15 June, 2025 01:56 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
ઈશ્વર પોતે પ્રત્યક્ષ રીતે ઘરે હાજર નથી રહી શકતો એટલે તેણે માનું સર્જન કર્યું એ ઉક્તિ પ્રસિદ્ધ છે. એમાં ઉમેરી શકાય કે ઈશ્વર પ્રત્યક્ષ રીતે ઘરની બહાર રહી ઘર સંભાળી નથી શકતો એટલે તેણે પિતાનું સર્જન કર્યું. આજે એકવીસમી સદીમાં માતાપિતાની ભૂમિકા બદલાઈ ગઈ છે છતાં અર્થોપાર્જનની મૂળભૂત પરંપરા પિતાએ નિભાવવાની હોય છે. ફાધર્સ ડે નિમિત્તે પિતૃવંદના પણ કરીએ ને સાથે સંતાન તરીકે આપણી જ સામે થોડી ફરિયાદ પણ સાંભળીએ. ભારતી ગડા આશાયેશ પ્રસ્થાપિત કરે છે...
છે પિતાનો એ જ ખોળો ખાસ તો
સ્વર્ગનો જ્યાં થાય છે અહેસાસ તો
છે અમાસી રાત, ઘરમાં તે છતાં
ક્યાંકથી પણ લાવશે અજવાસ તો
ઘરમાં આર્થિક મુશ્કેલી આવે કે બાહ્ય જગત સાથે સંપર્ક કરી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય ત્યારે પિતાએ ઘરના મોભીની ભૂમિકા અદા કરવાની હોય છે. પિતા માટે અછત હૃદયમાં ચુભનનું કારણ બની શકે. મનમાં રંજ થાય કે અનેક પ્રયાસો છતાં ઘર ચલાવવાની જવાબદારીમાં પનો ટૂંકો પડે છે. નિષ્ઠા ગમે એટલી હોય, સંજોગો કોઈની સાડીબારી રાખતા નથી. દેવું કરીને સાંધાઓ પૂરી શકાય પણ આખરે એ ચૂકવવું તો પડે. રશ્મિ અગ્નિહોત્રી આ વ્યથા શબ્દસ્થ કરે છે...
દેવા કરતાં માથે એનું મોટું ભારણ હોય છે
લેણદારોના કટાક્ષો દિલ વિદારણ હોય છે
બાપ છે, હસતા મુખે મજબૂત થઈ રહેતો સદા
એનું અંદરખાને તો ફાટેલું પહેરણ હોય છે
પિતા પોતાના ચહેરા પરની ચિંતા ફૉર્વર્ડ કરતા નથી. સંતાનો સામે મોઢું ફેરવી બધું છુપાવી લે છે પણ જવાબદારી સામે મોઢું ફેરવી લેતા નથી. પોતાનાં સપનાંઓ ભૂંસતાં તેને આવડે છે. ત્યાં સુધી કે એનાં કોઈ સગડ પણ રહેવા દેતા નથી. મોટી જવાબદારી હેઠળ નાની ઇચ્છાઓ સહર્ષ દફન થવા દે છે. અંકિતા મારુ ‘જિનલ’ લખે છે એ વાત સાર્વત્રિક અનુભવ હશે...
પરસેવો પાડીને કાયમ પૈસા લઈને આવે
સૌથી ઓછો ખર્ચો ઘરમાં પપ્પાને નામે છે
ભારતમાં ગરીબ વર્ગની પોતાની હાલાકી છે તો સામે મધ્યમ વર્ગની પોતાની મજબૂરી છે. ટૂંકી આવકમાં ઝૂકી જવાની લાચારી ગમખ્વાર હોય છે. પ્રિયજનો આ સમજતા હોય પણ આયનો સમજવા રાજી નથી થતો. આયના સામે ઊભેલો બાપ પોતાના પ્રતિબિંબને હરાવી પણ નથી શકતો અને હસાવી નથી શકતો. ખાતર-પાણી ઓછાં હોય છતાં વૃક્ષ થઈને ટકી રહેવાનું કર્તવ્ય પિતાએ નિભાવવાનું હોય છે. સંજયસિંહ જાડેજા પિતાનો પ્રેમ આલેખે છે...
પાર તો સંસાર કરતા નાવ લૈ
સ્નેહ આપી જાય પોતે ઘાવ લૈ
ઝાડ ઊભું તાપ વર્ષો ઝીલવા
બાપ મીઠા જળની ઊભા વાવ લૈ
મોટે ભાગે બાપની બાની મીઠી નથી હોતી. તેને ખરાબ બનવું ગમતું નથી પણ ખરાબ બનવું પડે છે. પિતાની કડકાઈ સંતાનોને જોહુકમી લાગે છે. હિટલર નામની અર્થચ્છાયા સમજવા ઘરની બહાર જવાની જરૂર નથી. નાની ઉંમરને એ ખબર નથી હોતી કે એનું હિત શેમાં બ્રાઇટ છે અને શેમાં બ્લર છે. ડૉ. ભૂમા વશી આલેખે છે એ વાતનું ભાન સાન ખૂલે પછી થાય છે...
એ ધરોહર છે આ ઘરની, એ આ ઘરની હાશ છે
એ છે પાયો, એ દીવાલો, એ અહીં અજવાસ છે
લાડ કરતા, વ્હાલ કરતા, આંખને પણ લાલ કરશે
છે પિતા શ્રીફળ સમા પણ ભીતરે કુમાશ છે
મમ્મીનું કામ વહાલ કરવાનું અને પિતાનું આંખ લાલ કરવાનું હોય એવી સામાન્ય સમજણ છે. બન્ને જરૂરી છે. જિંદગીમાં મીઠાઈ પણ જોઈએ અને આરોગ્ય સાચવવા કડું કડિયાતું પણ જોઈએ. ડાયાબિટીઝ થાય પછી કડવાશની મહત્તા સમજાય. આપણે પપ્પા બનીએ પછી આપણા પપ્પાની વ્યથા પલ્લે પડે. મિતુલ કોઠારી એકરાર કરે છે...
બૂટ પપ્પાનાં શું માપનાં થઈ ગયાં
ખર્ચા મારા બધા ‘કાપ’ના થઈ ગયા
એક દી’ જે હતા સખ્ત વિરોધમાં
મારા વિચાર પણ ‘બાપ’ના થઈ ગયા
શૅરબજારની ભાષામાં કહીએ તો પિતા લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન છે. પિતાની ખરી મહત્તા કદાચ તેમના ગયા પછી જ થતી હોય છે.
લાસ્ટ લાઇન
હવે વાતાવરણ છે ગેરહાજર
અને જીવંત ક્ષણ છે ગેરહાજર
પિતા સાથે ગયું ક્યાં કોણ જાણે?
અમારું બાળપણ છે ગેરહાજર
- હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
આંખ ભીની છે, રૂંધાયેલો સાદ છે
કોને જઈને કહીશું કે ફરિયાદ છે
બાપની સંમતિનો હતો ક્યાં સવાલ?
બાપની સંપત્તિનો જ વિખવાદ છે
- ડૉ. પ્રણય વાઘેલા