યોગ્ય સમયે બચાવેલો પૈસો અયોગ્ય સમયે લક્ષ્મી બનીને મદદ કરે છે

09 December, 2019 01:40 PM IST  |  Mumbai | Manoj Joshi

યોગ્ય સમયે બચાવેલો પૈસો અયોગ્ય સમયે લક્ષ્મી બનીને મદદ કરે છે

કરન્સી

આપણે ત્યાં બે પ્રકારના લોકો છે. એક તો એ કે જેઓ પોતે બેફામ પૈસા કમાય છે અને કમાયેલા એ પૈસાનો બેફામ દુરુપયોગ કરે છે. બીજા એવા લોકો છે જેઓ પોતે અઢળક ધન કમાય છે અને પછી એ ધનનો દુરુપયોગ કરવા માટે પોતાનાં સંતાનોને આપે છે. આ બન્ને પ્રકારના લોકોમાં આજે આપણે વાત કરવાની છે આ બીજી કૅટેગરીના લોકોની. વાત જરૂરી છે એટલે કરવી છે અને વાત અનિવાર્ય છે એટલે કરવી છે.

કરકસર ખરાબ નથી, જરા પણ નહીં, પણ હા, કંજૂસાઈ ખરાબ છે. જ્યાં એક રૂપિયા વાપરવાની જરૂર હોય ત્યાં બે રૂપિયા વાપરો તો એ ઉડાઉગીરી છે અને જ્યાં એક રૂપિયો વાપરવો અનિવાર્ય છે ત્યાં કામ ૫૦ પૈસાથી પૂરું થઈ જાય એ માટે અમૂલ્ય એવો સમય ખર્ચી નાખવો એ કંજૂસાઈ છે. કરકસર આ બન્નેની વચ્ચે ક્યાંક આવે છે એવું કહી શકાય. ચાણક્યની એક વાત અત્યારે યાદ આવે છે. ચાણક્ય કહેતા કે યોગ્ય સમયે બચાવવામાં આવેલું ધન અયોગ્ય સમયે લક્ષ્મી બનીને મદદ કરે છે.

વાત ખૂબ સુંદર અને જીવનમાં ઉતારવાલાયક છે, પણ એક હકીકત એ પણ છે કે આપણે સૌ આ બધી સારી લાગતી અને સાચી લાગતી વાતો વાંચીને ખુશ માત્ર થઈએ છીએ, પણ એને જીવનમાં અમલીય કેવી રીતે બનાવવી એના વિશે જહેમત નથી ઉઠાવતા. અયોગ્ય રીતે પૈસાનો વેડફાટ કરવો મને ત્યારે પણ નહોતું ગમતું જ્યારે કરીઅરની શરૂઆત હતી અને સ્ટ્રગલ ચાલી રહી હતી. આજે પણ અયોગ્ય રીતે પૈસા ખર્ચવાની વાત મને બિલકુલ નથી ગમતી. જો વસ્તુ બગડી હોય તો એના વિના ચલાવવાની આદત પાડવાનું કામ માબાપે શીખવવું પડશે અને વસ્તુ બગડી હોય તો એ જ વસ્તુ ખરીદવા માટે કેવી રીતે બચત કરવી જોઈએ એ પણ શીખવવું પડશે. આ કામ કરતાં હું પણ ખચકાતો નથી, કારણ કે મારે મારાં બાળકોને માત્ર ધનનો વારસો નથી આપવો, પણ સંસ્કારનો પણ વારસો આપતા જવું છે અને એ વારસો બહુ જરૂરી છે.

કરકસર કરવી, ઓછી જરૂરિયાત સાથે શ્રેષ્ઠ રીતે જીવવાની આવડત કેળવવી, અનિવાર્ય સંજોગો વિના જરૂરિયાતો મોટી ન કરવી અને એવી બીજી જેકોઈ સારી આદતો છે એ આદત આજકાલ પેરન્ટ્સ બાળકોમાં રોપવાનું ભૂલી ગયા છે. ફૅમિલી હવે નાની થઈ ગઈ છે એટલે મોટા ભાગના કિસ્સામાં બાળક પરિવારના પ્રાધાન્ય પર રહે છે. એક જ બાળક હોય એટલે તે વહાલું નહીં, વધારે પડતું વહાલું હોવાનું એ પણ એટલું જ સાચું, પણ મારું કહેવું એ છે કે જ્યારે એક જ બાળક હોય ત્યારે તમારી જવાબદારીમાં ઉમેરો થઈ જાય છે. મને લાગે છે કે સંતાનો માટે કોઈ પારકી મા આવીને તેના કાન વીંધે એના કરતાં તો બહેતર છે કે કાન વીંધવાનું કામ આપણે જ કરવું જોઈએ. પારકી મા કાન ન વીંધે ત્યારે દુખે નહીં એની કાળજી ન રાખે એવું બની શકે અને જો એવું બનશે તો તમારું જ બાળક દુખી થશે, એના કરતાં બહેતર છે કે સગી મા જ કાન વીંધે, ન દુખે એની કાળજી રાખે અને દુખે તો સાંત્વના આપે, પણ કાન તો સગી મા વીંધે.

manoj joshi columnists