સુશાંત પ્રકરણ લાંબી સિરિયલની જેમ આગળ વધતું અને ગુંચવાતું જાય છે

17 September, 2020 10:26 AM IST  |  Mumbai | Jayesh Chitalia

સુશાંત પ્રકરણ લાંબી સિરિયલની જેમ આગળ વધતું અને ગુંચવાતું જાય છે

પ્રતીકાત્મક તસવીર

સુશાંતની આત્મહત્યાથી લઈ હત્યા સુધી, શિવસેનાથી લઈ કંગના સુધી, પોલીસથી લઈ સીબીઆઇ સુધી; બિહાર, મહારાષ્ટ્રથી લઈ દિલ્હી સુધી, બૉલીવુડથી લઈ નાર્કોટિક્સ વિભાગ સુધી, મીડિયાથી લઈ પ્રજા સુધી, સ્થાપિત હિતોથી લઈ સત્તા સુધી, અનેક અવાજથી લઈ મૌન સુધી, આ સમગ્ર પ્રકરણમાં જે રીતે વાત આગળ વધી રહી છે એને ધ્યાનમાં રાખતાં આ વિષયમાં સત્યની હત્યા કરાશે કે સત્ય આ બધું જોઈ આત્મહત્યા કરી લેશે? એવા સવાલ થાય છે

બૉલીવુડના જાણીતા યુવા ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા, આત્મહત્યાનું કારણ ડિપ્રેશન! આ ઘટના સામે અનેક સવાલ. બૉલીવુડમાં અને દેશભરમાં ભારે ચર્ચા, સિનેપ્રેમીઓમાં દુઃખ અને ખેદની લાગણી. અનેક પ્રકારના પ્રતિભાવ. થોડા દિવસો પછી નવા સમાચાર, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા નહીં, બલકે હત્યા! ઓહો, આવું? કઈ રીતે, કોણે કરી, શું કામ કરી, રહસ્યના તાણાવાણા, તપાસ શરૂ. મુંબઈ (મહારાષ્ટ્ર) પોલીસ, બિહાર પોલીસ બન્ને તરફથી વિવાદ સાથે તપાસનું કામ ચાલુ. સુશાંતના કેસમાં તેના પરિવાર અને ચોક્કસ લોકો તરફથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મોટાં માથાંઓ સામે આરોપની આંગળીઓ ચિંધાઈ છે, ફરી બૉલીવુડમાં ચર્ચા વધુ ગંભીર બને છે. રાજકારણનાં મોટાં માથાંઓની સંડોવણીની ચર્ચા શરૂ થાય છે. સમાચારોમાં માત્ર અને માત્ર સુશાંત. દેશભરમાં ચર્ચા, વિશ્વના વિવિધ દેશોમાં પણ પ્રત્યાઘાત અને પ્રાર્થનાસભા દ્વારા સુશાંતને અંજલિ અને દેશમાં ન્યાય માટે અવાજ ફેલાઈને મોટો થતો જાય છે.


સીબીઆઇ અને નાર્કોટિક્સ વિભાગની એન્ટ્રી


થોડા વખત બાદ સુશાંતની ઘટનાની તપાસ માટે બે રાજ્યની પોલીસ વચ્ચે મતભેદ બહાર આવે છે. આ કેસમાં વિવિધ મોટા માથાની સાચી-ખોટી સંડોવણીની ચર્ચા ચગડોળે ચઢે છે, જેને શાંત કરી દેવામાં આવે છે. તેને બચાવવા તપાસમાં નબળાઈ અથવા કેસ દબાવી દેવાના આક્ષેપો બહાર આવવા લાગે છે. એક ઓછી જાણીતી અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ ચર્ચામાં આવે છે, જે સુશાંતની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી હતી. રિયા ચક્રવર્તી સામે અનેક પ્રકારના આરોપ લાગે છે. સુશાંતનાં નાણાં, સિક્રેટ, લવસ્ટોરી, રિલેશન, તેમના વિડિયો, ડ્રગ્સ કનેક્શન વગેરે જેવી વાતો ચ્યુઇંગ ગમની જેમ ચાવવાનું શરૂ થાય છે. સુશાંતની હત્યા કઈ રીતે થઈ એના કાલ્પનિક કે કથિત પુરાવા મીડિયા તેમ જ સોશ્યલ મીડિયા તરફથી બહાર આવવા લાગે છે. શા માટે હત્યા થઈ એની વાતો-અંદાજ-ધારણા-અફવા-તર્ક બહાર આવવા લાગે છે. ઘણા દિવસ બાદ આ કેસમાં ડ્રગ્સનું કનેક્શન હોવાની વાત બહાર આવતાં તપાસ માટે નાર્કોટિક્સ વિભાગની એન્ટ્રી થાય છે. આ વિભાગ દ્વારા રિયાની ધરપકડ થાય છે.
આ દરમ્યાન બહુ દબાણથી સીબીઆઇની તપાસ પણ શરૂ થઈ જાય છે. આ બધા વચ્ચે જાણીતી બોલ્ડ અભિનેત્રી કંગના રનોટની ધમાકેદાર એન્ટ્રી થાય છે. તે સુશાંતના કેસમાં હત્યા થઈ હોવાનું જાહેર નિવેદન સતત કર્યાં કરે છે. બૉલીવુડ અને રાજકારણના ચોક્કસ લોકો સામે આરોપ મૂકીને ગંભીર-વિવાદાસ્પદ ચર્ચા જગાવી દે છે. જ્યાં સુશાંતની બૉડી પોસ્ટમૉર્ટમ માટે લાવવામાં આવી હતી એ સરકારી હૉસ્પિટલના ડૉક્ટર-સ્ટાફ સામે સવાલ અને શંકા ઊઠે છે.


આખો મામલો રાષ્ટ્રીય મુદ્દો બન્યો


આમ આ આખો મામલો રાષ્ટ્રીય મુદ્દો બનતો ગયો છે. મીડિયાએ આ ઘટનાને વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનાવીને આગળ ચલાવી છે. આંચકાજનક યા નવાઈની વાત એ છે કે ટીવી ન્યુઝ ચૅનલોમાં પણ આ મામલે વિભાજન થઈ ગઈ છે. વિવિધ ચૅનલ જુદું-જુદું સત્ય બતાવી રહી છે. કોણ સાચું, કોને ખબર? ત્યાર બાદ મામલો નાર્કોટિક્સ વિભાગ સુધી પહોંચી જાય છે. બૉલીવુડની સંડોવણી આમાં પણ સક્રિય હોવાની ચર્ચા સિરિયસ આરોપ સાથે અને નામો સાથે બહાર આવી છે. આ ઘટનાના મુદ્દે પરસ્પર વિરોધ સાથે રાજકીય મામલો સતત ગરમ થતો રહ્યો છે, જે હાલમાં ક્ંા. સુધી પહોંચી ગયો છે એ સૌની સામે છે. કંગના રનોટનાં મહારાષ્ટ્ર, મુંબઈ, શિવસેનાના નેતાઓ સામેનાં વિધાનોએ બળતામાં ઘી હોમ્યું. કંગના સામે આ નેતાઓનાં વિધાનોએ, સત્તાધારીઓ દ્વારા કંગનાની ઑફિસને ગેરકાયદે ગણાવીને તેને તોડવાના પગલાએ આ વિવાદની આગમાં પેટ્રોલ રેડ્યું. એ પછી કંગના વધુ વિફરી અને તેનાં બિન્દાસ-બેધડક નિવેદનો ચાલુ થયાં. કંગનાએ શિવસેનાના વડા અને નેતા સામે સીધા સવાલો ઉઠાવ્યા, બંડ પોકાર્યો, અપશબ્દોનાં બાણ ચલાવ્યાં. કંગના સામે શિવસેનાના નેતા તરફથી પણ અપશબ્દો ઉચ્ચારાયા, એનો જાહેર વિરોધ કરાયો. કંગનાને મુંબઈમાં પ્રવેશવા નહીં દેવાય એવા નિવેદન બહાર આવતાં કેન્દ્ર સરકારે કંગનાને વાય કૅટેગરીની ઊંચી સુરક્ષા આપી. આ લખાય છે ત્યારે પણ શાબ્દિક યુદ્ધ, ડાયલોગબાજી, રાજકારણ, ચાલાકી, સ્થાપિત હિતોની રમત ચાલુ છે. સુશાંતના કેસમાં બિન્દાસ ઝુંબેશ શરૂ કરનાર કંગનાનો કેસ હાલ સુશાંત કરતાં પણ મોટો થઈ રહ્યો હોવાનું પ્રતિત થાય છે.
આરુષી તલવાર કેસની જેમઆ સમગ્ર પ્રકરણમાં સત્ય શું છે? ક્યાં છે, કોની પાસે છે, કોણ કહેશે, કોનું સત્ય ખરું માનવું? આ વિષય હવે ચક્રવ્યૂહ જેવો અટપટો બની ગયો છે. આ પ્રકારના સંવેદનશીલ કેસમાં તપાસ એજન્સી કેટલી સ્વતંત્ર હોય છે એ આપણે સૌ જાણીએ-સમજીએ છીએ. તેમ છતાં, તપાસ એજન્સીના અહેવાલની પ્રતિક્ષા તો રહેશે. હાલમાં તો આ કેસ આરુષી તલવાર કેસ જેવો રહસ્યમય બનતો જાય છે, જેમાં અનેકવિધ રાજકીય અને સામાજિક રંગ ઉમેરાતા ગયા છે. આમ પણ જ્યાં રાજકારણ, સત્તા અને મોટાં માથાં-સેલિબ્રિટીઝ સંકળાયેલાં હોય ત્યાં સત્યની વ્યાખ્યા પણ બદલાઈ જતી હોય છે.


મીડિયાની ભૂમિકા


સુશાંત પ્રકરણને અને એમાં આવતા રહેલા વળાંકોને આપણે છેલ્લા કેટલાય દિવસોથી સતત જોઈ રહ્યા છીએ. શું એક વ્યક્તિની હત્યા કે આત્મહત્યાના રહસ્યને શોધવામાં સીબીઆઇ જેવી સક્ષમ એજન્સીને આટલો સમય લાગે? આ તપાસ પહેલાં અને દરમ્યાન પણ મીડિયા ટ્રાયલ ચાલુ રાખે છે, ઘણી વાર આ મીડિયા ટ્રાયલ અતિરેક કરી નાખે છે, ક્યારેક એમ થાય કે મીડિયા આવો મામલો જોરશોરથી ન ઉપાડે તો સ્થાપિત હિતો એને દફનાવી દેવા માટે તૈયાર જ હોય છે. મીડિયા અન્યાય, શોષણ સામે ઝુંબેશ ચલાવે એ સારી બાબત ગણાય; પરંતુ મીડિયા કોઈના હાથનું રમકડું બની જુઠ્ઠાણાંનો ખેલ ચલાવ્યા કરે તો એ સમાજ માટે ભયંકર જોખમી બની જાય છે, જે અસત્યમેવ જ્યતે સુધી પહોંચી જાય અને અસત્યનો વિજય થાય ત્યારે અસત્ય સત્ય બની જાય છે, એ એની સૌથી મોટી કરુણતા હોય છે. જોકે અસત્ય સત્યનાં વસ્ત્રો પહેરીને બહાર આવે છે ત્યારે બહુ ઓછા લોકો એને સમજી કે ઓળખી શકે છે.


કોરોના કરતાં વધુ ગંભીર વાઇરસ


નવાઈની વાત એ છે કે હજી કોરોનાનો કેર ચાલુ છે એ વચ્ચે પણ સુશાંત પ્રકરણથી શરૂ થયેલી સત્ય-અસત્યની આ શ્રેણી સતત સમય સાથે વધુ રહસ્યમય બનતી જાય છે. આ મામલો તાજેતરમાં સંસદમાં સંસદસભ્ય જયા બચ્ચને કરેલા નિવેદન બાદ વધુ ફંટાય એવી શક્યતા છે. કારણ કે હવે આ વિષય બૉલીવુડ અને તેના પરના આક્ષેપ અને તેના બચાવ સુધી પહોંચી ગયો છે. આખું બૉલીવુડ ખરાબ કે ગંદું છે એવું ક્યારેય કહી શકાય નહીં. અમુક લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા હોઈ શકે. આ બાબત ગંભીર છે, કારણ કે ડ્રગ્સ નિમિત્તે બીજું ઘણું ખોટું થઈ શકે છે. સુશાંતની હત્યા-આત્મહત્યા બાદ રહસ્યોના પડદા ક્યાં અને કેટલાં ખૂલે છે એ હવે પોતે જ રહસ્યનો વિષય બની ગયો છે. કોરોના વાઇરસ લોકોના શરીરમાં પ્રવેશી જાય તો ૧૪થી ૨૮ દિવસ રહ્યા બાદ નીકળી પણ જાય છે, પરંતુ લોકોમાં રહેલાં જુઠ્ઠાણાં, દંભ, મદ, ધન, સત્તા, પ્રતિષ્ઠા, અભિમાન વગેરે જેવા વાઇરસ વરસોથી પ્રવેશેલા છે અને વધુ મજબૂત થતા ગયા છે, એને નીકળતા ક્યારેક આખી જિંદગી પણ નીકળી જાય છે. કોરોના સામેની વૅકિસન તો આજે નહીં તો કાલે શોધાઈ જશે, પણ આ કથિત મોટા-નામાંકિત-પ્રસિદ્ધ-સત્તાધીશ લોકોમાં રહેલા ઉપર્યુક્ત વાઇરસ માટે કોઈ વૅક્સિન છે ખરી? જો છે તો એને આપવા અને લેવા કેટલા લોકો તૈયાર થશે?

ઘણાની બોલતી બંધ થઈ ગઈ

કેટલાય મોટા લોકોની બોલતી હાલ બંધ થઈ ગઈ છે. કંઈ પણ બોલવામાં ફસાઈ જવાનો ભય છે. અસત્ય કરતાં સત્ય બોલવાનો ભય વધુ છે. જે બોલાય છે એમાં સત્ય છે એની ખાતરી કોણ આપી શકે? ઘણા શિવસેનાના ભયથી ચૂપ છે. ઘણા પોતાના કૅરિયરને અસર થશે એવા ડરથી મૌન છે. કંગનાના પક્ષમાં પ્રજાના મત વધી રહ્યા છે, જ્યારે કે સ્થાપિત હિતો તરફથી વિરોધના મત પણ વધારવામાં આવી રહ્યા છે. આ વિષયની લડાઈ સોશ્યલ મીડિયામાં જોરશોરથી ગતિમાં રહી છે. લાઇક સામે ડિસ્લાઇકની ઝુંબેશ ચાલુ થઈ છે. વિરોધનો આ નવો પ્રકાર છે. બૉલીવુડના કેટલાક લોકોના દિવસો તો હવે બગડ્યા જ છે અને હવે પછી વધુ બગડે તો નવાઈ નહીં.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

jayesh chitalia columnists