મોડી રાત સુધી વેબ-સિરીઝ જોવાની મજા તમને વિચિત્ર સજા આપી શકે છે

01 March, 2021 11:04 AM IST  |  Mumbai | Bhakti D. Desai

મોડી રાત સુધી વેબ-સિરીઝ જોવાની મજા તમને વિચિત્ર સજા આપી શકે છે

મોડી રાત સુધી વેબ-સિરીઝ જોવાની મજા તમને વિચિત્ર સજા આપી શકે છે

હવે તો જગજાહેર છે કે રાતે મોડે સુધી જાગવું એ અનહેલ્ધી છે, પણ હવે રાતે ઉજાગરાઓમાં જે ડિજિટલ ડિવાઇસની કૃત્રિમ લાઇટનું એક્સપોઝર ભળ્યું છે એ પુરુષોની ફર્ટિલિટી અને ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનના લેવલ પર પણ અસર કરે છે એવું સંશોધન કહે છે. નિષ્ણાતો પણ આની સાથે સહમત છે. છેલ્લા એક વર્ષમાં ડિજિટલ ડિવાઇસનો વપરાશ એટલો વધ્યો છે કે જો વહેલા નહીં જાગીએ તો ફર્ટિલિટીની સમસ્યાનો રાફડો ફાટશે એવી સંભાવના દર્શાવાઈ રહી છે

શું રાતે તમને બેડરૂમમાં ડીમ લાઇટ ચાલુ રાખીને સૂવાની આદત છે?
ઊંઘ ન આવતી હોય તો લાવને જરા મોબાઇલ ફંફોસું એમ વિચારીને ચૅટ કે ગેમમાં લાગી પડો છો?
રાતે વધુ શાંતિ હોય છે એટલે લૅપટૉપ કે કમ્પ્યુટર પર મોડે સુધી કામ કરવાનું તમને બહુ ગમે છે?
સવારે વહેલું ઊઠવાનું નથી એટલે પથારીમાં પડ્યાં-પડ્યાં‍ કેટલા કલાક ગેમ રમ્યા એ પણ યાદ નથી રહેતું?
જો આવી આદત‍ હોય તો તમે કોઈ પણ વયના પુરુષ હો, ચેતવા જેવું ચોક્કસ છે, કેમ કે મોડી રાત સુધી મોબાઇલ, ટીવી કે ટૅબ્લેટ્સનાં શૉર્ટ વેવલેન્ગ્થ કિરણો પુરુષોની પ્રજનનક્ષમતા પર માઠી અસર કરે છે એવું વૈજ્ઞાનિકો કહે છે.
હ્યુમન રીપ્રોડક્શન જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ ૧૯૭૩ અને ૨૦૧૧ વચ્ચે નૉર્થ અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં રહેનાર પુરુષોમાં શુક્રાણુની સંખ્યા ૫૦ ટકા જેટલી ઘટી ગઈ છે. આની પાછળનાં કારણો માટે સંશોધન થઈ રહ્યાં છે. સંશોધકો શોધવા માગે છે કે બદલાયેલી જીવનશૈલી અને પર્યાવરણમાં આવતા પરિવર્તનથી પુરુષોમાં પ્રજનનક્ષમતા પર અસર થઈ રહી છે કે શું? ૨૦૨૦માં પુરુષોના આરોગ્ય પર થયેલા એક સંશોધનમાં એવું તારવવામાં આવ્યું છે કે સાંજ પછી અથવા રાતે પુરુષો મોબાઇલ, ટૅબ્લેટ, લૅપટૉપ અને ટીવી જેવાં ઉપકરણોનો વધુ ઉપયોગ કરે તો એની સ્ક્રીનમાંથી બહાર ફેંકાતા પ્રકાશથી તેમની ઊંઘ અને તેમના સ્પર્મની સંખ્યા તથા ગુણવત્તા એ બધા પર વિપરીત અસર થાય છે.
મતલબ કે માત્ર રાતના ઉજાગરા જ નહીં, રાતે શૉર્ટ વેવલેન્ગ્થ કિરણો ફેંકતાં ડિવાઇસ વાપરવાને કારણે હૉર્મોનલ અસંતુલન અને ફર્ટિલિટીમાં ઓટ આવવાની સ્પીડ પકડે છે. અંધેરીનાં અનુભવી એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. તન્વી પટેલ પણ સહમત છે. તેમનું કહેવું છે કે હાલમાં ફર્ટિલિટીની સમસ્યાની ફરિયાદ લઈને આવનાર નાની વયના પુરુષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપકરણોમાંથી ફેંકાતી શૉર્ટ વેવલેન્ગ્થ લાઇટ અને પુરુષોમાં સ્પર્મની સંખ્યા અને ગુણવત્તા સાથેના સંબંધ વિશે તેઓ કહે છે, ‘પુરુષોની પ્રજનનશક્તિમાં ઘટાડો થવો એ એક રીતે હૉર્મોન્સ સાથે જોડાયેલી સમસ્યા છે. ઉપરોક્ત સંશોધનનું તારણ એક પૂર્ણ સત્ય છે. આ પહેલાં પણ ઉપકરણોમાંથી આવતી શૉર્ટ વેવલેન્ગ્થ લાઇટ અને ઊંઘ પર માઠી અસર પર સંશોધન થયાં છે. રાતે આંખ પર ફેંકાતી ઉપકરણોની લાઇટ અને હૉર્મોન્સમાં આવતા અસંતુલનની વચ્ચેની મહત્ત્વની જે કડી છે એ છે ઊંઘ અને એની સાથે જોડાયેલી આપણા શરીરમાં થતી અમુક પ્રક્રિયા. જ્યારે પણ ઊંઘ ખોરવાય છે તો હૉર્મોન્સની સમસ્યા ઉદ્ભવવી એ સહજ છે.’
ઊંઘનું ચક્ર ખોરવાય છે એ મૂળ
ફર્ટિલિટીની તકલીફને ઊંઘવાના સમય સાથે પણ ઘણી લેવાદેવા છે એમ સમજાવતાં ડૉ. તન્વી કહે છે, ‘જરા વિચારો કે આપણને સૂર્યાસ્ત થાય પછી જ ઊંઘ કેમ આવે છે અને રાતનો સમય સૂવા માટે કેમ યોગ્ય છે? કેમ કે આ કામ પણ શરીરમાં હૉર્મોન્સ દ્વારા જ થાય છે. સૂર્યાસ્ત પછી ધીરે-ધીરે મેલૅટોનિન નામના હૉર્મોનનો શરીરમાં સ્રાવ વધે છે અને જેમ અંધારું વધવા લાગે છે એમ મેલૅટોનિન હૉર્મોન, જેને સ્લીપ હૉર્મોન પણ કહેવાય છે એ વધારે સક્રિય થાય છે અને આપણને ઊંઘ અર્પે છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે લોકો ઘરમાં ખૂબ અજવાળું આવે એવી ઉજાસવાળી લાઇટ રાતે કરે છે, ટીવી જુએ છે, રાતે લૅપટૉપ પર કામ કરે છે, સાંજે બધા કામથી નિરાંત મળે અને જેવા ગાદીમાં આડા પડે એટલે પહેલાં મોબાઇલ હાથમાં લે છે અને આમાંથી ફેંકાતી શૉર્ટ વેવલેન્ગ્થ લાઇટ સતત આપણી આંખો પર પડ્યા કરે છે. આને કારણે આપણું મગજ રાત છે કે દિવસ એ સમજી નથી શકતું અને મેલૅટાનિન હૉર્મોનનું કામ ખોરવાઈ જાય છે, જેથી ઊંઘ નથી આવતી. આપણાં જે મુખ્ય હૉર્મોન્સ છે એનો સ્રાવ જ રાતે થતો હોય છે અને આ હૉર્મોન્સનો આપણા શરીરના સંચાલનમાં અને આપણી તંદુરસ્તીમાં ખૂબ મોટો ફાળો છે અને એમાંથી એક છે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન. રાતે ઊંઘ ન આવવાથી ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સ પર એની ખરાબ અસર થાય છે અને જેવું એનું પ્રમાણ ઘટવા માંડે છે એમ શરીરમાં શુક્રાણુ પણ ઓછા બને છે અથવા તો એની ગુણવત્તા કૉમ્પ્રોમાઇઝ થાય છે અને આને કારણે પુરુષની પ્રજનનક્ષમતા ઘટી જાય છે.’
યંગ એજમાં ફર્ટિલિટીની સમસ્યા
રાતે મોડે સુધી જાગવું અને સવારે મોડે સુધી સૂવું એ આદત આપણી જીવનશૈલીનો એક હિસ્સો બની ગઈ છે અને યુવાઓની દલીલ મુજબ ૬થી ૭ કલાકની ઊંઘ જો મોડા સૂઈને પણ પૂરી થઈ શકતી હોય તો રાતે વહેલા સૂવાની શું જરૂર છે એવું તેઓ માને છે. આ વિશે સમજ આપતાં ડૉ. તન્વી આગળ કહે છે, ‘પ્રજનનક્ષમતામાં ઘટાડો થવાની ફરિયાદ લૉકડાઉન પછી ખૂબ વધી ગઈ છે, જેનું મુખ્ય કારણ પણ આ ઉજાગરા જ છે. મારી પાસે યુવાનો આ ફરિયાદ લઈને ખૂબ આવે છે અને પૂછે છે કે કેમ હૉર્મોનલ સમસ્યા આટલી વધી ગઈ છે? કારણ સરળ છે કે લૉકડાઉન પછી બધા સંબંધો અને કામ ટેક્નૉલૉજીના માધ્યમથી થાય છે અને લોકોનાં કામ કરવાનો કોઈ નિશ્ચિત સમય છે જ નહીં આને કારણે ઊંઘનું આખું ચક્ર બગડી ગયું છે. આપણે હૉર્મોન્સ વિશે સમજવું હોય તો એક વાત સમજવી જોઈએ કે રાત અને દિવસ મળીને આપણને ૨૪ કલાક મળે છે. આપણે માનીએ છીએ કે આ ફક્ત એક બહારનું સમયચક્ર છે, પણ વાસ્તવિકતા એમ છે કે આપણા શરીરમાં પણ એક હૉર્મોન્સના સ્રાવનું આંતરિક સમયચક્ર રહેલું છે અને હૉર્મોન્સનો અને આ સમયના ચક્રનો ખૂબ ગાઢ સંબંધ છે. આપણે જો આપણા સૂવા-ઊઠવાનો સમય બદલી પણ નાખીએ તોયે હૉર્મોન્સનું ટાઇમ-ટેબલ એમ જ રહે છે. દિવસના હૉર્મોન્સ દિવસે અને રાતના હૉર્મોન્સ રાત્રે જ કામ કરે છે.’

ઇન્ફર્ટિલિટી નોંતરતી જીવનશૈલીની ૩ બાબતો

દારૂની લત : ચિક્કાર દારૂ પીવાની આદત ટેસ્ટોસ્ટેરોન-લેવલ ઘટાડે છે. ડ્રિન્કિંગને કારણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.
સ્મોકિંગ અને ટબૅકોઃ સિગારેટ કે બીડી ફૂંકવી અથવા તો ગુટકારૂપે તમાકુ ખાવું એ લાંબા ગાળે પુરુષોની પ્રજનનક્ષમતા તેમ જ સેક્સલાઇફ બન્ને પર માઠી અસર કરે છે.
આૅબેસિટી : વધુપડતું વજન જીવનશૈલી સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને મહેમાન બનાવી લાવે છે. યંગ એજથી જ જો પુરુષો મેદસ્વિતાનો શિકાર બનેલા હોય તો વહેલી તકે વેઇટ-લૉસ પ્રોગ્રામ આરંભી દેવો જરૂરી છે.

કેટલાંક હૉર્મોન્સનો સ્રાવ રાતે થતો હોય છે અને એનો શરીરના સંચાલન અને તંદુરસ્તીમાં મોટો ફાળો છે. રાતે ઊંઘ ન આવવાથી ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સ પર એની ખરાબ અસર થાય છે અને જેવું એનું પ્રમાણ ઘટવા માંડે છે એમ શરીરમાં શુક્રાણુ ઓછા બને છે અથવા તો એની ગુણવત્તા કૉમ્પ્રોમાઇઝ થાય છે જેને કારણે પુરુષની ફર્ટિલિટી ઘટી શકે છે
- ડૉ. તન્વી પટેલ, એન્ડોક્રાઇનોલૉજિસ્ટ

લાઇટની સાઇડ-ઇફેક્ટથી બચવા શું કરવું?

હૉર્મોન્સ સાથે સંકળાયેલી સમસ્યા માટે સમયસર સૂવાનું શરૂ કરો.
સૌથી જરૂરી છે સ્લીપ હાઇજિન સુધારવું. એમ કરીને દવા વિના પણ સમસ્યાનો હલ આવી શકે છે.
રાતે કેટલા વાગ્યે સૂવા જવું છે એ નક્કી કરીને ઓછામાં ઓછા બે કલાક પહેલાં ફોન ન લેવો જોઈએ.
સૂર્યાસ્ત પછી ઘરમાં લાઇટનો પ્રકાશ ઓછો કરવો, ટીવી ઓછું જોવું અને જો ઊંઘ ન આવતી હોય તો રૂમમાં સૂતી વખતે ડીમ લાઇટ ન રાખવી.
ક્યારેય એવું ન વિચારવું કે ઊંઘ નથી આવતી એટલે મોબાઇલ હાથમાં લઉં, આ આદત છોડવી જરૂરી છે.
બીજા દિવસે તમે શું કરશો, કેટલા વાગ્યે ઊઠશો આવા વિચારોમાં મનને વાળીને સૂવાની કોશિશ કરવી જોઈએ.
ડિજિટલ ડિટૉક્સિફિકેશન માટે ગૅજેટ્સનો ઉપયોગ રાત પછી મર્યાદિત કરીએ એ જરૂરી છે.
રાતના ઉજાગરા કરીને દિવસે સૂવાની આદત હોય તો વહેલીતકે અેને બદલવી જરૂરી છે.
સવારે વહેલા ઊઠવું જેટલું જરૂરી છે અેમ સમયસર સૂવું પણ અેટલું જ મહત્ત્વનું છે.

columnists bhakti desai