ધાર્મિકતા કે પછી ધર્માંત:સમાંતર રહેલા શબ્દોનો અર્થ અને ભાવાર્થ જુદા છે

22 February, 2021 01:46 PM IST  |  Mumbai | Manoj Joshi

ધાર્મિકતા કે પછી ધર્માંત:સમાંતર રહેલા શબ્દોનો અર્થ અને ભાવાર્થ જુદા છે

ધાર્મિકતા કે પછી ધર્માંત:સમાંતર રહેલા શબ્દોનો અર્થ અને ભાવાર્થ જુદા છે

ધાર્મિકતા અને ધર્માંતપણું. અનેક રીતે સમાન લાગે અને સમાંતર શબ્દો હોય એવો ભાવ જાગે, પણ એવું નથી. આ બન્ને શબ્દોનો અર્થ જુદો છે અને આ બન્ને શબ્દોના ભાવાર્થમાં પણ ભારોભાર ફરક છે. પહેલાં વાત કરીએ ધાર્મિકતાની. ધાર્મિક હોવું એ સારી વાત છે અને ધાર્મિકતા જરૂરી પણ છે. કારણ સમજજો જરા. ધાર્મિકતામાં ડરનો ભાવ છે અને એક વાત યાદ રાખજો કે ક્યાંક ને ક્યાંક જીવનમાં ડર હોવો જરૂરી છે, આવશ્યક છે, પણ એમ છતાં ધાર્મિકતાની આગળની દિશા પણ એક છે, જે દિશામાં ડર નથી, પણ ડરાવવાનું કામ થઈ રહ્યું છે. આ દિશા એ જ લોકોની સામે આવીને ઊભી રહે છે જે ધર્માંત છે. જેને માટે ધર્મ સિવાયની કોઈ દુનિયા નથી અને જેની પાસે ધર્મ સિવાયનું કોઈ વિશ્વ નથી.
યાદ રહે કે ધર્મ વિશ્વ નથી, ધર્મ વિશ્વાસ છે અને વિશ્વ હંમેશાં વિશ્વાસના આધારે જ ઊભું રહે છે. જે સમયે ધર્મ પ્રત્યેનો આ વિશ્વાસ આંધળો બને, એની દૃષ્ટિ છોડે એ સમયે એનો અતિરેક શરૂ થઈ જાય અને જે સમયે એનો અતિરેક શરૂ થઈ જાય એ સમયે પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે રાગ અને વૈરાગ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જતી હોય છે.
આપણે ત્યાં ધાર્મિક કરતાં પણ વધારે ધર્માંધ છે અને એ માટેનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ જ કે આપણે ધર્મને કોઈ જાતના તર્ક વિના એ જે રૂપમાં મળ્યું છે એ જ રૂપમાં સ્વીકાર્યો છે. જે કહેવામાં આવે, જે રીતે દર્શાવવામાં આવે અને જે પ્રકારે રજૂ કરવામાં આવે એ જ પ્રકારે એ સ્વીકારી લેવામાં આવે છે અને એટલે જ ધાર્મિકતાનું રૂપ વરવું થઈ જાય છે. ધર્મને સ્વીકારો, પણ એમાં આસ્થાનું પ્રમાણ અંધવિશ્વાસના સ્તરનું ન હોવું જોઈએ. ધર્મને સ્વીકારો, પણ એમાં લાગણી અને મર્યાદાને એના જ રૂપમાં અકબંધ રાખો. ચાણક્યએ કહ્યું છે કે ‘જ્યારે પણ ધર્મનો અતિરેક થયો છે ત્યારે ધર્મ જ નહીં, ધર્મના રખેવાળો પણ ચલિત થતા હોય છે.’
ચલિત થવું નહીં એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું છે કે ક્યારેય કોઈને ચલિત કરવા પણ નહીં, કારણ કે ચલિત થયેલી વ્યક્તિ એક નહીં, અનેક લોકો માટે જોખમી પુરવાર થઈ જાય છે. જે સમયે મર્યાદા સમજવામાં નથી આવતી અને મર્યાદાઓનું ઉલ્લંઘન શરૂ કરી દેવામાં આવે છે એ સમયે તમામ પ્રકારની લક્ષ્મણરેખા નીકળી જાય છે, તૂટી જાય છે. મર્યાદાઓને સમજણ આપવી પડે અને જો એ સમજણ આપી નહીં શકો તો ચોક્કસપણે તમામ ઉલ્લંઘનની સજા પણ ભોગવવી પડશે. મર્યાદા અત્યંત જરૂરી છે, જીવનના તમામ તબક્કા પર અને જીવનના તમામ વ્યવહારોમાં પણ.
મર્યાદાઓ તૂટે છે ત્યારે તમે એક કે બે નહીં, પણ અનેક લોકોનાં જીવન સાથે ચેડાં કરી લેતા હો છો. મર્યાદાઓને સમજી લેવી જોઈએ અને મર્યાદાઓને ધર્મરેખા બનાવી લેવી જોઈએ. તૂટે નહીં એનું ધ્યાન નથી રાખવાનું, પણ તૂટે એવો વિચાર પણ નથી કરવાનો. મેં અનેક પરિવારોમાં જોયું છે કે મર્યાદાઓની તમામ ભેદરેખા ઓળંગી લીધા પછી પણ માનવામાં તો એવું જ આવે છે કે ભૂલ કોઈ કરવામાં જ નથી આવી, પણ મર્યાદા તોડવી એ ભૂલ છે અને કદાચ જીવનની સૌથી મોટી ભૂલ આ જ છે, આના સિવાય કોઈ બીજી ભૂલ હોઈ પણ ન શકે.

columnists manoj joshi