કૌન બનેગા કરોડપત્ની

04 December, 2020 01:45 PM IST  |  Mumbai | J D Majethia

કૌન બનેગા કરોડપત્ની

આજકાલની છોકરીઓ છોકરાઓને પહોંચી વળે એવી છે. આજકાલની જ નહીં, હું રિપીટ કરીને કહું છું કે આજકાલની જ નહીં, આ છોકરીઓ હંમેશાં છોકરાઓને પહોંચી વળે એવી જ હોય છે.


કોઈને કરોડ રૂપિયા મળે અને એ પછી પણ આંખમાં આંસુ આવી જાય એવું બને ખરું? કોઈને કરોડ રૂપિયા મળે અને આપણે રડતા હોઈએ એવું બને કોઈ દિવસ, આપણે કોઈ લેવાદેવા ન હોય તેમની સાથે અને એ પછી પણ એવું બને?
બળતરા કે ઈર્ષ્યાને કારણે નહીં, પણ હર્ષનાં આંસુ, ખુશીનાં આંસુ સાથે.
હા, આવું બન્યું મારી સાથે અને એ પણ એક મહિનામાં ત્રણ-ત્રણ વાર બન્યું. એ ઘટનાએ જ મને પ્રેર્યો આ વાત તમારી સાથે શૅર કરવા માટે. જબલપુરની એક શિક્ષિકા અનુપા દાસે એક કરોડ રૂપિયાનો જે રીતે જવાબ આપ્યો અને જે વિશ્વાસ સાથે પહેલેથી છેલ્લી સુધી રમ્યાં એ ખરેખર કાબિલે તારિફ હતું. આ ત્રીજી મહિલા હતી જે છેલ્લા એક મહિનામાં કરોડ રૂપિયા જીતી. હા, ત્રીજી મહિલા અને એ પણ એક કરોડ.
એક કરોડ રૂપિયા.
૧,૦૦,૦૦,૦૦૦.
અમિતાભ બચ્ચન જ્યારે એક કરોડ લખતી વખતે મીંડાંની ગણતરી કરે ત્યારે આપણને એવું લાગે કે તેઓ મજાક કરે છે પણ ના, એક કરોડ તમે લખો તો તમને પણ એક વખત તો મીંડાં ગણવાં જ પડે. આ લખતી વખતે મેં પણ ગણ્યાં હતાં.
હા... હા... હા...
ત્રણ મહિલા એક કરોડ જીતી તો તેમના સિવાય એક છાવી કામાણી નામની મહિલા ૫૦ લાખ રૂપિયા જીતી અને બીજી બે મહિલા કન્ટેસ્ટન્ટ પચીસ-પચીસ લાખ રૂપિયા જીતી. વાત અહીં પૂરી નથી થતી. જીતનો આ દોર હજી ચાલુ જ છે.
આ શું સૂચવે છે, શું કહે છે?
એ જ કે શોનું ટાઇટલ થોડું બદલાવું જોઈએ અને ‘કૌન બનેગા કરોડપતિ’ને બદલે ‘કૌન બનેગા કરોડપત્ની’ કરવું જોઈએ. જ્યારે શોમાં કોઈ મહિલા જીતે ત્યારે તો શોનું ટાઇટલ આ જ કરવું જોઈએ, ‘કૌન બનેગા કરોડપત્ની.’
મારા આ વાહિયાત જોક પર તમને હસવું નહીં આવ્યું હોય એવું ધારીને આપણે વાતમાં રહેલી સ્પષ્ટ અને સચોટ વાત પર આવીએ.
આજકાલની છોકરીઓ છોકરાઓને પહોંચી વળે એવી છે. આજકાલની જ નહીં, હું રિપીટ કરીને કહું છું કે આજકાલની જ નહીં, આ છોકરીઓ હંમેશાં છોકરાઓને પહોંચી વળે એવી જ હોય છે. હું મારી વાત કરું તો મને અત્યારે પણ યાદ છે કે અમારી સ્કૂલમાં ત્રણ ડિવિઝન હતાં. આ ત્રણ ડિવિઝનમાં પહેલા નંબરે તો હંમેશાં અમિષા શાહ જ આવે. આ અમિષા આજે પ્રભુદાસ લીલાધર કંપનીમાં જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર છે અને અઢળક અવૉર્ડ્સ લઈને તેણે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમિષા શાહ ઉપરાંત કૌસ્તુભા વ્યાસ, મારા જ ક્લાસમાં ભણતી પ્રજ્ઞા રાયચુરા, અંજલિ દેસાઈ કે પછી ‘સી’ ડિવિઝનની અનીતા દેસાઈ અને આવી બીજી ઘણી છોકરીઓ અમારા છોકરા કરતાં ક્યાંય આગળ હતી. અત્યારે જે નામ કહ્યાં એ તરત જ યાદ આવ્યાં એ નામ છે એટલે જેનાં નામ લેવાનું ભૂલી ગયો કે જેનાં નામ લેવાનાં રહી ગયાં હોય તેઓ મને ક્ષમા કરે. સ્કૂલની આ બધી મિત્રોની યાદમાં અત્યારે આ લખવા બેઠો છું ત્યારે અચાનક જ ભુલાઈ ગયાં છે બાકી તો ઘણાંનાં નામ હજી પણ યાદ છે, ભલે અત્યારે હોઠે ન હોય, પણ હૈયે તો છે જને.
આ બધી છોકરીઓ ત્યારથી ભણતરમાં બધા છોકરાઓ કરતાં ક્યાંય આગળ અને બીજી આવી અનેક છોકરીઓ ગણતરમાં અમારા બધા કરતાં ખૂબ આગળ. કરોડ રૂપિયાનો પ્રશ્ન ત્યારે ‘કૌન બનેગા કરોડપતિ’ પર નહોતો આવતો, પણ આપણા સમાજની સોચમાં સતત ઝળકતો હતો અને હજી પણ એ સોચ, એ વિચારમાં ઝળક્યા કરે છે. આખા દેશમાં આ બાબતમાં બહુ મોટા બદલાવની જરૂર છે અને તાતી આવશ્યકતા છે. છોકરીને કોઈ પણ રીતે ઓછી આંકવી નહીં. એ આપણી આવનારી પેઢીના આખા જીવનના બૅલૅન્સ માટે બહુ જરૂરી છે. પુરુષોને કદાચ, ક્યાંક, ક્યારેક સ્ત્રીઓની અદેખાઈ આવી શકે અને એનું મૂળ નાનપણમાં છુપાયેલું છે એવું મને લાગે છે. તમે જુઓ લગભગ મોટા ભાગનાં સંતાનો મમ્મીને વધારે પ્રેમ કરે છે કે પછી તેની સાથે વધારે ઇમોશનલી અટેચ હોય છે. હું ખૂબ વિચારતો આના વિશે અને એટલે મને એક કારણ એવું દેખાયું કે મા મૅટરનિટી લીવ પર જાય અને એ પછી મોટા ભાગની મા પોતાનાં સંતાનો માટે પોતાનાં કામકાજ કે પછી કરીઅરમાંથી હંમેશની લીવ લઈ લેતી હોય છે અને એવું કરવાની હિંમત તેનામાં હોઈ શકે છે અને એ પણ હર્ષ સાથે, પણ પુરુષો આમ કરી શકતા નથી.
આવું નહીં કરી શકનારા પુરુષોનાં પણ પોતપોતાનાં સચોટ કારણ હોય છે એટલે હું તેમને કોઈને ક્યાંય ઓછા આંકવા નથી માગતો, પણ મારી વાત છે સરખાપણાની. સરખેસરખા જ સૌ હોવા જોઈએ એ જ કહેવા માગું છું હું. એકેક પુરુષે છોકરીઓને, સ્ત્રીઓને સરખેસરખાં જ ગણવાં રહ્યાં. આપણે ફરી આપણી મૂળ વાત પર આવીએ.
આ મહિને ‘કૌન બનેગા કરોડપતિ’માં ત્રણ છોકરીઓ કરોડપતિ બની. એક દિલ્હીની નાઝિયા નસીમ. સામાન્ય રીતે દુનિયાભરમાં એવી છાપ છે કે મુસ્લિમ વર્ગની સ્ત્રીઓને ભણતર અને બીજાં બધાં ક્ષેત્રમાં આગળ વધવાની બાબતમાં વધારે પડતાં બંધનો હોય છે, તેમને ઍન્કેરજમેન્ટ નથી મળતું. આ મારું માનવું નથી, રિપીટ કરીને કહું છું, આવું હું નથી માનતો, પણ આવી એક છાપ છે. કદાચ તેમના બુરખામાં રહેવાને કારણે પણ આવું એક પર્સેપ્શન ઊભું થયું હશે, પણ નાઝિયા નસીમ અને મલાલા જેવી મહિલાઓ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં, પણ જગતઆખાની સ્ત્રીઓ-છોકરીઓ માટે એક ઉત્કૃષ્ટ, ઉત્તમ અને ઇન્સ્પાયરિંગ ઉદાહરણ છે. તેમને જોઈને ઘણામાં નવી હિંમત આવશે અને એ હિંમતના આધારે હજી પણ નવા ચમત્કાર આપણને જોવા મળશે.
વાત કરીએ બીજી કરોડપતિની, જમ્મુ-કાશ્મીરથી આવતી આઇપીએસ ઑફિસર મોહિતા શર્મા. મોહિતાની આ જીતનો એપિસોડ દિવાળીના દિવસોમાં જ હતો, જેણે ખરેખર દિવાળી સુધારી દીધી એવું કહું તો પણ ખોટું નથી. મોહિતના પતિદેવની ખૂબ ઇચ્છા હતી કે તે શોમાં આવે. ઇચ્છા કહો તો ઇચ્છા અને સપનું કહે તો સપનું. બહુ સમયથી તેમના મનમાં હતું કે તે અમિતાભ બચ્ચન સામે હૉટસીટ પર બેસીને ‘કૌન બનેગા કરોડપતિ’ની સવાલ-જવાબની ગેમ રમે, પણ એ બન્યું નહીં અને પતિનું સપનું પત્નીએ પૂરું કર્યું. પૂરું તો કર્યું પણ કેવી રીતે પૂરું કર્યું! કમાલનું ઉદાહરણ છે આ એક સ્ત્રીની સમતા અને તેના પ્રેમનું. સ્થાનિક તંગ પરિસ્થિતિ અને સતત ચાલતા ગજગ્રાહ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ઘણાં વર્ષોથી એક પણ ક્ષેત્રમાં વિકાસ નથી થયો એવી ધારણા સૌકોઈના મનમાં અકબંધ હતી, પણ મોહિતા શર્માએ ધારણાને ખોટી પુરવાર કરીને દેખાડી દીધી. યાદ રાખજો કે આવી જ ઘટનાઓ મહિલાઓને જ નહીં, પણ સમગ્ર પરિસ્થિતિ અને સંજોગોને જુદી રીતે જોવાનો સમય અને તક આપે છે.
વાત કરીએ ત્રીજી કરોડપત્નીની, અનુપા દાસ. અનુપા પોતાનાં માબાપની સારસંભાળ રાખે છે. માની તબિયત અને ઇલાજ માટે તેનું બધું સેવિંગ્સ ખતમ થઈ ગયું છે અને ‘કૌન બનેગા કરોડપતિ’માં જીતેલી મોટા ભાગની રકમ પણ માના ઇલાજમાં ખર્ચાઈ જવાની છે. અનુપા શિક્ષિકા છે, શાળામાં બચ્ચાંઓને ભણાવવાની પોતાની ફરજ નિભાવવાની સાથોસાથ તે પોતાની તમામ જવાબદારીઓ પણ નિભાવે છે અને એ બધા વચ્ચે સમય કાઢીને દુનિયાનું જાણવા જેવું ભણાવવાનો પ્રયત્ન પણ તે કરતી રહી છે. અનુપા સતત પૉઝિટિવ રહેતી અને ચહેરા પર સ્માઇલ રાખતી મહિલા. જે રીતે તેણે એક કરોડના પ્રશ્નનો જવાબ આપ્યો એ રીત હજી પણ મારી આંખ સામે છે. દરેક સવાલના જવાબ આપતી વખતે તેના ચહેરા પર શાંતિ હતી જે ઘણા માટે શીખવા અને સમજવા જેવી વાત છે. કારણ કે આ ‘કૌન બનેગા કરોડપતિ’ છે, સામે બિગ બચ્ચન બેઠા છે. પરસેવો છૂટી જાય.અમિતાભ બચ્ચન તમારી સામે હોય ત્યારે કેવી હાલત થાય એની વાત અને આ વિષય આવતા વીકમાં આપણે ફરી કન્ટિન્યુ કરીશું.

JD Majethia columnists