મૉલ તો ખૂલી ગયા, પણ શૉપિંગ કરવા કોણ જશે?

13 August, 2020 02:40 PM IST  |  Mumbai Desk | Bhakti D Desai

મૉલ તો ખૂલી ગયા, પણ શૉપિંગ કરવા કોણ જશે?

શૉપિંગ મૉલ્સનું મહત્ત્વ અને એની પરિભાષા દરેક વ્યક્તિ માટે જુદી-જુદી છે. બધા લોકો માત્ર ખરીદી કરવા માટે જ મૉલમાં જતા હોય છે એવું નથી, પણ આ એક એવી જગ્યા છે જ્યાં દરેક ઉંમરની વ્યક્તિ પોતાનાં આગવાં કારણોથી જતી હોય છે. બાળકોને ગેમ ઝોનમાં રમવાની મજા આવે છે, ટીનેજર્સને મિત્રો સાથે સમય વિતાવવાની અને ત્યાંના ફૂડ મૉલમાં નિરાંતે બેસીને ગપાટા હાંકવાની મોકળાશ હોય છે. ઘણા પ્રોફેશનલ્સની મીટિંગ્સ પણ અહીં થાય અને અનેકવિધ વાનગીઓ એક જ જગ્યાએ મળી જતી હોવાથી ખાવાપીવાના શોખીનો માટે પણ એ જન્નત હોય છે. માર્કેટમાં શું નવું છે એની જાણકારી મેળવવાનું હૉટસ્પૉટ પણ મૉલ્સ જ છે અને એટલે જ મહિલાઓનો અહીં સારોએવો ધસારો હોય છે. અલબત્ત, ગર્લ્સ માટે તો મૉલ ખરીદી કરવા કરતાં વધુ એક રૂટીનમાંથી બ્રેક મેળવીને રિલૅક્સ થવાનું માધ્યમ છે.
કોવિડ-19ને કારણે ચારેક મહિનાથી બંધ થયેલા મૉલથી જો કોઈને વધુમાં વધુ ખાલીપો અનુભવાયો હોય તો એ છે શૉપિંગના શોખીનોને. મૉલ્સ ખૂલી જવાની મંજૂરી મળતાં આ મહિલાઓ હવે ખુશ તો છે, પણ કોરોનાનો ડર એટલો છે કે હવે મૉલ્સ ખૂલી ગયા હોવા છતાં સ્ત્રીઓ પહેલાંની જેમ મોજ માટે મૉલમાં જવા તૈયાર છે કે નહીં એ જાણવાની કોશિશ કરી. અમે શૉપિંગની શોખીન યુવતીઓને પૂછી જોયું કે મૉલમાં ફરવાનું તમે કેટલું મિસ કર્યું?

મૉલમાં મળતી વસ્તુઓની કમી ક્યાંયથી પૂરી ન થાય : ઉર્વી તન્ના

બોરીવલીમાં રહેતાં ઉર્વી તન્ના અત્યંત ખુશી વ્યક્ત કરતાં કહે છે, ‘હું ખૂબ ખુશ છું આ વાતથી કે હવે મૉલ્સમાં કામ કરનાર લોકોની બેરોજગારી દૂર થશે અને દુકાનદારોને પણ આવક આવવાનો માર્ગ ખૂલી જશે. હા, મારે માટે તો માનસિક રીતે પણ આ એક ખૂબ આનંદ આપનાર ખબર છે, કારણ કે ક્યાંક એક એવી અનુભૂતિ થઈ રહી છે કે હવે ધીરે-ધીરે ચાર મહિના પછી જીવનની ગાડી પાટે ચડી રહી છે અને કોરોના વાઇરસે દરેકને પોતાના ઘરમાં બેસાડી સ્થગિત કરેલી જિંદગી ફરી ગતિમાન થઈ રહી છે. મન તો થાય છે કે હમણા મૉલમાં જતી રહું, પણ આ હજી શરૂઆત છે તેથી બધું સૅનિટાઇઝ થાય એટલો સમય રાહ જોઈને આવતા અઠવાડિયે મૉલમાં જવાની માનસિક તૈયારી હું કરી રહી છું. કોરોના વાઇરસનો ડર મનમાં છે, પણ હવે એટલી સમજ પડી ગઈ છે કે જો મૉલ્સમાં બધી જ તકેદારીઓ લેવાતી હોય અને આપણે પણ માસ્ક, ગ્લવ્ઝ જેવાં અનેક પગલાં લઈએ તો સંક્રમણની શક્યતા નહીંવત થઈ જાય છે. આ સમયમાં ઘણી વસ્તુઓ ઑનલાઇન મંગાવી છે છતાં શૉપિંગ મૉલમાં જે અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે છે એની કમી કોઈ પૂરી કરી શકતું નથી. આનું ઉત્તમ ઉદાહરણ છે ચંપલ અને શૂઝ. અહીં એટલી બધી બ્રૅન્ડ્સ અને સ્ટાઇલ હોય છે કે મનગમતાં શૂઝ મળી રહે છે.’

સાવચેતી જાળવીને આવતા વીકમાં ચોક્કસ જઈશ જ : તન્વી વસા

નાલાસોપારામાં રહેતી તન્વી વસા અકાઉન્ટ્સના ક્ષેત્રમાં કામ કરે છે અને અઠવાડિયામાં એક વાર ઑફિસમાં જાય છે. મૉલમાં જવા વિશે તે કહે છે, ‘મને શૉપિંગ મૉલ્સમાં જવું ખૂબ ગમે છે. હું દરેક વાર ત્યાં ખરીદી કરવા જ જતી હોઉં છું એવું નથી. મૉલ એવી જગ્યા છે કે જ્યાં ઘણી વિવિધતા જોવા મળે છે. અહીંથી ખાલી હાથે બહાર આવીએ તોય મન ઉલ્લાસથી ભરેલું હોય તેવું લાગે છે. હાલમાં મને મૉલ્સ ખૂલ્યાની જાણ થઈ ત્યારથી જવાની ઇચ્છા જાગૃત થઈ ગઈ છે, પણ સાથે જ મારા મનમાં અનેક પ્રશ્નો છે કે તેઓ સુરક્ષિતતાનાં કેવાં પગલાં લેશે? આટલા મોટા મૉલની સફાઈ કોવિડના દૃષ્ટિકોણથી કઈ રીતે જાળવશે? અહીં આવનારા લોકોમાં કોરોનાથી સંક્રમિત લોકો ન પ્રવેશે એ સુનિશ્ચિત કરવા શું કરશે? હું અઠવાડિયા પછી મૉલમાં જવાનો વિચાર કરી રહી છું. ચાર મહિનાથી બંધ થયેલા મૉલ્સ હમણાં જ ખૂલ્યા છે તેથી આ બધામાં થોડો સમય નીકળી જશે. લૉકડાઉન પછીની આર્થિક પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે આ સમય ખરીદી માટે યોગ્ય નથી, પણ તોય સચ્ચાઈ તો મૉલમાં જઈને જોવાથી જ સમજાશે તેથી હું જઈશ તો ખરી. વિન્ડો-શૉપિંગનો આનંદ તો હું લઈ જ શકીશ તેથી સાવચેતી સાથે જવામાં મને કોઈ ડર નથી લાગતો.’

હવે તો વહેલી તકે મૉલમાં જવાની ઇચ્છા છે : અવની શાહ

ભાઈંદરમાં રહેતાં અવની શાહ અને તેમની નવ વર્ષની પુત્રી મૉલનાં ચાહક છે અને મૉલની કમી તેમને આ લૉકડાઉનમાં ખૂબ વર્તાઈ હતી. તેઓ કહે છે, ‘મારી દીકરી હજી નાની છે તેથી તેને મૉલમાં લઈ જવામાં હજી જોખમ છે, કારણ કે કોવિડની ગાઇડલાઇન મુજબ દસ વર્ષથી નીચેનાં બાળકો માટે વધુ સાવચેતી વર્તવાની જરૂર છે. અન્યથા મારા માટે આનાથી મોટી કોઈ ખુશખબર નથી કે શૉપિંગ મૉલ્સ ફરી પાછા શરૂ થઈ ગયા છે. શૉપિંગ મૉલમાં મને મારી જાત સાથે ઉત્તમ સમય મળી રહે છે. માનસિક રીતે હવે મને એમ થાય છે કે એક આખો દિવસ હું મૉલમાં વિતાવું અને જો થિયેટર ખૂલી જાયને તો સિનેમા જોવા પણ જતી રહું, કારણ કે પહેલાં હું માત્ર એક પત્ની અને માતાની જવાબદારી નિભાવતી હતી અને થોડોક સમય મને મારે માટે મળી રહેતો, પણ આ લૉકડાઉન દરમ્યાન ઘરમાં ડોમેસ્ટિક હેલ્પ ન હોવાને કારણે રસોઈ, ઝાડુ, પોતાં, કપડાં અને વાસણ ધોવાની જવાબદારીઓએ મારો ‘મી ટાઇમ’ છીનવી લીધો છે. ચાર મહિનાથી પોતાને માટે સમય ન મળ્યો હોવાથી ક્યારે મૉલ ખૂલે અને ક્યારે હું ત્યાં જતી રહું એવો વિચાર આવતો હતો. હવે મૉલ્સ ખૂલી જ ગયા છે તો વહેલી તકે ત્યાં જવાનું મન થાય એ સ્વાભાવિક છે. માત્ર તેઓ કઈ રીતે સુરક્ષિતતા જાળવશે એ સમજાય તો અનુકૂળતા મળે કે તરત જ જવાની મારી ઇચ્છા છે.’

મૉલ વિના ચાલતું નહોતું, પણ હમણાં તો પબ્લિક પ્લેસમાં નહીં જ જાઉં : પ્રાચી સોમૈયા

ગોરેગામમાં રહેતી પ્રાચી સોમૈયા કોરોના વાઇરસને દૂર રાખી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષિતતા માટે લીધેલા નિર્ણયને ધ્યાનમાં રાખતાં કહે છે, ‘હાલમાં અમે બધાં ઘરેથી જ કામ કરીએ છીએ તેથી ઑફિસમાં જવાનો પ્રશ્ન નથી આવતો. મૉલ્સ ખૂલી ગયા છે એની મને ઘણી ખુશી છે, પણ સચ્ચાઈ એ છે કે હું કોરોના વાઇરસના સંક્રમણથી બચવા બધી જ વાતનું ખૂબ બારીકાઈથી ધ્યાન રાખું છું અને એવામાં મૉલમાં જવાનો તો હું વિચાર પણ નથી કરી શકતી. મને એવું લાગે છે કે આવા જાહેર સ્થળે જવું એટલે કોરોના વાઇરસને આમંત્રણ આપવા સમાન છે. સાચું કહું તો મારી તો ઑફિસ જ મૉલની બાજુમાં છે. પહેલાં તો કોઈ પણ નાની-મોટી વસ્તુ લેવા ઑફિસમાંથી થોડી વાર માટે ત્યાં જતી રહેતી. મારા ઘરની બધી જ વસ્તુ મૉલમાંથી લીધેલી છે. શૉપિંગ મૉલ મારે માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. ક્યારેક મને ખરાબ મૂડમાંથી બહાર લાવે છે તો ક્યારેક મારી જરૂરીયાતની અને લકઝરી શૉપિંગની ઈચ્છા પૂરી કરે છે અને અમુક સમયે તો તે માત્ર હરવા-ફરવાનું સ્થળ બની રહે છે. ચાર મહિનાથી જાણે મારી દુનિયા જ બદલાઈ ગઈ છે. મૉલમાં જવા માટે હું ગમે તે રીતે સમય ફાળવી લેતી અને આજે કોરોના વાયરસને કારણે ત્યાં જ્વાથી મારે પોતાને વંચિત રાખવી પડે છે.’

columnists bhakti desai