દુનિયા બદલાઈ રહી છે:કોવિડને કારણે આવનારા ચેન્જની અસર તો હવે દેખાવાની છે

08 January, 2021 09:08 AM IST  |  Mumbai | Manoj Joshi

દુનિયા બદલાઈ રહી છે:કોવિડને કારણે આવનારા ચેન્જની અસર તો હવે દેખાવાની છે

પ્રતીકાત્મક તસવીર

બહુ મોટો ચેન્જ આવી રહ્યો છે દુનિયામાં. આજ સુધી ક્યારેય નહોતું બન્યું એ બધું કોવિડ પિરિયડમાં જોવા મળ્યું અને એ જોવા મળ્યા પછી જે સ્થિતિનું નિર્માણ થયું છે એને ફાઇનલ સિચુએશન માનવાને બદલે માનસિક તૈયારી કરી લેવી જોઈએ કે કોવિડને લીધે આવેલા ચેન્જની સાચી અસર તો હવે જોવા મળવાની છે.
ફૉરેન ટ્રિપ ઘટી ગઈ છે. જુઓ તમે, માંડ બેથી ચાર ટકા પૅસેન્જર અત્યારે ફૉરેન જઈ રહ્યા છે અને એ પણ એવા જ લોકો જાય છે જેમના કામ સાથે એ દેશને સીધો સંબંધ છે. ફૉરેન ટ્રિપની જેમ જ ટ્રાવેલિંગમાં પણ બહુ મોટો ફરક આવી ગયો છે. નાહકનું ટ્રાવેલિંગ પણ બંધ થઈ ગયું છે અને એ નજીકના ભવિષ્યમાં ચાલુ પણ નથી થવાનું. હોટેલ અને રેસ્ટોરાંની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજે તમે ઇન્ટરનેટ પર જોશો તમને દેખાશે કે વર્લ્ડની બેસ્ટ એવી હોટેલમાં રૂમ સરળતાથી અને એકદમ વાજબી પ્રાઇસમાં મળી રહી છે. આનું કારણ કોવિડ છે. કોવિડને લીધે ઇન્શ્યૉરન્સ કંપની પ્રત્યે પણ જાગૃતિ આવી અને કોવિડને કારણે સ્કૂલનું મહત્ત્વ પણ ઓછું થયું. એક સમય હતો કે સ્કૂલ પસંદ કરવા માટે માબાપ રીતસર જહેમત ઉઠાવતાં અને એક મહિનો એ મિશન ચાલતું, પણ કોવિડ પછી જે રીતે સ્કૂલો બંધ થઈ અને જે રીતે બાળકો ઑનલાઇન ભણતાં થયાં એ જોઈને સ્કૂલ પ્રત્યેનો મોહ ઘટ્યો છે. મોહ સ્કૂલનો હોવો પણ ન જોઈએ, મોહ ભણતરનો હોવો જોઈએ. આલીશાન સ્કૂલમાં ભણવાનો આગ્રહ રાખનારાઓને સમજાયું કે સ્કૂલનું વિશાળ બિલ્ડિંગ નહીં, પણ સ્કૂલ સાથે જોડાયેલા ટીચિંગ સ્ટાફનું મહત્ત્વ હોય છે.
કોવિડકાળમાં સરેરાશ દરેક વ્યક્તિનું વજન બેથી ચાર કિલો વધ્યું છે. સુખાકારી પણ વધી છે અને સાથોસાથ જીવન પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ પણ ચેન્જ થયો છે. કોવિડને લીધે ભાગદોડ ઓછી થઈ તો સાથોસાથ કોવિડને લીધે માણસનો હાથ પણ નાનો થયો. પૈસા ખર્ચવાની જે માનસિકતા પહેલાં હતી એમાં ફરક આવ્યો છે અને એ ફરક હજી કદાચ એકાદ વર્ષ દેખાતો રહે એવી શક્યતા પણ સૌકોઈ જોઈ રહ્યા છે. કોવિડ અનેક ચેન્જ લાવ્યું છે અને કોવિડને કારણે આવેલા એ ચેન્જની અસર ભવિષ્યમાં જોવા મળશે. કોવિડને કારણે ફૅમિલી એકબીજાની નજીક આવી છે. તમે કલ્પના પણ નહીં કરી હોય, પણ કોવિડ અને એને કારણે આવેલા લૉકડાઉન પછી મોટા ફ્લૅટની ડિમાન્ડ વધી છે. ફૅમિલી હવે દૂર રહેવા નથી માગતી, નજીક અને પાસે રહેવા માગે છે અને એ બીકને લીધે છે, પણ એ પણ ભૂલવું નહીં કે કેટલાક પ્રકારની બીક જીવનમાં જરૂરી છે.
કોવિડને કારણે ઇન્વેસ્ટમેન્ટ્સના રસ્તા પણ બદલાયા છે અને એની જ અસર અત્યારે બુલિયન માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં દેખાઈ રહી છે. રિયલ એસ્ટેટ પ્રત્યે ઓરમાયું વર્તન શરૂ થયું છે પણ એ કોવિડ પિરિયડની અસર છે એવું કહીએ તો ખોટું નથી. કોવિડને કારણે વ્યક્તિગત વિચારધારામાં પણ ફરક આવ્યો છે. માણસનું મન નાનું થયું છે અને વિચારો પણ સંકુચિત થયા છે. ખાસ કરીને વડીલોને આ વાત લાગુ પડે છે અને આવેલી સંકુચિતતાને લીધે આવતા સમયમાં પરિવાર પ્રત્યેની જવાબદારીઓની વ્યાખ્યા પણ વધારે સ્પષ્ટ થશે. આવું બનવા માટે વાજબી કારણ પણ છે. કોવિડે માણસને માણસ પ્રત્યે જવાબદાર બનાવવાનું કામ કર્યું છે.

columnists manoj joshi coronavirus covid19