તમને ભાવે એવું નહીં, સામેવાળાને ભાવે એવું બને એ મહત્ત્વનું છે

28 June, 2022 01:02 PM IST  |  Mumbai | Rashmin Shah

સની લીઓની સાથે ‘વન નાઇટ સ્ટૅન્ડ’, ‘આઇ ઍમ નૉટ દેવદાસ’, ‘પોસ્ટર બૉય’ જેવી ફિલ્મો અને અત્યારે એન્ડ ટીવીની ‘ઔર ભઈ ક્યા ચલ રહા હૈ?’ સિરિયલની લીડ ઍકટ્રેસ ફરહાના ફાતિમાને તેની મમ્મીએ આપેલી આ સલાહ તે આજે પણ યાદ રાખીને ચાલે છે

તમને ભાવે એવું નહીં, સામેવાળાને ભાવે એવું બને એ મહત્ત્વનું છે

ફૂડ-મેકિંગ મેં મારી મમ્મી પાસેથી શીખ્યું છે અને એ પછી પણ હું કહીશ કે હજી સુધી મારી રસોઈમાં મમ્મી જેવો ટેસ્ટ નથી આવતો. મમ્મીની જેમ જ મને પણ જમવાનો, જમાડવાનો અને કુકિંગનો ખૂબ શોખ છે. મારા આ શોખને લીધે જ હું હંમેશાં બધાને ટ્રીટ આપવાનો ઓકેઝન શોધતી રહેતી હોઉં છું.
હમણાં મારો બર્થ-ડે ગયો ત્યારે હું મારી સિરિયલના સેટ પર ખાસ આખી ટીમ માટે મારા હાથે બનાવેલી બિરયાની લઈ ગઈ હતી. એ બિરયાની એ બધાને એટલી ભાવેલી કે એ પછી તો રોજ મને કોઈને કોઈ આવીને કંઈક નવું બનાવી લાવવાની રિક્વેસ્ટ કરી જાય. એમ તો મારી પાસે બહુ ટાઇમ હોય નહીં પણ મેં નિયમ કર્યો કે વીકમાં એકાદ વાર તો કંઈ ને કંઈ લઈ જવાનું અને મારા હાથની વરાઇટી ખવડાવવી. હું સાઉથ ઇન્ડિયન, લખનવી, પંજાબી, હૈદરાબાદી, ચાઇનીઝ જેવાં ક્વિઝીન સારી રીતે બનાવી શકું છું અને મારાં ફેવરિટ ક્વિઝીનની વાત કરું તો લેબનીઝ અને થાઇ મારાં ફેવરિટ છે. આ બન્ને ક્વિઝીનની તમને ખાસિયત સમજાવું. એ બનાવવામાં ફૂડને વધારે પડતું પકાવતા નથી અને એમાં ઑઇલનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. અમુક થાઇ વરાઇટી તો મેં એવી જોઈ છે કે જેમાં ઑઇલનો ઉપયોગ સુધ્ધાં નથી થતો. લેબનીઝ અને થાઇ ક્વિઝીનની બીજી પણ એક ખાસિયત એ છે કે એમાં મસાલાનું પણ પ્રમાણ ખૂબ ઓછું હોય છે. મને લાગે છે કે આ જ કારણ હશે જેને લીધે તમને થાઇ અને લેબનીઝ ક્વિઝીન જ્યાં ખવાય છે ત્યાં હેવી ફૅટના લોકો ભાગ્યે જ જોવા મળે છે.
ફૂડ-મેકિંગ હકીકતમાં એક આર્ટ છે અને એ આર્ટમાં નિપુણતા તો જ આવે જો તમને ખાવા કરતાં વધારે ખવડાવવામાં મજા આવતી હોય. મમ્મી મને જ્યારે કુકિંગ શીખવતી ત્યારે એક વાત કહેતી જે આજે પણ મને ભુલાઈ નથી. ફૂડ બનાવતી વખતે એક વાતનું હંમેશાં ધ્યાન રાખવું કે આપણને ભાવે એના કરતાં બીજાને એ વરાઇટી કેટલી ભાવશે એ વાતનું ધ્યાન રાખવું; કારણ કે અગત્યનો ટેસ્ટ જો કોઈ હોય તો એ સામેની વ્યક્તિનો છે, તમારો નહીં અને કિચન હૅન્ડલ કરનારાએ આ વાતને સૌથી વધારે સારી રીતે સમજવી જોઈએ. જો આ વાત સમજવામાં એ ફેલ થાય તો ક્યારેય એ બધાને ખુશ કરી શકે એવું ફૂડ બનાવી શકે નહીં.
પહેલાં વાત મારી પોતાની
મારું ફૂડ ઇન્ટેક બહુ સિમ્પલ છે. મારું ટિફિન હું ઘરેથી જ લાવવાનું પસંદ કરું છું. આ ટિફિન વેઇટમાં જરા હેવી હોય છે, કારણ કે યુનિટના ઑલમોસ્ટ બધા સભ્યો એ ટેસ્ટ કરે છે. મારા ફૂડ ઇન્ટેકની વાત કરું તો એ એકદમ સાદું છે. રોટલી, દાળ, ભાત, શાક, દહીં, સૅલડ અને સાથે એક સ્વીટ. સ્વીટ અને સ્પાઇસી મારા ફેવરિટ ટેસ્ટ છે, મારા ટિફિનમાં એનું કૉમ્બિનેશન હોય. કામ મુજબ મારે વજન વધારવું કે ઘટાડવું પડતું હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી હું બહારનું ફૂડ અવૉઇડ કરું અને જ્યારે મને કોઈ જગ્યાની વાનગી ટેસ્ટ કરવાનું કહેવામાં આવે ત્યારે હું મારા ચીટ-ડેની રાહ જોઉં છું. ચીટ-ડેના દિવસે સ્પેશ્યલી એ આઇટમ ટેસ્ટ કરવા જવાનું અને મન ભરીને ખાવાનું, સાથે-સાથે એ ધ્યાન પણ રાખવાનું કે એ આઇટમ વજન પર અસર કરે એ પહેલાં જ વર્કઆઉટ પણ કરવાનું.
આડવાત કહી દઉં, મારું વર્કઆઉટ સિમ્પલ છે. મારા વર્કઆઉટમાં હું કોર સ્ટ્રેંગ્થ અને ફ્લેક્સિબિલિટી માટે પિલાટેસ અને ઘરે જ યોગ કરું છું અને સાથે-સાથે મને શૂટ પરથી સમય મળે ત્યારે હું જિમમાં પણ જઈને વર્કઆઉટ કરું છું. પાણી પીવાની આદત મને વર્ષોથી છે એટલે દિવસ દરમિયાન હું પાંચેક લિટર પાણી પી લેતી હોઉં છું અને દિવસ દરમ્યાન જ્યારે મન થાય ત્યારે ફ્રેશ ફ્રૂટ જૂસ કે નાળિયેર પાણી પીવાનું પણ રાખું છું.
બ્લન્ડર બાદશાહી મારી પણ
હું પંદરેક વર્ષની હોઈશ ત્યારથી મમ્મી પાસેથી કુકિંગ શીખી. એ જોતાં મને કુકિંગનો અનુભવ વર્ષોનો એવું કહી શકો પણ એમ છતાં મેં ઘણી વાર બ્લન્ડર માર્યાં છે. મને યાદ છે મુંબઈમાં હું નવી-નવી હતી ત્યારે મેં એક દિવસ મારી બધી ફ્રેન્ડ્સને ટ્રીટ માટે ઘરે બોલાવી હતી. મારા મનમાં હતું કે અમે બધા બૅચલર ઘરે પાર્ટી કરીએ અને એ પાર્ટીમાં હું બધાને બિરયાની ખવડાવું. બન્યું એવું કે બિરયાનીમાં ભાતનું જે પાણી હોય એ જ એમાં વાપરવામાં આવે, જેથી બિરયાનીનો ટેસ્ટ સારો આવે પણ એ દિવસે મેં ભૂલથી પાણી મેં જવા દીધું અને પછી ઉપરથી બીજું પાણી ઍડ કરીને બિરયાની બનાવી પણ એમાં જોઈએ એવો ટેસ્ટ આવ્યો નહીં. કોઈને એ ભાવી નહીં અને પછી અમે લોકોએ બહારથી ઑર્ડર કર્યો અને મારો ખરેખર પચકો થઈ ગયો. મને મારી મમ્મીએ સમજાવ્યું પણ ખરું કે સાચો જે ટેસ્ટ છે એ પેલા પાણીમાં હતો અને તેં એ પાણી જ ફેંકી દીધું. ઍનીવેઝ, ઘણી વખત આવી ભૂલ થાય પણ ભૂલ જ શીખવે અને ભવિષ્યમાં ભૂલ ન થાય એ વાતનું ધ્યાન રાખવું એ જ સૌથી વધારે મહત્ત્વનું છે.

નેવર-એવર
ઑથેન્ટિક ટેસ્ટ મહત્ત્વનો છે પણ એમાં ધારો કે નાનો અમસ્તો ચેન્જ જો ઇન્ડિયન ટેસ્ટ ડેવલપ કરી આપતો હોય તો એ કરવો જ જોઈએ, કેમ કે આપણી માટે આપણો ટેસ્ટ જ સૌથી મહત્ત્વનો છે. 

columnists Rashmin Shah