જે શો પાડોશીના ઘરે બેસીને જોતો એ જ શો લાવવામાં નિમિત્ત બનવા મળ્યું

29 January, 2021 04:47 PM IST  |  Mumbai | Jamnadas Majethia

જે શો પાડોશીના ઘરે બેસીને જોતો એ જ શો લાવવામાં નિમિત્ત બનવા મળ્યું

જે શો પાડોશીના ઘરે બેસીને જોતો એ જ શો લાવવામાં નિમિત્ત બનવા મળ્યું

‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ.’
આ કેટલી જૂની અને જાણીતી કહેવત છે અને હું તો આ વાત હંમેશાં માનું છું. મારા લખાણમાં પણ તમને એ વાતનો અનુભવ થતો જ હશે, ખાસ કરીને સેવન્ટીઝ અને નાઇન્ટીઝની વાતો જ્યારે કરતા હોઈએ ત્યારે. મારા બાળપણનાં સંસ્મરણો અને ત્યારનો એ સમય અદ્ભુત હતો. એ પછી આવ્યા યુવાનીના દિવસો, એમ તો હું હજી પણ બધા વાળ સફેદ થઈ ગયેલો યુવાન જ લાગુ છું અને મનથી યંગ જ ફીલ કરું છું એ જુદી વાત છે, પણ અત્યારે આપણે આપણા મૂળ ટૉપિક પર આવીએ. મને આમ પણ વડીલો માટે ખૂબ માન, આદર અને પ્રેમ છે. તેમની સ્ટ્રગલની વાતોમાં અને એ વાતોમાં આવતાં તેમનાં મૂલ્યોમાં વાર્તાઓની વાર્તાઓ હતી અને છે. આજની પેઢીની જે સ્ટ્રગલ છે એ પણ એવી જ છે અને એને માટે આજના યુથને બિરદાવવો પણ પડે. આજકાલ પ્રલોભનનો રાફડો ફાટ્યો હોય છે અને કૉમ્પિટિશન તો ગળાકાપ કરતાં પણ વધારે ખતરનાક છે. એ બધાની વચ્ચે તેમણે સર્વાઇવ થવાનું પણ અત્યારે આપણી વાત થઈ રહી છે જૂના દિવસોની અને સમયની વાતોની.
આજની ભાગદોડમાં રહેતા માણસને જૂની વાતો વાગોળવાનો સૌથી સુંદર ફેઝ મળ્યો કોવિડ-19ને લીધે આવેલા પેન્ડેમિકના લૉકડાઉન વખતે. બધા પરિવારો સાથે બેસીને ઘરમાં જ વાતોએ વળગ્યા. જૂના ફોટો કાઢ્યા, એ ફોટો સાથે રહેલા દિવસોને યાદ કર્યા, એ બધી વાતો તાજી કરી તો એ બધા કરતાં પણ એક સ્ટેપ આગળનો ભાગ ભજવ્યો ડીડી એટલે કે દૂરદર્શન પર શરૂ થયેલી ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલે. શૂટિંગ બંધ થયાં અને એને લીધે આજની સિરિયલના નવા એપિસોડ પણ. લોકો ઘરમાં ને ઘરમાં તો એ શ્રેષ્ઠ સમય બની ગયો ઓલ્ડ ક્લાસિક સિરિયલ માટે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ માટે કહેવાતું કે રવિવારે સવારે ૯ વાગ્યે આ સિરિયલ શરૂ થાય એટલે બધા લગભગ ઘરમાં જ રહે અને ધારો કે બહાર જવાનું હોય તો જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી ટીવી સામે ગોઠવાઈ ગયા હોય. ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ વખતે હોય એવી જ કે પછી એના કરતાં પણ વધારે ઉત્કંઠાથી બધા સિરિયલ જોવામાં લાગી જાય. રવિવારની સવારે ૯ વાગ્યે એવું જ લાગે જાણે આખા દેશમાં કરફ્યુ લાગી ગયો હોય. સ્વેચ્છાએ લૉકડાઉન થઈ જાય અને માટે જ આ લૉકડાઉનમાં પણ યાદ આવી ગઈ કંઈક ક્લાસિક સિરીઝની. ટીઆરપીના રેકૉર્ડ તોડી નાખ્યા ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલે. એનાં અનેક કારણો છે, પણ એ કારણો પૈકીનું એક અગત્યનું કારણ, એ વખતે જે સાદાઈથી અને સુંદરતાથી વાર્તા કહેવાતી એ આજનાં સાસુ-વહુના હાઈ-ડ્રામા વચ્ચે ખોવાઈ ગઈ હતી. બધી ચૅનલોની આવા ખોટા પેંતરા અને કાવતરાંવાળી સિરિયલની ટીઆરપી નીચે પડવા માંડી, લોકોની જિંદગીમાં જ એટલો સાચો ડ્રામા ચાલતો હતો કે કોઈને એ ખોટા ડ્રામાની પડી જ નહોતી કે પછી એની કોઈ અસર થતી નહોતી.
ઝઘડા-કંકાસ અને કજિયાથી દૂર રહેવું છે અને સારું ટેલિવિઝન જોવું છે એવું લોકોએ, દર્શકોએ નક્કી કરી નાખ્યું હતું. અમને પણ બહુ મજા પડી. કારણ, અમારી, એટલે કે હૅટ્સ ઑફ પ્રોડક્શન્સની આઠ સિરિયલ લૉકડાઉનમાં રિપીટ થઈ અને વેબ-સિરીઝ દેખાડતી ઓટીટી પ્લૅટફૉર્મ પર પણ એ ખૂબ જોવાઈ. ‘ખીચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘બા, બહૂ ઔર બેબી’, ‘જશુબહેન જયંતીલાલ જોશી કી જૉઇન્ટ ફૅમિલી’, ‘એક પૅકેટ ઉમ્મીદ’, ‘મિસિસ તેન્ડુલકર’, ‘બડી દૂર સે આયે હૈં’ અને ‘ભાખરવડી’. ખૂબ જોવાઈ અને લોકોએ ખૂબ વખાણી. વર્ષોથી કરેલાં સારાં કામની ગુડવિલ આજ સુધી મળી જ છે પણ એ ગુડવિલ વધી અને એટલે જ અમારી જવાબદારી પણ વધી કે હવે એવો કોઈ શો લાવીએ જે અમારા દર્શકોને બધી રીતે સંતોષ આપે. જીવનમાં ઉત્સાહ લાવે અને સાથે આશા આપે, હોપ લાવે. મનોરંજન અને સાથોસાથ એમાંથી ઇન્સ્પિરેશન પણ મળે. બસ, આમ પૉઝિટિવ ક્વૉલિટીનો વિચાર શરૂ થયો અને અમારી તકદીર જુઓ.
સાચો વિચાર રાખીએ તો ઈશ્વર કેવો સાથ આપે કે તમે કલ્પના પણ ન કરી હોય ત્યાંથી શ્રેષ્ઠ તક ઊડીને તમારી ઝોળીમાં આવી પડે. મેં અને આતિશ કાપડિયાએ ચારથી પાંચ સારા-સારા કન્સેપ્ટ બનાવ્યા અને સોની સબ ટીવીના બિઝનેસ-હેડ નીરજ વ્યાસને સંભળાવ્યા. એક-બે મહિનાની ગડમથલ પછી ત્રણ વિષય પર નક્કી કર્યું કે આમાંથી એક પ્રોજેક્ટ કરીએ અને બીજા દિવસે મીટિંગમાં ફાઇનલ કરી આગળ વધીએ. બધું નક્કી થવા પર હતું અને નક્કી કરવાના દિવસની આગલી રાતે મોડો-મોડો નીરજ વ્યાસનો મને ફોન આવ્યો,
‘જેડી, ‘વાગ્લે કી દુનિયા’ વિશે તને શું લાગે છે?’
મેં જવાબ આપ્યો ઃ ‘મને કાલ સુધીનો સમય આપો.’
આખી રાત વિચાર કરતો રહ્યો અને સવારે વહેલા ઊઠીને ફોન કર્યો આર. કે. લક્ષ્મણનાં પુત્રવધૂ ઉષા લક્ષ્મણને. ઉષા લક્ષ્મણ હવે લક્ષ્મણસાહેબના ક્રીએશન્સનું એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીઝનું કામકાજ સંભાળે છે. તેઓ ઑલરેડી મારા સંપર્કમાં હતાં જ અને મેસેજિસથી અમારી ક્યારેક વાતો પણ થતી. સવારે મેં ફોન કર્યો. હું કંઈ કહું એ પહેલાં તો તેમણે મને સામેથી કહ્યું કે આર. કે. લક્ષ્મણના ક્રીએશન્સ એવા ‘વાગ્લે કી દુનિયા’ના જૂના ૧૯ એપિસોડના રાઇટ્સ તેમની પાસે છે અને તેઓ એ ક્યાંક ટેલિકાસ્ટ કરવા માગે છે. તેમની વાત સાંભળીને મેં તેમને કહ્યું કે જમાનો બદલાયો છે તો આપણે એને જરા જુદી રીતે જોઈએ અને માત્ર ૧૯ નહીં, ૧૯૦૦ એપિસોડ કેવી રીતે બને એના પ્રયત્ન કરીએ અને આ ૨૦૨૧નું વર્ષ આપણે કેવી રીતે ‘વાગ્લે કે દુનિયા’ થકી સેલિબ્રેટ કરીએ એના પર વિચાર કરીએ. વિચારોની દુનિયા ખૂલી અને ઉષા લક્ષ્મણ તથા આર. કે. લક્ષ્મણની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીનું કામકાજ સંભાળતી કંપનીમાં જે ડિરેક્ટર છે નંદુ જાદવ સાથેની જહેમત પછી આજે, વી આર હિયર.
આ વાતો અમારી નવેમ્બરના મધ્યમાં થઈ હશે. વાતો થઈ, ‌વિચારણા થઈ, એ વિચારને પેપર પર લેવાનું કામ થયું અને અને ડિસેમ્બરમાં તો સેટ બની ગયો. શૂટિંગ શરૂ થઈ ગયું અને સોમવારે આઠમી ફેબ્રુઆરીએ રાતે ૯ વાગ્યાથી સોની સબ પર સિરિયલ તમારા ઘરમાં હશે. બધું મૅજિકની જેમ આગળ વધ્યું અને પૂરું થયું. કાસ્ટ‌િંગ, વાર્તા અને બીજું બધું એટલું દિલચસ્પ છે કે મારા માનવામાં નથી આવતું કે આ થઈ રહ્યું છે. શું કામ મને આવો તાજ્જુબ છે એની વાત કરવા માટે તમને હું મારા નાનપણની વાત કહું. મેં નાનપણમાં જોયો એવો સમય તમારામાંથી પણ ઘણા લોકોએ જોયો હશે.
એ સમયે બધાના ઘરે ટીવી નહોતાં એટલે ટીવી જોવા માટે આપણે બીજા લોકોના ઘરે જતા. મેં પણ ઘણા પ્રોગ્રામ એવી જ રીતે બીજાના ઘરે જોયા છે. એ પ્રોગ્રામમાં ‘વાગ્લે કી દુનિયા’ પણ આવી ગયો. હા, હું એ સિરિયલ જોવા પાડોશીને ત્યાં જતો. એ સમયે સપનેય કલ્પના નહોતી કે જે પ્રોગ્રામ હું પાડોશીના ઘરે બેસીને જોઈ રહ્યો છું અને ઈશ્વર એવી કૃપા વરસાવશે કે એ જ પ્રોગ્રામને ફરીથી લાવવા માટે હું નિમિત્ત બનીશ અને એ પાછો આવશે, લોકોના ઘરે-ઘરે ટીવી પર જોવાશે. આ લખતાં પણ અત્યારે મારા રૂંવાડાં ઊભાં થઈ રહ્યાં છે, મારી આંખો ભરાઈ રહી છે. હું મારા જીવનમાં હંમેશાં ઈશ્વરનો કૃતજ્ઞ રહ્યો છું, જીવનમાં જેકંઈ સારાં કામ કરવાની તક મળી છે એ બધા માટે હું ઈશ્વરનો પાડ માનું એટલો ઓછો છે. મારાં માબાપના સંસ્કાર, પ્રેમ અને તેમના આશીર્વાદનો માનું એટલો આભાર ઓછો ગણાશે અને સાથોસાથ તમારા જેવા મારા ચાહકો અને અમારા દર્શકોનો જેમણે હંમેશાં એટલો પ્રેમ અને એટલા આશીર્વાદ આપ્યા છે કે આ બધું શક્ય બન્યું અને હું અને આતિશ આ પ્રોગ્રામ તમારા સુધી લાવી શક્યા છીએ. આ બધું થયું પણ કયા કારણસર, તમારા જેવા દર્શકોની પ્રાર્થનાઓ, આર. કે. લક્ષ્મણની ઇચ્છા, ઈશ્વરની કૃપા અને ‘વાગ્લે કી દુનિયા’ સાથે સંકળાયેલી એકેક વ્યક્તિની મહેનત. આ બધાના સરવાળાથી કેવો રંગ આવશે એ તો આપણે ૮ ફેબ્રુઆરી પછી જોઈશું પણ એ પહેલાં મારે હજી તમને ઘણી વાતો કરવાની છે. એ વાતો સાંભળવા તમે કેટલા આતુર છો એની મને નથી ખબર, પણ એ બધી વાતો કરવા હું તમારા કરતાં પણ વધારે આતુર છું.
ફરી મળીએ આવતા શુક્રવારે.

JD Majethia columnists