થિયેટર હતાં, છે અને કાયમ રહેશે

25 June, 2022 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી આવ્યાં ત્યારે પણ આ જ ચિંતા સૌને હતી અને વિડિયો-કૅસેટ આવી ત્યારે પણ બધાને આવો જ પરસેવો છૂટ્યો હતો, પણ રિઝલ્ટ સૌની સામે છે એટલે ઓણહું નથી માનતો કે ડિજિટલ પ્લૅટફૉર્મથી ફાટી પડવું જોઈએ.

થિયેટર હતાં, છે અને કાયમ રહેશે

ટીવી આવ્યાં ત્યારે પણ આ જ ચિંતા સૌને હતી અને વિડિયો-કૅસેટ આવી ત્યારે પણ બધાને આવો જ પરસેવો છૂટ્યો હતો, પણ રિઝલ્ટ સૌની સામે છે એટલે ઓણહું નથી માનતો કે ડિજિટલ પ્લૅટફૉર્મથી ફાટી પડવું જોઈએ. ના, ઊલટું એ પ્લૅટફૉર્મ લોકોની એન્ટરટેઇનમેન્ટની ભૂખ વધારે ઉઘાડશે, જોજો તમે

દુનિયાની રચના થઈ, કુદરતની રચના થઈ અને પછી આવ્યા હ્યુમન અને તેમની સાથે આવ્યું આપણું હ્યુમન માઇન્ડ. આ બધી રચના એકબીજા સાથે જોડાયેલી છે એટલે ક્યારેય તમે એક રચનાને બીજી રચનાથી અલગ ન કરી શકો અને જો એવું કરવાની ભૂલ કરો તો એનું પરિણામ એ આવે કે તમામ પ્રકારનું સંતુલન ખોરવાઈ જાય અને જો એવું થાય તો દુનિયા સમાપ્ત થઈ જાય અને નવેસરથી રચના થાય. જેમ આ સનાતન સત્ય છે એવું જ સનાતન સત્ય બીજે પણ વર્ષોથી ચાલતું આવ્યું છે અને ચાલતું આવવાનું છે. પછી વાત ફિલ્મોની હોય, ટીવીની હોય, લાઇવ આર્ટ્સની હોય કે પછી આજે જે આવ્યું છે એ ડિજિટલ પ્લૅટફૉર્મની હોય. આ તમામની એક શરૂઆત છે અને અહીં મારે એ પણ કહેવું છે કે દરેક શરૂઆતનો એક અંત હોય છે. 
મારા માટે અત્યારની મારી આ જે દુનિયા છે એની રચના ૧૩ વર્ષની ઉંમરથી થઈ હતી. શરૂઆત બહુ નાના પાયે કરી. નુક્કડ નાટકો કર્યાં, પછી સ્કૂલ-પ્લે આવ્યાં, સ્ટેજ-શો કર્યા, ફિલ્મો કરી અને કામ સતત ચાલતું રહ્યું. મને એવું કયારેય લાગ્યું નથી કે આ આખા પિરિયડમાં મારાથી કશું છૂટી ગયું કે મેં કશું મેળવી લીધું. મને ક્યારેય એવું નથી લાગ્યું કે મેં બધું જ જીવી લીધું અને બધું પામી લીધું, ક્યારેય નહીં.
સમય બદલાતો રહ્યો છે અને બદલાવું એ જ સમયનો નિયમ છે. સમય બદલાતો રહે છે અને એની સાથે બધા જ બદલાતા રહે અને એ બદલાવ જ એક નિયમ છે. દરેક દિવસને એક નવા દિવસ તરીકે જોવાનો છે. દરેક નવા દિવસને એક નવી શરૂઆત તરીકે જોવાનો છે અને દરેક દિવસના નવા સમય સાથે આપણે સેટ થવાનું છે. હું હંમેશાં કહું છું અને દૃઢપણે માનું પણ છું કે તમારે સ્ટુડન્ટ બનીને રહેવું પડે અને સતત શીખતા જવું પડે. જો તમે શીખવાનું છોડી દો તો તમને જીવનના કોઈ પાઠ ક્યારેય શીખવા નહીં મળે. જીવનના પાઠ જ શું કામ, હું તો કહીશ કે તમારે તમારું કામ પણ દરરોજ શીખતા રહેવું પડે અને મારે કૉમેડીથી માંડીને ઍક્ટિંગનાં નવાં લેસન દરરોજ શીખવાં પડે. શીખવાની આ જે માનસિકતા છે એ જ તમારામાં ચેન્જ લાવે અને આ ચેન્જ સાથે જ તમારે મેળ પાડવો પડે. મારી એક વાત યાદ રાખજો કે જો તમે જડ થઈ ગયા તો પણ સમય તમારી સામે જક્કી નહીં થાય. એ તો પોતાનું કામ કરશે જ કરશે અને એ તમારામાં નવો ચેન્જ લાવશે, તમને ચેન્જ કરવાની પોતાની ડ્યુટી નિભાવશે અને એવું થશે તો એ પરાણે આવેલો ચેન્જ ગણાશે, જેને માટે કદાચ તમે સહમત નહીં હો એટલે એ રિઝલ્ટ સારું નહીં આવે. જો એવું ન ઇચ્છતા હો તો ચેન્જ માટે તૈયાર રહો. 
હું ચેન્જ માટે હંમેશાં તૈયાર રહું છું અને જે ચેન્જ માટે તૈયાર રહે છે તે સર્વાઇવ થઈ શકે છે. આપણે આપણા ટૉપિક પર પાછા આવીએ તો એ ટૉપિક છે સિનેમા, અને સિનેમા પણ એટલે જ સર્વાઇવ થઈ શક્યું છે. તમે જુઓ, આ આખા સમયગાળા દરમ્યાન વાર્તા બદલાઈ, વાર્તા કહેવાની રીત બદલાઈ, ટેક્નિક બદલાઈ અને સાથોસાથ કલાકારો એટલે કે સ્ટોરી કહેનારા ચહેરા પણ બદલાયા. આટલું જ નહીં, સેટ પણ બદલાયા અને સાથોસાથ એ બધું પણ બદલાયું જે પહેલાંના સમયનું હતું. હા, આ હકીકત છે. એ તમામ વાત અને વસ્તુ બદલાઈ છે જે અમે કરતા હતા અને એમ છતાં હું એક વાત કહીશ કે બધું એક દિવસ ફરી ત્યાં જ આવીને ઊભું રહે છે જ્યાંથીશરૂઆત થઈ હતી. આ મારો કે તમારો નહીં, સૃષ્ટિનો નિયમ છે અને સૃષ્ટિનો આ નિયમ તમામ જગ્યાએ, તમામ વ્યક્તિને લાગુ પડે છે. ગ્રાઉન્ડમાં જ્યારે રનિંગ કરવાનું પ્લેયર શરૂ કરે અને આખરે દોડતાં-દોડતાં તે ફરી ત્યાં જ આવે છે જ્યાંથી તેણે શરૂઆત કરી છે. ફરી પોતે ત્યાં આવે ત્યારે જ તેનું સર્કલ પણ પૂરું થાય છે. સર્કલ પૂરું થવાની આ જે વાત છે એનું જ નામ જીવન છે. 
જો આ વાતને આજની ઇન્ડસ્ટ્રીની વાત સાથે કનેક્ટ કરું તો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર પણ આપણા રૂટ સાથે, આપણા કલ્ચર સાથે જોડાયેલું છે. ભલે અત્યારે ડિજિટલ પ્લૅટફૉર્મનો દબદબો ઊભો થયો હોય કે આવતા સમયમાં મેટાવર્સ નામનું થ્રીડી કલ્ચર આવવાનું હોય, હું તો કહીશ કે કંઈ પણ આવે, અંતે તો બધું તમારા રૂટ સાથે, તમારા કલ્ચર સાથે જ જોડાઈ જવાનું છે. ફિલ્મ, થિયેટર એ તમારા જીન્સમાં છે. એક સમય હતો જ્યારે ટીવી આવ્યું ત્યારે પણ આવી જ ફડક બધાને હતી કે હવે થિયેટર ખતમ થઈ જશે પણ એવું થયું નહીં. તમે યાદ કરો, વિડિયો-કૅસેટ આવી ત્યારે પણ આવો જ ડર આખી ઇન્ડસ્ટ્રીને લાગ્યો હતો અને બધાએ એવું ધારી લીધું હતું કે હવે તો ફિલ્મ થિયેટર ખતમ થઈ જશે. જો તમે જરા વધારે યાદ કરો તો તમને યાદ આવશે કે વિડિયો-કૅસેટ માટે ખાસ ફિલ્મો બનવા માંડી હતી. આપણી ટી-સિરીઝે પણ અનેક ફિલ્મો એમાં બનાવી અને એનાં ગીતો ખૂબ જ પૉપ્યુલર પણ થયાં. કદાચ ટી-સિરીઝ એ સમયે લોકોના મનમાં વસી ગઈ. ઍનીવેઝ, આપણી વાત છે થિયેટરોની, તો એ સમયે પણ બધા એવું માનવા માંડ્યા હતા કે હવે થિયેટરોને તાળાં લાગશે, પણ તાળાં લાગ્યાં નહોતાં એ આપણે જાણીએ જ છીએ.
આનું કારણ છે, આપણું કલ્ચર અને એની સાથે થયેલું થિયેટરનું અનુસંધાન. કલ્ચરની એક ખાસિયત છે. એનાથી લાંબા સમય માટે માણસ દૂર રહી શકે નહીં. તે ફરીને પાછો ત્યાં જ આવે જે તેને ગમતું હોય, જે તેની સાથે જોડાયેલું હોય. અત્યારે જે ડિજિટલની બોલબાલા છે એ ફુલબહારમાં છે અને હું એનો વિરોધી નથી, પણ એ સમયની સાથે ચાલવા જેવી વાત છે. એક દિવસ ફરીથી આ સર્કલ પૂરું થવાનું જ છે અને ફરી પાછું જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવીને ઊભું રહેવાનું છે. એમાં ચેન્જ આવી શકે, એનું ફૉર્મેટ બદલાયેલું હોય એવું બની શકે અને એ પણ પ્રકૃતિનો નિયમ છે.
પહેલાંના સમયમાં આપણી ફિલ્મો ત્રણ અને સવાત્રણ કલાકની હતી, પણ હવે તમે જુઓ, આજે એ ફિલ્મ સવાબે કલાકની હોય તો પણ પરસેવો છૂટી જાય છે અને ડિરેક્ટર ફિલ્મ ફરીથી એડિટ કરવા બેસી જાય છે. કહેવાનો મતલબ એ કે ચેન્જ આવે અને એને સ્વીકારવાનો જ હોય, પણ એ ચેન્જને કારણે તમારું કલ્ચર, તમારું રૂટ સાવ જ છૂટી જશે એવી માનવાની ભૂલ પણ ન કરવી જોઈએ. ફિલ્મો સાથે આપણું એ કનેક્શન છે જે ક્યારેય તૂટવાનું નથી. કોઈ ભલે એમ કહે કે આજે ફિલ્મ ખતમ, સિનેમા ખતમ થઈ જવા પર છે અને આવનારો સમય ઑનલાઇન પ્લૅટફૉર્મનો જ છે અને હવે ફિલ્મો પણ ત્યાં જ રિલીઝ થશે તો હું કહીશ કે ના, એવું નહીં જ બને. આજે ડિજિટલ વર્લ્ડને ખૂબબધું એક્સપોઝર મળી ચૂક્યું છે એટલે બધાને એવું લાગે છે કે આ જ વર્લ્ડ કાયમ છે, પણ એ વિચારોનો અતિરેક છે. મને કહેવા દો કે ડિજિટલ રિલીઝ આજે પણ થાય છે અને એનો એક ઍડ્વાન્ટેજ થિયેટર પણ લે જ છે. યુએફઓથી ફિલ્મોના દરેક શો થિયેટરમાં થવા જ માંડ્યા છે. એને લીધે હજારો મીટરની પ્રિન્ટ કાઢવાની જરૂર નથી પડતી અને એ પૈસા બચવા માંડ્યા છે, પણ એનો અર્થ એવો નથી કે થિયેટર ખતમ થઈ ગયાં!
ના, જરાય નહીં. ચેન્જ પણ અકબંધ રહેશે અને રૂટ પણ તમને છોડશે નહીં. આ બન્ને બેઝિક સિદ્ધાંતને આપણે સમજવા પડશે. બાકી તો ભાઈ એવું છે કે તમારે બધા સાથે સેટ થવું પડે. હું એવો આગ્રહ રાખું કે મારા માટે આ અને આવા પ્રકારના રોલ લખાવા જોઈએ તો એ ક્યારેય શક્ય નથી. હું કૉમેડી કરીશ કે હું આ પ્રકારની જ કૉમેડી કરીશ, ક્યારેય એવું બનવાનું નથી, પણ હા, દરેક રોલ, વ્યક્તિ, ઍક્ટર કે ડિરેક્ટર સાથે જોડાવું અને તેની સાથે જોડાઈને કામ આગળ વધારતા રહેવું અને એ કામ આગળ વધારતી વખતે પણ તમારી ખાસિયત એમાં જોડતા જવી એ જ તો ખૂબી છે.
સમય સાથે ચાલવામાં જ સાર છે અને એમાં જ સૌની ભલાઈ છે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે માણસે સંજોગો અને પરિસ્થિતિને ભૂલી જવાનાં. મને યાદ છે કે એક સમયે મારી પાસે એકથી એક ચડિયાતી કહેવાય એવી ૭ ફિલ્મોહતી. એપ્રિલ મહિનો આવતાં-આવતાં એ બધી ફિલ્મો બંધ થઈ ગઈ. બધાનાં શૂટ બંધ, કારણ દુનિયાઆખી કોવિડનેલીધે લૉકડાઉનમાં હતી અને એ પછી પણ ધીરજ રાખવાની હતી, ધીરજ રાખીને આગળ વધવાનું હતું અને જે થઈ રહ્યું છે સ્વીકારીને સ્વસ્થ રહેવાનું હતું. 
એકસાથે ૭ ફિલ્મો બંધ. ક્યારે શું ચાલુ થશે એની ખબર નથી, થશે કે નહીં એની ખબર નથી અને એ પછી પણ તમારે આગળ તો વધવાનું જ છે. સમય પસાર કર્યો અને એ પછી ‘ભૂલભુલૈયા’ની સીક્વલનું શૂટ શરૂ થયું. ફરી લૉકડાઉન, ફરી પરમિશન, ફરી સેટ, ફરી શૂટ અને આમ અમે આગળ વધતા રહ્યા. બધાની મહેનત, અને જો તમે મહેનત કરો તો તમને ફળ મળે જ મળે. જો એ સમયે ફિલ્મ બંધ કરી દીધી હોત તો? ફિલ્મ પૂરી થયા પછી પણ બધા એવું કહેતા હતા કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરીએ, પણ અમારા ડિરેક્ટરને કૉન્ફિડન્સ હતો એટલે તેમણે ના જ પાડી દીધી અને આજે રિઝલ્ટ સૌની સામે છે. આ જ રિઝલ્ટ આપણા સૌની લાઇફ સાથે જોડાયેલું છે. દરેકે એક વાત સમજી લેવાની છે કે કશું સ્થાયી નથી અને કોઈ જ અંતિમ નથી. દરેક ક્ષણ એક આરંભ છે અને દરેક આરંભનો અંત પણ નિશ્ચિત છે. થિયેટર હતાં, છે અને કાયમ રહેશે જ.

પહેલાંના સમયમાં આપણી ફિલ્મો ત્રણ અને સવાત્રણ કલાકની હતી, પણ હવે તમે જુઓ, આજે એ ફિલ્મ સવાબે કલાકની હોય તો પણ પરસેવો છૂટી જાય છે અને ડિરેક્ટર ફિલ્મ ફરીથી એડિટ કરવા બેસી જાય છે. કહેવાનો મતલબ એ જ કે ચેન્જ આવે અને એને સ્વીકારવાનો જ હોય; પણ એ ચેન્જને કારણે કલ્ચર, તમારું રૂટ સાવ જ છૂટી જશે એવી માનવાની ભૂલ પણ ન કરવી જોઈએ. 

columnists rajpal yadav