દુકાનોનાં બોર્ડ મરાઠી ભાષામાં જ રાખવાના નિયમને હમણાં હોલ્ડ પર રાખવો જોઈએ

14 January, 2022 11:24 AM IST  |  Mumbai | Bhavini Lodaya

આ વાતને પૉઝિટિવલી લઈ દરેકે સરકારના આ પગલાને સમર્થન આપવું જોઈએ અને પોતાની માતૃભાષાને જીવંત રાખવી જોઈએ. પરંતુ સરકારે બનાવેલા આ નિયમને હમણાં વર્તમાન સંજોગોમાં હોલ્ડ પર રાખવો જોઈએ.

ફાઇલ તસવીર

છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે સરકાર તરફથી અઢળક નિયમો આવતા ગયા અને લોકો દરેક બદલાવને સ્વીકારીને સહકાર આપી રહ્યા છે. સામાન્ય માણસોએ નોકરી-ધંધામાં અને દુકાનદાર અને નાના વેપારીઓએ પણ લૉકડાઉનનો સૌથી મોટો માર ખાધો છે. એમ છતાં રોજ કંઈક નવા નિયમો આવે છે જે લોકોના સામાન્ય જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે એવા હોય છે. જેમ કે બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે હવેથી ફરજિયાતપણે દુકાનોનાં બોર્ડ મરાઠી ભાષામાં જ હોવાં જોઈએ.
સરકારે જાહેર કરેલો મરાઠી ભાષાના બોર્ડનો નિયમ સારો છે; એનાથી મહારાષ્ટ્રની માતૃભાષા અખંડ રહેશે, એનું મહત્ત્વ જળવાશે. વિવિધ ભાષાના લોકોના વસવાટ ધરાવતી મુંબઈ નગરીમાં રહેનાર લોકો આ નિયમને કારણે મરાઠી ભાષાનું વાંચન કરશે. માતૃભાષા જીવતી રહે એવા સરકારના આ પગલાનો તમામ લોકોએ સ્વીકાર કરવો જોઈએ. દરેક પ્રાંત પોતાની ભાષાને મહત્ત્વ આપશે તો માતૃભાષા કદી મરશે જ નહીં. ગુજરાતમાં પણ દરેક બોર્ડ ગુજરાતીમાં છે તો આમચી મુંબઈ પોતાની મીઠી ભાષાને પાછળ કેમ મૂકે? આ વાતને પૉઝિટિવલી લઈ દરેકે સરકારના આ પગલાને સમર્થન આપવું જોઈએ અને પોતાની માતૃભાષાને જીવંત રાખવી જોઈએ. પરંતુ સરકારે બનાવેલા આ નિયમને હમણાં વર્તમાન સંજોગોમાં હોલ્ડ પર રાખવો જોઈએ.
સરકારે વિચારવું જોઈએ કે લોકોને હજી બીમારી અને મંદીમાંથી બહાર નીકળી સામાન્ય જીવન જીવવા માટે સમય લાગશે. આર્થિક રીતે ભાંગી પડેલા કામધંધા અને વેપાર હજી સધ્ધર થયા નથી. દુકાનદારોએ એક બોર્ડ પાછળ ૫૦-૬૦ હજાર રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે. ફ્લેક્સ બોર્ડ ટકતાં નથી અને જે વેપારીએ ખૂબ જ નાના પાયે દુકાન શરૂ કરી હોય તેમના માટે તો ફ્લેક્સ બોર્ડનો ખર્ચો પણ હાલના સંજોગોમાં પરવડે એમ નથી. એટલે સરકારે આ વાતની ખાસ નોંધ લેવા જેવી છે. હાલના સમયમાં કોરોનામુક્ત થઈ લોકો આર્થિક રીતે મજબૂત કઈ રીતે થશે એ વાત પર લક્ષ્ય કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે. સાઇન બોર્ડનો વિષય થોડો સમય પછી અમલીકરણમાં મૂકીશું તો કંઈ મોટી આફત નથી આવવાની. અત્યારના સમયમાં સર્વાઇવલ અને વિકાસ માટે જરૂરી મૂળ વિષયોથી ભટકીને બીજા વિષય પર કૂદવાની જરૂર નથી. હાલની પ્રાયોરિટી સમજીને એ મુજબ અગ્રિમતા નક્કી કરવાની જરૂર છે. હું સરકારને ખાસ અપીલ કરીશ કે તાત્કાલિક આ નિયમને લાગુ કરવાની ઉતાવળ ન કરે. હાલની પરિસ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી નિયમના અમલીકરણને હોલ્ડ પર રાખે. 

શબ્દાંકન : ભાવિની લોડાયા

columnists