આપણો ભારત દેશ છે પથ્થરોની બાબતમાં સૌથી વધારે નસીબદાર

25 August, 2024 01:54 PM IST  |  Mumbai | Chandrakant Sompura

તામિલનાડુના તંજૌરમાં આવેલું રાજરાજેશ્વરમ્ મંદિર વિશ્વનું પહેલું અને એકમાત્ર મંદિર છે જે આખું ગ્રેનાઇટથી બન્યું છે

રાજરાજેશ્વરમ્ મંદિર

અગાઉ કહ્યું એમ પથ્થરની બાબતમાં ભારત બહુ નસીબદાર દેશ છે. ભારતમાંથી અમુક પથ્થરો તો ઇમ્પોર્ટ પણ મોટી માત્રામાં થાય છે. એમાં મકરાણા માર્બલ અને સૅન્ડસ્ટોન એટલે કે બંસી પહાડપુરનો પથ્થર સૌથી મોટી સંખ્યામાં છે.

પથ્થરોની વાત કરતા હોઈએ ત્યારે આપણે ગ્રેનાઇટની વાત ન કરીએ એ બરાબર નથી. ગ્રેનાઇટ મોટા ભાગના દેશોમાંથી મળે છે, પણ આપણે ત્યાં જે ક્વૉલિટીનો ગ્રેનાઇટ મળે છે એ ભાગ્યે જ અન્ય દેશોમાં જોવા મળે છે. આપણે ત્યાંથી મળતા ગ્રેનાઇટમાં ક્વાર્ટ‍્ઝ અને ફેલ્સ્પારના સારી ક્વૉલિટીના હોય છે. અતિશય ગરમીને કારણે ગ્રેનાઇટનું સંયોજન ઊભું થાય છે જે કાળક્રમે ઠંડો પડતાં ગ્રેનાઇટના પથ્થરનું નિર્માણ થાય છે. ગ્રેનાઇટનો સૌથી પહેલો ઉલ્લેખ ઇટલીના ઇતિહાસકારના એક પુસ્તકમાં જોવા મળ્યો હોવાનું કહેવાય છે. પથ્થરોની બાબતમાં આપણા શિલ્પકારો જેટલા દૂરંદેશી પણ કોઈ નથી.

અગાઉના સમયમાં રફ ગ્રેનાઇટમાંથી નીકળતા ક્વાર્ટ‍્ઝને કારણે ઊભી થતી નયનરમ્ય કલાકૃતિને વિશ્વભરમાં લોકો સાચવી રહ્યા હતા ત્યારે ભારતમાં શિલ્પકારો એ ગ્રેનાઇટનો બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે એ દિશામાં કામ કરવા માંડ્યા હતા. ભારતીય શિલ્પકારોની આ જ ખૂબીને કારણે ભારતીય વાસ્તુશાસ્ત્રીઓએ દુનિયાનું પહેલું ગ્રેનાઇટથી બનેલું મંદિર ભેટ ધર્યું.

તામિલનાડુના તંજૌરમાં આવેલું રાજરાજેશ્વરમ્ મંદિર દુનિયાનું પહેલું મંદિર છે જે આખું ગ્રેનાઇટથી બનેલું છે. ૧૩ મજલાના આ મંદિરની અનેક ખાસિયતો છે. આ મંદિર દુનિયાનું એકમાત્ર મંદિર છે જેનું પ્રતિબિંબ પૃથ્વી પર પડતું નથી. એમાં કોઈ કુદરતી ખૂબી નથી, પણ એ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પકારોની ખૂબી છે. રાજરાજેશ્વરમ્ મંદિરનો ગુંબજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે સૂર્યનાં કિરણો દરેક તબક્કે એના મધ્ય ભાગમાં જ રહે તો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આ મંદિરની દીવાલો પર જ એનાં કિરણો પડે, જેને લીધે મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર પડતો નથી.

રાજરાજેશ્વરમ્ મંદિરના ગુંબજની બીજી એક ખૂબી કહું. અંદાજે ૨૨૦૦ ટન વજન ધરાવતા આ ગુંબજને એક જ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હા, એક જ પથ્થરમાંથી. સામાન્ય રીતે ગુંબજનાં અલગ-અલગ સ્ટેપ્સ હોય એ બધાં અલગ-અલગ પથ્થરમાંથી બને અને પછી એને એક કરવામાં આવે, પણ રાજરાજેશ્વરમ્ મંદિરમાં એક જ પથ્થરનો ગુંબજ છે. ગ્રેનાઇટથી બનેલું વિશ્વનું પહેલું અને એકમાત્ર મંદિર એવું રાજરાજેશ્વરમ્ અગિયારમી સદીમાં બન્યું. એ સમયે તો વજન ઉપાડવા માટે કોઈ પ્રકારની સુવિધા પણ નહોતી. જરા વિચારો કે એ સમયે ૨૨૦૦ ટનનો ગુંબજ કેવી રીતે મંદિરની ઉપર લઈ જવામાં આવ્યો હશે અને કેવી રીતે એની સ્થાપના કરવામાં આવી હશે!

૬૬ મીટર ઊંચા આ મંદિરમાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવી છે. કોઈને પણ વિચાર આવે કે જે સમયમાં બંસી પહાડપુરના પથ્થરોના મંદિરની બોલબાલા હતી એ સમયે ગ્રેનાઇટના મંદિરનો વિચાર કેવી રીતે આવ્યો હશે? આ જ પ્રશ્ન મને પણ થયો હતો, પણ એનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં એટલે હું એ અનુમાન પર આવ્યો કે તામિલનાડુમાંથી મળતા ગ્રેનાઇટને પૉપ્યુલર કરવાના ભાવથી એનું જ આખું મંદિર બનાવવાનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હોઈ શકે.

આજે ગ્રેનાઇટનો ઉપયોગ ઘરથી માંડીને ઑફિસમાં પણ વધ્યો છે અને ગ્રેનાઇટને વધારે મૂલ્યવાન માનવામાં આવે છે, પણ હું કહીશ કે માર્બલ જેવું ઉમદા કામ બીજો કોઈ પથ્થર ન આપે. ગ્રેનાઇટ પર કરવામાં આવેલું પૉલિશિંગ લાંબો સમય અકબંધ રહેતું હોવાથી હવે કદાચ એનો વપરાશ ઘર/ઑફિસમાં વધ્યો હશે એવું ધારી શકાય.

columnists gujarati mid-day culture news religious places tamil nadu