કોરોના પર અવિશ્વાસ ધરાવતા લોકોનો જગતમાં તોટો નથી

25 October, 2020 06:13 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના પર અવિશ્વાસ ધરાવતા લોકોનો જગતમાં તોટો નથી

પ્રતિકાત્મક તસવીર

હા, સાચે જ. એવું માનનારા લોકોનો તોટો નથી કે કોરોના વાઇરસ છે જ નહીં. આ તો એક વૈશ્વિક સ્તરે ચાલતું ષડ્‍યંત્ર છે, જેમાં અનેક પ્રકારની થિયરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે જગતની વસ્તી ઘટાડવાનું આ એક કાવતરું છે, તો એવું પણ કહેવાય છે કે મેડિકલ ક્ષેત્રને નવી તેજી દેખાડવાની આ સાજિશ છે. કહેનારા તો ત્યાં સુધી કહે છે કે કોરોના દ્વારા વૅક્સ‌િનનું તૂત ઊભું કરીને લાખો-કરોડો રૂપિયાનું ફન્ડ ઊભું થશે અને કહેનારા એવું પણ કહે છે કે મેડિકલ ગ્રાઉન્ડ ઊભું કરીને વૈશ્વિક સ્તરના એવા રાજકારણની રમત ઊભી કરવામાં આવી છે જેમાં ચાઇના અને એને સાથ આપનારા સૌ દેશોને ખતમ કરવામાં આવે. કહેનારાઓનો તોટો નથી અને કપોળકલ્પિત વાતો કરનારાઓની પણ ખોટ નથી, પણ હકીકત એ છે કે કોરોના છે. કોરોના નથી અને કોવિડ નામનો વાઇરસ એક તૂત છે એવું કહેનારા અને એવું સાંભળીને સાચું માનનારાઓથી મોટો પાગલ આ દુનિયામાં કોઈ ન હોય એવું કહેવામાં જરાય સંકોચ રાખવા જેવો નથી.

કોરોના નામનો વાઇરસ છે અને એ વાઇરસ શ્વાસનળીની જે હાલત કરે છે એ જોઈને તો મેડિકલ ફીલ્ડના એક્સપર્ટ્સ પણ ધ્રૂજી ગયા છે. કોરોના પોતાની ચાદર જ્યારે ફેલાવે છે ત્યારે ફેફસાંની હાલત જે થાય છે એ શ્વસનપ્રક્રિયાના નિષ્ણાત એવા તબીબોને પણ આંચકો આપી જનારો છે. કોરોના છે એટલે એ નથી એવું ધારીને એના પ્રત્યે દુર્લક્ષ સેવવાનું કામ બિલકુલ ન કરવું જોઈએ. કોરોના નથી એવું કહેતાં પુસ્તકો પણ પ્રકાશિત થઈ ગયાં છે. અનેક ભાષામાં આવાં પુસ્તકો મળે છે. મારું અંગત માનવું છે કે એ પ્રકારનાં પુસ્તકો ખરીદવાં નહીં, કોઈ આપે તો વાંચવાં નહીં અને આર્થિક લાભ થતો હોય તો પણ વેચવાં નહીં. સાયન્સ પર, વિજ્ઞાન પર અને વૈશ્વિક સત્ય પર શંકા જન્માવવી એ પણ એક પ્રકારનું દુષ્કર્મ જ છે અને એવા દુષ્કર્મમાં કોઈ જાતની ભાગીદારી નોંધાવવી હિતાવહ નથી.

જેણે માનવું હોય તે ભલે માને કે કોરોના નથી, જેણે ધારવું હોય તે ભલે ધારે કે કોરોના એક ષડ્‍યંત્ર છે, જેનો ઉપયોગ કરીને પૃથ્વીને ખાલી કરવામાં આવી રહી હોય, પણ હકીકત એવી છે નહીં, એ વાતને દરેકેદરેકે ઠાંસી-ઠાંસીને મનમાં ભરી લેવાની જરૂર છે. જો તમને ખબર ન હોય તો યાદ કરાવવાનું કે દર ૭૦-૮૦ કે ૧૦૦ વર્ષે એકાદ એવો વાઇરસ મહામારી લઈને આવે છે અને એ આવે છે ત્યારે એક ચોક્કસ વર્ગ પણ ઊભો થાય છે, જે એ વાઇરસને કે પછી મહામારીના કારણને સ્વીકારવા રાજી નથી હોતો. આ જે પ્રથા છે એને કોઈ બદલી નથી શકવાનું અને એને બદલવાની દિશામાં ચાલવું પણ નથી. બહેતર છે કે ચાલીએ એવી દિશામાં જે દિશામાં કોઈ નક્કર વાત હોય, પુરાવા હોય અને પુરાવા દ્વારા કોઈ અંતને પામવાની ન‌ીતિ હોય. જો એ નીતિને તમે સ્વીકારી ન શકો તો ચોક્કસપણે માનસ ગોરંભાય અને યાદ રાખજો કે ગોરંભાયેલું આકાશ ક્યારેય સૂર્યપ્રકાશ આવવા નથી દેતું.

columnists manoj joshi