ધ ગ્રેટ ગુજરાતી

30 January, 2022 04:33 PM IST  |  Mumbai | Rashmin Shah

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પદ્‍મશ્રી અને પદ્‍મભૂષણ અવૉર્ડમાં ૬ ગુજરાતીઓ છે તો બે ગુજરાતીઓને તેમના અવસાન પછી પદ્‍મશ્રી આપવામાં આવ્યો છે, જ્યારે ક્રાન્તિકારી વિચારધારા ધરાવતા સ્વામી સચ્ચિદાનંદને પદ્‍મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.

ધ ગ્રેટ ગુજરાતી

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પદ્‍મશ્રી અને પદ્‍મભૂષણ અવૉર્ડમાં ૬ ગુજરાતીઓ છે તો બે ગુજરાતીઓને તેમના અવસાન પછી પદ્‍મશ્રી આપવામાં આવ્યો છે, જ્યારે ક્રાન્તિકારી વિચારધારા ધરાવતા સ્વામી સચ્ચિદાનંદને પદ્‍મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. મળવા જેવા આ ગુજરાતીઓની પદ્‍મ સુધીની સફર પર આજે આપણને લઈ જશે રશ્મિન શાહ

ઉદ્યોગક્રાન્તિથી જળક્રાન્તિ સુધી : સવજી ધોળકિયા

ભારત સરકાર દ્વારા પદ્‍મશ્રી ખિતાબથી સન્માનિત કરવામાં આવેલા સવજી ધોળકિયા દેશના ટોચના ૧૦ ડાયમન્ડ-કિંગ પૈકીના એક છે. હરિકૃષ્ણ ડાયમન્ડના સ્થાપક એવા સવજીભાઈ સુરતની ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીના પહેલા એવા માલિક છે જેમણે પોતાના એમ્પ્લૉઈઝ માટે ફૅક્ટરીમાં જ કિચનની શરૂઆત કરી હતી. સવજીભાઈ કહે છે, ‘વિચાર બહુ નાનો હતો, પણ એની અસર બહુ મોટી પડી હતી. મનમાં હતું કે કર્મચારીઓને ટ્રાફિકમાં હેરાન થતા ઘરે જવું પડે અને એમાં રસ્તામાં ઉતાવળ કરવા જતાં ક્યારેક કોઈ હેરાન થઈ જાય એના કરતાં આપણે જ કિચન ચાલુ કરીને સૌકોઈને લંચ માટે ઑફિસમાં જ રાખીએ, પણ એની અસર એવી પડી કે કારીગરો પોતાનું જમવાનું પતાવીને તરત કામે લાગ્યા અને પહેલા જ વર્ષે અમારા પ્રોડક્શનમાં ૧૦ ટકાનો વધારો થયો. કહે છેને કે ‘અન્ન ભેગાં એનાં મન ભેગાં.’ એવું જ અમારી કંપની સાથે બન્યું અને એ પછી અમે કંપનીની પૉલિસી કર્મચારી-ફ્રેન્ડ્લી બનાવી દીધી.’
પ૯ વર્ષના સવજીભાઈની કંપનીમાં અત્યારે ૧૦,૦૦૦થી વધારે કર્મચારીઓ છે. જોકે પોતે રિટાયર છે અને સમાજસેવા દ્વારા પોતાના જીવનના વાનપ્રસ્થાશ્રમને દીપાવી રહ્યા છે. મૂળ અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલા દુધાળા નામના ગામના સવજીભાઈએ આ આખા વિસ્તારમાં જળક્રાન્તિનું જબરદસ્ત અભિયાન ચલાવ્યું અને એ અભિયાને જ તેમની પદ્‍મશ્રી સુધીની યાત્રા પાર પડાવી. દુધાળા ગામ પાસેની જમીન ખારાપટ તરીકે ઓળખાતી. એ જમીન પર બાવળ પણ ઊગતા નહીં, પણ સવજીભાઈની જળક્રાન્તિને કારણે આજે એ આખી જમીન હરિયાળી ભૂમિ બની ગઈ છે. સવજીભાઈએ આ વિસ્તારમાં પહેલું તળાવ બનાવ્યું જેનો વ્યાસ ૧૧ કિલોમીટરનો છે. તળાવને કારણે સકારાત્મક પરિણામ દેખાવા માંડતાં સવજીભાઈએ આખો વિસ્તાર જાણે કે દત્તક લઈ લીધો હોય એમ તેમણે જળક્રાન્તિનું રીતસર આંદોલન શરૂ કરી દીધું. અત્યાર સુધી તેમણે આ વિસ્તારમાં ૭પ તળાવ બનાવ્યાં છે અને અત્યારે ૧પ તળાવનું કામ ચાલી રહ્યું છે.
જાહોજલાલી ભોગવવાની ઉંમરે ઉઘાડા પગે સમાજ-ઉત્થાન માટે બહાર આવી ગયેલા સવજીભાઈ કહે છે, ‘સન્માનથી ખુશી મળે, આનંદ થાય પણ મને તો સવિશેષ ખુશી છે, આનંદ છે. કારણ કે મેં કોઈ આવી આશા રાખી નહોતી. મેં તો વતનની તકલીફો દૂર કરવાની જહેમત ઉપાડી, જેની નોંધ છેક રાષ્ટ્ર સ્તરે લેવાઈ તો સ્વાભાવિક છે કે આપણને રાજીપો થાય, પણ હું કહીશ કે આ સન્માન પછી મને લાગે છે કે હવે મારી જવાબદારીઓ વધી ગઈ છે, જેને મારે સફળતાપૂર્વક સંભાળવાની છે.’

સાધુઓ બહુ છે, હવે સેનામાં જાઓ : સ્વામી સચ્ચિદાનંદ

પદ્‍મભૂષણથી સન્માનિત થયેલા ક્રાન્તિકારી સંન્યાસી સ્વામી સચ્ચિદાનંદે સન્માનની જાહેરાત થયા પછી રાષ્ટ્રજોગ સંદેશમાં આ મેસેજ ‘મિડ-ડે’ થકી દેશના યુવાનોને આપ્યો છે અને કહ્યું છે કે ‘બાવાઓ દેશમાં વધશે તો દેશનો વિકાસ નહીં થાય, દેશનો વિકાસ કરવો એ યુવાનોની પહેલી ફરજ છે. સાધુ બનવું હોય તો નિવૃત્તિમાં બનજો, પણ અત્યારે પ્રવૃત્ત રહીને દેશની, રાષ્ટ્રની સેવા કરજો.’
સંન્યાસ લીધા પછી પણ સંન્યાસ લેવાની દેશવાસીઓને ના પાડતાં સ્વામી સચ્ચિદાનંદ પોતાના આવા જલદ વિચારો મારફત ચર્ચામાં પણ રહ્યા છે તો વિવાદમાં પણ રહ્યા છે. સ્વામી સચ્ચિદાનંદ પહેલા એવા સંન્યાસી હતા જેઓ નરેન્દ્ર મોદીના ગુજરાતના શાસન દરમ્યાન નર્મદા ડૅમની ઊંચાઈને સુપ્રીમ પરવાનગી આપે એ માટે અનશન શરૂ કર્યા હતા. રાષ્ટ્રવાદ અને ધર્મવાદમાં રાષ્ટ્રવાદને પ્રથમ સ્થાને રાખતા સ્વામી સચ્ચિદાનંદનું સંસારી નામ નાનાલાલ ત્રિવેદી છે. ૮૯ વર્ષના સ્વામી સચ્ચિદાનંદનો જન્મ ૧૯૩૨માં ચાંદુર ગામે થયો હતો. સ્વામી સચ્ચિદાનંદ દંતાલીમાં આશ્રમ ધરાવે છે અને આદિવાસીઓના જીવન-ઉત્થાન માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ૧૦૦થી વધુ દેશમાં પ્રવાસ કરી ચૂકેલા સ્વામી સચ્ચિદાનંદ પોતાના ક્રાન્તિકારી વિચારો વિશે કહે છે કે ‘ક્રાન્તિકારી વિચારધારા નથી હોતી, એ વાસ્તવિકતા હોય છે અને વાસ્તવિકતા હંમેશાં પ્રસ્તુત રહે, પણ જુનવાણી વિચારોનું આવરણ સમાજે એટલું મોટું અને જાડું કરી દીધું છે કે વાસ્તવિક વિચારોને પણ તે ક્રાન્તિકારી વિચાર માની લે છે.’
સ્વામી સચ્ચિદાનંદ દેશના પહેલા એવા સંન્યાસી છે જેમણે પોતે રિવૉલ્વરનું લાઇસન્સ લીધું છે. સ્વામીજી કહે છે, ‘સ્વરક્ષણ પણ અહિંસાનો જ પર્યાય છે અને એ પર્યાય સૌકોઈને લાગુ પડે છે, પણ આપણે અહિંસાના વિચારને એટલો મોટો કરી દીધો છે કે હવે સ્વરક્ષણને પણ આપણે હિંસા તરીકે જોવા માંડ્યા છીએ, જેને લીધે હવે પ્રજા નમાલી બનતી જાય છે.’

આરોપીથી ઍકૅડેમી સુધી : જયંત મગનલાલ વ્યાસ

પદ્‍મશ્રીથી સન્માનિત જયંત મગનલાલ વ્યાસ એટલે કે જે. એમ. વ્યાસ નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ફાઉન્ડર છે અને અત્યારે એ જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ છે. સાયન્સ તેમનો શોખનો વિષય અને પોતે કહે પણ છે કે સાયન્સ સિવાય બીજી કોઈ બાબતમાં તેમને ગતાગમ પડે નહીં અને એ પછી પણ તેમને જ્યારે ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેમણે એ જવાબદારી એ સ્તરે સંભાળી લીધી જેની કોઈએ કલ્પના નહોતી કરી. પોતાના ક્ષેત્રનો ૪૭ વર્ષનો અનુભવ ધરાવતા જે. એમ. વ્યાસ ૨૭ વર્ષ તો ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના ડિરેક્ટરપદે રહ્યા અને માત્ર ગુજરાતના જ નહીં, દેશભરના અનેક એવા ગુનાઓ શોધવામાં નિમિત્ત રહ્યા જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.
જે. એમ. વ્યાસ કહે છે, ‘સાયન્સ થકી સુરક્ષિત સમાજ ઊભો થતો રહે એ પ્રયાસ દુનિયાભરમાં થયો છે અને એવી જ રીતે આપણે કર્યો છે, પણ એ જ સાયન્સ ભણવા માટે લોકો આવે અને તેમને સરળતા સાથે, સહજતા સાથે એ સમજાય એ દિશામાં કામ કરવું અઘરું હતું, પણ સૌકોઈની મદદથી એ કામ થઈ શક્યું અને આજે એ યુનિવર્સિટી દ્વારા એવા કાબેલ સાયન્ટિસ્ટ બહાર આવે છે જે દેશને વધારે ને વધારે ગુનારહિત બનાવવાનું કામ કરે છે, જેનો મને ગર્વ છે.’
ગુજરાતની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી એ સ્તરે કામમાં નિપુણતા મેળવી ચૂકી હતી કે દિલ્હીના નિઠારી કાંડમાં પણ તેમની હેલ્પ લેવામાં આવી હતી, તો દેશભરમાં ગાજેલા આરુષિ મર્ડર કેસમાં પણ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીની મદદ લેવામાં આવી હતી. આ મદદ લેવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ જે. એમ. વ્યાસની એક્સપર્ટાઇઝ હતી.
ફૉરેન્સિક સાયન્સની વાત કરીએ તો સાયન્સની જ એક બ્રેન્ચને સવિશેષ રીતે સમજીને એનો ઉપયોગ આરોપી સુધી પહોંચવા માટે થતો, પણ એ જ સાયન્સને એક સ્પેશ્યલ બ્રેન્ચ બનાવીને એનું એજ્યુકેશન શરૂ કરવાની વાત સ્વાભાવિક રીતે અકલ્પનીય હતી, પણ એ અકલ્પનીય કામ જે. એમ. વ્યાસે કરી દેખાડ્યું, એટલું જ નહીં, રાષ્ટ્રના મનમાં આવેલા એક વિચારને મૂર્તિવંત રૂપ આપવા માટે સિલેબસને આકાર આપવાની સાથોસાથ એ યુનિવર્સિટી કેવી રીતે દેશને ઉપયોગી બને એની રૂપરેખા પણ તેમણે બનાવીને દેખાડી.

વિચારથી વ્યવહાર સુધી : રમીલાબહેન ગામીત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામના ગ્રામપંચાયતનાં સભ્ય રમીલાબહેન ગામીતે જે પ્રકારે સ્વચ્છતાના વિચારોને વ્યવહાર અને જીવનશૈલી બનાવવાનું જે કામ કર્યું એના સન્માન સ્વરૂપે તેમને ૨૦૨૨નાં પદ્‍મશ્રી માટે પસંદ કરવામાં આવ્યાં છે. ૪૫ વર્ષનાં રમીલાબહેને પુરવાર કર્યું છે કે કામ કરવા માટે સત્તા નહીં, સંપની આવશ્યકતા હોય છે. આખા ટાપરવાડા ગામને એકત્રિત કરી સૌકોઈને કામમાં સાથે જોડીને રમીલાબહેને ગામમાં ૩૮૦ શૌચાલય બનાવ્યાં, જેને માટે તેમને સ્વચ્છતા-શક્તિનો અવૉર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો. રમીલાબહેન કહે છે, ‘તમે કામ કરો છો એની નોંધ લેવાય એ જાણીને આનંદ થાય. અમારું ગામમાં ઘરદીઠ એક શૌચાલય બન્યું એટલે નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો-કાર્યક્રમમાં મારું નામ લીધું અને પછી સન્માન કર્યું એટલે મારો ઉત્સાહ વધ્યો અને મારી સાથે ગામવાસીઓનો ઉત્સાહ પણ વધ્યો.’
રમીલાબહેને અત્યાર સુધી તાપી જિલ્લાનાં અલગ-અલગ ગામમાં ૧૫૦૦થી વધારે શૌચાલય બનાવ્યાં છે તો શૌચાલયોની સાથોસાથ તેમણે ગામના વિકાસ માટે બહેનોને પણ ઉદ્યમના રસ્તે વાળવાનું કામ કર્યું છે. ટાપરવાડા ગામ દેશનું પહેલું એવું ગામ બન્યું છે જે ગામમાં રહેતી ૧૮ વર્ષથી મોટી ઉંમરની દરેકેદરેક વ્યક્તિ કમાણી કરી રહી છે. બહેનોને તેમના જોગ અને વડીલોને તેમના જોગ કામ મળી રહે એ માટે રમીલાબહેને અથાક મહેનત કરી છે. જોકે એ પછી આજે પણ તેમનું સ્વચ્છતા અભિયાન તો ચાલુ જ છે. રમીલાબહેને શૌચાલય અભિયાન શરૂ કર્યું એની સૌથી મોટી ખૂબીની વાત જો કોઈ હોય તો એ કે રમીલાબહેન પોતે શૌચાલય બનાવવા માટે કડિયાકામથી માંડીને વેસ્ટનો નિકાલ કરવા માટે લાઇન બનાવવાનું કામ પણ શીખ્યાં.
રમીલાબહેન કહે છે, ‘જ્યારે કડિયાકામ શીખવાનું શરૂ કર્યું ત્યારે ઘણાને હસવું આવતું હતું, પણ મને થતું કે એક દિવસ એવો આવશે કે તેઓ પણ મારી સાથે કામે લાગશે અને એવું જ થયું. બહેનો મારી સાથે કામમાં જોડાવા માંડી એટલે ભાઈઓએ પણ સાથ આપવાનું શરૂ કર્યું અને આજે ટાપરવાડાની એકેએક વ્યક્તિ શૌચાલય બનાવવાથી માંડીને એ વેસ્ટનો નિકાલ કુદરતી રીતે કેવી રીતે કરવો એની જાણકારી ધરાવે છે.’
રમીલાબહેને આદિવાસી બાળકો માટે ઘરશાળાનું અભિયાન પણ શરૂ કર્યું, જેને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો. બાળક સ્કૂલ સુધી ન જઈ શકે તો સ્કૂલને બાળક સુધી લઈ આવવા જેવો વિચાર એક સામાન્ય મહિલાને આવે એ ખરેખર સમાજ માટે ઉપકારક ઘટના છે અને એ ઉપકારક ઘટનાને કારણે આજે તાપી જિલ્લાનાં ૧૬ ગામના ૧૦૦ ટકા બાળકો અક્ષરજ્ઞાન ધરાવતાં થયાં છે.

સ્ટેટ્સથી સ્વાસ્થ્ય સુધી : ડૉ. લતા દેસાઈ

મેડિકલ ક્ષેત્રનો સમાજ માટે અવ્વલ દરજ્જાનો ઉપયોગ કરવા માટે પદ્‍મશ્રીથી સન્માનિત ડૉ. લતા દેસાઈની લાઇફ જો તમે ધ્યાનથી જુઓ તો તમને એમાં કોઈ પણ હિન્દી ફિલ્મની છાંટ દેખાઈ આવે. અમેરિકામાં ટોચની પોઝિશન પર ૯ વર્ષ સુધી આરામપ્રદ જિંદગી પસાર કર્યા પછી એક દિવસ હસબન્ડ-વાઇફ બન્ને નક્કી કરે કે ચાલો, દેશમાં જઈને સેવા કરીએ અને બન્નેએ કર્યું. સેવા રૂરલ નામની સંસ્થાનાં ફાઉન્ડર એવાં ડૉ. લતાબહેન અને તેમના હસબન્ડ ડૉ. અનિલ દેસાઈએ ભરૂચ પાસે આવેલા ઝઘડિયામાં નિઃશુલ્ક હૉસ્પિટલ શરૂ કરી અને એ હૉસ્પિટલ સેવાની સુવાસ દેશભરમાં પાથરી દીધી.
ડૉ. અનિલ દેસાઈ અત્યારે હયાત નથી, પણ તેમની ગેરહયાતીનો કોઈ અહેસાસ સંસ્થાએ અનુભવવો ન પડે એનું ધ્યાન લતાબહેને રાખ્યું છે. ૪૦ વર્ષની સેવા રૂરલ સંસ્થાએ કરેલાં કામોને લીધે આજે આ આખા જિલ્લામાં શિશુમૃત્યુનો દર ૧૮૬થી ઘટીને છેક પચીસ પર આવી ગયો છે, તો ગર્ભાવસ્થા દરમ્યાન મરનારી મહિલાના દરમાં ૭પ ટકા જેટલો ઘટાડો થયો છે. ડૉ. લતા દેસાઈ કહે છે, ‘પદ્‍મશ્રી સન્માન એ હકીકતમાં મારું નહીં, પણ સેવા રૂરલનું અને અમારી સાથે જોડાયેલા ૩૦૦ લોકોનું સન્માન છે. હું તો નિમિત્ત માત્ર છું અને એટલે જ આજના આ દિવસે હું અમારી સાથે જોડાયેલા એ તમામેતમામ નિઃસ્વાર્થ સેવાભાવીઓનો આભાર માનું છું કે તેમણે અમારી વાત સાંભળી, માની અને અને અમને સાથ આપવાની તૈયારી દર્શાવી.’
સેવા રૂરલની વાત કરીએ તો સંસ્થાની ૨૫૦ બેડની હૉસ્પિટલનો લાભ આજુબાજુનાં ૨૦૦૦ ગામડાંઓને મળે છે. સંસ્થામાં પચીસથી વધારે ડૉક્ટર્સ છે અને દર વર્ષે બે લાખ દરદીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. હૉસ્પિટલમાં દરેક બેડ પાસે દાન આપવા માટે ડબ્બો પડ્યો હોય છે. પેશન્ટને કોઈ બિલ આપવામાં આવતું નથી, પણ ડિસ્ચાર્જ વખતે તેને મન થાય તો તે એ ડબ્બામાં ફાળો પધરાવે. બાકી હરિઇચ્છા. ડૉ. લતા દેસાઈ કહે છે, ‘હેતુ સંપત્તિ હતો જ નહીં, સ્વાસ્થ્ય હતો અને એ જ કાયમ રહેશે.’
ડૉ. લતા દેસાઈ અને ડૉ. અનિલ દેસાઈ બન્ને અમદાવાદમાં મળ્યાં અને જીવનસાથી બન્યાં. ૧૯૬પની વૉર પછી સેનામાં ભરતી થવા માટે લોકોને આહ્‍વાન કરવામાં આવ્યું ત્યારે બન્ને બધું કામ પડતું મૂકીને સેનામાં જોડાયાં હતાં અને સરહદ પર ફીલ્ડ મેડિકલ ઑફિસર તરીકે ગયાં હતાં. લગભગ બે વર્ષ ફરજ બજાવ્યા પછી બન્ને ફરી હાયર-એજ્યુકેશન માટે અમદાવાદ આવ્યાં અને લતાબહેન પીડિયાટ્રિશ્યન તથા અનિલભાઈ જનરલ સર્જ્યન બન્યા. એ પછી બન્ને અમેરિકા ગયાં અને અમેરિકાથી પાછાં આવીને તેમણે ઝઘડિયામાં સેવા રૂરલની સ્થાપના કરી.
૧૯૪૧ની ૮ ઑગસ્ટે જન્મેલાં લતાબહેન આજે ૮૧ વર્ષની ઉંમરે પણ સેવા રૂરલમાં ૨૪ કલાક સેવા આપે છે.

દમણથી દેશ સુધી : પ્રભાબહેન શાહ

દમણમાં રહીને પણ ભારતવર્ષને સેવાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડનારાં ૯૨ વર્ષનાં પ્રભાબહેન શાહને સામાજિક જીવનના ઉત્થાન માટે પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે. એક સમય હતો કે પ્રભાબહેનના કાર્યની નોંધ કોઈ લેતું નહોતું અને એ પછી પણ પ્રભાબહેન એકલા હાથે તમામ મોરચે લડી લેતાં, જ્યારે આજે સમય એવો છે કે પ્રભાબહેનને પૂછ્યા વિના એક પણ સરકારી ફોરમની બેઠક મળતી નથી. આ ઉંમરે પણ પ્રભાબહેનની દમણ અને એની આસપાસનાં ગામોની ૪૨ જેટલી ગવર્નમેન્ટ કમિટીમાં નિમણૂક થઈ છે. કન્ઝ્‍યુમર ફોરમથી લઈને લોકઅદાલત, લેબર કોર્ટ, ફૅમિલી કોર્ટ ગઠબંધન જેવી અનેક સમાજોપયોગી કમિટીમાં તેમના વિચારોનું એક વજન છે અને એને લીધે જ આજે પણ પ્રભાબહેન ઍક્ટિવ છે. પ્રભાબહેન કહે છે, ‘સત્યનો સાથ આપવાની નીતિ પહેલાં પણ અકબંધ હતી અને એ નીતિના આધારે જ સૌકોઈને સમજાવ્યું છે કે અન્યાય ન થાય એનું ધ્યાન રાખવું. જે સમાજમાં ન્યાયનું ધોરણ અકબંધ રહે છે ત્યાં  ક્યારેય અસત્યને સ્થાન મળતું નથી.’
પ્રભાબહેન શાહની બાબતમાં સૌથી રસપ્રદ જો કોઈ વાત હોય તો એ કે તેમણે માત્ર દમણ કે પછી એની આસપાસના વિસ્તારોમાં જ નહીં, પણ જરૂરિયાતના સમયે પણ તેઓ દેશના પડખે ઊભાં રહ્યાં. મોરબી પૂર હોનારત સમયે પ્રભાબહેન મોરબીમાં એક મહિનાથી વધારે સમય રોકાયાં હતાં અને તેમણે પૂરગ્રસ્તો માટે ત્યાં જ રાહત-રસોડું શરૂ કર્યું હતું તો પૂરમાં સઘળું ગુમાવનારા સેંકડો પરિવારોને નવેસરથી ઘર વસાવવામાં અતથી ઇતિ સુધીની મદદ કરી હતી. કચ્છમાં ધરતીકંપ આવ્યો એ વખતે પણ તેઓ કચ્છના પડખે ઊભાં રહ્યાં હતાં. કચ્છ ધરતીકંપના ૩૬ કલાકમાં જો કોઈએ કચ્છમાં રાહત-છાવણી શરૂ કરી હોય તો એ પ્રભાબહેન હતાં. ભોપાલ ગૅસ દુર્ઘટના સમયે પણ પ્રભાબહેન ભોપાલના પડખે ઊભાં રહ્યાં હતાં અને લાતુરમાં થયેલા ધરતીકંપ વખતે પણ તેઓ ત્યાં પહોંચી ગયાં હતાં. પ્રભાબહેન કહે છે, ‘દુનિયા આને સેવાનાં કામ કહે છે, પણ હું આને માનવધર્મ કહું છું. માણસ તરીકે જન્મ આપ્યા પછી આપણું પ્રભુ પર ઋણ હોય છે અને એ ઋણ અદા કરવાની ફરજના ભાગરૂપે સૌકોઈએ આ પ્રકારે કામ કરવું જોઈએ. કોઈ એ કામ પ્રત્યક્ષ રીતે કરે તો કોઈ પરોક્ષ રીતે આ પ્રકારનાં કામમાં પોતાનો સાથ આપે.’
૭૦૦થી વધારે સન્માન જોઈ ચૂકેલાં પ્રભાબહેન દૃઢપણે માને છે કે જે કરો એ હૃદયપૂર્વક કરો અને સ્વચ્છ ભાવથી કરો. પ્રભાબહેનના હસ્તે સેંકડો દીકરીઓનનાંઘર વસ્યાં છે તો પ્રભાબહેને સેંકડો દીકરાઓને ભણાવ્યા પણ છે. આ જ કારણ છે કે પ્રભાબહેન ઘરની બહાર બેસે એટલે તેમની આસપાસ લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ જાય. આદિવાસી બહેનો શિક્ષણ લે એ માટે પ્રભાબહેને ઘરે-ઘરે જઈને પોતે શિક્ષણકાર્ય કર્યું છે અને આ પ્રકારે શિક્ષિત થતી વ્યક્તિ પાસે શપથ લેવડાવ્યા છે કે તેઓ બીજા ૧૦ જણને અક્ષરજ્ઞાન આપશે.

પંચાયતથી પદ્‍મશ્રી સુધી : માલજી દેસાઈ

ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા માલજી દેસાઈનું જીવન આજે પણ મહાત્મા ગાંધીએ ચીંધેલા માર્ગ પર ચાલે છે. કૉન્ગ્રેસ વતી પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા માલજીભાઈ કૉન્ગ્રેસની ટિકિટ પર વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે. પંચાયતથી પદ્‍મશ્રી સુધીની આ સફર માટે માલજીભાઈ કહે છે, ‘જાત માટે જીવવું અને સમાજ માટે જીવવું એ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે. સમાજ માટે જીવનારો વ્યક્તિગત વિચાર નથી કરતો, તે હંમેશાં બહુજન વિચારોને મહત્ત્વ આપે છે અને એ જ મહાત્મા ગાંધીએ સૌને શીખવ્યું છે.’
પાટણ જિલ્લાના ચાણસ્મા ગામના વતની એવા માલજીભાઈને સૌકોઈ ‘મોટા ભાઈ’નું સંબોધન કરે છે. સંબોધન કરે છે એટલું જ નહીં, માલજીભાઈ પાટણ જિલ્લાના સૌકોઈ માટે મોટા ભાઈનું સ્ટેટસ પણ ધરાવે છે. માલજીભાઈના આ મોટા ભાઈવાળા બિરુદને સમજતાં પહેલાં તેમની પર્સનલ લાઇફ જાણવી જોઈએ. ૨૦૦૭માં વિધાનસભા ઇલેક્શન વખતે માલજીભાઈએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી, જેમાં તેમની બૅન્ક-બૅલૅન્સ ૨,૦૦,પ૦૦ રૂપિયા હતી અને ખેતીની જમીન હતી. એ સિવાય તેમની સંપત્તિમાં કશું નહોતું. હોય પણ ક્યાંથી, માલજીભાઈએ અત્યાર સુધી ઉત્તર ગુજરાતનાં ઓછામાં ઓછાં ૧૦,૦૦૦ બાળકોની ફીની જવાબદારી ઉપાડી છે તો ૨૦૦૦થી વધારે દીકરીઓનાં લગ્ન પણ તેમણે કરાવ્યાં છે. 
પાટણના ઝીલિયા ગામના ગાંધી આશ્રમના સંસ્થાપક એવા માલજીભાઈ ૭ દસકાથી જનસેવામાં વ્યસ્ત છે. માલજીભાઈ કહે છે, ‘જનસેવા એ જ પ્રભુસેવા છે તો એવી જ રીતે જનસેવા એ જ દેશસેવા છે. દેશની એકેક વ્યક્તિ જો સુખી હોય તો એ દેશ વિકાસના માર્ગ પર જ રહે. પદ્‍મશ્રી સન્માનથી ખુશી થાય છે, પણ એ ખુશી સન્માનની નહીં, આ કાર્ય કરવા માટે બીજાને પણ પ્રેરણા મળશે એ વાતની છે.’
ચુસ્ત કૉન્ગ્રેસી એવા માલજીભાઈને પદ્‍મશ્રી આપીને બીજેપીની સરકારે પણ નિષ્પક્ષતાનો પુરાવો આપ્યો એ પણ એટલું જ સાચું છે.

અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં : ખલીલ ધનતેજવી

ખલીલ મકરાણીનું નામ જો તમને આપવામાં આવે તો તમે તેમને ઓળખો નહીં, પણ જો તમને ખલીલ ધનતેજવી વિશે પૂછવામાં આવે તો તમે ઘડીના છઠ્ઠા ભાગમાં તેમને ઓળખી જાણો. માત્ર ૬ ધોરણ સુધી ભણેલા ૮૨ વર્ષના ખલીલભાઈનું અવસાન ગયા વર્ષે વડોદરામાં થયું. ખલીલ ધનતેજવીએ અઢળક ગઝલો લખી તો ગુજરાતીમાં અન્ય બીજાં સર્જનો પણ કર્યાં. ખલીલભાઈએ લખેલી કેટલીક હિન્દી ગઝલો તો વિશ્વભરમાં વિખ્યાત થઈ. ગઝલ-સિંગર જગજિતસિંહે ગાયેલી ખલીલભાઈની ગઝલ ‘અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં...’ ઑલમોસ્ટ બે વર્ષ સુધી ચાર્ટબસ્ટર રહી હતી.
ખલીલ ધનતેજવીને કેન્દ્ર સરકાર દ્વારા મરણોત્તર પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ગુજરાતના આઇએએસ ઑફિસર ગુરુપ્રસાદ મહાપાત્રને પણ ભારત સરકાર દ્વારા મરણોત્તર પદ્‍મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે.
અમદાવાદની બદલેલી સિકલનો પૂરેપૂરો જશ ગુરુપ્રસાદ મહાપાત્રને જાય છે, પણ એમ છતાં તેમને યાદ કરવામાં આવશે તેમણે કરેલાં કોવિડ-વૉરિયર તરીકેનાં કામ માટે. કોવિડની સેકન્ડ લહેર વખતે ગુજરાતમાં શરૂ થયેલી ઑક્સિજનની અછતને પૂરી કરવાની જવાબદારી મહાપાત્રને સોંપવામાં આવી અને તેમણે ચાર્ટર્ડ પ્લેનથી ઑક્સિજન મગાવીને દેશભરની આંખોમાં અચરજ આંજી દીધું હતું, પણ કોવિડથી એ ન જોવાયું અને કોવિડે તેમને હડફેટમાં લીધા. કોવિડને કારણે જીવ ગુમાવનારા મહાપાત્રને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાની રૂમને ઑફિસમાં કન્વર્ટ કરી નાખી હતી અને ૭ દિવસ સુધી હૉસ્પિટલમાંથી ડ્યુટી સંભાળી હતી. ઑક્સિજનના અભાવે લોકોનો જીવ ન જાય એની તકેદારી રાખી અને ફાઇનલી પોતાની જાત કોવિડને સમર્પિત કરી દીધી.

જીવનના આખરી શ્વાસ સુધી મારે ગાવું છે 

આ વખતે પદ્મવિભૂષણ મેળવનાર એક નામનો અહીં ખાસ ઉલ્લેખ થવો જોઈએ. શાસ્ત્રીય સંગીતના રસિયાઓમાં બહુ જાણીતું એ નામ છે પ્રભા અત્રેનું. વાચકોને પ્રભાજી સાથે મુલાકાત કરાવે છે નંદિની ત્રિવેદી

કિરાના ઘરાણાનાં લિવિંગ લેજન્ડ શાસ્ત્રીય ગાયિકા સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રેને ભારતના સેકન્ડ હાએસ્ટ સિવિલિયન અવૉર્ડ પદ્‍મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ‘મારી સંગીતયાત્રામાં શ્રોતાઓએ ખૂબ સાથ આપ્યો છે. એને લીધે જ હું વધુ સજ્જ કલાકાર બની શકી છું. પ્રતિષ્ઠિત નૅશનલ અવૉર્ડ મળવાથી મારા ચાહકો, મિત્રો, સગાં-સ્નેહીઓને એટલી બધી ખુશી થઈ છે કે તેમની ખુશીને લીધે મારો આનંદ બેવડાયો છે. સઘન સાધના પછી સફળતા મળે એનો વિશેષ આનંદ હોય અને એ અવૉર્ડ મારે માટે મોટો છે. ગુજરાતમાં મેં ઘણા કાર્યક્રમ કર્યા છે. ત્યાંનું ઑડિયન્સ કદરદાન અને પ્રેમાળ છે. મારાં સેમી ક્લાસિકલ ગીતોમાં ગુજરાતની થોડી ફ્લેવર આવે છે, કારણ કે મને ગુજરાતનું લોકસંગીત ગમે છે. જીવનના આખરી શ્વાસ સુધી મારે ગાવું છે’ એમ ૯૦ વર્ષનાં આ મહાન ગાયિકા કહે છે. 
‘સરગમ - એક સંગીત સામગ્રી’ વિષય સાથે ડૉક્ટરેટ કરનાર પ્રતિભાશાળી પ્રભા અત્રે આમ તો વિજ્ઞાન શાખામાં ગ્રૅજ્યુએટ થયાં હતાં. સાથે સંગીતનો અભ્યાસ તો ખરો જ. પછી તો મુંબઈની એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટીના સંગીત વિભાગનાં `હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ’ તરીકે નિમાયાં. ઑલ ઇન્ડિયા રેડિયોની સર્વોચ્ચ શ્રેણીના કલાકાર, સહનિયામક ઉપરાંત તેઓ દેદીપ્યમાન વિચારક, કવયિત્રી, લેખિકા, કેળવણીકાર, કમ્પોઝર, પર્ફોર્મર, સંશોધક તથા ઉત્તમ ગુરુ છે. પુણેમાં જન્મેલાં પ્રભા અત્રે આજે કિરાના ઘરાણાનાં પ્રથમ પંક્તિનાં સૌથી વરિષ્ઠ કલાકાર છે. સતત નાવીન્યપૂર્ણ કાર્યક્રમો આપીને તેમણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. વિશ્વસંગીતમાં રુચિ ધરાવનાર વાચકોને ઉપયોગી થાય એવાં પ્રભા અત્રેનાં કેટલાંક પુસ્તકો અંગ્રેજી, હિન્દી, મરાઠી ભાષામાં પ્રસિદ્ધ થયાં છે તેમ જ અન્ય ભાષાઓમાં અનુવાદિત પણ થયાં છે. સંગીતના ચાહકોને કદાચ ખબર નહીં હોય પણ ડૉ. પ્રભા અત્રેએ યુવાન વયે નાટકોમાં અભિનય કર્યો હતો અને તેમની મહત્ત્વાકાંક્ષા એક સમયે નૃત્યાંગના બનવાની હતી. પ્રભાજીની અસાધારણ સર્જનશીલતા અને ઉપલબ્ધિઓના આધારે તેમને સંગીત નાટક અકાદમી સન્માન, ટાગોર ઍકૅડેમી અવૉર્ડ, કાલિદાસ સન્માન, પદ્‍મશ્રી, પદ્‍મભૂષણ જેવાં પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. સ્વરયોગિની કહેવાતાં પ્રભાજી ખરા અર્થમાં કર્મયોગિની છે.
શાસ્ત્રીય સંગીત તથા અન્ય પર્ફોર્મિંગ આર્ટ્સને વેગ આપવા તેમણે ‘ડૉ. પ્રભા અત્રે ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે. શૈક્ષણિક સંસ્થા તથા પારંપરિક ગુરુ-શિષ્ય પરંપરા વચ્ચેનું અંતર ઘટાડવા તેમણે ‘સ્વરમયી ગુરુકુલ’ની સ્થાપના કરી છે. ૯૦ વર્ષની વયે પણ સતત કાર્યરત રહેતાં પ્રભાજી આજે પણ પુસ્તકો લખવામાં, સંશોધનકાર્યમાં તેમ જ આજના યુગની ડિમાન્ડ મુજબ ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવામાં વ્યસ્ત છે. શાસ્ત્રીય સંગીતમાં રસ લેતી યુવા પેઢી માટે ૧૦ એપિસોડની ‘આલોક’ સિરીઝમાં ખૂબ ઊંડાણપૂર્વક રાગોની માહિતી, સરગમ, આલાપ, પ્રેઝન્ટેશન ઇત્યાદિ પર ભાર મૂકીને સર્વગ્રાહી માહિતી આપવામાં આવી છે. પ્રભા અત્રેના રેકૉર્ડેડ કાર્યક્રમોની પ્રસ્તુતિ દર રવિવારે ડિજિટલ માધ્યમ પર થઈ રહી છે. જિંદગીને સંપૂર્ણપણે સંગીતને સમર્પિત કરનાર પ્રભા અત્રેને પદ્‍મવિભૂષણ સન્માન મળ્યું એ સાર્થક જ છે. તેમણે લખેલી આ પંક્તિઓથી સમાપન કરીએ...
‘એકાધ સુર ઐસા લગ જાએ, ક્ષિતિજ કા જો પાર દિખાયે; 
એકાધ આલાપ ઐસા ખિલ જાયે, સારા દિગંત રોશન કર જાએ; 
એકાધ શ્રોતા ઐસા મિલ જાયે, અદ્વૈત કા હી સ્પર્શ કરાએ;
એકાધ મહેફિલ ઐસી જમ જાયેં, ગર્ભગૃહ સમ પાવન હો જાયે!’

columnists Rashmin Shah