ચારધામની જાત્રાએ આ દાદીને લેખિકા બનાવી દીધાં

22 June, 2022 07:31 PM IST  |  Mumbai | Jigisha Jain

અંધેરીનાં ૮૭ વર્ષનાં દાદીમા વિમળાબહેન શાહને ૭૦ વર્ષની ઉંમરે યાત્રા દરમ્યાન સ્ફુરેલી કવિતા સાંભળીને પતિએ તેમને કલમ પકડવા પ્રેર્યાં અને એમાંથી તેમનું પુસ્તક પણ છપાયું. હવે બીજા પુસ્તકની તૈયારીમાં છે આ દાદીમા

ચારધામની જાત્રાએ આ દાદીને લેખિકા બનાવી દીધાં

‘સ્ત્રીઓના જીવનમાં ઘણાબધા રોલ હોય છે. જવાબદારીઓ અઢળક અને સંસારની મોહમાયા જુદી. આ બધામાં એ ખુદને ક્યાંક ભૂલી જતી હોય છે. ખુદ હું એક અલગ વ્યક્તિત્વ છું એ જ વિચારવાનું રહી જાય છે. પરંતુ હું દરેક સ્ત્રીને સલાહ આપીશ કે જવાબદારીઓ બધી જ નિભાવજો. સમર્પણ પૂરું રાખજો પરંતુ થોડીક મૂડી અને સમય ખુદ માટે કાઢશો તો જતી જિંદગીએ તકલીફ નહીં પડે.’ 
આ શબ્દો છે થોડા દિવસ પહેલાં ૮૭મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનારાં વિમળાબહેન ધીરુભાઈ શાહના જેમણે પોતે લેખનકાર્ય ૭૦મા વર્ષે શરૂ કર્યું. ‘સૂર્યાસ્તે મધ્યાહ્નન’ નામનું એમનું પહેલું પુસ્તક તેઓ ૮૦ વર્ષનાં હતાં ત્યારે છપાયું હતું અને હાલમાં તેઓ તેમના બીજા પુસ્તક પર કામ કરી રહ્યાં છે. આ પુસ્તકોમાં તેમણે જાતે લખેલી કવિતાઓ, અમુક ખાસ નાટકો અને સ્ત્રીલક્ષી સમાજના અભિગમમાં જરૂરી ફેરફારો વિશેની વાત છે. 
શરૂઆત કંઈક આમ થઈ
વિમળાબહેન ખુદ એક સમયે લાજ કાઢીને જીવતાં અને લગભગ આખી જિંદગી તેમણે બાળકો, પરિવાર અને પતિને સમર્પિત કરીને જ ગુજારી છે. આજે નાટકોમાં ભાગ લેતાં, ખુદ નાટકો લખતાં, ગાતાં કે પર્ફોર્મ કરતાં વિમળાબહેનના જાણકારોને કોઈ અંદાજ નહીં હોય કે આજથી વીસેક વર્ષ પહેલાંનાં વિમળાબહેને ક્યારેય કલમ હાથમાં પણ પકડી નહોતી અને સ્ટેજનો તો વિચાર સુધ્ધાં કર્યો નહોતો. આજે પણ તેમને આ પ્રવૃત્તિઓ ખૂબ ગમે છે અને એમાં જ તેમણે અઢળક ટ્રોફીઓ લીધી છે. પરંતુ ખાસ કરીને લેખનની શરૂઆત તેઓ ખુદ ૭૦ વર્ષનાં હતાં ત્યારે તેમણે કરી. એ વિશે વાત કરતાં વિમળાબહેન કહે છે, ‘હું મારા પતિ સાથે ચાર ધામની જાત્રાએ ગયેલી. એ સમયે ત્યાંના પહાડો અને પથ્થરોએ ન જાણે મને શું પ્રેરણા આપી કે અચાનક જ મને કવિતા સ્ફુરી જેનું નામ હતું કુદરતની કરામત. મેં મારી સાથેના લોકોને એ સંભળાવી. બધાએ તાળીઓથી મને વધાવી લીધી. એ દુર્ગમ જગ્યામાં મારા પતિ ક્યાંકથી નોટ અને પેન શોધી લાવ્યા અને એમણે મને હાથમાં આપીને કહ્યું હતું કે બસ, હવે તું લખ. આ પળે મારું જીવન બદલી નાખ્યું.’ 
સુખની વહેંચણી 
૨૦૦૦ની સાલમાં તેમના પતિનું મૃત્યુ થયું ત્યારે તેમનાં બાળકો અને સગાંવહાલાં ચિંતામાં હતાં કે વિમળાબહેનનું હવે શું થશે? એ સમયની અવસ્થા જણાવતાં વિમળાબહેન કહે છે, ‘મારા માટે મારા પતિનું જવું એક મોટો આઘાત બનીને સામે આવ્યું હતું. એમાંથી બહાર આવવાનું કોઈ રીતે શક્ય નહોતું લાગતું, પરંતુ દુઃખમાં ડૂબી જવાને બદલે મેં સુખ વહેંચવાનો નિર્ણય લીધો. મને થયું કે હવે પછીનું મારું જીવન લોકોને આપવા માટે છે. જ્યારે આપણે આપવાની વાત કરીએ ત્યારે મને લાગે છે કે ફક્ત પૈસા કે ગિફ્ટ કે દાનથી પણ પતી જતું નથી. માણસને ઘણુંબધું જોઈએ. કોઈને તમે સમય આપો, કોઈને પ્રેમ આપો, કોઈને હૂંફ આપો, જેને જરૂર હોય એને સાથ અને સહારો આપો. યુવાનોને તમારા અનુભવોનો સાર આપો. આ બધું પણ આપવું જરૂરી છે.’
જન્મદિવસ 
ગઈ ૧૭ જૂને વિમળાબહેન ધીરુભાઈ શાહનો ૮૭મો જન્મદિવસ હતો. આ ઉંમરે વધુમાં વધુ પરિવારના લોકો ભેગા થાય, સાથે જમે અને બર્થ-ડે ઊજવાઈ જતો હોય છે. પરંતુ વિમળાબહેન આ ઉંમરે પણ સામાજિક રીતે ઘણાં જ ઍક્ટિવ છે. પોતાનો પ્રેમ અને હૂંફ ફક્ત પરિવાર સુધી સીમિત ન રાખીને, પોતાના જેવા બીજા અનેક સિનિયર સિટિઝન્સને મળી રહે એ માટે કાર્યરત રહે છે. વડલા નામની સિનિયર સિટિઝનની સંસ્થામાં કમિટી મેમ્બર તરીકે કાર્યરત વિમળાબહેને એક દિવસ આ સંસ્થામાં બર્થ-ડે ઊજવ્યો. એક દિવસ તેમની સોસાયટીના સિનિયર સિટિઝન્સ સાથે બર્થ-ડે ઊજવ્યો. મેઇન પરિવાર સાથે તો ખરો જ અને એની સાથે-સાથે ઉપાશ્રયમાંથી ભૂખ્યાને અન્ન મળી રહે એ માટે દાન કરી એ દિવસે લગભગ ૩૦૦ લોકોને ભોજન કરાવીને આ ઉજવણીની પૂર્ણાહુતિ કરી. 
રમતો માટેનો પ્રેમ 
તેમની બર્થ-ડે પાર્ટીઝની મુખ્ય બાબત હતી રમતો. એ વિશે વાત કરતાં વિમળાબહેન કહે છે, ‘મને ખુદને રમવું અને રમાડવું ખૂબ જ ગમે. સિનિયર સિટિઝન્સ જ્યારે ભેગા મળીને રમે ત્યારે જે ગેલ પડે એ જુદી જ હોય. ફરી બાળક બનવાની આ પળ હોય છે અમારા માટે. મારા બર્થ-ડે માટે મેં એક ખાસ ગેમ બનાવી હતી, જેનું નામ છે ખુલ જા સિમ સિમ. બધાને એ રમાડી. બધાને એમાં ગિફ્ટ મળી એટલે બધા રાજી-રાજી. મારું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ રમે ત્યારે એ એનાં બધાં દુઃખ ભૂલી જઈને ફરીથી બાળક બની જતી હોય છે અને એ પળ માટે પણ એને જીવનનું સાચું સુખ અનુભવાય છે. અમને સિનિયર સિટિઝન્સ માટે આવી પળો બહુમૂલ્ય બની જતી હોય છે.’ 
પરિવારનો સપોર્ટ 
લેખનકાર્યમાં તેઓ જે પણ લખે એ એમના પરિવારના સદસ્યો, એમનાં બાળકોને વાંચી સંભળાવે અને તેઓ બની જાય મમ્મીનાં બેસ્ટ ક્રિટિક. વિમળાબહેન માને છે કે તેમનું લેખન કાર્ય આ ક્રિટિક્સને કારણે જ વધુને વધુ સારું બનતું જાય છે. તેઓ કહે છે, ‘પૈસા શારીરિક જરૂરિયાતો માટે છે પરંતુ મોટી ઉંમરે મનની જરૂરિયાત છે કોઈ પ્રવૃત્તિ. દરેક વડીલે એની આ મનની જરૂરિયાતનું ધ્યાન ખુદ જ રાખવું જોઈએ અને એ માટે એક શોખ કે કોઈ ખાસ પ્રવૃત્તિ અપનાવવી જોઈએ.’

columnists Jigisha Jain