21 September, 2023 05:24 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર
વિવેક રંજન અગ્નિહોત્રી અને પલ્લવી અગ્નિહોત્રી એટલે કે પલ્લવી જોષીની જોડીએ અદ્ભુત ફિલ્મો આપણને આપી છે. આ અદ્ભુત ઇતિહાસને આગળ વધારતાં હવે એ બન્ને લઈને આવી રહ્યાં છે ‘ધ વૅક્સિન વૉર’. આ ફિલ્મ એ દિવસોને યાદ કરાવે છે જે દિવસોમાં આપણે ઘરમાં ભરાઈ ગયા હતા. ભરાઈ જવું પડ્યું હતું એવું કહીએ તો પણ ચાલે. લૉકડાઉનનો સમયગાળો હતો અને વિશ્વ આખું ઘરમાં હતું. જ્યાં જુઓ ત્યાં કોરોનાની મહામારીની વાતો હતી અને એ વાતો સાથે હૈયામાં ફફડાટ પણ હતો કે દુનિયાનું શું થશે. ઓછામાં ઓછાં છેલ્લાં સો વર્ષમાં આ પહેલો સમયગાળો હતો જ્યારે ભલભલી મોટી કંપનીઓનું ટર્નઓવર ઝીરો પૈસા થઈ ગયું હતું. કોરોનાના આ પિરિયડમાં પણ અમુક લોકો એવા હતા જેઓ પોતાના જીવ પર આવીને કામ કરતા હતા. એ લોકોમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવે તો એ ડૉક્ટરો હતા. એમ છતાં ડૉક્ટર કરતાં પણ વધારે જોખમ સાથે જો કોઈ કામ કરતું હતું તો એ આપણા સાયન્ટિસ્ટ્સ હતા, આપણા વૈજ્ઞાનિકો હતા જેઓ ઇચ્છતા હતા કે આ મહામારી સામે એવો કોઈ તોડ કાઢવામાં આવે જેથી ફરી એક વખત ભારતની સડક પર જીવન દોડતું થાય. લોકો ઘરમાં ભરાઈ રહેવાને બદલે, ડર વિના, કોઈ જાતના ભય વિના બહાર નીકળે અને રાબેતા મુજબનું જીવન શરૂ કરે. આ જ ભાવના સાથે કામ કરતા એ સાયન્ટિસ્ટોને એ પણ ખબર હતી કે તેમની મહેનત નકામી જઈ શકે છે અને એ પછી પણ તેમણે મહેનત કરવાની હતી. મહેનત પણ કરવાની હતી અને પોતાના જીવને જોખમમાં પણ મૂકવાનો હતો.
જો રાષ્ટ્ર રાહ જોવા તૈયાર ન થાય કે પછી પોતે જે મહેનત કરે છે એનું કોઈ સકારાત્મક પરિણામ ન આવે તો હજારો અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખાલી થવાનું હતું અને એ ખાલી ન થાય એ માટે, રાષ્ટ્ર દેવાળિયું ન બને એ માટે દોડવાનું હતું. આ કામ આપણા જ દેશના બાયો-સાયન્ટિસ્ટોએ કર્યું અને ગજબનાક રીતે આ કાર્ય તેમણે કર્યું. પલ્લવી અને વિવેકની ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’માં આ જ આ વાત કહેવામાં આવી છે.
ફિલ્મમાં વાત છે એ જંગબહાદુરોની જેઓ સફેદ કપડાંમાં બૉર્ડર પર નહીં પણ દેશની વચ્ચે રહીને પોતાના જીવના જોખમે દેશ પર આતંક ફેલાવનારા કોરોનાની સામે બાથ ભીડે છે. એવા યોદ્ધાની આ કથા છે જેમણે દુનિયા આખીને ત્રાહિમામ્ પોકારાવી દેનારી મહામારી સામે જંગમાં જીત મેળવી અને એ જીતના બદલામાં એ ગુમાવ્યું જેની નોંધ કોઈએ લીધી સુધ્ધાં નથી અને એ પછી પણ, એ પછી પણ તેમને કોઈ અફસોસ નથી. તેમને ગર્વ એ વાતનો છે કે દેશના હજારો અબજો રૂપિયા બચાવીને દેશને ફનાફાતિયા થતો બચાવ્યો. તેમને ગર્વ એ વાતનો છે કે તેમની સ્કિલ પર વિશ્વાસ મૂકીને રાષ્ટ્રએ પહેલી વાર તેમને સાથ આપ્યો. તેમને ગર્વ એ વાતનો છે કે તેમની મહેનતનું ફળ મળ્યું અને સવાસો કરોડથી વધારે લોકોને તેમણે કોરોનાની મહામારી સામે રક્ષણ આપ્યું. યોદ્ધા પર તો અનેક લોકો ક્રીએટિવ કામ કરે છે, પણ મેડિક્લ સેક્ટરના યોદ્ધાઓ પર કામ કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે. વિવેક અને પલ્લવીએ એ કામ કર્યું છે એ માટે ખરેખર તો આપણે સૌએ તેમનો આભાર માનવો જોઈએ.