ફૅન કા ફૅન: આજ સુધી તમે હતા જેમના ફૅન એ બની શકે છે તમારા ફૅન્સ

22 May, 2020 11:03 PM IST  |  Mumbai | J D Majethia

ફૅન કા ફૅન: આજ સુધી તમે હતા જેમના ફૅન એ બની શકે છે તમારા ફૅન્સ

‘આપણે કરી શું શકીએ?’માંથી જે વાત જન્મી એ આ ‘ફૅન કા ફૅન’.

‘ખીચડી’ પછી આમ તો ‘સારાભાઇ વર્સસ સારાભાઈ’નો વારો હતો, પણ અત્યારે આપણે એને થોડો આરામ આપીએ. બહુ બધી જર્ની કરી છે સારાભાઈની અને એ બધી વાતો તમારી સાથે શૅર પણ કરવાની જ છે અને કરતા રહેવાના છીએ, પણ વચ્ચે તમારી સાથે મેં શરૂ કરેલા એક અભિયાનની વાત કરવી છે. મારા ચાહકો સાથે નહીં કરું તો હું કોની સાથે કરીશ આ વાત. તમે મારો એક બહુ મોટો પરિવાર છો. આ લૉકડાઉનમાં જે અનુભવો થયા છે એ અનુભવો મારે તમારી સાથે શૅર કરવા છે અને એમાંનો સૌથી મોટો કોઈ અનુભવ હું શૅર કરવાની કોશિશ કરું તો એ છે મારા જીવનમાં આવેલું એક બહુ મોટું પરિવર્તન. બહુ સરસ વાત છે અને તમે જે હેડલાઇન વાંચી છે એની વાત છે આ.

ક્યાંથી શરૂઆત થઈ આની પહેલાં એની વાત કરીએ.

ઑફિશ્યલી દેશમાં નરેન્દ્ર મોદીએ લૉકડાઉન બાવીસમી માર્ચથી લાગુ કર્યું, પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં ૧૭ માર્ચથી જ લૉકડાઉન અનાઉન્સ થઈ ગયું હતું અને હું ઘરમાં રહેવા માંડ્યો હતો. એ પછી આપણે બધાએ થાળી પણ વગાડી અને તાળી પણ વગાડી તથા દીવડા પણ પ્રગટાવ્યા. એ દિવસોમાં શું હતું કે આપણને બધાને એમ હતું કે આ બધું થોડા દિવસોમાં પતી જશે. આ મહામારીની આવી અસર હશે એનો અંદાજ પણ નહોતો અને એમ છતાં હું તમને જરા પાછળ લઈ જાઉં. આપણે બે સ્ટોરી કરી હતી કે ઘરે-ઘરે યમરાજ ફરે છે અને કોરોનાથી ડરવાની જરૂર છે. એ સમયે જે વાતો કહેવાયેલી હતી એ આર્ટિકલ તમે ફરીથી કાઢીને વાંચશો તો તમને સમજાશે કે ઈશ્વરકૃપાથી દૂરંદેશી સાથે કહેવાયેલી વાતોમાં થોડો આરામ ભળ્યો અને પછી આ લૉકડાઉનને કેવી રીતે પસાર કરવું એની મને બધી ખબર હોય એમ હું પણ વર્તવા માંડ્યો. સાંજ પડે એટલે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું અને એ બનાવતાં પહેલાં શીખવાનું પણ શરૂ કર્યું. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરવાનું કામ ચાલુ કર્યું. લોકોને પણ મજા આવવા માંડી. અરે જેડીભાઈએ આજે મસાલા ઢોસો બનાવ્યો અને જેડીભાઈએ પનીર-પાલક બનાવ્યું.

આ દિવસોમાં વિડિયોનો પણ મારો ખૂબ ચાલતો હતો. ખૂબ વિડિયો આવે અને એ બધા વચ્ચે ૮-૧૦ દિવસ પસાર થયા અને અચાનક એક સાંજે મેં એક વિડિયો જોયો. દ્વારકા નજીકના કોઈ ગામથી આ વિડિયો આવ્યો હતો અને લૉકડાઉન શરૂ થયાના ત્રણ-ચાર દિવસ પછીનો એ વિડિયો હતો. એ વિડિયોમાં પાંત્રીસેક વર્ષની એક યુવાન કહેવાય એવી વ્યક્તિ હતી. તે વિડિયોમાં કહેતો હતો કે ‘તમે લૉકડાઉનનું કહ્યું ઇન્ડિયાને અને હું માનું પણ છું કે આવા સમયે આવો જ રસ્તો લેવાનો હોય. આ લૉકડાઉનમાં રહું પણ છું અને નિયમો પણ પાળું છું. આમ મારું કામ માછીમારીનું છે, પણ લૉકડાઉનને કારણે હું પકડવા જઈ શક્યો નથી. હું અને મારો પરિવાર આ જ ખાતા હતા. આ જ અમારી આવક અને આ જ અમારી રોજીરોટી. થોડી ઘણી બચે તો અમે એ બહાર વેચીને એમાંથી શાકભાજી અને અનાજ લઈ આવીએ. લૉકડાઉનથી વાંધો નહીં સાહેબ, પણ એ સમયે અમને કહેવામાં આવ્યું હતું કે તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે કામે નહીં જતા અને બહાર ન નીકળતા. તમને ગવર્નમેન્ટમાંથી કોઈ આવશે, મળશે અને તમને ખાવા-પીવાનું મળી રહેશે.’

બિચારો સારું બોલતો હતો અને અચાનક તેણે પોતાની વાતમાં ને વાતમાં એવું કહ્યું કે મારો વાંધો નથી. હું, મારો પરિવાર અમે કરી રહ્યા છીએ. અમારાથી જેકાંઈ થાય એ પ્રયત્ન અમે કરીએ છીએ, પણ સાહેબ, આમ ને આમ મારા છોકરા અમારા ખોળામાં મરી જશે. બોલતાં-બોલતાં એ બિચારો ગળગળો થઈ ગયો હતો. એ વિડિયો જોયો ત્યારે જ નહીં, અત્યારે પણ અને આ ઘડીએ પણ હું આ વાત બોલું છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે, મને કંઈક થવા માંડે છે.

એક યંગ બાપે આવો વિચાર કરવો પડે અને આવું બોલવું પડે!

જરા વિચારો તમે કે એ લૉકડાઉન શરૂ થયાનો તબક્કો હતો. માંડ ચાર-પાંચ દિવસ ગયા હશે અને વિડિયો વાઇરલ થતો મારા સુધી પહોંચ્યો એમાં બીજા બે-ત્રણ દિવસ થયા હશે. એ પછી તો શું દશા થઈ છે એ લોકોની. એ વિડિયો સાંભળીને હું હચમચી ઊઠ્યો.

રડી પડ્યો હું એમ કહું તો પણ ખોટું નથી. હું અંદરથી ધ્રૂજી ગયો. મને થયું કે આ તો બહુ ખરાબ પરિસ્થિતિ થવાની છે દેશની. આપણે કંઈક કરવું પડશે. આપણે તો ઘરે બેઠા છીએ અને લૉકડાઉનના આ દિવસોને વેકેશન ગણીને એને એન્જૉય કરી રહ્યા છીએ. ખરેખર હું તમને કહું છું કે આપણે ગુજરાતીઓને આ લૉકડાઉનમાં પણ બધું મળી ગયું. કેરીનો રસ અને ફરસાણ અને એ બધું જે જોઈતું હતું પણ ખરું કહું, ક્યારેક મને મારા આ પ્રિવિલેજિસની ગિલ્ટ થાય છે કે યાર, શું આ સમય છે સેલિબ્રેશનનો? હવે મને કોઈ પૂછેને કે કેમ છો ત્યારે જવાબમાં ‘અરે, એકદમ મસ્ત છું’ કહેવામાં પણ તકલીફ થાય છે અને હવે હું આ જવાબ નથી આપતો. કહું છું, ‘સારું છે, તબિયત ને બધું બરાબર...’

કારણ કે મનને હું આનંદમાં કે પછી ઉત્સાહમાં રાખી નથી શકતો. પહેલાં હું એવો નહોતો. હા, સાચું કહું છું. પહેલાં હું એકધારો અજીબ પ્રકારના આનંદ અને ઉત્સાહમાં મનને રાખતો અને એનો મને ગર્વ હતો. કોઈ મળે તો તેને રીતસર આ આનંદ સ્પર્શે, આ ઉત્સાહ તેને ટચ કરી જાય, પણ હવે હું એ નથી કરી શકતો. હવે હું રહેતો જ નથી અને એનો અર્થ એવો પણ નથી કે હું સતત ચિંતામાં હોઉં છું. ના, પણ હવે મારા વિચારોની દિશા સીમિત થઈ છે. હું મારા પોતાના શો ‘ભાખરવડી’ના વિચાર કરું કે નવો આઇડિયા શું કરું એનો વિચાર કરું કે પછી લૉકડાઉન ખૂલ્યા પછી કેવા પ્રકારનું કન્ટેન્ટ લોકોને ગમશે એનો વિચાર કરું, કેવા શો ગમશે. આ તો થઈ પ્રોફેશનલ વાત, પણ આ સિવાય મારી ફૅમિલીનું ધ્યાન રાખવાનું, તેમના ભવિષ્યનું વિચારવાનું કે પછી મારાં માબાપ અત્યારે શું કરતાં હશે (અહીં તમને એક વાત કહી દઉં કે લૉકડાઉન દરમ્યાન હું મારાં માબાપને મળવા નથી જઈ શકતો એનો મને સૌથી મોટો અફસોસ છે. આ વાત હું પછી કરું તમને). હૅટ્સ ઑફ પ્રોડક્શન્સ કે પછી ફૅમિલી સિવાયની વાત કરું તો ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલનો હું ચૅરમૅન છું. આ કાઉન્સિલને શૉર્ટમાં IFTPC કહે છે. એના વિશે સમાચારમાં ઘણું બધું આવતું હોય છે, તમે વાંચતા પણ હશો. એ અસોસિસેશનના મેમ્બરો સાથે મીટિંગથી માંડીને અમારાં પ્રોડક્શન ચાલુ કરવાનું કામ પણ ચાલતું હોય એટલે મનમાં પણ એ વાતો સતત ઘૂમરાતી હોય. ટૂંકમાં, ઘણું-ઘણું-ઘણું કરવાનું હોય અને કરતો પણ હોઉં અને તો પણ મને થયું કે આ ઇનફ નથી, પૂરતું નથી. આ બધાથી ઉપર આવીને અત્યારની જે સિચુએશન છે એ સિચુએશનમાં દેશ પ્રત્યેની પણ તમારી એક જવાબદારી છે અને એ જવાબદારી તમારે નિભાવવાની છે. આ એમપી કે પછી બીજા ૫૦૦ ટોચના અને મોટા ગજાના લઈ લો, આપણા દેશને ચલાવનારા તો આ ૧૦૦૦ લોકો થોડો અત્યારની આ સિચુએશનમાં દેશ ચલાવી શકવાના, સંભાળી શકવાના? ના, જરાય નહીં. આ પરિસ્થિતિ અઘરી છે અને આકરી છે. મને થયું કે ના, ના, ના. આ જવાબદારી આપણી પણ છે. મારા જેવા જે કોઈ સમજદાર લોકો છે કે ઈશ્વરે જેને પણ લીડરશિપની ક્વૉલિટી આપી છે કે પછી જેનામાં સમજણ છે અને જેને પણ કંઈ કરવાની ઇચ્છા છે એ બધાને ધ્યાનમાં રાખીને કંઈક વિચારવું જોઈએ. મને થયું કે આપણે આ ઘટનાને અત્યારે જે પરિસ્થિતિ છે એને જોઈને કંઈક કરવું પડશે, ઊભા થવું પડશે અને આખા દેશની અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે કંઈક કરવું પડે અને કરવું જ જોઈએ. મન હવે નવી દિશામાં લાગ્યું અને પહેલો જ પ્રશ્ન સામે આવ્યો કે આપણે કરી શું શકીએ?

‘આપણે કરી શું શકીએ?’માંથી જે વાત જન્મી એ આ ‘ફૅન કા ફૅન’. વધારે વિગત સાથે આ વાતને આપણે આવતા શુક્રવારે જોઈશુંપણ ત્યાં સુધી એક વાત સૌકોઈએ યાદ રાખવાની છે કે ઘરમાં રહેવાનું છે અને સુરક્ષિત રહેવાનું છે. જાન હૈ તો જહાન હૈ, ભૂલતા નહીં કોઈ.

JD Majethia columnists