જગત આખુંય નિદ્રાધીન લાગે છે

01 January, 2023 12:18 PM IST  |  Mumbai | Hiten Anandpara

કાં તો આપણે જગતના માપદંડોમાં બંધબેસતા નથી અથવા જગત આપણા માપદંડો પ્રમાણે ચાલતું નથી

જગત આખુંય નિદ્રાધીન લાગે છે

આપણને ઘણી વાર એવું લાગે કે આ જગત આપણા માટે નથી. કાં તો આપણે જગતના માપદંડોમાં બંધબેસતા નથી અથવા જગત આપણા માપદંડો પ્રમાણે ચાલતું નથી. આ અફસોસ આપણને કોર્યા કરે. અસમંજસની આવી ક્ષણોને યોસેફ મૅકવાન ઝીલે છે...

ફેંકે સમય જ્યાં જાળ, ઝલાયો હું હોઉં છું
મારા વચાળે ક્યાંક પરાયો હું હોઉં છું
જ્યાં કર્જ દુનિયાનુંય ઉતારી દઉં અને
લાગે મને તે વાર સવાયો હું હોઉં છું

પોતાના માણસો વચ્ચે પણ પરાયાપણું લાગે એ સંબંધોની ઊણપ દર્શાવે છે. એકમેક પ્રત્યેની અપેક્ષા અવ્યવહારુ હોય અથવા વધુપડતી હોય. બીજાનો સ્વભાવ આપણે બદલી શકતા નથી. બીજાનો તો શું પોતાના સ્વભાવમાં ફેરફાર કરવો હોય તોય નવ નેજે પાણી ઊતરે. સાહિત્યના પ્રકારમાં કે પ્રસ્તુતિમાં જ્યારે ફેરફાર થાય ત્યારે શું અનુભવાય એની વાત પંચમ શુક્લ છેડે છે...

હૃદયમાં મંદાક્રાંતા ને શિખરિણી શ્વાસમાં તો પણ
કલમ પકડું ત્યાં લાગે છે લગાગાગાનો ભારે ડર
વકાસેલું વદન મારું, હું મારા દિલમાં નીરખું છું
નથી હું લાગતો પંડિત, નથી હું લાગતો શાયર

આપણે પાઠ્યપુસ્તકોમાં ભણતા એ બધા છંદોનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું છે. ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ જેવી કલાપીની પંક્તિ મંદાક્રાન્તા છંદમાં વિષાદ કે અફસોસ વ્યક્ત કરવામાં અસરકારક નીવડી છે. આજના સમયમાં ગઝલના છંદમાં લખવાનું ચલણ વધારે છે. આપણે તો આઉટપુટ અને આઉટલુક સાથે કામ. જેમાંથી સત્ત્વ મળે એનો આનંદ લેવાનો. સાહિત્યનો રસ બહુ વિરલ છે. જેમને આ રસમાં રસ પડ્યો તેઓ જિંદગીને કલાત્મક દૃષ્ટિકોણથી જોઈ શકે છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં બેગમ અખ્તરે ગાયેલી મરીઝની આ ગઝલ સાંભળનાર સૌકોઈ માલામાલ થયું છે એમ કહેવામાં જરાય ખોટું નથી...

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે
એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે

વીતેલો સમય પાછો નથી આવતો એ સાચું, પણ એનો કોઈ અંશ નવા રૂપે આપણી સામે હાજર થઈને આવી શકે. પૌત્ર કે પૌત્રીનું આગમન થયા પછી આપણા સંતાનનું બાળપણ નવા નામે ને રૂપે આપણી સામે ખડું થતું લાગે. અમુક ક્ષણો તો જાણે કૉપી-પેસ્ટ થઈને આવી હોય એવું જ લાગે. આપણા મન પર શીતળતાનો લેપ કરતી આવી ક્ષણોનો રોમાંચ અનેરો હોય છે. મીરા આસિફ પોતાની ખુશી વ્યક્ત કરે છે...

ફૂટેલા આ દર્પણમાં પણ
બિંબ મને રૂપાળું લાગે
કોની યાદ વસી છે મનમાં
ઘરમાં કાં અજવાળું લાગે

યાદોનો વૈભવ આપણા જીવતરમાં અત્તર ઉમેરે છે. એની ખુશ્બૂને કારણે આપણું ભીતર મઘમઘ થયા કરે. જો કોઈ ઓછપ, અનબન, અણબનાવને કારણે સંપર્ક સંબંધમાં ન પલટાયો હોય તો એની કસક વર્તાયા કરે. નીરવ વ્યાસ માર્મિક અવલોકન કરે છે...

ભલા સાથે ભલા જેવા, બૂરા સાથે બૂરા જેવા
મને દેખાવ છો આજે તમે મારા ખુદા જેવા
જરા ગંભીરતાથી હું વિચારું છું તો લાગે છે
હતાં કારણ વિખૂટા થઈ જવાનાં બસ જરા જેવાં

વિખૂટા થવાનાં કારણો પાછલી જિંદગીમાં તપાસવા બેસીએ ત્યારે હસવું પણ આવે અને દુઃખ પણ થાય. ઉંમર સહજ અણસમજને કારણે ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે. બે-ત્રણ દાયકા પછી મહામૂલીનો ભ્રમ ઊભો કરતી સમસ્યાઓ સાવ મામૂલી લાગે. આ દર્શન થાય ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હોય. સુધીર પટેલ બે કિનારાની દુનિયાનું અંતર આલેખે છે...

આંખમાં દરિયો ને પાંપળ જેવી નાજુક પાળ છે
ને છતાં બે આંસુ ખોયાનું એના પર આળ છે
એમ લાગે કે સમય થંભી ગયો એની કને
દાઝ ચડતી કે અહીં ઝટપટ વહેતો કાળ છે

લાસ્ટ લાઇન

સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે

સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે

ઘણું સૂતા પછી જાગી ગયો છે આખરે એ જણ
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે

ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે

બધાની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું
મને એ આંખનું આંસુય તે શાલીન લાગે છે

જાતુષ જોશી

columnists hiten anandpara