ફાફડા ગાંઠિયા બારેમાસ

24 October, 2020 12:07 AM IST  |  Mumbai | Pooja Sangani

ફાફડા ગાંઠિયા બારેમાસ

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ અને એ પણ જૂના અમદાવાદમાં આવેલું એક સવારનું ફાફડાબજાર અને બીજું રાતનું ગાંઠિયાબજાર

ગુજરાતીઓની ઓળખમાં જેમ થેપલાં, ઢોકળાં, ખમણ, ખાખરા અગ્રેસર છે એવું જ કંઈક ફાફડા-ગાંઠિયાનું છે. આમેય દશેરા આવે એટલે ફાફડાની માર્કેટ ગરમ થઈ જ જાય. એ પછી ગુજરાતનું કોઈ શહેર હોય કે મુંબઈ, દશેરાના દિવસે આખા વર્ષમાં ન ખવાયાં હોય એટલાં ફાફડા-જલેબી આ એક દિવસમાં ખવાઈ જાય છે. અમદાવાદમાં તો બારેમાસ એને માટે આખું બજાર ભરાય છે. બજાર! અને એ પણ માત્ર ફાફડા અને ગાંઠિયાનું!


સવારે ફાફડા, રાત્રે ગાંઠિયા
વાત છે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ અને એ પણ જૂના અમદાવાદમાં આવેલું એક સવારનું ફાફડાબજાર અને બીજું રાતનું ગાંઠિયાબજાર. અમદાવાદની વચ્ચોવચ કાળુપુર વિસ્તારમાં પૌરાણિક સ્વામીનારાયણ મંદિર આવેલું છે. એ જ કાળપુર સ્વામીનારાયણ મંદિર તરીકે પણ ઓળખાય છે અને એ વિસ્તારનું નામ પણ આ જ છે. શહેરમાં ફૅન્સી અને લગ્નસરાના પોશાકના શૉપિંગની રાજધાની એટલે રતન પોળના રિલીફ રોડ બાજુના છેડાની સામેની બાજુએ દરિયાપુર જવાનો રસ્તો છે ત્યાંથી તમે પસાર થાઓ એટલે ધીરે-ધીરે હવામાં હિંગ અને ફાફડા તળાતા હો એની સોડમ આવવા માંડશે. થોડા નજીક જાઓ પછી તો તમે રહી જ ન શકો અને આવી ગયું લ્યો ફાફડાબજાર.

અહીં શુદ્ધ ફાફડાની અનેક દુકાનો છે અને હારબંધ દુકાનો તથા લારીઓ મંડાયેલી દેખાતાં એટલો અંદાજ આવી જશે કે અહીં તો એકથી એક ચડિયાતા ફાફડા મસ્ત મળતા હશે. આખો દિવસ કારીગરો  તવામાં ફાફડા તળતા હોય અને લોકો એક પછી એક લઈ જાય. અમુક લોકો તો ઊભાં-ઊભાં ખાતા હોય અને સાથે પપૈયાનું છીણ અને કઢીના સબડકા ભરતા હોય. તો આ ફાફડાની ખાસિયત પણ જણાવી જ દઉં. અહીં ફાફડાનું પડીકું નથી મળતું, પણ કાગળની બૅગ આવે એમાં ફાફડા બાંધવા પડે, કારણ એ છે ફાફડાની ખાસિયત. ફાફડા એકદમ ક્રિસ્પી અને પાતળા હોય છે. અડો ત્યાં ભાંગીને ભુક્કો થઈ જાય અડધાથી એક ફુટના લાંબા અને સીધા ફાફડા. અંદર ભરપૂર પ્રમાણમાં અજમો, ઉત્તમ પ્રકારની હિંગ અને ઉપર પણ પાછી થોડી હિંગ નાખીને તમને પીરસે એટલે ખાવાની જે મોજ આવે એ તો જે ખાય તેને જ ખબર પડે.


ફાફડા કેમ કહેવાય?
એને ફાફડા કેમ કહેવાય છે? આ એક ગાંઠિયાકુળની જ વાનગી છે, પરંતુ પટ્ટા જેવા લાંબા, જાડા અને પાતળા હોવાથી ફાફડા નામ પડ્યું હશે. સૌરાષ્ટ્રમાં આવા જ ફાફડા મળે છે, જ્યારે અમદાવાદમાં અલગ પ્રકારના ગોળ ભૂંગળા વળી ગયા હોય એવા ફાફડા મળે. અહીંની મોટા ભાગની દુકાનોનું નામ ‘સૌરાષ્ટ્ર ફરસાણ’ અથવા તો ‘ભાવનગરી ફરસાણ’ જ હોય છે, કારણ કે તેઓ એ વિસ્તારના છે અને બીજું કે અહીં પૌરાણિક અને સૌથી જૂનું ભગવાન શ્રી સ્વામીનારાયણનું મંદિર આવેલું છે ત્યાં સૌરાષ્ટ્રથી આવતા ભક્તોની સંખ્યા વધુ હોવાથી ત્યાંની દુકાનોનાં નામ આવાં જ છે એટલે ગ્રાહકોને આકર્ષી શકાય. અહીં ફાફડા પણ સૈરાષ્ટ્રની સ્ટાઇલના મળે એટલે કે પટ્ટા જેવા અને પાતળા. ફાફડા સાથે ખાટી-મીઠી કઢી પીરસવાનો રિવાજ તો અમદાવાદમાં જ વધુ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં તો ફાફડા મરચાં અને ચા સાથે ખવાય છે એટલે એમાં કઢી ભરીને ખાવાની જરૂર નથી. જ્યારે અમદાવાદીઓ કઢી પીવાના ભારે શોખીન છે એથી અહીંના રસોઈયાઓ ફાફડાની બનાવટ જ એ રીતે કરે છે કે ફાફડા તળ્યા પછી ગોળ અને  અર્ધગોળ ભૂંગળામાં ફેરવાઈ જાય. એટલે ચાહકો કઢી અંદર ભરીને ફાફડાનો લુત્ફ ઉઠાવી શકે. કઢીમાં ઢીલા ન થઈ જાય એ માટે જાડા ફાફડા હોય છે. એટલે ખબર પડી કે ફાફડામાં પણ કેટલા પ્રકાર હોય છે?
આ ફાફડાબજાર કેમ ભરાયું એ પણ સમજવા જેવું છે. અહીં તીર્થસ્થાન હોવાથી લોકોનો મોટો ધસારો હોય અને આથી સવારે નાસ્તા અથવા તો ભોજન સાથે ફરસાણ જોઈએ એથી એક પછી એક દુકાનો અહીં વર્ષો પહેલાં ખૂલી હતી અને બીજાં જાતજાતનાં ફરસાણ પણ ખૂબ મળે છે.
સાંજનું ગાંઠિયા-માર્કેટ


માણેક ચોકનું નામ તો સાંભળ્યું જ હશે અને એનું રાત્રિ ખાણી-પીણીનું બજાર તો વિશ્વપ્રસિદ્ધ છે. બસ ત્યાં જ ગાંઠિયાબજાર ભરાય છે. હા, અહીં કોઈ દુકાનો નથી, પરંતુ દાગીનાઓના શોરૂમ સાંજે બંધ થઈ જાય એટલે એની બહાર ગાંઠિયાના ખૂમચાવાળાઓ આવી જાય અને લોકોની ભીડ જામે અને એય મોડી રાત સુધી. અહીં અંગૂઠિયા ગાંઠિયા, લીલી લચકો ચટણી, પપૈયાનું છીણ અને તળેલાં મરચાં મળે, અનલિમિટેડ. પહેલાં તો ડુંગળી પણ મળતી પરંતુ એક વખતે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે એ આપવાનું બંધ કર્યું, પણ પછી ફરી એ ચાલુ કર્યું નથી. ત્યાં સાદા ગાંઠિયા, પાપડી, ફાફડા, ફરસી પૂરી અને જલેબી મળે છે એનો અદ્ભુત સ્વાદ માણવા જેવો છે. ચટણી, પપૈયાનું છીણ અને મરચાંનું વાસણ બાજુમાં જ પડ્યું હોય એટલે જેને જેટલું ખાવું હોય એ અનલિમિટેડે. લોકો ૧૦૦ ગ્રામ ફાફડા સાથે ૨૦૦ ગ્રામ ચટણી ઝાપટી જાય એટલી ટેસ્ટી લચકો લીલી ચટણી હોય છે. આ બજાર કેવી રીતે શરૂ થયું એની જો માહિતી આપું તો જૂના અમદાવાદમાં લોકો વહેલા જમી લે અને રાતે મોડે સુધી જાગે. આથી મોડી રાતે ભૂખ લાગે તો જવું ક્યાં? તો માણેક ચોક આવી જાય. જૂના અમદાવાદની ઐતિહાસિક પોળમાં રહેતા યુવાનો પોળના નાકે ઓટલા પર બેઠા હોય એટલે રાતે માણેક ચોકના ગાંઠિયાનો કાર્યક્રમ થઈ જાય. પડીકું મગાવીને બધા ટોળે વળીને ખાતા હોય. જૂના અમદાવામાં જે રહી ચૂક્યું હશે તેમને આ દિવસો યાદ હશે જ. અહીં અંગૂઠિયા ગાંઠિયા ક્રિસ્પી અને નરમ હોય છે, જે લીલી ચટણી સાથે મસ્ત ટેસ્ટ આપે છે. સાથે ગરમાગરમ જબેલી તળાતી હોય ે પણ બહુ ટેસ્ટી હોય છે. પાતળી, ક્ર્સ્પી અને આછા પીળા તેમ જ કેસરી રંગની જલેબી સ્વાદમાં એટલી અદ્ભુત હોય છે કે ન પૂછો વાત. વળી બિસ્કિટ જેવી ફરસી પૂરી પણ પાર્સલ કરીને ઘરે લઈ જવાય. મરીના ભૂકાવાળી આપૂરી એ લોકો લિમિડેટ માત્રામાં બનાવે છે, પરંતુ ખાવા જેવી તો ખરી જ. જ્યારે ભોજન કરવાની ઇચ્છા ન હોય અને છોડી સી ભૂખ હોય ત્યારે પહોંચી જાઓ માણેક ચોક અને માણો માણેક ચોકના ગાંઠિયાબજારની રોનક અને એનો ઉત્તમ સ્વાદ. તો ચાલો મળીએ આવતા સોમવારે નવા ટોપિક સાથે ત્યાં સુધી કરો ખાઈ પીને મોજ. તમારા ધ્યાનમાં કોઈ ઉત્તમ અને અનોખું ફૂડ પીરસતી કોઈ જગ્યા હોય તો જરૂરથી જણાવશો તો એના વિશે પણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આવજો ત્યારે! 

મોળી ખાજલી
અહીં ફાફડા ઉપરાંત મોળી ખાજલી પણ બહુ ઉત્તમ પ્રકારની મળે છે. આખા અમદાવાદમાં અહીં જેવી મોળી ખાજલી જેને રાજકોટ તરફ સાટા કહેવામાં આવે છે. ખારી બિસ્કિટને પણ ટક્કર મારે એવી આ ખાજલી ગોળાકાર હોય છે અને ક્રિસ્પી, નરમ અને મોઢામાં મૂકો ત્યાં ઓગળી જાય એટલે સરસમજાની પોચી હોય છે. એની ખાવાની પદ્ધતિ પણ મસ્ત છે. રકાબીમાં ખાજલી મૂકો અને એની ઉપર દૂધ અને ચા રેડો અને પછી ખાજલીમાં ચા ભળી જાય એટલે ચમચીથી આરોગો.

Gujarati food columnists