કોલસો રડાવે કાળાં આંસુ

17 October, 2021 11:07 AM IST  |  Mumbai | Aashutosh Desai

વીજળીની ક્રાઇસિસ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં વર્તાઈ રહી છે. પાવરકટની વાતો થઈ રહી છે ત્યારે જાણીએ કે વીજળીની તંગીનાં ખરાં કારણો શું છે?

કોલસો રડાવે કાળાં આંસુ

ભારતમાં અચાનક જાણે ઇલેક્ટ્રિસિટીની તંગી ઊભી થઈ છે અને એનું કારણ અપાય છે કોલસાની અછત. અલબત્ત, વીજળીની ક્રાઇસિસ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં વર્તાઈ રહી છે. પાવરકટની વાતો થઈ રહી છે ત્યારે જાણીએ કે વીજળીની તંગીનાં ખરાં કારણો શું છે? ખરેખર કેટલી અછત છે અને કેટલી અછત ઊભી કરવામાં આવી છે? જાણીએ કોલસા પાછળની કહાની ઊજળી છે કે કાળી?

કોલસો કાળો કેર વર્તાવશે, વીજળી બંધ થઈ જશે, અંધારામાં જીવવાના દિવસો આવશે, કોલસાનો સ્ટૉક નથી, પાવર જનરેશન અટકી પડશે... વગેરે... વગેરે જેવી અનેક વાતો ઊંચા અવાજે ઊંચા કૉલર સાથે બાંયો ઊંચી ચડાવીને થવા માંડી છે ત્યારે થોડી વાસ્તવિક પરિસ્થિતિ ર નજર કરીશું તો સમજી શકાશે કે આ ચિંતા સાચી છે કે પછી નકરો હાઉ ઊભો કરવામાં આવ્યો છે. 
ભારતમાં વીજળીની માગ ગયા વર્ષના ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષના ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં ૧૭ ટકા જેટલી વધી છે. એની સામે ભારતમાં જ કોલનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ ૧૨ ટકા જેટલું જ વધ્યું છે. મતલબ કે કોરોના પૅન્ડેમિકના વર્ષ પહેલાં આપણા દેશમાં કોલનું જેટલું ઉત્પાદન થતું હતું એના કરતાં આ વર્ષે ૬ ટકા વધુ ઉત્પાદન થયું છે. છતાં દેશમાં છેલ્લા થોડા દિવસથી કોલસાની કાળી મારામારી અને ઊહાપોહ શરૂ થઈ ગયાં છે. 
ભારત કોલસાના ઉત્પાદનમાં વિશ્વનો ચોથા ક્રમાંકનો સૌથી મોટો દેશ છે. છતાં હાલ આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ છે? તમારા ઘરમાં બપોરના ભોજનમાં બધા સદસ્યો મળીને સામાન્ય રીતે ૧૦ રોટલી ખવાતી હોય અને ભાણા પર બેઠા પછી ક્યારેક એવું બને કે બધાને અચાનક એકસાથે જ કકડીને ભૂખ લાગી હોય અને ૨૦ રોટલીની માગ આવી પડે તો ગૃહલક્ષ્મી શું કરે? તેના શું હાલહવાલ થાય? ‘થોડો સમય રાહ જુઓ, નવો લોટ બાંધવો પડશે’ એમ કહેવું પડે કે નહીં? હા, કહેવું જ પડે. અને ત્યાર બાદ રસોડામાં દોડધામ મચી જાય. એ જ રીતે સેન્ટ્રલ ગવર્નમેન્ટની કોલ મિનિસ્ટ્રીનાં કેટલાંક સ્ટેટમેન્ટ્સ સમજીશું તો આપણને ઘણીખરી પરિસ્થિતિ સમજાઈ જશે. રી-ઓપનિંગ ઑફ ઇકૉનૉમીને કારણે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અચાનક વીજળીની માગમાં ૧૭ ટકાનો વધારો થયો. હવે એ માગને પહોંચી વળવા માટે પાવર જનરેશન કંપનીઓએ તો કામે લાગવું જ પડશે? તેઓ લાગી પણ ખરી. પરંતુ તે પાવર જનરેશનની દોડધામમાં ૨૦૧૯માં એટલે કે પ્રી-પૅન્ડેમિક સમયમાં કોલસા દ્વારા જેટલી વીજળીનું ઉત્પાદન થતું હતું એમાં લગભગ ૭ ટકાનો વધારો આવ્યો. એટલે કે ૨૦૧૯માં કોલબેઝ પાવર જનરેશન જે ૬૧.૯૧ ટકા થતું હતું એ ૨૦૨૧માં ૬૬.૩૫ ટકા થવા માંડ્યું. એટલે કે પાવર જનરેશન કંપનીઓ વીજળીની વધેલી માગને પહોંચી વળવા માટે વધુ કોલબેઝ પાવર જનરેશન તરફ વળી. એને કારણે સ્વાભાવિક છે કે કોલસાની ડિમાન્ડ પણ વધશે જ. હવે આપણને આ વધારો માત્ર ૫-૬ કે ૭ ટકાનો જ દેખાય છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે એ માટે વધેલી કોલ માગ પાંચ કે સાત ટકા જ નથી હોવાની. સાથે જ એ પણ ધ્યાન રાખવું પડે કે ચોમાસાના દિવસો દરમિયાન કોલ માઇનિંગ અને પ્રોડ્યુસિંગ બંધ હોય છે. એમાં વળી આ વખતે તો સપ્ટેમ્બર મહિનામાં પણ ધોધમાર વરસાદ રહ્યો જે સામાન્ય રીતે દર વર્ષે રહેતો નથી અને આ મહિના દરમિયાન કોલ માઇનિંગ અને પ્રોડ્યુસિંગ શરૂ થઈ ચૂક્યું હોય છે.
ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાથી કોલસાની ઇમ્પોર્ટ કરે છે. આ ઇમ્પોર્ટ અને ડોમેસ્ટિક કોલ બંને દ્વારા આપણા દેશના થર્મલ પ્લાન્ટ્સ વીજળીનું ઉત્પાદન કરતા હોય છે. આપણા દેશમાં કુલ ૧૩૫ થર્મલ પ્લાન્ટ છે જ્યાં કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે આ દરેક પાવરપ્લાન્ટ્સ પાસે ૧૫-૨૦ દિવસનો કોલસા ભંડાર હોય છે. જોકે હમણાં આ પ્લાન્ટ્સમાંથી મોટા ભાગના પાવરપ્લાન્ટ્સ કહી રહ્યા છે કે એમની પાસે આવનારા પાંચથી છ દિવસ ચાલે એટલો જ કોલસો છે. આવું કેમ? શા માટે આવી પરિસ્થિતિ ઊભી થઈ?
અછતનાં ચાર કારણો જવાબદાર 
પહેલું કારણ કોલસાની કિંમતમાં ધરખમ વધારો.
ક્રૂડના ભાવમાં જે રીતનો ભડકો થયો છે એ જ રીતે કોલસાના ભાવમાં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ધરખમ વધારો છેલ્લા થોડા દિવસોમાં થયો છે. જેમ કે ઇન્ડોનેશિયન કોલસાનો ભાવ સામાન્ય રીતે આખા વિશ્વમાં એક બેન્ચમાર્ક ઇન્ડેક્સ ભાવ તરીકે ગણવામાં આવે છે. એને ‘થર્મલ કોલ રેફરન્સ પ્રાઇસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાવ સામાન્ય સંજોગોમાં ૪૫ ડૉલર પ્રતિ મેટ્રિક ટનની આસપાસ રહેતો હતો જે હાલમાં વધીને લગભગ ૧૨૫ ડૉલર પ્રતિ મેટ્રિક ટન જેટલો થઈ ગયો છે. ઇન્ડોનેશિયાની મિનિસ્ટ્રી ઑફ એનર્જી ઍન્ડ નૅચરલ રિસોર્સિસ દ્વારા સપ્ટેમ્બર મહિનાની રેફરન્સ પ્રાઇસ લગભગ ૧૫૦ ડૉલર પ્રતિ મેટ્રિક ટન જેટલી જાહેર કરવામાં આવી હતી. કોલસાનો આ ભાવ મિનિસ્ટ્રીએ જ્યારથી ટ્રૅક કરવાની શરૂઆત કરી હતી ત્યારથી એટલે કે ૨૦૦૯ના જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં હાઈએસ્ટ છે. આ ભાવ વધવાનું કારણ ચાઇના સહિત આખા વિશ્વમાં ઇકૉનૉમી રી-ઓપનિંગને કારણે વધેલી વીજળીની માગને ગણાવવામાં આવે છે.
ચાઇનામાં હજી શિયાળાની શરૂઆત પણ નથી થઈ અને એ પહેલાં જ કોલસાની અછત વર્તાવા માંડી છે એવું ચાઇનીઝ ગવર્નમેન્ટનું કહેવું છે. ચાઇના જેને વિશ્વનું પ્રોડક્શન હબ ગણવામાં આવે છે એનું કહેવું છે કે અમારા દેશનાં પ્રોડક્શન યુનિટ્સ ઇલેક્ટ્રિસિટીને કારણે બંધ રાખવાં અમને પોસાઈ શકે એમ નથી અને આ જ કારણથી ચાઇના કોલસો ગમે એટલો મોંઘો થઈ જતો હોવા છતાં એની ખરીદી ઓછી કરવા કે બંધ કરવા તૈયાર નથી. (એવું એ સત્યવાદી દેશનું કહેવું છે.) 
હવે આ વધતા ભાવની સામે કોલ ઇન્ડિયા જેવી દેશની કોલસાનું માઇનિંગ કરતી સૌથી મોટી કંપની એ ભરોસે બેસી રહી કે કોલસાની આ અછત અને ભાવવધારો એ મેનિપ્યુલેટિવ છે અને થોડા સમયમાં એ નીચે આવી જ જશે. આથી તેમણે પોતાના ભાવો જૂના લેવલ પર જ યથાવત્ રાખ્યા જેનો હવે વૈશ્વિક ભાવો સાથે મેળ બેસાડવો જરૂરી છે.  
બીજું કારણ સપ્ટેમ્બરનો વરસાદ 
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં આ મહિનામાં પડે એના કરતાં સરેરાશ વધુ વરસાદ પડ્યો જેને કારણે કોલ માઇનિંગ એરિયા પાણીથી સરાબોર થઈ ગયા અને એને કારણે ડોમેસ્ટિક કોલ પ્રોડક્શન શક્ય ન બન્યું. સાથે જ આવા સંજોગોમાં કોલ માઇનિંગ કરવું પડે તો એની પ્રોડક્શન કૉસ્ટ પણ ઊંચી આવે એ પણ સ્વાભાવિક છે. 
ત્રીજું કારણ પાવર પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુટિંગ કંપનીઓનું અધધધ દેવું. 
કોલ ઇન્ડિયા જેવી દેશની કોલસાની બૅકબોન સમાન કંપની મોટા ભાગની પાવર પ્રોડક્શન કંપનીઓની લેણદાર છે. કોલ ઇન્ડિયાના ભૂતપૂર્વ સેક્રેટરીનું કહેવું છે કે આપણા દેશના પાવર સેક્ટરનું દેવું પણ આ માટે જવાબદાર છે. દેશની બધી પાવર જનરેશન કંપનીઓના દેવાનો સરવાળો કરીએ તો આ પાવર જનરેશન કંપનીઓ આશરે ૨૫ હજાર કરોડ જેટલી રકમથી કોલ ઇન્ડિયાની દેવાદાર છે. મતલબ કે કોલ ઇન્ડિયાનું બાકી લેણું ૨૫ હજાર કરોડ જેટલું છે જેને કારણે કોલ ઇન્ડિયા કહે છે કે એની પાસે હવે પ્રોડક્શન યુનિટ કે માઇનિંગ ચાલુ રાખવા માટે પૂરતું ફન્ડ નથી. આવું અને આટલું મોટું દેવું શા માટે? શા માટે પાવર જનરેશન કંપનીઓ કોલ ઇન્ડિયાને એનાં લેણાં નથી ચૂકવી શકતી? તો એ માટે જવાબદાર છે પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ. પાવર ડિસ્ટ્રિબ્યુટરો પાસે પાવર જનરેશન કંપનીઓના લગભગ ૧.૨૫ લાખ કરોડ જેટલા લેણા નીકળે છે. અને પાવર ડિસ્ટ્રિબ્યુટરો શા માટે આટલી મોટી રકમની દેવાદાર છે? તો એ માટે મહદંશે રાજ્ય અને કેન્દ્ર સરકાર જવાબદાર હોય છે. રાજ્યો વીજળીના દરો નિયંત્રિત રાખવા માટે પાવર ડિસ્ટ્રિબ્યુટર કંપનીને ફરજ તો પાડે જ છે, સાથે જ સબસિડીની રકમ કેટલીયે વાર કંપનીઓ સુધી વેળાસર પહોંચતી જ નથી અથવા તે ગવર્નમેન્ટ બૉન્ડ્સ તરીકે મળે છે જે વર્તમાનમાં કૅશ ઑન હૅન્ડ તરીકે ઉપયોગમાં આવી શકે એમ નથી. આમ પાવર ડિસ્ટ્રિબ્યુટર દેવાદાર અને ડિસ્ટ્રિબ્યુટરને કારણે પાવર જનરેટર દેવાદાર અને જનરેટરને કારણે કોલ સપ્લાયર પણ. 
ચોથું કારણ માગમાં વધારો.
છેલ્લાં લગભગ બે વર્ષથી દેશની જ નહીં, વિશ્વની મોટા ભાગની ઑફિસો બંધ હતી. વીજળીથી લઈને બાકીના ઘણાબધા રિસોર્સિસની ખપત આ બે વર્ષ દરમિયાન પ્રમાણમાં ઘણી ઓછી હતી. એને કારણે કોલસો, ક્રૂડ વગેરે અનેક નૅચરલ રિસોર્સિસનું ઓછું પ્રોડક્શન કે ઓછી સપ્લાય પણ મૅનેજ થઈ જતી હતી. હવે કોરોનાએ સર્જેલો કાળો કાળ ફરી સ્વાસ્થ્ય નામના સૂર્યની મદદ લઈને નવા પ્રકાશ સાથે સામાન્ય જિંદગી તરફ પાછો વળી રહ્યો છે. દેશની જ નહીં, વિશ્વની ઇકૉનૉમી પાછી ખૂલી રહી છે, બેઠી થઈ રહી છે. આથી બે વર્ષથી જે માગ હતી એ માગમાં અચાનક મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેમ કે ૨૦૧૯માં આપણા દેશમાં વીજળીની જેટલી માગ કે ખપત હતી એમાં અત્યારે જ (હજી તો ઇકૉનૉમી પૂરેપૂરી ખૂલી પણ નથી ત્યારે જ) ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. દિવાળી જેવો મહા ઉત્સવ તો દેશમાં હજી ઉજવણીના ઉંબરે પ્રવેશ્યો પણ નથી એ પહેલાં આવા હાલ છે.
વળી આશરે ૩ કરોડ જેટલાં ઘરોમાં આઝાદી સમય પછી પહેલી વાર વીજળી પ્રવેશી છે. હવે વિચાર કરો કે આ દરેક ઘર જો માત્ર એક યુનિટ વીજળીનો પણ વપરાશ કરે તો એકસાથે ૩ કરોડ યુનિટ વીજળીની માગ વધી ગઈ ગણાશે. 
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હોબાળો
દેશમાં પ્રવર્તમાન કારણો સાથે જ વિશ્વકક્ષાએ પણ કોલસા માટેની ધાંધલધમાલ ઓછી નથી. ક્યાંક રાજકારણ છે તો ક્યાંક બજારમાં કમાણી કરી લેવાનો આશય. ક્યાંક રાષ્ટ્રીય દુશ્મનાવટ છે તો ક્યાંક બજારનું ઘમ્મરવલોણું ફરી ગયું હોવાનું કારણ.
ઑસ્ટ્રેલિયા સાથે ચાઇનાના બગડેલા સંબંધો એક કારણ છે. કોલસાના માઇનિંગ ઉત્પાદનમાં અને એકસપોર્ટની બાબતમાં ઑસ્ટ્રેલિયા વિશ્વનો સૌથી મોટો દેશ છે, પરંતુ ચાઇનાના ઑસ્ટ્રેલિયા સાથે આંતરદેશીય સંબંધો બગડ્યા હોવાને કારણે ગયા વર્ષના માર્ચ મહિનાથી ચાઇનાએ ઑસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ થનારો કોલસો અને બીજી અનેક પ્રોડક્ટ્સ પર બૅન મૂકી દીધો છે અને આ પાબંદી સાથે જ તેણે ઇન્ડોનેશિયા સાથે કોલ સપ્લાય માટે નવા ટ્રેડ રિલેશન્સ બનાવ્યા હતા. ગયા નવેમ્બર મહિનામાં ઇન્ડોનેશિયાના કોલ માઇનર્સે ચાઇના સાથે ૧.૫ બિલ્યન ડૉલરની કોલ સપ્લાય ડીલ સાઇન કરી હતી. 
હવે ઑસ્ટ્રેલિયાનો કોલસો ક્વૉલિટીની બાબતમાં વિશ્વનો સૌથી ઉત્તમ કોલસો હોવાનું કહેવાય છે. સાથે જ તે વિશ્વના અનેક દેશોને કોલસો સપ્લાય કરે છે. જોકે કોલસાની બાબતમાં ચાઇના સાથે વાંકું પડ્યું હોવાને કારણે એનો ફાયદો ભારતને થશે એવું અનેક અર્થશાસ્ત્રીઓ અને નૅચરલ રિસોર્સિસ ઍનલિસ્ટ્સનું કહેવું છે. કહેવાય છે કે ચાઇના બાદ ઑસ્ટ્રેલિયા ભારતને સૌથી મોટું બજાર અને સૌથી ઝડપથી વિકસી રહેલી ઇકૉનૉમી તરીકે ગણાવે છે અને ભારતને પણ ઑસ્ટ્રેલિયન કોલસાના ભાવ અને ક્વૉલિટીનો મોટો લાભ મળશે. જોકે આ બધો લાભ અને આ બધો ફેરફાર રાતોરાત થઈ જાય અને એની અસર આપણા જેવા એન્ડ-યુઝર્સને એક જ દિવસમાં મળી જાય એવું શક્ય નથી.
માર્કેટ શફલિંગ ઇમ્પૅક્ટ 
ગ્લોબલ કોલ માર્કેટ હમણાં એક મેજર શફલના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયા જેવા દેશના સૌથી મોટા કોલ પ્રોડક્શન કન્ટ્રીના સંબંધો ચાઇના જેવા મેજર પ્રોડક્શન કન્ટ્રી સાથે બગડ્યા હોવાથી આખા વિશ્વનું કોલ માર્કેટ રી-શફલ થઈ રહ્યું છે, કારણ કે કોલસો આખરે તો એક નૅચરલ રિસોર્સિસ દ્વારા મળતી ચીજ છે જેનું ઉત્પાદન કે માઇનિંગ દરેક દેશમાં શક્ય નથી. જ્યાં કોલસાની ખાણ ઉપલબ્ધ હોય ત્યાં જ એ શક્ય બને છે. હવે ઑસ્ટ્રેલિયા સાથેના કડવા સંબંધોને કારણે ચાઇનાની કોલ ઇમ્પોર્ટ ઇન્ડોનેશિયા, મોંગોલિયા અને રશિયા તરફ વળી છે. આથી હવે વર્લ્ડ કોલ ટ્રેડ્સનું સ્વરૂપ કંઈક એવું હશે કે ઑસ્ટ્રેલિયન કોલ ઇન્ડિયન અને યુરોપિયન માર્કેટ તરફ શિફ્ટ થશે અને સાઉથ આફ્રિકન અને કોલમ્બિયન રિસોર્સ ચાઇના તરફ શિફ્ટ થશે. આ મોટા બદલાવને કારણે પણ કોલ માર્કેટ અને કોલના ભાવોમાં મોટો ફેરફાર સર્જાઈ રહ્યો છે.
પરંતુ એને કારણે કોલના ભાવોમાં આટલો ધરખમ ઉછાળો શા માટે? તો એનો જવાબ ચાઇનીઝ ઈમ્પોર્ટર્સ પાસે છે. ચાઇનાના કોલ ઇમ્પોર્ટર્સ કહી રહ્યા છે કે ઑસ્ટ્રેલિયાથી કોલની ઇમ્પોર્ટ બંધ થઈ ગઈ હોવાને કારણે તેમણે હવે ઑસ્ટ્રેલિયન કોલ કરતાં નીચી ક્વૉલિટીના કોલ માટે ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે, કારણ કે એક્સપોર્ટર કંપનીઝ અને કન્ટ્રીઝ નવી છે અને તેઓ ચાઇનાની ડિમાન્ડ અને વર્લ્ડ રિસોર્સિસ પરનું ડૉમિનેશન જાણે છે. આથી તેઓ પોતાનો ભાવ નીચે કરવા તૈયાર નથી. 
ચાઇનાની સ્ટેટસ માટેની લડાઈ
વિશ્વનું પ્રોડક્શન હબ ચાઇના વિશ્વમાં પોતાને જેટલું સરળ, નિખાલસ અને કો-ઑપરેટિવ દેખાડે છે એટલું ક્યારેય હતું નહીં અને રહેશે પણ નહીં એ હવે આખા વિશ્વને સમજાઈ ગયું છે. એથી ઊલટું ચાઇના જેટલું ખંધું અને તકવાદી રાષ્ટ્ર વિશ્વમાં કદાચ બીજું નહીં હોય. હવે આવા સંજોગોમાં ચાઇનામાં શિયાળાની શરૂઆત નજીક છે અને સાથે જ ત્યાં ૪થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન બીજિંગમાં વિન્ટર ઑલિમ્પિક્સની શરૂઆત થવા જઈ રહી છે. આથી ઑલિમ્પિક્સ પહેલાં વિશ્વ સામે પોતાના દેશમાં વીજળીની અછત છે અથવા અછત સર્જાઈ શકે છે એવી ઇમ્પ્રેશન ઊભી ન થાય એ માટે ચાઇના હમણાં એનાથી બનતા બધા જ હાથ-પગ મારી રહ્યું છે. ગમે એટલા ભાવે કોલ ઇમ્પોર્ટ કરવો પડે છતાં ઇમ્પોર્ટ કરી દેશમાં વીજળીનો પુરવઠો યથાવત્ રહે એ માટે ચીન પ્રયત્નો કરી રહ્યું છે. 
કેમ અચાનક કોલ જ નહીં પણ બધા જ નૅચરલ રિસોર્સિસમાં ભાવવધારો અને અછત
વૈશ્વિક કક્ષાએ ઈએસજી ઇન્વેસ્ટિંગ અને એમિશન ટાર્ગેટ સેટ થવા માંડ્યા છે અને જાગૃતતાને કારણે એમાં ધરખમ વધારો થવા માંડ્યો છે. ઈએસજી ઇન્વેસ્ટમેન્ટ શું છે? ઈએસજીનો અર્થ છે એન્વાયર્નમેન્ટલ, સોશ્યલ ઍન્ડ ગવર્નન્સ. વાત કંઈક એવી છે કે પહેલાં જે પ્રમાણે વિધિવત્ નૅચરલ એનર્જી રિસોર્સમાં રોકાણ થતું હતું એવું હવે લાંબા ગાળાનું રોકાણ નૅચરલ એનર્જી કૉમોડિટીઝમાં કરવા માટે મોટા-મોટા રોકાણકારો કે દેશો તૈયાર નથી, કારણ કે બધાએ ઈએસજી રોકાણ કરવું છે. ઈએસજી રોકાણ એટલા માટે કરવું છે, કારણ કે હવે વ્યક્તિગતથી લઈને દેશ સુધીના દરેક આયામે એમિશન ટાર્ગેટ સેટ થઈ રહ્યા છે. એમિશન ટાર્ગેટ એટલે શું? તો એમિશન ટાર્ગેટ એટલે કુદરતી ઊર્જાના ઉત્સર્જનમાં ઘટાડો કરીને ગ્રીનહાઉસનું સર્જન કરવું, પર્યાવરણ બિલ્ડઅપ. હવે કોવિડ લૉકડાઉન (૨૦૨૦)ને કારણે વૈશ્વિક કક્ષાએ એનર્જીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો (ક્રૂડના ભાવ તો એક સમયે નેગેટિવ જતા રહ્યા હતા). એટલું જ નહીં, કેટલીયે રિફાઇનરીઓ પણ આ લૉકડાઉનને કારણે બંધ પડી રહી હતી. એને કારણે આ નૅચરલ રિસોર્સિસમાં થયેલા રોકાણને જબરદસ્ત મોટો ફટકો સહન કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર પછી વૈશ્વિક અર્થતંત્રમાં જે ‘V’ શેપ રિકવરી આવી એ કોઈની ધારણામાં નહોતી. વળી આ મોટી આપદાને પહોંચી વળવા માટે મોટા ભાગના, લગભગ બધા જ દેશોએ મોટાં-મોટાં રાહતોનાં પૅકેજ આપ્યાં અને રેટ-કટથી લઈને ફિસ્કલ એક્સ્પાન્શન દ્વારા અર્થતંત્રમાં લિક્વિડિટીનું પ્રમાણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ કારણથી હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં એટલી તરલતા વધી ગઈ છે. હવે V શેપ રિકવરી અને એને કારણે આ અચાનક આવેલા વધારાને ઑઇલ, ગૅસ, કોલ જેવા નૅચરલ રિસોર્સિસ માટે પહોંચી વળવું શક્ય નથી થઈ રહ્યું.
એમાં વળી અણધારી કુદરતી આફતો આવી પડી. જેમ કે તમને યાદ હશે કે યુરોપ જેવા દેશમાં હમણાં ૨૦૨૧ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ઓછી ઝડપે ફૂંકાતા પવનની મુશ્કેલી ઊભી થઈ હતી. એને કારણે વિન્ડ​મિલ્સ એટલે કે પવનચક્કી દ્વારા ઉત્પાદિત થતી વીજળી અથવા એનર્જીની આખા યુરોપમાં ભારે મુશ્કેલી ઊભી થઈ. આથી તેમણે ફરી ગૅસ અને કોલ દ્વારા થતા એનર્જી ઉત્પાદન તરફ વળવું પડ્યું હતું. તો વળી ટેક્સસમાં વિન્ટર સ્ટૉર્મને કારણે ઑઇલ રિફાઇનરીને ફટકો પડ્યો હતો. આવા કુદરતી રિસોર્સમાં તકલીફ, માર્કેટ રી-શફલ અને સ્ટેટસ જાળવી રાખવાની દંભી વૃત્તિને કારણે ચાઇનાના એનર્જી માર્કેટમાં કોલ ફ્યુચર જે ૧૧૯ ડૉલર પર પ્રતિ મેટ્રિક ટન ટ્રેડ કરતો હતો એ બે જ મહિનામાં વધીને ૧૮૦ ડૉલર સુધી પહોંચી ગયો. અને એવું નથી કે આ માત્ર કોલસા સાથે બન્યું છે. આ જ પરિસ્થિતિ ક્રૂડમાં પણ જોવા મળી. જે ક્રૂડના ભાવ આશરે દોઢ વર્ષ પહેલાં નેગેટિવ જતા રહ્યા હતા એ દોઢ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં વધીને હમણાં લગભગ ૮૨ ડૉલર પ્રતિ બૅરલ પહોંચી ગયા છે, જ્યારે ડચ ગૅસ ફ્યુચર્સનો ભાવ જે ૨૦૨૧ની શરૂઆતમાં ૧૭ યુરો પ્રતિ મેગાવૉટ અવર્સ હતો એ વધીને અધધધ ૭૫ યુરો સુધી હાલ પહોંચી ગયો છે. 
ચાઇનાની ઇન્વેન્ટરીનું રાજકારણ 
આજે હવે એ વાત કોઈથી અજાણી નથી કે કોરોના નામના રાક્ષસનું જન્મસ્થળ ચાઇના છે. એનાં મા-બાપ, દાયણ અને માલિશ કરવાવાળી બાઈથી લઈને કોરોનાને વહાલ (છળ)પૂર્વક મોટો કરનાર ચાઇના છે. એ જ ચાઇનાએ અભિમાનમાં આવીને વિશ્વના નૅચરલ રિસોર્સ પર પણ પોતે ડૉમિનેશન વધારી મૂકશે એવી નેમ સાથે પોતાના પાવરપ્લાન્ટ્સનો કોલ રિઝર્વ બધો વાપરી નાખીને ખાલી કરવા માંડ્યો. ચાઇનાનું માનવું હતું કે તે થોડા સમય માટે કોલની ઇમ્પોર્ટ બંધ કરી દે અથવા સાવ ઘટાડી મૂકે અને પોતાના રિઝર્વમાંથી વાપરવા માંડે તો વૈશ્વિક કક્ષાએ કોલની માગમાં ધરખમ ઘટાડો થશે અને ભાવો ગગડી જશે. હવે આ પરિસ્થિતિમાં એક તબક્કો એવો આવ્યો કે ચાઇના પાસે કોલનો જથ્થો ઘટી પડ્યો અને એની ઉમ્મીદ કરતાં વિશ્વ વહેલું બેઠું થવા માંડ્યું. એટલું જ નહીં, આખા વિશ્વમાં લિક્વિડિટી ઇન્ફ્યુશન આટલા મોટા પ્રમાણમાં થશે એવી પણ ચાઇનાને આશા નહોતી. આ સાથે જ કોલ પ્રાઇસિસ ડૉમિનેટ કરવાના આશયથી એણે એક બીજો દાવ ખેલ્યો. વિશ્વના સૌથી મોટા કોલ પ્રોડ્યુસર એવા ઑસ્ટ્રેલિયા સાથે સંબંધો બગાડીને કોલ ટ્રેડ્સ બંધ કરી દીધા. આ પાછળ પણ ચીનનું માનવું હતું કે પોતે વિશ્વના સૌથી મોટા કોલ પ્રોડ્યુસર પાસે કોલ નહીં લે તો વિશ્વકક્ષાએ કોલની સપ્લાય ઓવરફ્લો થશે અને ભાવો ગગડી પડશે. જોકે આ મામલે તે પોતાની જ જાળમાં ફસાયું અને પાવરપ્લાન્ટ્સમાં ઘટી રહેલા કોલના જથ્થાને, રિઝર્વ કોલ રેશિયો ફરી યથાવત્ કરવાની એને તાકીદે જરૂર પડી. જો એમ નહીં કરે તો સ્વાભાવિક રીતે જ કોલ દ્વારા ઉત્પાદિત થતી વીજળીનું ઉત્પાદન બંધ થઈ જાય અને ચાઇના અંધારિયું થઈ પડે એવા દિવસો આવે. જો એમ બને તો દંભી સ્ટેટસ સિમ્બૉલ એવા ચાઇનાને વિશ્વ સામે નીચું જોવાપણું થાય. એમ ન થાય એ કારણે અચાનક ચાઇનાએ જે ભાવે મળે એ ભાવે કોલ ખરીદવાનું શરૂ કરી દીધું અને આખા વિશ્વમાં કોલસો કાળો નહીં પણ ઊજળો દેખાવા માંડ્યો. આખા વિશ્વમાં જાણે કોલસો કોલસો નહીં પણ સોનું છે એમ ઊહાપોહ થઈ ગયો અને અચાનક બધાને પોતાના દેશમાં કોલસાની તંગી, વીજળીની તંગી ઊભી થશે એવો ભય જણાવા માંડ્યો.

કોઈ વિકલ્પ ખરો?
એક દિવસમાં સૉલ્યુશન આવે એમ નથી. જોકે આપણે ભારતીયો છીએ. એક દિવસમાં બદલાઈ જઈએ એવા પણ નથી જ. હા, ધીમે-ધીમે કોલસા પરની ડિપેન્ડન્સી ઘટાડી શકીએ એવું તો બની જ શકે. એથી નૅચરલ રિસોર્સિસ પણ બચાવી શકીશું, પર્યાવરણ પણ બચાવી શકીશું, પ્રદૂષણ પણ ઘટાડી શકીશું અને આપણું અને આવનારી પેઢીનું જીવન પણ સુધારી શકીશું.
કોલ થર્મલ પાવર પ્રોડક્શનનો ઘણો મોટો હિસ્સો આપણે વિન્ડ એનર્જીના, સોલર એનર્જીના વપરાશ દ્વારા અને ગૅસ ફ્રૉમ વેસ્ટ દ્વારા ઘટાડી શકીએ. જેમ કે આપણા દરેકના ઘરની છત લગભગ આખું વર્ષ ખાલી પડી હોય છે. સંક્રાંતમાં પતંગ ચગાવવા (જોકે હવે તો તેય ખાસ કોઈ ચગાવતું નથી) સિવાય અને ઉનાળામાં ગોળ-કેરી કે તડકા-છાયંડાનો મુરબ્બો મૂકવા સિવાય ટેરેસ વપરાતી નથી. તો સોલર પૅનલ્સ ઇન્સ્ટૉલેશન અને સોલર વૉટર હીટર, સોલર કુકર દ્વારા આપણે ઘણી એનર્જીનું ઉત્પાદન કરી શકીએ અને હાલના એનર્જી સોર્સ બચાવી શકીએ. 
કચરાઓના પહાડોનું સર્જન કરી રહ્યા છીએ આપણે અને એ પહાડો, કચરામાંથી ઉત્પન્ન થતો ગૅસ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શ્વાસમાં લઈને બીમારીને નોતરી રહ્યા છીએ. એ જ કચરો અને એ જ ઉત્પન્ન થતા ગૅસને જો એનર્જીમાં ફેરવીને વીજ-ઉત્પાદન વિશે વિચારીએ તો એક સારો વિકલ્પ ઊભો નહીં થાય? બાયો ઍગ્રિકલચર, બાયો ફ્યુઅલની જેમ જ હવે બાયો ઇલેક્ટ્રિસિટી વિશે પણ વિચાર કરીએ તો? 
બાકી વીજળીનો વપરાશ ઘટાડવો જોઈએ, લાઇટ-પંખા બંધ કરીને બહાર ફરવા જવું જોઈએ, રમવા જવું જોઈએ, મિત્રો સાથે પંચાત કરવા જવું જોઈએ એ બધા ઇલાજો તો તમને ખબર છે જ. એમાં અમારે વધારે શું કહેવાનું હોય? બોલો, હોય કંઈ કહેવાનું? આ બધું તો તમે સમજો જ છો, ખરુંને? જો જવાબ ‘હા’ આપશો તો માત્ર હા કહીને બેઠા નહીં રહેતા. રોજ થોડો સમય બહાર ફરવા નીકળવા માંડો, રમવા માંડો, મિત્રો સાથે બેસવા માંડો. એ બહાને જે એક-બે યુનિટ વીજળીની બચત થઈ એ ખરી. શક્ય છે કે આપણે પાંચ-દસ વર્ષે કદાચ આ રીતે ૧૮-૧૯ મેટ્રિક ટન કોલસો બળતો અટકાવી શકીએ.

વીજળીનું ઉત્પાદન ક્યાંથી?
વીજળીના ઉત્પાદન માટે મુખ્યત્વે પાંચ વિકલ્પો છે. એમાં છે ફોસિલ ફ્યુઅલ (કોલ, ઑઇલ અને નૅચરલ ગૅસ) દ્વારા, ન્યુક્લિયર, બાયોમાસ, જીઓ થર્મલ અને સોલર થર્મલ. જોકે આ સિવાય પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે છે અને થાય પણ છે. એમાં ગૅસ ટર્બાઇન, હાઇડ્રો ટર્બાઇન અને વિન્ડ ટર્બાઇન પણ ખરાં. જોકે આપણા દેશમાં વીજળીનું જેટલું કુલ ઉત્પાદન થાય છે એમાંથી ૫૨ ટકા વીજળી કોલસાથી બને છે. હવે ભારત જેની સરેરાશ કોલ ઇમ્પોર્ટ ૧૨થી ૧૩ મેટ્રિક ટન જેટલી હતી એમાં ગયા વર્ષથી આશરે ૫૦ ટકાનો વધારો થયો છે અને ભારત હાલ આશરે ૧૯ મેટ્રિક ટન જેટલો કોલ બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરે છે. 

columnists