યારી-દોસ્તીમાં કરેલી ભૂલ જીવનભર શાંતિ ન લેવા દે

12 January, 2022 10:49 PM IST  |  Mumbai | Rashmin Shah

જેને લોહીના સંબંધોથી ભાઈ બનાવવાનું રહી ગયું હોય એને ભગવાન ભાઈબંધ બનાવીને લાઇફમાં ઉમેરી દે પણ ધારો કે એ સંબંધોમાં ભૂલ થાય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય એનું બેસ્ટ એક્ઝામ્પલ ચેતન ભગતની ‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ છે

યારી-દોસ્તીમાં કરેલી ભૂલ જીવનભર શાંતિ ન લેવા દે

શુક્રવારે ઉત્તરાયણ છે ત્યારે જો ‘કાઇપો છે’ની વાત ન કરીએ તો કેમ ચાલે?
હા, આપણે વાત કરવાની છે સુશાંતસિંહ રાજપૂત, રાજકુમાર રાવ અને અમિત સાધ એમ બૉલીવુડને ત્રણ-ત્રણ સ્ટાર આપનારી ફિલ્મ ‘કાઇપો છે’ જેના પર આધારિત છે એ ચેતન ભગતની નવલકથા ‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ની. ચેતન ભગતની આ નવલકથા અંગ્રેજીમાં પબ્લિશ થઈ અને માત્ર દોઢ જ મહિનામાં એની ત્રણ એડિશન સ્ટૉલ પરથી વેચાઈ ગઈ. એ પછી તો આ નવલકથા હિન્દી અને ગુજરાતી ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ, મરાઠી એમ ઇન્ડિયાની બાર સ્થાનિક ભાષામાં રૂપાંતરિત થઈ તો સાથોસાથ ફ્રેન્ચ અને શ્રીલંકન સિંહાલમાં ટ્રાન્સલેટ થઈ. આ નૉવેલ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે સુશાંતસિંહ રાજપૂત સિરિયલ કરતો હતો તો રાજકુમાર રાવ અને અમિત સાધ સ્ટ્રગલર હતા. નૉવેલ વાંચીને સુશાંતે કહ્યું હતું, ‘દેશભરના યંગસ્ટર્સ સુધી પહોંચેલી આ નૉવેલ કરવાની ના પાડવી એટલે મૂર્ખામીના એક્ઝિબિશનમાં સૌથી આગળ ઊભા રહેવું.’
‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ના કેટલાક પ્રસંગો ચેતન ભગતની લાઇફની રિયલ ઘટનાઓ છે.
ગુજરાત છે બીજું ઘર 
ચેતન ભગત માટે ગુજરાત તેના બીજા ઘર જેવું છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ કરવા આવેલા ચેતન ભગત બે વર્ષ અમદાવાદમાં રહ્યા, જેને લીધે તે આજે ગુજરાતી પણ કડકડાટ બોલે છે. બે વર્ષ અમદાવાદમાં રહેવાનું બન્યું એને લીધે ચેતન ભગતની મોટા ભાગની નવલકથાનો બૅકડ્રૉપ ગુજરાત કે પછી નૉવેલના મહત્ત્વના કૅરૅક્ટરમાં એકાદ ગુજરાતી કૅરૅક્ટર રહેતો. ઑલમોસ્ટ પાંચેક નૉવેલમાં એવું થયા પછી ચેતને ભારપૂર્વક અને બળજબરી સાથે પોતાની આ સ્ટાઇલમાં ચેન્જ લાવવાની કોશિશ કરી અને નૉર્થ ઇન્ડિયા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ જ કારણે ચેતન ભગતની છેલ્લી ચાર નવલકથામાં કોઈ ગુજરાતી કૅરૅક્ટર જોવા નથી મળ્યું. જોકે એ પછી પણ એમાં ગુજરાતની વાત તો આવે જ છે.
‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ની અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે કૉપીઓ વેચાઈ છે. આ બુકથી જ્યારે ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે શરૂઆતમાં ચેતને રાઇટ્સ આપવાની ના પાડી દીધી હતી. નૉવેલ ‘ફાઇવ પૉઇન્ટ સમવન’ના રાઇટ્સ લઈને બનાવવામાં આવેલી ‘થ્રી ઇડિયટ્સ’માં પ્રોડ્યુસર સાથે કડવો અનુભવ થયો હોવાથી ચેતન ભગતે નક્કી કરી લીધું હતું કે તે હવે પોતે પ્રોડ્યુસર બની પોતાની નૉવેલ પરથી ફિલ્મ બનાવશે પણ રૉની સ્ક્રૂવાલાએ ચાર વખત મીટિંગ કરીને તેને વિશ્વાસ અપાવ્યો અને માત્ર સ્ટોરી જ નહીં, ચેતન ભગતને સ્ક્રીનપ્લે રાઇટર તરીકે પણ બોર્ડ પર લીધા. બહુ ઓછા લોકોને ખબર છે કે ફિલ્મના ત્રણ હીરોની કૉસ્ચ્યુમ ડિઝાઇન પણ ચેતન ભગતે જ નક્કી કરી, જેના માટે તેને ક્રેડિટ પણ આપવામાં આવી હતી.
પતંગ અને ક્રિકેટ
‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’માં પતંગની ફિલોસૉફીને ક્રિકેટના ફ્રન્ટ ડ્રૉપમાં વાપરવામાં આવી છે. ગુજરાતમાં ચાલતા કમ્યુનલ મતભેદની વાતો પણ એમાં સામેલ કરવામાં આવી છે જે ચેતને ગુજરાતના એ સમયગાળામાં જોઈ હતી. ગુજરાતમાં થતાં રમખાણો પણ નૉવેલમાં સમાવવામાં આવ્યાં છે તો ગુજરાતી પરિવારોની જે હાલાકી હોય છે એને પણ એમાં લેવામાં આવી છે. ગુજરાતનો ધરતીકંપ અને ગોધરા ટ્રેનકાંડ પણ નૉવેલમાં દર્શાવવામાં આવ્યા છે. ચેતન ભગતે કહ્યું હતું કે આ નૉવેલના કૅરૅક્ટર માત્ર કાલ્પનિક છે પણ એમાં જે કોઈ ઘટના કે પ્રસંગ આવ્યાં છે એ તમામેતમામ ઘટના કે પ્રસંગ કોઈની અને કોઈની લાઇફના કે પછી સ્વાનુભવના છે.
‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ પરથી હવે વેબ સિરીઝ બનાવવાનું પ્લાનિંગ રૉની સ્ક્રૂવાલા કરે છે. રૉની સ્ક્રૂવાલાની કંપની RSVPએ ઑલરેડી એના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

સ્ટોરી શૉર્ટકટ

‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’માં ત્રણ એવા દોસ્તોની વાત છે જે ચોવીસે કલાક સાથે હોય છે. ઈશાન, ગોવિંદ અને ઓમી અમદાવાદમાં રહે છે અને સવારે આંખો ખૂલે ત્યારથી એકબીજા સાથે હોય છે. ઈશાન ક્રિકેટનો જબરદસ્ત શોખીન છે. તેની ઇચ્છા છે કે ત્રણેય ફ્રેન્ડ્સ સાથે મળીને ક્રિકેટ કોચિંગ કૅમ્પ શરૂ કરે પણ કોઈ હેલ્પ કરવા રાજી નથી. ફ્રેન્ડ્સને હેલ્પ કરવા આગળ આવે છે બિટ્ટુ જોષી, જે હિન્દુ નેતા છે. કૅમ્પ શરૂ થાય છે અને સાથોસાથ ત્રણેય ફ્રેન્ડ્સ વચ્ચે મતમતાંતર ઊભા થવાનું પણ અહીંથી જ શરૂ થાય છે. 
ઈશાન પોતાના કૅમ્પમાંથી અલી નામના એક છોકરાને તેની એક્સ્ટ્રા ઑર્ડિનરી ટૅલન્ટને કારણે સાઇડ પર તારવે છે અને તેને ટ્રેઇન કરવામાં લાગી જાય છે પણ એ જ દિવસોમાં ગુજરાતમાં કોમવાદી રમખાણો શરૂ થાય છે. બહુમતીનાં જૂથો મેદાનમાં ઊતરી આવે છે અને લઘુમતીને મારવા-કાપવા તત્પર થઈ જાય છે, જેમાં અલી પણ તેમની નજરમાં છે. ઓમી અલીને મારવા સુધી પહોંચી જાય છે પણ એવા સમયે ઈશાન અને ગોવિંદ પહોંચી જાય છે અને અલીને બચાવવા જતાં ઓમી મરે છે. ‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’માં કોઈની વ્યક્તિગત નહીં પણ ભાઈબંધીની ત્રણ એવી ભૂલ દેખાડવામાં આવી છે જે ક્યારેય કોઈએ ન કરવી જોઈએ.
અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે કૉપીઓ વેચાઈ છે. આ બુકથી જ્યારે ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે ચેતને રાઇટ્સ આપવાની ના પાડી દીધી હતી. 
columnists Rashmin Shah