જોયો. ‘આજ જાને કી ઝિદ ન કરો....’ ગીતના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તાનપૂરો વાગે એ માટે મોબાઇલ-ઍપનો ઉપયોગ કર્યો અને પ્રથમ ઇનામ મળ્યું. લતા મંગેશકર અને શ્રેયા ઘોષલનાં ગીતો મને આકર્ષે છે. ગાતી વખતે ગિટાર વગાડું છું. વર્ચ્યુલ સ્પર્ધાઓ લોકપ્રિય બનતી જાય છે અને વિવિધ સ્પર્ધા તરફ યુવાનોનો ઝુકાવ વધ્યો છે, પરંતુ મારું માનવું છે કે લાઇવ ઑડિયન્સ સામે ગાવાની મજા અલગ છે. સામે બેઠેલી વ્યક્તિ દાદ આપે એ જોઈને કૉન્ફિડન્સ વધે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રેક્ષકોના પ્રતિભાવ જોવા નથી મળતા. અત્યારે પબ્લિક સાથે કનેક્ટ રહેવા માટે ઑનલાઇન સ્પર્ધા ઠીક છે, પણ ભવિષ્યમાં લાઇવ ઑડિયન્સ સામે જ ગાવું છે.’

પ્લૅટફૉર્મ કોઈ પણ હોય, તમારી ટૅલન્ટ શો થવી જોઈએ : મોક્ષિલ શાહ, કાંદિવલી
કૉસ્ચ્યુમ અને જગ્યાનો વિચાર કરવા બેસીએ તો કોઈ સ્પર્ધામાં ભાગ લઈ ન શકાય. ડિજિટલ પ્લૅટફૉર્મ હોય કે ઑફલાઇન કૉમ્પિટિશન, તમારી ટૅલન્ટ શો થવી જોઈએ. બે મહિનામાં ત્રણ વર્ચ્યુઅલ ડાન્સ કૉમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકેલો ૧૭ વર્ષનો મોક્ષિલ શાહ આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં કહે છે, ‘લૉકડાઉનમાં તમને બધી સગવડ મળવાની નથી. જે છે એમાંથી કામ ચલાવી ટૅલન્ટને બતાવવાની જુદી જ મજા છે. મારી પાસે અવેલેબલ હતા એ કૉસ્ચ્યુમમાં જ બિલ્ડિંગની ટેરેસ અને સોસાયટી-વૉલની પાછળના ભાગમાં આવેલા ઓપન પ્લેસમાં ડાન્સ કર્યો હતો. આ જગ્યા ફારૉસ્ટ જેવી છે એથી બૅકગ્રાઉન્ડ સારું લાગે છે. ડાન્સનો નાનપણથી જ શોખ રહ્યો છે. સૉન્ગ સાથે મૅચ થતી સ્ટાઇલ જાતે જ કોરિયોગ્રાફ કરું છું. જુદા-જુદા રાઉન્ડ પાર કર્યા બાદ ટૉપ-નાઇન સુધી પહોંચ્યો હતો, પણ પ્રાઇઝ નથી મળ્યું. વર્ચ્યુઅલ સ્પર્ધામાં તમારો સ્કોર લાઇક્સ અને કમેન્ટ્સ પર ડિપેન્ડ કરે છે. જજના હાથમાં ફિફ્ટી પર્સન્ટ સ્કોર હોય છે. બાકી ઑડિયન્સ નક્કી કરે છે. આટલો ફરક પડી જાય છે છતાં મારું માનવું છે કે ટૅલન્ટને કોઈ સીમા નડવી ન જોઈએ. ઑફલાઇન હોય કે ઑનલાઇન તમારો ડાન્સ ઑડિયન્સ સુધી પહોંચે એ મહત્ત્વનું છે. વર્ચ્યુઅલ કૉમ્પિટિશનમાં ઑલઓવર વર્લ્ડના ડાન્સરો અને કોરિયોગ્રાફરો સાથે કનેક્ટ થઈ શકો છો. આયોજકોએ ઝૂમ પર બીજા ડાન્સરોના વિડિયો બતાવ્યા હતા. ભવિષ્યમાં આવી જ કૉમ્પિટિશન વધારે થવાની છે. ડિજિટલ વર્લ્ડમાં લાઇમલાઇટમાં આવવા માટે મળેલી તકને ઝડપી લેવી જોઈએ.’

ઘરની બાલ્કનીને બનાવ્યું ડાન્સિંગ સ્ટેજ : આસ્થા મહેતા, ઘાટકોપર
મૂવમેન્ટ માટે પહોળી જગ્યા, લાઇટ્સની ઇફેક્ટ, સૉન્ગને અનુરૂપ કૉસ્ચ્યુમ અને પર્ફેક્ટ મેકઅપ વગર ડાન્સ કૉમ્પિટિશનમાં ભાગ લેવામાં મજા નથી. પોતાના ડ્રેસ ટૂંકા પડી ગયા હતા અને વેકેશનમાં શૉપિંગ કરવાની જ હતી એમાં લૉકડાઉન આવી ગયું. ઘાટકોપરની ૧૩ વર્ષની આસ્થા મહેતાએ મમ્મીના કૉલેજના જમાનાના ડ્રેસ પહેરીને ડાન્સ કર્યો હતો. આસ્થા કહે છે, ‘આજકાલ મુંબઈની ઘણીબધી ડાન્સ ઍકૅડેમી વર્ચ્યુઅલ સ્પર્ધાનું આયોજન કરે છે. ઑફલાઇન ડાન્સ ક્લાસિસ બંધ થઈ જતાં ઑનલાઇન સ્પર્ધા થકી તેઓ યંગ જનરેશનને બાંધી રાખવા માગે છે. આવી જ એક ઍકૅડેમી દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. અમારા ઘરની બાલ્કની ઘણી મોટી છે. પેરન્ટ્સે ફર્નિચર ખસેડીને સ્ટેજ જેવો લુક ક્રીએટ કરી આપ્યો. ડ્રેસ માટે વૉર્ડરોબમાં શોધખોળ કરી એમાં મમ્મીના ઓલ્ડ ક્લૉથ્સ ઍડ્જસ્ટ થઈ ગયાં. મેકઅપમાં તેમની માસ્ટરી છે એટલે સ્પર્ધામાં ઝંપલાવી દીધું. જુદા-જુદા રાઉન્ડમાં હૉલીવુડ મ્યુઝિક પર જાઝ ફન્ક ઍન્ડ કન્ટેમ્પરરી સ્ટાઇલ ડાન્સ કરવા બાલ્કનીમાં દરરોજ પ્રૅક્ટિસ કરતી હતી. અમારા ઘરમાં આખો દિવસ મ્યુઝિક વાગતું. આ સ્પર્ધામાં ઑલ ઇન્ડિયામાંથી અંદાજે ૩૦૦ જેટલા કન્સ્ટેટન્ટ સાથે ટક્કર લેવાની હતી. સ્પર્ધાના નિયમ પ્રમાણે ડિજિટલ પ્લૅટફૉર્મ પર જેને વધારે લાઇક્સ અને કમેન્ટ્સ મળે તે આગળ નીકળી જાય. ટાઇમિંગ અને મૂવમેન્ટના આધારે ફર્સ્ટ વીકમાં મારા ડાન્સને ૭૦૦ લાઇક્સ મળી હતી. સ્પર્ધાના અંતે ટૉપ ફિફ્ટીમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. વર્ચ્યુઅલ કૉમ્પિટિશનથી હૅપિનેસ મળે છે અને રિલૅક્સ થઈ જવાય છે. ઇન્ટરનેટના યુગમાં વર્લ્ડ સાથે કનેક્ટ રહેવા ડિજિટલ પ્લૅટફૉર્મ બેસ્ટ છે.’

Varsha Chitaliya columnists