સકારાત્મકતા જ શક્તિ - (લાઇફ કા ફન્ડા)

05 December, 2019 01:33 PM IST  |  Mumbai | Heta Bhushan

સકારાત્મકતા જ શક્તિ - (લાઇફ કા ફન્ડા)

એક ગામમાં બે સંત એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. રોજ સવારે વહેલા ઊઠે અને પૂજાપાઠ, ધ્યાન કરે પછી હરિ નામ લેતાં-લેતાં આજુબાજુનાં ગામમાં ભિક્ષા માગે અને જે મળે એ લઈને સાંજે ઝૂંપડીમાં પાછા ફરે. ત્યાર બાદ ભોજન બનાવે અને જમીને હરિનામ લેતાં-લેતાં સૂઈ જાય. આમ દરરોજ આખો દિવસ પ્રભુભક્તિમાં લીન રહે.

એક દિવસ બન્ને સંત વહેલી સવારે થોડે દૂરના ગામમાં ભિક્ષા માગવા નીકળી ગયા. સાંજે આવતાં-આવતાં મોડું થયું. સંતોના ગામમાંથી નીકળ્યા બાદ ગામમાં બહુ મોટી આંધી આવી અને અનેક ઝાડ ઊખડી ગયાં, અનેક ઘરો તૂટી ગયાં. આ આંધીમાં સંતોની નાનકડી ઝૂંપડી પણ અડધી તૂટી ગઈ, પણ અડધી બચી ગઈ.

પહેલો સંત ભિક્ષા માગીને થાકીને ગામમાં આવ્યો અને જોયું તો બધે આંધીથી થયેલું નુકસાન હતું. પોતાની ઝૂંપડીની ચિંતા થઈ. દોડીને ઝૂંપડી પાસે ગયો અને જોયું તો ઝૂંપડી સાવ જમીનદોસ્ત નહોતી થઈ ગઈ, પણ અડધી તૂટી હતી. નુકસાન તો થયું જ હતું. આ જોઈને સંતને બે ઘડી માટે ખૂબ દુઃખ થયું અને પછી ભગવાન પર તે ગુસ્સો કરવા લાગ્યો. મનોમન ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો કે હું ૨૪ કલાક તને યાદ કરું છું, તારું નામ લઉં છું, પૂજા-જપ-તપ કરું છું અને તે બીજા કોઈ ગામમાં નહીં, આ જ ગામમાં આંધી મોકલી અને અમારી સાવ નાનકડી ઝૂંપડી તોડી નાખી. સાચ્ચે, તને તારા ભક્તની કોઈ ચિંતા નથી. મારી બધી ભક્તિ નકામી ગઈ હોય એવું મને લાગે છે. આમ વિચારતા માથે હાથ દઈ તે બેસી ગયા.

થોડી વાર થઈ ત્યાં બીજો સંત ગામમાં આવ્યો. તેણે પણ જોયું કે આંધીથી ચારેબાજુ નુકસાન થયું છે. તેઓ બધાને મદદ કરવા લાગ્યા. થોડી વાર રહીને પોતાની ઝૂંપડી પાસે પહોંચ્યા તો જોયું કે પોતાનો ઝૂંપડી સાવ જમીનદોસ્ત થઈ નથી, થોડું ઘણું નુકસાન થયું હતું. તે સંત પોતાની ઝૂંપડીને બચેલી જોઈને ખુશ થઈ ગયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યા કે હે ભગવાન, તું બહુ દયાળુ છે, અમને કેટલો પ્રેમ કરે છે, આટલી મોટી આંધીમાં પણ તે અમારી ઝૂંપડી બચાવી લીધી. સાચે અમારા પૂજા-પાઠ વ્યર્થ નથી ગયા.

બીજા સંત પહેલા સંત જે દુઃખી હતા તેની પાસે ગયા અને કહ્યું, ‘સકારાત્મકતા રાખ. આપણી અડધી ઝૂંપડી સલામત છે, એમાં આરામ કરીએ. કાલે ઝૂંપડીનું સમારકામ કરી લઈશું. સાચ્ચે ભગવાન દયાળુ છે એટલે જ આપણી ઝૂંપડી બચી ગઈ છે.’

સકારાત્મકતા રાખવાથી જીવનના કોઈ પણ સંજોગો સામે લડવાની શક્તિ મળે છે.

columnists