આવક વધે એમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી દેવાનો પ્રયત્ન કરે તે પ્રસન્ન રહે

16 August, 2020 09:52 PM IST  |  Mumbai | Padmabhushan Jainaacharya Vijayratnasundersurishwarji Maharaj Swami

આવક વધે એમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી દેવાનો પ્રયત્ન કરે તે પ્રસન્ન રહે

પ્રતીકાત્મક તસવીર

‘પણ, તું સવારના સાતેક વાગ્યે આવે છે અને જમવાના સમયને છોડીને બપોરના ત્રણેક વાગ્યે ઘરે જાય છે. તો તું કરે છે શું?’
લગભગ ત્રીસેક વર્ષની વયનો યુવક હતો. ચાતુર્માસના દિવસોમાં સતત ઉપાશ્રયમાં પડ્યાપાથર્યા રહેતા એ યુવકને મેં પૂછ્યું તો તેણે વિનમ્રતા સાથે સામે જોયું અને બે હાથ જોડ્યા.
‘મહારાજસાહેબ, માતા-પિતા નાની ઉંમરમાં જ ગુજરી ગયાં છે. આર્થિક સ્થિતિ જરાય સારી નથી. નાનકડી એક રૂમમાં રહું છું. પૈસો છે જ નહીં અને વર્ષો પહેલાં પણ હતા નહીં એટલે ગરીબ ઘરની કન્યા પણ મળી નહીં. લગ્ન થયાં નહીં અને આજે આ ઉંમરે એના કોઈ ઓરતા પણ રહ્યા નથી. મનને ખૂબ પ્રસન્ન ચિત્તે ધર્મારાધનામાં વાળી દીધું છે.’
‘પણ આમાં મારા પ્રશ્નનો જવાબ ક્યાં?’
‘એ જ આપું છું...’
યુવાનના ચહેરા પર ફરિયાદ નહોતી, પ્રસન્નતા હતી.
‘હું રોજ બ્યાસણાં કરું છું, અર્થાત્ બે વાર જ જમું છું અને એય એકદમ સાદું. એમાં ખર્ચ થાય છે ૨૦ રૂપિયાનો.’
‘માત્ર ૨૦ રૂપિયા?’
‘હા, સવારે દૂધ પીતો નથી. બે ખાખરા અને એક કપ ચા, બસ, આ બે દ્રવ્યમાં સવારનું વાપરવાનું પતી જાય છે. બપોરે મિષ્ટાન્ન-ફરસાણ વાપરવાની કોઈ જરૂર હોતી નથી. માત્ર રોટલી-દાળ-ભાત અને શાક. ક્યારેક તો શાક પણ છોડી દઉં છું. આવાં સાદાં અને પરિમિત દ્રવ્યો વાપરવાને કારણે ૨૦ રૂપિયામાં કામ પતી જાય છે.’
‘હંઅઅઅ...’
‘એ સિવાય કપડાં, સાબુ, તેલ, લાઇટ-બિલ, રૂમ-ભાડું વગેરેનો ખર્ચ ગણું તો મહિનાના ૩૦૦ રૂપિયાના હિસાબે રોજનો ૧૦ રૂપિયા ખર્ચ આવે છે. ટૂંકમાં કહું તો મહારાજસાહેબ, મારો એક દિવસનો ખર્ચ ૩૦ રૂપિયાનો છે અને એટલા રૂપિયા હું રોજ મેળવી લઉં છું.’
‘શી રીતે?’
‘ટોપાઝ બ્લૅડ લઈને હું સાંજે સ્ટેશનની આસપાસ ફરું છું. ૩૦ રૂપિયાનો નફો થઈ જાય. એટલો વકરો થઈ જાય એટલે હું તરત ઘરે આવી જાઉં છું.’
‘બાંકડો છે?’
યુવાને સ્ફુરા સાથે જવાબ વાળ્યો,
‘ના રે ના, મારા જેવા પાસે બાંકડો ક્યાંથી હોય? અને મારે બાંકડાની જરૂર પણ શી છે? કમાવા છે મારે ૩૦ રૂપિયા અને એટલા રૂપિયા તો એક-બે કલાકમાં મળી જ જાય છે.’
સમગ્ર વાત દરમ્યાન ક્યાંય યુવાનના ચહેરા પર ફરિયાદનો ભાવ નહોતો.
‘હા, ક્યારેક પોલીસ હેરાન કરે અને અમનેય હપ્તાની રકમ આપવી પડે ત્યારે થોડી મહેનત વધુ કરવી પડે એ વાત જુદી છે. બાકી ૩૦ રૂપિયા માટે બહુ મહેનત કરવી પડતી નથી.’
‘કોઈ તને પાંચેક હજારની મદદ કરવા માગે તો?’
‘શું કામ? હું કોઈ મદદપાત્ર માણસ નથી કે મારે કોઈકની મદદ લેવી પડે. ધારું તો હું પોતે થોડી વધુ મહેનત કરીને ૧૦૦ રૂપિયા જેટલા તો કમાઈ જ શકું છું, પણ મારે ૩૦ રૂપિયાથી વધારે કમાવા જ નથી, કારણ કે મારી જરૂરિયાત જ એટલી છે.’
ઓછી કમાણીનો હેતુ સમજાવતાં યુવાને કહ્યું,
‘મારે ૩૦ જ રૂપિયા કમાવા છે એટલે જે સમય મારી પાસે બચે છે એ સમયમાં હું ધર્મારાધના સારી રીતે કરી શકું છું. આપ જુઓ તો છો કે હું અહીં વહેલી સવારે આવી જાઉં છું અને છેક સાંજે જાઉં છું. એ શેનો પ્રભાવ? ૩૦થી વધુ કમાવા નથી એનો!’
આ કાળઝાળ મોંઘવારી, મુંબઈમાં વસવાટ અને છતાં માત્ર ૩૦ રૂપિયા કમાવાના લક્ષ સાથે જીવન જીવતા આ યુવકને જોઈને સ્તબ્ધ તો થઈ જવાયું, પણ એક દિવસ આવીને તેણે જે વિનંતી કરી એ સાંભળી તો આંખમાં આંસુ આવી ગયાં...
‘મહારાજસાહેબ, હમણાં વર્ધમાન તપની ૧૩/૧૪/૧પ આ ત્રણ ઓળી સાથે કરી. એમાં કુલ ૪પ દિવસ ગયા. એ દિવસોના જમવાના કુલ ૯૦ રૂપિયા મારી પાસે બચ્યા છે. એમાંથી મારે આપને અને સાધ્વીજીને કાપડ વહોરાવવું છે. આમ તો મારા નસીબમાં આપને વહોરાવવાનું આવે જ નહીં, કારણ કે મારી પાસે પૈસા હોય જ નહીં. આ ત્રણ ઓળી સાથે કરી તો પૈસા બચ્યા છે. આપ મને ના ન પાડશો. પૈસા તો આજે છે અને કાલે નથી, પણ આપનો લાભ? આ તો નસીબ હોય તો જ મળે અને નસીબ હોય તેને જ મળે. મારા જેવા ગરીબ માણસને આપ નારાજ ન કરશો.’
તેની આ વિનંતીએ મારી આંખમાંથી બોર-બોર જેવડાં આસું પડાવી દીધાં. સત્ત્વ, સંતોષ અને સમર્પણના સ્વામી એવા યુવકને મનોમન મારાથી નમસ્કાર થઈ ગયા.
નીતિવાક્ય એમ કહે છે કે ‘આવક વધે એમ ન હોય ત્યારે ખર્ચ ઘટાડી દેવા જે પ્રયત્નશીલ બને છે તે પોતાની પ્રસન્નતા અકબંધ ટકાવી શકે છે.’ પણ આજના હપ્તાપદ્ધતિ અને ક્રેડિટ કાર્ડના યુગમાં આ વાક્ય એની તાકાત ગુમાવી બેઠું છે. સર્વત્ર એક જ વાત છે, જે વસાવવું હોય એ વસાવી લો. પૈસા ચૂકવી શકાય તો ચૂકવજો અને નહીંતર હાથ ઊંચા કરી દેજો.
રે કરુણતા!

columnists weekend guide