ચોથી પેઢી સાથે મજાની જિંદગી જીવે છે આ દાદા-દાદી

28 October, 2020 11:35 AM IST  |  Mumbai | Varsha Chitalia

ચોથી પેઢી સાથે મજાની જિંદગી જીવે છે આ દાદા-દાદી

સહનશીલતાનો ગુણ તેમ જ જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવતાં આ દાદા-દાદીનો જુસ્સો અને જીવવાની જિજીવિષા આ ઉંમરે પણ એવાં જ અકબંધ છે..

૧૦૧ વર્ષના પ્રાણશંકર ઉપાધ્યાય અને ૯૧ વર્ષનાં તેમનાં પત્ની આણંદીએ થોડા સમય પહેલાં જ દામ્પત્યજીવનનાં પંચોતેર વર્ષ પૂરાં કર્યાં છે. સહનશીલતાનો ગુણ તેમ જ જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવતાં આ દાદા-દાદીનો જુસ્સો અને જીવવાની જિજીવિષા આ ઉંમરે પણ એવાં જ અકબંધ છે..

દાદાજીને ભાવે દહીંવડાં ને દાદીમાને ખીચડી-કઢી, દાદાજી જુએ ક્રિકેટ ને દાદીમા જપે માળા, દાદાજી વાપરે રૂપિયા ને દાદીમાના છેડામાંથી છૂટે ન દોકડા, દાદાજી ફરે ગાડીમાં ને દાદીમાને વહાલું ઘર, દાદાજીની ઉંમર પૂરાં એકસો એક ને દાદીમાને થયા હવે એકાણું, ક્યારેક બન્ને બાખડે તો ક્યારેક કરે પ્રેમાલાપ....
હં હં આ કંઈ ચકા-ચકી જેવી વાર્તા નથી. મુલુંડમાં રહેતાં પ્રાણશંકર છગનલાલ ઉપાધ્યાય અને તેમનાં પત્ની આણંદીની રિયલ લાઇફ સ્ટોરી છે. ચાલો મળીએ લગ્નજીવનનાં ૭૫ વર્ષ પછી પણ અડીખમ આ દાદા-દાદીને.
દરેક ગુજરાતીની જેમ પ્રાણશંકરદાદાને ખાણી-પાણીનો જબરો શોખ. જમણા કાને સંભળાતું નથી અને ડાબા કાને ઓછું સંભળાય છે તેમ છતાં રસોડામાં મિક્સર ફરવાની ઘરઘરાટી સંભળાય એટલે તરત પૂછે, ઈલા વહુ, આજે સાંજે જમવામાં કઈ આઇટમ બનાવવાનાં છો? તંદુરસ્તી એવી ટકાટક છે કે આ ઉંમરે બધું સહેલાઈથી પચી જાય છે. વાતનો દોર હાથમાં લેતાં તેમનાં સૌથી નાનાં પુત્રવધૂ ઈલાબહેન કહે છે, ‘મારા સસરાને જીભનો ચટાકો પહેલેથી છે. દહીંવડાં, મેદુવડાં અને પાણીપૂરી અતિ પ્રિય છે. આજના જમાનાના પીત્ઝા પણ હોંશે-હોંશે ખાઈ લે. મિષ્ટાનમાં શ્રીખંડ બહુ ભાવે. મારાં સાસુનું એનાથી સાવ ઊંધું છે. તેમને આપણી કાઠિયાવાડી દેશી રસોઈ ભાવે. સવારના નાસ્તામાં ઉપમા ને સાંજે જમવામાં ફોતરાવાળી મગની દાળમાંથી બનાવેલી ખીચડી રોજ બનાવીને આપો તોય ફરિયાદ નહીં. સસરાનું જીવન મોજીલું ને સાસુનું જીવન સાદગીમાં પસાર થયું છે.’
ખાણી-પીણી ઉપરાંત દાદાજીને ક્રિકેટ જોવાનો જબરો ચસકો છે. ક્રિકેટનું નામ પડતાં જ તેમના કાન સરવા થયા. તેઓ કહે છે, ‘આ વખતે આઇપીએલમાં પ્રેક્ષકો નથી તોય મજા પડે છે. હું મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં છું. ટેસ્ટ મૅચ, વન ડે કે 20ટ્વેન્ટી મૅચ હોય; ટીવી સામે ગોઠવાઈ જવાનું. મૅચ જોતો હોઉં ત્યારે કોઈએ આડા આવવાનું નહીં. હમણાંથી આંખે ઝાંખું દેખાય છે તો નજીક જઈ નીચે પટ્ટીમાં સ્કોર વાંચીને કહી દઉં કે રોહિત શર્માએ આટલા રન બનાવ્યા ને આ બૉલમાં આઉટ થયો. યુવાન વયથી જ ક્રિકેટનાં તમામ પાસાંની ખબર પડે. પહેલાંના સમયના ભારતીય અને વિદેશી ખેલાડીઓનાં નામ હજીયે યાદ છે. જોકે સચિનની રમતનો મોટો ચાહક છું.’
મૂળ ઉત્તર ગુજરાતના ભિલોડાની નજીક આવેલા રિંટોળા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીસી) જ્ઞાતિના પ્રાણશંકર દાદા અને આણંદી દાદીને ચાર દીકરા ને બે દીકરી. એક દીકરીનું બાળમરણ થયું હતું. બીજી દીકરી મંજુલા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ ગુજરી ગયાં છે. કલ્યાણમાં રહેતા સૌથી મોટા પુત્ર નટવરભાઈની વય ૭૪ વર્ષ છે. તેમનાં પત્નીનું નામ રાધા. બીજા નંબરના પુત્ર સુરેશભાઈ પત્ની વસુબહેન સાથે મુલુંડમાં રહે છે. ત્રીજો દીકરો-વહુ મહેશ અને પ્રવીણા ઘાટકોપરમાં રહે. સૌથી નાનો પુત્ર રાજેશ અને ઈલા પણ મુલુંડમાં જ રહે છે. દાદા-દાદી આઠેક વર્ષથી મુંબઈ આવી ગયાં છે. મન થાય એ પુત્રના ઘરે રહેવા ચાલ્યા જાય. હાલમાં નાના દીકરાના ઘરે છે. આ પહેલાં લગભગ પચીસ વર્ષ તેઓ માદરેવતન રહ્યાં હતાં. જોકે દાદાજીની યુવાની મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વીતી છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ નાની વયે જ મુંબઈ કમાવા આવી ગયા હતા. એ વખતે ઘાટકોપરમાં રહેતાં માસીના ઘરે રહીને ચાની ફૅક્ટરીમાં નોકરી કરતા હતા. પચીસ વર્ષની ઉંમરે પંદર વર્ષનાં આણંદી સાથે તેમનાં લગ્ન નક્કી થયાં. લગ્ન બાદ પત્નીને દેશમાં માતા અને ભાઈ પાસે મૂકી તેઓ ફરીથી મુંબઈ આવતા રહ્યા.
વડીલોના પારિવારિક જીવન વિશે વધુ માહિતી આપતાં ઈલાબહેન કહે છે, ‘મુંબઈમાં બીજાના ઘરે રહેતાં હતાં દેશમાં મારાં વડસાસુ અને એક કુંવારા કાકાજીની કાળજી લેવાવાળું કોઈ ન હોવાથી પત્નીને ત્યાં જ રાખ્યાં. વર્ષમાં એકાદ મહિનો દેશમાં જાય. જેમ-જેમ પુત્રો મોટા થતા ગયા એક-એક કરીને મુંબઈ બોલાવી લીધા પણ પત્નીને માતા અને ભાઈની સેવામાં દેશમાં રહેવાનો આદેશ આપ્યો. એ જમાનામાં સ્ત્રીઓ પુરુષોથી બીતી એટલે સાસુ કંઈ બોલી શક્યાં નહીં. પચીસેક વર્ષ પહેલાં વડસાસુ પડી જતાં મારા સસરા દેશમાં ગયા ને પછી ત્યાં જ રોકાઈ ગયા. તેમનું સાચું દામ્પત્યજીવન ત્યાર બાદ શરૂ થયું. એમ સમજોને કે ૭૫ વર્ષમાંથી પચાસ વર્ષ જેટલું લગ્નજીવન વિયોગમાં વીત્યું. એટલે જ બન્નેની રહેણીકરણીમાં ખાસ્સો તફાવત જોવા મળે છે. દાદાજી મેટ્રોસિટીમાં રહ્યાં હોવાથી ખૂબ હર્યા-ફર્યા છે જ્યારે દાદીમા જાત્રા-જાત્રા કરતાં રહી ગયાં. પુત્રો જાત્રાએ લઈ જવાની વાત કરતાં તો કહેતાં કે ના રે ના, એવા કંઈ પૈસા ખર્ચાતા હશે. તેમનું સમસ્ત જીવન પરિવારની સેવાચાકરીમાં અને આર્થિક તંગીમાં વીત્યું હોવાથી પૈસા ખર્ચવાનો જીવ જ ન ચાલ્યો. હવે બધું સુખ છે તો તેમની જાત અટકી ગઈ છે. બીજી તરફ દાદાજી હજીય તંદુરસ્ત છે. સો વર્ષ પૂરાં થયાં ત્યારે બાય રોડ પંઢરપુરની જાત્રા કરી આવ્યા.’
વર્તમાન સમયમાં લગ્નને બે-ચાર વર્ષ થાય ત્યાં તો પતિ-પત્નીના માથેથી પ્રેમનું ભૂત ઉતરી જાય છે અને સંબંધોમાં ભંગાણ પડી જાય છે. આર્થિક સ્વતંત્રતા, બહારની આબોહવા અને સામાજિક પરિવર્તનના કારણે લગ્નજીવનને ટકાવી રાખવું મુશ્કેલ બનતું જાય છે એવામાં પંચોતેર વર્ષનું દામ્પત્યજીવન વીતાવવું એ વિરલ ઘટના છે. આણંદી દાદીમા કહે છે, ‘કુળદેવી ભમરેશ્વરી માતાજીની કૃપાથી લાંબી આવરદા અને સધિયારો પ્રાપ્ત થયો. આટલું લાંબું દામ્પત્યજીવન નસીબદારને જ મળે. લાગણી કે પ્રેમ જેવા શબ્દો મેં સાંભળ્યા નથી. મારે મન દામ્પત્યજીવન એટલે સહનશીલતા. અમારા જમાનામાં પરણીને આવવું એટલે પરિવારના સભ્યોની સેવા કરવી અને પત્નીધર્મ નિભાવવો. કુટુંબીજનો માટે શરીર અને જાત ઘસી નાખવી એ તો સ્ત્રીના લલાટે લખાયેલું હોય છે. પુરુષો જે કહે એ સાચું છે માની સ્વીકારી લેવાનું. અમારા ઘરમાં આ જ પ્રથા હતી. તેમની આવક ઓછી હોવાથી ઢસરડા ખૂબ કર્યા. પિયરમાં સુખ હતું, પરંતુ મારે હાથ લાંબો કરવો નહોતો. સ્વમાનભેર જીવવા ભાઈના ઘરે પણ રસોઈ કરી છે. સવારે સાસુ અને દિયર માટે રોટલા ઘડવાના. ત્યાર બાદ બે કિલોમીટર દૂર પિયરના ગામે ચાલીને જવાનું. ત્યાં રોટલા ઘડું એટલે બે પૈસા મળે. સંતાનોને ઉછેરવામાં ને બીજાના ઘરે રસોઈ કરવામાં શરીર ઘસાઈ ગયું. ગામેગામ ચાલીને જવાથી પગ થાક્યા. હવે સાથે છીએ અને બધું સુખ છે એનો આત્મસંતોષ છે. જોકે શરીર ચાલતું નથી એટલે ચારધામની જાત્રા ન કરી શકવાનો વસવસો રહી ગયો છે.’
થોડાં વર્ષ પહેલાં પ્રાણશંદર દાદાજીને પૅરૅલિસિસનો હુમલો આવતાં જમણી બાજુની આંખ અને કાન કામ કરતાં નથી. આ સિવાય શરીરમાં કોઈ રોગ નથી. પત્નીની તુલનામાં આજે પણ તેમનું સ્વાસ્થ્ય સારું છે. દાદીમાનું શરીર હવે અટક્યું છે પણ રોગ નથી. બન્ને પોતાનાં રોજિંદા કામો જાતે કરી શકે છે. હાલમાં તેઓ ચોથી પેઢી સાથે મસ્ત મજાનું જીવન વિતાવે છે. જો સમય, સંજોગો અને શરીર સાથ આપે તો નેપાલના પશુપતિનાથનાં દર્શને જવાની તેમની પ્રબળ ઇચ્છા છે.

Varsha Chitaliya columnists