મુંબઈમાં ગણીને પાંચ ઑડિટોરિયમ છે જ્યાં નાટકો ભજવાય છે, શરમજનક વાત નથી આ?

28 May, 2022 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તને ખબર છે એક જમાનામાં સેંકડોની સંખ્યામાં પ્રેક્ષકો સામે બેસેલા હોય ત્યારે કલાકારો લાંબા-લાંબા ડાયલૉગ્સ યાદ રાખીને કડકડાટ બોલી જતા’ એ વાત તમારાં બાળકોને કોઈ વાર્તાની જેમ કહેવી પડે એવું તો તમે પણ નથી જ ઇચ્છતાને?

મુંબઈમાં ગણીને પાંચ ઑડિટોરિયમ છે જ્યાં નાટકો ભજવાય છે, શરમજનક વાત નથી આ?

લાઇવ પર્ફોર્મિંગ આર્ટને ઇતિહાસ ન બનવા દેવી હોય અને આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું હોય તો આ ચિંતા થવી જોઈએ. ‘તને ખબર છે એક જમાનામાં સેંકડોની સંખ્યામાં પ્રેક્ષકો સામે બેસેલા હોય ત્યારે કલાકારો લાંબા-લાંબા ડાયલૉગ્સ યાદ રાખીને કડકડાટ બોલી જતા’ એ વાત તમારાં બાળકોને કોઈ વાર્તાની જેમ કહેવી પડે એવું તો તમે પણ નથી જ ઇચ્છતાને?

આર્ટ તમને જાતને શોધવામાં અને સ્વને વિલીન કરવામાં એકસાથે સજ્જ કરે છે. 
અમેરિકાના બહુ જાણીતા લેખક, મિસ્ટિક મૉન્ક, તત્ત્વચિંતક, કવિ, સામાજિક ક્રાન્તિકારી થોમસ માર્ટનનું આ વાક્ય છે. દરેક ફૉર્મમાં કળાનું જતન થવું જોઈએ એવી વાતો થતી રહે છે અને એ પછી પણ સતત અનેક પ્રકારનાં આર્ટફૉર્મ લુપ્ત થઈ રહ્યાં છે, જેની તો હવે નોંધ લેવાવાનું પણ બંધ થઈ ગયું છે. જેમ કે હમણાં જ ક્યાંક વાંચેલું કે યુનેસ્કોના કહેવા મુજબ વિશ્વની ૭૦૦૦ ભાષાઓમાંથી લગભગ ૩૦૦૦ ભાષાઓ એનડેન્જર્ડ કૅટેગરીમાં એટલે કે લુપ્ત થવાને આરે છે. દર ૧૪ દિવસે એક ભાષા લુપ્ત થઈ રહી છે. તમે જાણો છો કે પ્રત્યેક ભાષા સાથે એક સંસ્કૃતિ જોડાયેલી છે. પ્રત્યેક ભાષા લુપ્ત થાય એટલે એક બહુ મોટો વારસો પણ એની સાથે સમાપ્ત થઈ જાય છે. એવું જ હવે પર્ફોર્મિંગ આર્ટનું થઈ રહ્યું છે. હું મુંબઈની જ વાત કરું. તમે યાદ કરો મુંબઈમાં કેટલાં ઑડિટોરિયમ અત્યારે છે જ્યાં નાટકો કે ડાન્સ જેવાં પર્ફોર્મિંગ આર્ટ ભજવાતાં હોય. માન્યું કે ઓટીટીની બોલબાલા છે. માન્યું કે ફિલ્મો અને ટીવીએ લોકોનું ઘણું અટેન્શન મેળવી લીધું છે, પણ તો શું એનો અર્થ એવો થાય કે આપણે નાટકો હવે ભૂલી જવાનાં. એનો અર્થ એવો કે રંગમંચ પર લાઇવ સેંકડો લોકોની સામે કડકડાટ ડાયલૉગ્સ બોલતા કલાકારોને જોઈને પ્રેક્ષકોને જે વિસ્મય થતું એને વીસરાવી દેવાનું. જરા વિચાર તો કરો કે જો સ્ટેજ નહીં હોય તો લાઇવ પર્ફોર્મન્સ થશે ક્યાં?
એક વાત હકીકત છે કે મુંબઈમાં ઑડિટોરિયમ અને પબ્લિક પર્ફોર્મન્સ પ્લેસિસ શહેરમાં સતત ઘટી રહ્યા છે. જાણે કે એક આખી કલ્ચરલ આઇડેન્ટિટી ભૂંસાઈ જવાને આરે છે, રંગભૂમિની એટલી ખરાબ હાલત છે. છેલ્લે ભાસ્કર અને બિરલા એમ બે ઑડિટોરિયમ બંધ થયાં. ભાઈદાસ રિનોવેશનમાં છે. એનસીપીએના ભાવ એટલા વધી ગયા છે કે હાઉસફુલ શો જાય તો પણ તમે નુકસાન જ કરો. એટલે એનસીપીએનાં બે ઑડિટોરિયમ બાદ કરો. એ રીતે મુંબઈમાંથી પાંચ જાણીતાં અને ધમધોકાર ચાલનારાં ઑડિટોરિયમ બંધ છે. જોકે એને માટે કંઈક કરવા વિશે કોઈ વિચારતું જ નથી. જેમ મરાઠી નાટકોને સબસિડી મળે છે એમ ગુજરાતી ભાષાનાં નાટકો માટે કેમ કોઈ છૂટ નથી મળતી? તમે જુઓ કે પ્રબોધન ઠાકરે કે દીનાનાથ ઑડિટોરિયમમાં મરાઠી નાટક હોય તો સબસિડીને કારણે જ પ્રોડ્યુસરોને ઘણી રાહત થઈ જાય છે, જ્યારે આપણે તેજપાલ કે નેહરુમાં જાઓ તો ફુલ રેટ જ આપવો પડે. ક્વોટા સિસ્ટમને કારણે દીનાનાથમાં ત્રણ મહિને એક શો ગુજરાતી નાટકોને અલૉટ થાય છે. બીજી એક વિચિત્રતા જુઓ કે અંધેરી, પાર્લા, સાંતાક્રુઝ જે ગુજરાતી પૉપ્યુલેશનનું હબ કહેવાય છે અને જ્યાંના ગુજરાતીઓનો ઇતિહાસ જુઓ તો ખબર પડે કે ભૂતકાળમાં અહીં શિક્ષણ અને સંસ્કૃતિની જાળવણીમાં ભરપૂર કામ થયું છે ત્યાં એકેય ઑડિટોરિયમ નથી. અહીં રહેતા ગુજરાતીએ નાટક જોવું હોય તો કાં તો તેણે મલાડના અસ્પીમાં અથવા તો વરલીમાં નેહરુમાં આવવું પડે. હવે કોઈ શું કામ દોઢ કલાક ટ્રાવેલ કરીને નાટકની ૭૦૦ રૂપિયાની ટિકિટ ખર્ચીને ગુજરાતી કલાકારને જોવા આવે? જ્યાં તેને સાવ મફતમાં કે ૨૦૦ રૂપિયા ખર્ચીને રણવીર સિંહ કે અમિતાભ બચ્ચન જોવા મળી શકે એમ છે. આવા પ્રશ્નો આપણને થવા જોઈશે. 
એક વસ્તુ યાદ રાખજો કે પર્ફોર્મિંગ આર્ટ એ કોઈ પણ સમાજનું રિફ્લેક્શન છે. તમે જો કોઈ આર્ટફૉર્મને મરવા દો તો આવનારી પેઢીના બહુ મોટા ગુનેગાર ગણાશો, કારણ કે જે સાંસ્કૃતિક વારસો તમારા વડવાઓ તમારા સુધી લાવ્યા એને આગળ તમારા પછીની પેઢી સુધી પહોંચાડવાની તમારી નૈતિક અને સામાજિક જવાબદારી છે. તમે તમારાં બાળકો પાસેથી નાટકોનો વારસો ન છીનવાઈ જાય એ તરફ ધ્યાન ન આપો તો એ મોટો નૈતિક ગુનો પણ છે, મારી દૃષ્ટિએ. દરેક વસ્તુને આપણે પ્રૉફિટના બેઝિસ પર ન જોઈ શકીએ. ખાસ કરીને સરકારે આ દિશામાં ગંભીર થવાની જરૂરિયાત છે. સબસિડી કળાને હોય, ભાષાને નહીં. હવે આપણે ત્યાં મરાઠી, બંગાળી અને ગુજરાતી એ ત્રણ જ તો રંગભૂમિ રહી છે. એમાંથી પણ જો તમે ભાષાના ભેદ સાથે જેની જનસંખ્યા આટલા મોટા પ્રમાણમાં તમારા શહેરમાં હોય એ ભાષાના સાંસ્કૃતિક વારસાના જતન માટે સભાન ન હો તો એ ફેરવિચારની બાબત છે. કોઈ પણ રાજકીય પક્ષ કેમ ન હોય. દરેક સરકારે સમાજ અને સંસ્કૃતિની રક્ષા ભાષાભેદ વિના કરવી જોઈએ. આજે લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે. બરાબર છે કે ઈવન પબ્લિશર માટે એ પ્રૉફિટેબલ વેન્ચર નથી છતાં એને લુપ્ત થતી અટકાવવી જોઈએ. પુસ્તકો સાથેનો પરિચય આપણાં બાળકોને તાદાત્મ્ય રહે એવા પ્રયત્ન થવા જોઈએ. આ જ વાત નાટકોને પણ લાગુ પડે છે. આપણે ત્યાં એક પરંપરા હતી કે દર રવિવારે ટિકિટ ખર્ચીને એક સારું ગુજરાતી નાટક જોવા જવાનું, પછી પાછા વળતી વખતે ઉડિપીમાં ખાવાનું. સારાં નાટકો જોવા માટે નૅશનલ ડ્રામા કૉમ્પિટિશન સુધી લોકો પહોંચતા. ઇન ફૅક્ટ એની આતુરતાપૂર્વક રાહ જોવાતી. એને માટે સેપરેટ બજેટ બનતાં પરિવારોમાં. હવે કેટલાં ઘરોમાં આવું રહ્યું છે? જો આ પરંપરા ભુલાઈ રહી છે તો એને માટે જવાબદાર કોણ? જો આપણે ધ્યાન નહીં આપીએ અને નક્કર પગલાં નહીં લઈએ તો વર્લ્ડ સિનેમા, ટેલિવિઝન, ઓટીટી તો બેઠાં જ છે આ પ્રેક્ષકોને પોતાની તરફ ખેંચવા માટે. ગુજરાતી ભાષાનાં નાટકો કે ગુજરાતી રંગભૂમિને ભૂતકાળ કે ઇતિહાસ ન બનવા દેવાં હોય તો ઑડિટોરિયમો અને ટાઉન હૉલ બને એ માટે સતર્ક થાઓ. તમારાં બાળકોને નાટકો જોવા લઈ જાઓ. હું કરતી હોઉં છું આ બધું. મારા દીકરાને, તેના મિત્રોને, અમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલાં બાળકો છે તેમને હું નિયમિત નાટક જોવા લઈ જાઉં છું. બને એવું ક્યારેક કે તેઓ બોર થાય, પણ સાથે મેં તેમને અઢળક વખત થ્રિલ્ડ થતાં પણ જોયાં છે કે કેવી રીતે આમ આટલા બધા ડાયલૉગ્સ યાદ રાખતા હોય છે આર્ટિસ્ટ્સ. આ કોઈ સામાન્ય બાબત નથી. લાઇવ પર્ફોર્મન્સમાં ઑડિયન્સ સામે ભૂલ વિના સમયસર એક-એક ડાયલૉગ બોલવા, લાઇવ સંજોગો પ્રમાણે એમાં પ્રેઝન્સ ઑફ માઇન્ડનો ઉપયોગ કરીને એમાં બદલાવ કરવા જેવી બાબતો ખરેખર બહુ ટૅલન્ટ માગતી બાબત છે. બાળકોનું નાટકો માટેનું આ વિસ્મય અમૂલ્ય બાબત છે એ કળાને આપણે લુપ્ત થવા દઈશું? આપણાં ગુજરાતી નાટકોને આપણે ભૂંસાવા દઈશું? ગુજરાતી નાટકોના વૈભવને આપણાં બાળકોને વાર્તારૂપે આપણે કહેવો પડે એવા દિવસો આપણે આવવા દઈશું? 
છેલ્લે ત્રણ-ચાર મહત્ત્વના મુદ્દા પર ધ્યાન અપાવું જોઈએ એવું મને લાગે છે. સૌથી પહેલાં તો ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોનું એક યુનિયન કે ફોરમ બનવું જોઈએ. આપણે યુનાઇટેડ નથી એટલે જ આપણો અવાજ યોગ્ય કાન સુધી પહોંચતો નથી અને જરૂરી પગલાં લેવાતાં નથી. યુનિયનના ફૉર્મેશનના પ્રયાસ થયા છે, પરંતુ બહુ ધીમી ગતિએ એ કામ આગળ વધે છે. આટલો સમય ઇન્વેસ્ટ કરીને મને શું મળશે એવા કોઈ વિચાર કરવાને બદલે બહુજન હિતાયનો વિચાર કરીને જેમની પાસે અવાજ છે, જેઓ રિચ છે અને જેમની પાસે એ પાવર છે એવા એમિનન્ટ લોકોએ ભેગા થઈને આ દિશામાં એકત્રિત થવું જોઈએ. તેઓ એક હશે તો સરકાર અને સામાજિક સંસ્થાઓ સુધી આ વાત પહોંચાડી શકાશે. 
ગુજરાતી ભાષાનાં નાટકોને સબસિડી પ્રત્યે સરકારે દૃઢ ઇચ્છાશક્તિ કેળવવી જોઈએ અને માત્ર સરકાર જ નહીં, સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓ, દાનવીરો અને સમાજના કર્તાહર્તાઓ છે તેઓ એટલી જગ્યાએ દાન કરતા હોય છે, ચૅરિટી કરતા હોય છે. તેઓ શું કામ આગળ આવીને આવા પર્ફોર્મિંગ આર્ટ માટેના ટાઉન હૉલ બનાવવાનું ઇનિશ્યેટિવ ન લઈ શકે? કે આ પ્રકારનાં નાટકોને સબસિડાઇઝ્ડ કરવાની દિશામાં વિચારી ન શકે? તેઓ થિયેટર ફેસ્ટિવલને સ્પૉન્સર કરે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સસ્ટેઇન કરે એ દિશામાં કોઈ ઉચિત પગલાં લે તો એ બહુ મોટું કામ થયું ગણાશે. ગુજરાતીઓ પાસે ખૂબ પૈસો છે, ખૂબ સરસ દાનત પણ છે એટલે આપણે જો ધરમના કામમાં પૈસા વાપરતા હોઈએ કે હૉસ્પિટલ બાંધવામાં પૈસા વાપરતા હોઈએ એમ આ પણ એટલું જ મહત્ત્વનું કામ છે. તમે એક હૉસ્પિટલ આવનારી પેઢીને આપીને જાઓ છો એમ એક ટાઉન હૉલ આપીને જવો એ આપણા શહેરના સાંસ્કૃતિક વારસાના જતનમાં બહુ મોટું યોગદાન બની શકે છે. જે પણ પ્રાઇવેટ ટ્રસ્ટ છે કે સંસ્થાઓ છે તેઓ જો ભેગાં થઈને પણ પર્ફોર્મિંગ આર્ટ માટે કોઈ જગ્યા બનાવે તો એ કલ્ચરલ આર્ટને બહુ મોટો બૂસ્ટ આપી શકે. આજે અમેરિકાની સરકાર ૮૬૦ મિલ્યન ડૉલર આર્ટ કાઉન્સિલને ગ્રાન્ટમાં આપે છે. એ ફિગર જો કમ્પેર કરીએ તો આપણે દૂર-દૂર સુધી ક્યાંય એની સાથે મૅચ નહીં થઈએ એની મને ખાતરી છે. 
જાગ્યા ત્યારથી સવારની નીતિ સાથે હવે દરેક પક્ષેથી અગ્રેસિવ લેવલ પર પગલાં લેવાવાં જોઈએ એવું મને લાગે છે.

સૌથી પહેલાં તો ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોનું એક યુનિયન કે ફોરમ બનવું જોઈએ. આપણે યુનાઇટેડ નથી એટલે જ આપણો અવાજ યોગ્ય કાન સુધી પહોંચતો નથી અને જરૂરી પગલાં લેવાતાં નથી. યુનિયનના ફૉર્મેશનના પ્રયાસ થયા છે, પરંતુ બહુ ધીમી ગતિએ એ કામ આગળ વધે છે.

columnists saturday special