14 January, 2025 11:13 AM IST | Mumbai | Darshini Vashi
મકરસંક્રાન્તિ : દાન અને સ્નાનનો મહિમા અપરંપાર
ઉત્તરાયણ પહેલાંના કેટલાક દિવસો કમુરતાંના કહેવાય અને હવે પછીથી શુભ કાર્યોની શરૂઆત થશે. નવા વર્ષનો આ સૌથી પહેલો ઉત્સવ છે જેમાં પૌરાણિક શાસ્ત્રોમાં પણ આ દિવસે શું કરવું અને શું નહીં એની ગાઇડલાઇન્સ આપેલી છે. સોશ્યલ મીડિયામાં ઘણા ડૂઝ ઍન્ડ ડોન્ટ્સ ફરી રહ્યા છે ત્યારે જાણીએ કેટલીક પરંપરાઓ પાછળનું માહાત્મ્ય અને એ પરંપરાઓની સાચી રીત
હિન્દુ ધર્મમાં મકરસંક્રાન્તિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાન્તિ ઊજવવામાં આવે છે. તેમ જ એ નવા વર્ષનો પ્રથમ તહેવાર પણ છે. મકરસંક્રાન્તિને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. ભલે એને ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવતો હોય જેમ કે ગુજરાતમાં ઉત્તરાયણ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં ખીચડી, ઓડિશામાં મકર ચૌલા, રાજસ્થાનમાં સક્રાત, ઉત્તરાખંડમાં ઘુઘુટી અને દક્ષિણ ભારતમાં પોંગલ, પણ એનું માહાત્મ્ય બધે ખૂબ જ છે એટલે શાસ્ત્રીય મહત્ત્વ સાથે વિવિધ પ્રકારનાં દાનદક્ષિણા અને પુણ્યકાર્ય પણ એટલાં જ કરવામાં આવે છે. જેમ બાર ગામે બોલી બદલાય એમ મકરસંક્રાન્તિમાં શું કરાય અને શું ન કરાય એ વિશે પણ લોકોમાં અલગ-અલગ માન્યતાઓ અને રિચ્યુઅલ છે ત્યારે જાણીએ મકરસંક્રાન્તિના દિવસે શું કરવું અને શું ન કરવું એ વિશેની માન્યતાઓ.
મકરસંક્રાન્તિ પર શું કરવું?
મકરસંક્રાન્તિના દિવસે કેટલાંક ખાસ કામ કરવાથી શુભ ફળ મળે છે એવું કહેવામાં આવે છે અને મહત્તમ લોકો એને અનુસરે પણ છે.
સૂર્ય અર્ઘ્ય : તાંબાના વાસણમાં પાણી લઈ એમાં લાલ ફૂલ અને તલ નાખી સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવામાં આવે છે.
તલ અને ગોળનું દાન : આ દિવસે તલ અને ગોળનું સેવન અને દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દાન કડવાશને મીઠાશમાં બદલવાનું પ્રતીક છે.
ખીચડીનો પ્રસાદ : ઉત્તર ભારતમાં સૂર્ય ભગવાનને ખીચડી અને તલ-ગોળ અર્પણ કરવામાં આવે છે.
મંત્રનો જાપ : ઓમ સૂર્યાય નમઃ। અથવા ઓમ નમો ભગવતે સૂર્યાય। મંત્રનો જાપ કરવામાં
આવે છે.
દાન : આ દિવસ દાન માટે આદર્શ માનવામાં આવતો હોઈ જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને પૈસાનું દાન આપવામાં આવે છે.
સ્નાનનું મહાત્મ્યઃ કહેવાય છે કે મકરસંક્રાન્તિના દિવસે ગંગામાં સ્નાન કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
ધાર્મિક માન્યતાઓની પાછળ સચોટ કારણ
મકરસંક્રાન્તિ નિમિત્તે આચરાતી પરંપરાઓ વિશે કર્મકાંડી બ્રાહ્મણ નીરજ ઉપાધ્યાય કહે છે, ‘મકર સંક્રાન્તિ પર લોકો કાળા રંગનાં કપડાં પહેરે છે. માનવામાં આવે છે કે કાળો રંગ શનિનો હોય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને મકર રાશિ શનિનું પ્રભુત્વ ધરાવતી રાશિ છે. કાળો રંગ શનિદેવને પ્રિય છે એટલે જો આ દિવસે કાળા રંગનું દાન કરવામાં આવે તો શનિદેવને તમે અપર્ણ કરો છો એવું થાય. તેથી લોકો આ દિવસે કાળાં વસ્ત્રો પહેરે છે અને સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો કાળો રંગ પોતાનામાં બધું સમેટી શકે છે, તેથી જ્યારે લાંબા શિયાળા પછી સૂર્ય બહાર આવે છે ત્યારે કાળાં કપડાં પહેરવાથી શરીરને સૂર્યનાં કિરણો મળી શકે છે. આ દિવસે તલનું મહત્ત્વ વધારે છે, જેનું કારણ એ છે કે આ દિવસથી દિવસનો કાળ એક તલ જેટલો રોજ વધતો જાય છે અને તલ વિષ્ણુ ભગવાનને પણ એટલા જ પ્રિય છે. બીજું, દરેક પ્રાંતના રીતરિવાજો અલગ-અલગ હોય છે. કોઈ પ્રાંતમાં શુભ દિવસમાં ખીચડી કે ખીચડો બનાવવામાં આવે છે તો કોઈ પ્રાંતમાં કે કોઈ સમુદાયમાં શુભ દિવસમાં ખીચડી બનાવવામાં આવતી નથી. આજે દરેક શહેરમાં અલગ-અલગ કાસ્ટ અને પ્રાંતના લોકો રહે છે અને દરેક જણનો રિવાજ અલગ હોય છે. સોશ્યલ મીડિયા પર કે પછી વર્તમાનપત્રોમાં એકાદ પ્રાંતની પરંપરા વિશે આવે એટલે લોકોને એમ લાગે કે આપણે તો આમ નથી કરતા, હવે શું કરીશું? એટલે બધું ફૉલો કરવાને બદલે તમારા કુટુંબમાં, તમારા ગામમાં અને તમારી કાસ્ટમાં જે રીતે રીતરિવાજો કરવામાં આવતા હોય એ રીતે જ કરવું.’
સોશ્યલ મીડિયા લોકોને કન્ફ્યુઝ કરે છે
સોશ્યલ મીડિયાને લઈને ધાર્મિક કર્મકાંડો બાબતે ઊભી થતી ગૂંચવણ વિશે નીરજ મહારાજ કહે છે, ‘જ્યારથી સોશ્યલ મીડિયા સક્રિય બની ગયું છે ત્યારથી લોકો રિવાજો અને ધાર્મિકો બાબતો વિશે પંડિત કે મહારાજ પાસેથી ઓછી અને અહીંથી વધારે માહિતી મેળવે છે જેને લીધે તેઓ કન્ફ્યુઝ થઈ જાય છે. દાનને કલર અને વસ્તુ સાથે કોઈ લેવાદેવા નથી. બસ, સાચા જરૂરતમંદ સુધી તમારું દાન પહોંચે એ વધુ મહત્ત્વનું છે. હા, પણ કોઈ ગ્રહ નડતા હોય કે કોઈ દોષ હોય તો એ પ્રમાણે દાન કરવું પડે એ વસ્તુ અલગ છે, બાકી દાન કરવા બાબતે કોઈ મૂંઝવણમાં મુકાવાની જરૂર નથી. મકરસંક્રાન્તિ નવા વર્ષનો પહેલો તહેવાર તો છે જ સાથે દાન આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ પણ છે. અગિયારસ કે પછી કોઈ મોટી તિથિના દિવસે દાન કરવાથી એટલું પુણ્ય નથી મળતું જેટલું પુણ્ય મકરસંક્રાન્તિના દિવસે દાન કરવાથી મળે છે.’
દાનનો મહિમા છે, પણ શું દાન ન કરવું જોઈએ?
અર્ઘ્યની સાથે સૂર્યસ્નાન પણ જરૂરી
આમ તો સૂર્ય વર્ષમાં બાર વાર રાશિ બદલે, પણ ધન રાશિમાંથી મકરમાં પ્રવેશતાંની સાથે જ સૂર્યની ગતિ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની થાય અને આ તબક્કો આધ્યાત્મિક રીતે પૉઝિટિવ સ્પંદનોનો સંચાર કરે છે. દરેક સંક્રાન્તિકાળની સાથે ઋતુચક્ર પણ બદલાય છે, જે પૃથ્વી પરના વાતાવરણની સાથે-સાથે તનના સ્વાસ્થ્ય પર પણ અસર કરે. આયુર્વેદમાં કહેવાય છે કે ઋતુ મુજબ દિનચર્યા રાખીએ તો સદા સ્વાસ્થ્ય જળવાઈ રહે. આ દિનચર્યાનો એક મહત્ત્વનો હિસ્સો છે સૂર્યનાં કિરણોનું પાન કરવું. ઠંડકને કારણે ઘરમાં જ સંકોરાઈને બેસી રહેવાયું હોય ત્યારે વહેલી સવારે સૂર્યસ્નાન કરવું એ પણ ઉત્તરાયણની પરંપરાનો એક ભાગ છે. એ જ કારણોસર કદાચ પતંગ ચગાવવાની પરંપરા પડી હશે જેમાં લોકો અગાસીઓ પર ચડીને સૂર્યની તરફ નજર કરીને બેસે છે. અલબત્ત, સૂર્યનાં કિરણોનું પાન માત્ર ૧૧થી ૧૨ વાગ્યા સુધી જ કરવું. મૉડર્ન સાયન્સ કહે છે એ મુજબ કુમળાં સૂર્યકિરણોથી શરીરમાં વિટામિન D બને છે, જે હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે બહુ મહત્ત્વનું છે.