ઈશ્વરની પરીક્ષા અને રંગમંચની ગરિમા

09 August, 2022 07:46 PM IST  |  Mumbai | Sarita Joshi

રસિક દવેનું જવું સૌ કોઈના માટે વસમું હતું અને એ પછી વાસ્તવિકતાનો સ્વીકાર પણ એટલો જ અગત્યનો હતો. જોકે કેટલીક વાસ્તવિકતા એવી હોય છે જેને જીવનમાં તમે ક્યારેય અપનાવી નથી શકતા. રસિકની ગેરહાજરી પણ એવી જ વાસ્તવિકતા પુરવાર થવાની છે

આ તસવીરમાં પતિ-પત્ની નહીં, પણ બે જીવનસાથી મને હંમેશાં દેખાયાં છે.

હૅટ્સ ઑફ કેતકી. જે હિંમત તેં દાખવી છે એ ખરેખર કાબિલ-એ-તારિફ છે. સમય પોતાનું કામ કરે, એને કોઈ રોકી કે અટકાવી ન શકે પણ એ જ્યારે વિકટ પરિસ્થિતિ લાવીને સામે મૂકી દે એવા સમયે વિહ્વળ થયા વિના ફરજ અદા કરે એનું નામ કલાકાર અને તેં એ કામ કર્યું છે કેતકી. રંગમંચનું મૂલ્ય તો તું નાનપણથી જાણતી, પણ ઈશ્વરે લીધેલી પરીક્ષા પછી નટરાજની સાક્ષીએ તેં જે રીતે રંગમંચની ગરિમાને અકબંધ રાખી એ જોઈને ફરી એક વાર તને કહેવાનું મન થાય છે, હૅટ્સ ઑફ. 
રસિક હંમેશાં તારી સાથે હતો, છે અને એ સદાય સાથે રહેશે. જ્યારે પણ તું સ્ટેજ પર હશે ત્યારે એ છેલ્લી રૉમાં બેસીને તારા પર્ફોર્મન્સને જોઈ સહેજ અમસ્તા સ્મિત સાથે કહેશે, વાહ કેટી. મજા આવી ગઈ.
રસિકની જેમ જ પ્રિય પ્રેક્ષક પણ હંમેશાં તારી સાથે રહે એવી ઈશ્વરને અભ્યર્થના અને એ જ પ્રાર્થના, તું અડીખમ રહે અને તારી હિંમત સદા તારી સાથે રહે. રસિક સાથે તને જોઈ છે. ખૂબ આંખોમાં ભરી છે અને એટલે જ કહું છું, જોડી ઈશ્વર બનાવે અને ઈશ્વર જ એને વિખેરે, પણ યાદોમાં બનેલી તમારી આ જોડીને કોઈ વિખેરી શકવાનું નથી. તમે બન્ને સદા મારી ડાબી અને જમણી આંખની જેમ રહેવાનાં છો. રસિકનો અવાજ, તેનો ઉત્સાહ, ઘૂઘવાતા દરિયા જેવો તેનો ભર્યો-ભર્યો સ્વભાવ અને સંબંધો માટે ઓળઘોળ થઈ જવાની તેની ભાવના ક્યારેય વીસરાશે નહીં પણ એ બધા વચ્ચે એ પણ હંમેશાં યાદ રહેશે, શો મસ્ટ ગો ઑન.
યાદ કર ઑડિટોરિયમના બૅકસ્ટેજમાં ઘૂમેડાતો તેની તાળીનો અવાજ અને એ તાળીના અવાજ પછી આવતો તેનો સ્વર.
‘ચાલો, ફાસ્ટ... ફાઇનલ કૉલ આપી દઉં છું. એવરીવન સ્ટૅન્ડ બાય...’
કેતકી, જીવનના એક અધ્યાય પર કર્ટન પડ્યો છે પણ દુનિયા માટે. કહ્યું એમ, રસિક તારી સાથે જ છે અને એ સદાય સાથે રહેશે. એ તને મૂકીને ક્યાંય જાય જ નહીં. જઈ પણ શકે નહીં અને આ વાત તારાથી વધારે બીજું કોણ જાણે. હિંમત સાથે આગળ વધવાનું છે. વહાલા પ્રેક્ષકો પણ તારી સાથે જ છે, સદા માટે...
lll
જીવનમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે કે તમે થોડા સમય માટે બ્લૅન્ક થઈ જાઓ. એવું જ બન્યું હમણાં મારી સાથે, અમારી સાથે અને એ જ કારણે આજની વાતની શરૂઆત જ ત્યાંથી થઈ. રસિક દવે. સંબંધના દાવે જમાઈ પણ એ તો બહુ ટૂંકો સંબંધ થયો કહેવાય. તે દીકરાથી પણ વિશેષ અને મિત્રસમાન પણ ખરો. ‘બેન’નું સંબોધન તેની પાસે સાંભળું ત્યારે મન ભરાઈ આવે. મળીએ ત્યારે ઓળઘોળ થઈ જાય. હું આજે સ્વીકારીશ કે આ આત્મકથા લખવા માટે મને પ્રેરણા આપવાનું કામ કરનારા કેટલાક લોકોમાં એક રસિક પણ ખરો.  
આમ તો વર્ષો પહેલાં તેણે મારી વાત ‘મિડ-ડે’ સાથે કરાવી હતી. એ સમયે રસિકના એક નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં અને તેણે રિહર્સલ્સમાંથી મને ફોન કરીને વાત કરાવી હતી, પણ એ સમયે સમયની પાબંદીઓ વચ્ચે વાત આગળ વધી નહીં અને પછી સમય નીકળતો ગયો અને આવ્યું ૨૦૨૧નું વર્ષ અને ‘એકમાત્ર સરિતા’ની શરૂઆત થઈ. દરેક એપિસોડ તે વાંચે અને વાંચ્યા પછી તે મારી સાથે વાત પણ કરે. કોઈ એવી વાત ચાલતી હોય, જેના વિશે અગાઉ અમારે વાત થઈ હોય તો તે મને પણ એ વાત રીકૉલ કરાવે કે તમે ફલાણી ચર્ચાનો ઉલ્લેખ ટાળી કેમ દીધો, એ વાત કરો. લોકોને ગમશે.
ગયા મંગળવારનો આર્ટિકલ પબ્લિશ્ડ થયો ત્યારે મનમાં હતું કે કાશ, તેનો ફોન આવી જાય. કાશ, તેની સાથે વાત થઈ જાય, પણ...
ઈશ્વર સર્વોપરી છે, એની સામે ક્યાં કોઈનું ચાલ્યું છે તો આપણું ચાલે!
ઈશ્વરની આ સર્વોપરિતા સ્વીકારીને આગળ વધીએ અને ફરી એ જ દુનિયામાં જઈએ જે દુનિયામાં આપણે હતાં.
રેસકોર્સમાં જવાનો એ દિવસ અને એ દિવસે મોટાં ભાભીના મોઢેથી અનાયાસે નીકળેલો પેલો કામવાળી માટે બોલાતો શબ્દ.
કામવાળી મતલબ. બીજાનાં કામ કરતી મહિલા. અરે ભાઈ, સૌથી અઘરું કામ છે એ કરવું એ તો અને જગતઆખું આમ તો એ જ કરતું હોય છેને. તમે ઑફિસમાં કામ કરો છો તો તમારા સાહેબ માટે કરો છો. ધારો કે તમે પોતે ઑફિસના માલિક છો તો તમારા સાહેબ, તમારા ગ્રાહક થયા. દરેકેદરેક માણસ કામવાળો કે કામવાળી જ છે પણ એ બધામાં સૌથી અઘરું કામ જો કોઈ હોય તો એ ખરેખર આ ઘરકામ કરતી મહિલાઓનું કામ છે. બીજાના ઘરે જઈને તેના ઘરને ચોખ્ખું કરી દેવું, તેના ઘરનાં વાસણોને ચકચકિત કરી દેવાં અને એ કર્યા પછી બે પૈસા કમાવા. બહુ હિંમત જોઈએ એના માટે અને આ જે હિંમત છે એ હિંમત તો વાઇટ કૉલર લોકોમાં પણ નથી હોતી.
આજે માણસ એકબીજાનું એઠું ખાવા રાજી નથી હોતો. અરે, જમવા બેઠાં હોય ત્યારે હસબન્ડ અને વાઇફ એકબીજાની ચમચીને હાથ નથી લગાડતાં અને આ નાના માણસો, એ જ વાસણને હાથથી ઘસી-ઘસી એને તમારા માટે ફરી હાઇજિનિક બનાવે છે. આ જે ક્ષમતા છે એ ક્ષમતા ઈશ્વર બહુ ઓછા લોકોમાં આપતો હોય છે. મારા એક વાચકમિત્ર મેઇલ કરીને પૂછે છે કે તમે ક્યારેય ઘરનાં કામ કર્યાં છે?
ક્યારેય શું સાહેબ, આજે પણ હું કરું છું. રોજેરોજ. હા, ઉંમરના કારણે અમુક કામો હવે ટાળતી હોઉં છું તો જે પ્રકારે બહારના કામનું ભારણ હોય એ મુજબ ઘરનાં કામો થોડાં ઓછાં કરતી હોઉં છું, પણ એ કરવાનાં જ હોય અને આ મારું ઘર છે. મારા ઘરનું કામ મારે જ કરવાનું હોય એની મને સમજણ પણ છે. તમે માનશો નહીં, પણ મેં તો એવા-એવા લોકોને જોયા છે જે દેશમાં સર્વોચ્ચ સત્તાસ્થાન પર હોય, કંપનીમાં બહુ મોટી પોસ્ટ પર હોય અને એ પછી પણ તે પોતાનાં ઘરનાં કામો કરતી હોય. ઘરના કામમાં નાનપ ન હોવી જોઈએ એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે જ્યારે આંખ સામે બે કામ હોય ત્યારે તમારે નક્કી કરવાનું હોય કે કયું કામ વધારે મહત્ત્વનું છે અને કયા કામને કેટલું પ્રાધાન્ય તમારે આપવાનું છે. બાકી હા, આજે પણ ઘરનાં કામ હું કરું છું જ છું અને મને એમાં જરા પણ સંકોચ નથી અને હોવો પણ શું કામ જોઈએ?
મારું ઘર, મારી દુનિયા સ્વચ્છ અને ચોખ્ખી હોવી જ જોઈએ. એ વ્યવસ્થિત હશે તો જ મને પણ એ વાતાવરણમાં રહેવું ગમશે. 
lll
માણસ માટે એવું કહેવાય છે કે તેને બધું કર્મોથી જ મળે છે અને હું કહીશ કે હા, શીખવાનું પણ કર્મોને આધારિત જ હોય છે. મારાં કર્મો મુજબ નાનપણમાં સરસ્વતી મા મારા પર ખુશ હતી, પ્રસન્ન હતી પણ મને ભણવું ગમતું નહીં એટલે મા સરસ્વતીએ મને નાટકની સ્ક્રિપ્ટ દ્વારા ભણાવવાનું કામ કર્યું. સાસરે આવ્યા પછી એ નાટકોની સ્ક્રિપ્ટે પણ મને શીખવવાનું કામ કર્યું તો જે કંઈ ભણતર લીધું હતું એ બધાં ચૅપ્ટર પણ મને યાદ આવવાનાં શરૂ થયાં અને એના આધારે પણ શીખવાનું શરૂ થયું.
ધીરે-ધીરે ખટાઉ પરિવારની નજીક આવી, એ કુટુંબ વિશે પણ ખબર પડવાની શરૂ થઈ. ખબર પડી કે રાજકુમારે એક ફિલ્મ બનાવી હતી, જેમાં ઍક્ટ્રેસ શ્યામા હતી. એ ફિલ્મમાં બહુ બધી નુકસાની થઈ હતી. આ ઉપરાંત મોટા ભાઈનો કોઈ બિઝનેસ હતો, એમાં બધા ભાગીદાર પણ પછી જેમ-જેમ આવક વધતી ગઈ એમ બધા છૂટા પડવાના શરૂ થઈ ગયા. રાજકુમાર સૌથી નાનો ભાઈ અને તેને લીધે એ બહુ લાડકા પણ ખરા અને એટલે જ કદાચ મેં તેમને કામ વિશે વધારે વાતો કરતાં મેં કોઈને જોયા નહોતા.

આજે માણસ એકબીજાનું એઠું ખાવા રાજી નથી હોતો. અરે, જમવા બેઠાં હોય ત્યારે હસબન્ડ અને વાઇફ એકબીજાની ચમચીને હાથ નથી લગાડતાં અને આ નાના માણસો, એ જ વાસણને હાથથી ઘસી-ઘસી એને તમારા માટે ફરી હાઇજિનિક બનાવે છે. એ ક્ષમતા ઈશ્વર બહુ ઓછા લોકોમાં આપતો હોય છે.

columnists sarita joshi