...તો ખલનાયકમાં જૅકી શ્રોફને બદલે આમિર ખાન હીરો તરીકે જોવા મળ્યો હોત!

20 April, 2020 06:37 PM IST  |  Mumbai | Ashu Patel

...તો ખલનાયકમાં જૅકી શ્રોફને બદલે આમિર ખાન હીરો તરીકે જોવા મળ્યો હોત!

સુભાષ ઘઈએ જૅકી શ્રોફના રોલ માટે પહેલાં આમિર ખાનનું નામ વિચાર્યું હતું. તેમણે આમિર ખાન સાથે વાત કરી હતી અને આમિર ખાન સુભાષ ઘઈ સાથે કામ કરવા તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ આમિર ખાનને જ્યારે ખબર પડી કે તેના કરતાં વધુ મહત્ત્વનું પાત્ર સંજય દત્તનું છે ત્યારે તેણે એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. 

‘ખલનાયક’ ફિલ્મ માટે નસીરુદ્દીન શાહનું નામ પણ વિચારાયું હતું. એક તબક્કે સુભાષ ઘઈએ નસીરુદ્દીન શાહને ખલનાયક તરીકે રોલ આપવાનું  વિચાર્યું હતું. જોકે પછી તેમણે એ વિચાર પણ પડતો મૂક્યો હતો. મજાની વાત એ છે કે એ ફિલ્મમાં હીરોનો રોલ જૅકી શ્રોફે કર્યો હતો, પરંતુ તેના રોલની બહુ નોંધ લેવાઈ નહોતી અને વિલનનો રોલ કરનાર સંજય દત્ત છવાઈ ગયો હતો. 

ફિલ્મની વધુ એક રસપ્રદ વાત એ છે કે જે ગીતને કારણે વિવાદ થયો હતો એ ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતની એક કરોડ કૅસેટ્સ વેચાઈ ગઈ હતી અને એ ગીતે બેસ્ટ ફીમેલ પ્લેબૅક સિંગરનો અવૉર્ડ અપાવ્યો હતો જે અલકા યાજ્ઞિક અને ઈલા અરુણને મળ્યો હતો. બે ફીમેલ પ્લેબૅક સિંગરને સંયુક્ત રીતે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હોય એવો પણ એ પ્રથમ કિસ્સો હતો. 

એ ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન પણ સુભાષ ઘઈની કંપની મુક્તા આર્ટ્સ લિમિટેડે કર્યું હતું અને જે ફિલ્મને કારણે સુભાષ ઘઈને કરોડો રૂપિયાના ખાડામાં ઊતરી જવું પડશે એવું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પંડિતો માનતા હતા એ ફિલ્મે સુભાષ ઘઈને અકલ્પ્ય નફો કરાવી આપ્યો હતો. સુભાષ ઘઈની ‘ખલનાયક’ બ્લૉકબસ્ટર સાબિત થઈ એ પછી એના પરથી ‘કૈદી નંબર વન’ ટાઇટલ સાથે તેલુગુ ફિલ્મ પણ બની હતી. 

બાય ધ વે, ‘ચોલી કે પીછે ક્યા હૈ...’ ગીત પરથી ‘સ્લમડૉગ મિલ્યનેર’માં ‘રિંગા રિંગા..’ ગીત લેવાયું હતું. 

 એ ફિલ્મની રિલીઝ અગાઉ સુભાષ ઘઈની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ઘઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું એકસાથે ખરેખર ૩૨ મોરચે લડી રહ્યો હતો. ઘઈને એક મોટી ચિંતા એ પણ હતી કે સાવનકુમાર ટાંકે ‘ખલનાયક’ સામે ‘ખલનાયિકા’ ટાઇટલ લઈને ફિલ્મ બનાવી હતી અને ‘ખલનાયક’ જે દિવસે રિલીઝ થઈ એ જ દિવસે જ સાવનકુમાર ટાંકે જિતેન્દ્ર, જયા પ્રદા અને અનુ અગ્રવાલ સ્ટારર ‘ખલનાયિકા’ ફિલ્મ રિલીઝ કરી હતી. જોકે એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કશું ઉકાળી શકી નહોતી.

એ બધા વિવાદો વચ્ચે શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરે ઘઈની વહારે આવ્યા હતા.

entertainment news bollywood bollywood news bollywood gossips columnists ashu patel subhash ghai jackie shroff naseeruddin shah aamir khan