ભગવદ્ગીતામાં પાંચ વખત સત્ય શબ્દનો ઉપયોગ થયો છે

16 June, 2021 11:53 AM IST  |  Mumbai | Morari Bapu

ભગવાન કહે છે કે માનવીના મનમાં બુદ્ધિ, જ્ઞાન, નિર્મોહી, મોહ, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, શમતા, સંતોષ, તપ, યશ, અપજશ વગેરે જેવા જે જુદા-જુદા ભાવ પ્રગટે છે એ મુજથી જ પેદા થાય છે.

GMD Logo

સત્યમેવ જયતે!
લોકો કહે છે આવું, પણ સત્યને હારજીત સાથે શી લેવાદેવા? દુનિયા એવી થઈ ગઈ છે, જ્યાં જીત હોય એને જ સત્ય માનવામાં આવે છે. સાહેબ, જય બે પૈસાની વસ્તુ છે અને ગમે એમ કરીને એ મેળવી શકાય. તમે મેળવો એવું નથી, જય ખરીદી પણ શકાય છે. જયકાર મળી જાય તો પણ આપણે પોતે તો જાણીએ જ છીએ કે આ ખોટો જયકાર છે, ખોટી જ જીત મળી છે. જ્યાં સત્ય છે એને સહયોગની જરૂર નથી. વિજયની પણ જરૂર નથી. આ દ્વન્દ્વ સત્યને સ્પર્શી ન શકે. જીવનમાં સત્ય અને સમર્પણ ન હોય તો જીવનયજ્ઞ પૂરો થતો નથી.
સત્ય બહુ આયામી છે. એની ઓળખ મુશ્કેલ છે, પણ શાસ્ત્રોમાં એની ઓળખના ઉપાયો છે. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ ભગવદ્ગીતામાં કુલ પાંચ વખત સત્ય શબ્દનો ઉપયોગ કર્યો છે અને એ પાંચેપાંચ વખત સત્યને અલગ-અલગ અર્થમાં રજૂ કર્યું છે.
ગીતાજીમાં સૌપ્રથમ દસમા અધ્યાયના ચોથા શ્લોકમાં ગીતાકાર સત્યને માનવીના મનના ભાવો સ્વરૂપે રજૂ કરે છે. ભગવાન કહે છે કે માનવીના મનમાં બુદ્ધિ, જ્ઞાન, નિર્મોહી, મોહ, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, શમતા, સંતોષ, તપ, યશ, અપજશ વગેરે જેવા જે જુદા-જુદા ભાવ પ્રગટે છે એ મુજથી જ પેદા થાય છે. માનવીના મનના તમામ ભાવોનું જન્મસ્થળ ખુદ ઈશ્વર છે. 
આ ભાવોની યાદીમાં એક સત્ય છે અને માનવીના મનમાં સત્ય જ્યારે સ્થાયી ભાવ બની જાય ત્યારે માનવું કે આ મારો ભાવ નથી, પણ ભગવાન શ્રીકૃષ્ણની પ્રસાદી છે. માણસ મરે છે, પરંતુ માણસનું સત્ય મરતું નથી, કારણ સત્યનું ઉત્પત્તિસ્થાન કૃષ્ણ છે. સત્ય કૃષ્ણની પ્રસાદી છે.
દસમા અધ્યાયના ચોથા શ્લોક પછી શ્રીમદ ભગવદ્ગીતાના સોળમા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ બીજી વાર સત્ય શબ્દનો પ્રયોગ કરે છે. જોકે આ વખતે તે સત્યને દૈવી સંપત્તિવાળા જીવન સદ્ગુણ તરીકે રજૂ કરે છે. 
ભગવાન કહે છે કે જે આત્મા સૂરિસંપદા ધરાવે એમાં અભય, હૃદયની શુદ્ધિ, જ્ઞાન યોગથી દૃઢ નિષ્ઠ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અલોલુપતા, દયા, મુદ્દતા, લજ્જા, ચપળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, શૌર્ય, અદ્રોહ અને ગર્વત્યાગ જેવા સદ્ગુણો જોવા મળે છે. અહીં સત્યને સજ્જન માણસના સદ્ગુણ તરીકે રજૂ કર્યું છે. એ પછી સોળમા અધ્યાયમાં જ સાતમા શ્લોકમાં સત્યનો ઉલ્લેખ આવે છે, જેની વાતો કરીશું હવે પછી.

columnists morari bapu