શ્રીયંત્ર માટેની આ વાત તમે સાંભળી છે?

02 February, 2025 05:20 PM IST  |  Mumbai | Chandrakant Sompura

લક્ષ્મીજીએ પૃથ્વી છોડી દીધી અને એ પછી તેમને પાછાં લાવવા માટે શ્રીયંત્રનો આધાર લેવામાં આવ્યો હોવાનું શાસ્ત્રો કહે છે

શ્રીયંત્ર

શ્રીયંત્ર માટે અનેક લોકોના પ્રતિભાવ મળ્યા છે તો કેટલાક લોકોએ શ્રીયંત્રની ઉત્પત્તિ વિશે જાણવાની જિજ્ઞાસા પણ દર્શાવી છે તો અમુક લોકોએ પ્રશ્નો પણ પૂછ્યા છે. જે પ્રશ્નોના જવાબ આગળ જતાં આપવાની કોશિશ કરીશ, પણ અત્યારે જિજ્ઞાસાની વાત કરીએ છીએ એ છે આ શ્રીયંત્રની ઉત્પત્તિ થઈ કઈ રીતે? એના માટે બે પૌરાણિક કથા છે, જે બન્ને કથાને ઑથેન્ટિક માનવામાં આવે છે, કારણ કે એનો ઉલ્લેખ અનેકાનેક લોકો પાસે સાંભળ્યો પણ છે અને એ વાંચી પણ છે. પહેલાં વાત કરીએ દૈવીકાળના યુગની એ કથાની જેના વિશે ખૂબ વાંચ્યું છે.

એક વખત લક્ષ્મીજી પૃથ્વીથી નારાજ થઈને વૈકુંઠ ચાલ્યાં ગયાં. પૃથ્વીલોકનું માનવું હતું કે તેમની ગેરહાજરીમાં રહી શકાય, પણ સમય જતાં બધા પ્રકારનાં કષ્ટ જોવાનો સમય આવ્યો અને સમસ્યા વધવા માંડી. સૌકોઈ સમજી ગયા કે લક્ષ્મીજી વિના રહી શકાશે નહીં એટલે મહર્ષિ વશિષ્ઠે ભગવાન વિષ્ણુની મદદ લઈને લક્ષ્મીજીને સમજાવવા અને મનાવવાની કોશિશ કરી કે તેઓ પૃથ્વી પર પાછાં આવી જાય, પણ લક્ષ્મીજીની રીષ ઊંડી હતી એટલે તેઓ માન્યાં નહીં અને મહર્ષિ વશિષ્ઠની મહેનત અફળ રહી. સમય એવો આવી ગયો કે જો લક્ષ્મીજી ગેરહાજર રહે તો પૃથ્વીનો જીવનનિર્વાહ અટકી જાય. બધા મહર્ષિ અને ઋષિઓએ સાથે મળીને દેવગુરુ બૃહસ્પતિને રજૂઆત કરી કે તમે મધ્યસ્થી બનો અને લક્ષ્મીજીને પાછાં લાવવામાં અમને મદદ કરો. દેવગુરુની વાત કોઈ સામાન્ય રીતે ટાળે નહીં અને લક્ષ્મીજી માટે પણ એ જ ધર્મસંકટ હતું કે હવે તેમને ના કેમ પાડવી એટલે લક્ષ્મીજીએ તેમની સામે ધર્મસંકટ મૂક્યું અને કહ્યું કે મારી તકલીફની વાત સાંભળ્યા પછી તમે નિર્ણય લેજો કે મારે પૃથ્વી પર જવું કે નહીં?

લક્ષ્મીજીએ જે તકલીફોની વાત કરી એ તકલીફો જાણ્યા પછી દેવગુરુ પણ મૂંઝાયા. જ્યાં માન નહીં કે સન્માન નહીં એવી જગ્યાએ તેઓ દેવગુરુ બનીને પણ શું કામ કોઈને આગળ ધરી શકે, કેવી રીતે ત્યાં ફરી મોકલે?

દેવગુરુએ મધ્ય માર્ગ કાઢ્યો અને તેમણે પાછા આવીને મહર્ષિ વશિષ્ઠને સૂચન કર્યું કે લક્ષ્મીજીનો વાસ હોય એવું કંઈ બનાવો, જેથી તેમનું માન-સન્માન જળવાઈ રહે અને તેમને ક્યારેય અપમાનિત ન થવું પડે. લક્ષ્મીજીના વાસ માટે દેવગુરુએ જ વશિષ્ઠજીને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન થતું હોય એ પ્રકારના યંત્રની રૂપરેખા આપી અને એના આધારે વશિષ્ઠજીએ પારદનું પહેલું શ્રીયંત્ર બનાવી એને પૂજનમાં લીધું. એ પૂજન પછી લક્ષ્મીજીને માન-સન્માન મળ્યાં અને લક્ષ્મીજી પૃથ્વી પર પાછાં આવ્યાં.

વશિષ્ઠજીએ જે શ્રીયંત્ર બનાવ્યું હતું એ પારદનું એટલે મર્ક્યુરીનું હતું. કહેવાય છે કે પારાનું એટલે કે મર્ક્યુરીનું પહેલું બંધારણ જગતમાં જો કોઈએ ઊભું કર્યું હોય તો એ મહર્ષિ વશિષ્ઠ હતા. પારાનું ગઠબંધન શક્ય નથી, એ ઘન સ્વરૂપમાં આવતો નથી પણ પૃથ્વીને વશિષ્ઠજીએ વનસ્પતિના રસથી પારાનું બંધારણ સૂચવ્યું. આજે તો પારદના ઘન સ્વરૂપના ઘણા રસ્તા વિજ્ઞાને શોધી લીધા છે, પણ વનસ્પતિના રસથી થતા બંધારણને જ શાસ્ત્રો સ્વીકાર્ય માને છે માટે પારદની કોઈ પણ ધાર્મિક ચીજવસ્તુ કે શ્રીયંત્ર લેતા હો ત્યારે જાણવું જોઈએ કે એનું બંધારણ કઈ વિધિથી કરવામાં આવ્યું છે.

culture news religion mumbai gujarati mid-day columnists indian mythology