‘મેરા નામ જોકર’ ફિલ્મ તો રાજ કપૂરે પોતાના ચાહકો પર લખેલો પ્રેમપત્ર હતો

17 July, 2022 02:24 PM IST  |  Mumbai | Rajani Mehta

માંડ-માંડ આ દૃશ્યનું શૂટિંગ થયું. આવા તો અનેક નાના-મોટા પ્રૉબ્લેમને કારણે શૂટિંગ લાંબું ચાલ્યું. 

‘મેરા નામ જોકર’માં રાજ કપૂર.

તને મેં ઝંખી છે
યુગોથી ધખેલા 
પ્રખર સહરાની તરસથી
સુંદરમ 
કાળઝાળ ઉનાળામાં રણમાં જેમ પાણીની તરસ લાગે એમ પ્રિય વ્યક્તિની તલબ સતત ઝંખનાને ઝરૂખે ટળવળતી હોય છે. ઝંખના કેવળ વ્યક્તિની હોય એવું  નથી. એ કશુંક પામવાની, કશે પહોંચવાની કે પછી એક સપનું પૂરું કરવાની હોઈ શકે. સમય જતાં એ ઝંખના તમારું ઝનૂન બની જાય ત્યારે જ એ હકીકત બનવાની શક્યતા વધી જાય છે. 
રાજ કપૂરની ઇમેજ ભલે ‘લવર બૉય’ની હોય, પરંતુ તેમની પહેલી અને આખરી પ્રિયતમા હતી ‘ફિલ્મમેકિંગ’. ‘મેરા નામ જોકર’ જેવી એક ફિલ્મ બનાવવી એ કેવળ તેમની ઝંખના નહીં, ઝનૂન હતું. જીવનનાં ૧૦ વર્ષ સુધી આ ફિલ્મ તેમના અસ્તિત્વનો એક ભાગ બનીને જીવંત રહી અને અંતિમ ક્ષણ સુધી તેમના વસવસાનો હિસ્સો બનીને પીડા આપતી રહી. 
ફિલ્મના લેખક કે. એ. અબ્બાસ એ દિવસોને યાદ કરતાં ઇન્ટરવ્યુમાં આગળ કહે છે, ‘ઘણી વાર એવું બનતું કે તેમની સાથે અમુક દૃશ્યો ફાઇનલ કરવા હું ચેમ્બુર જતો. અચાનક મને કંઈક સૂઝતું અને ટૅક્સીમાં જ હું એ દૃશ્યોમાં ફેરફાર કરતો. સ્ટુડિયો પહોંચતાં રાજ કપૂર કહેતા, ‘મારું એક સજેશન છે. આ દૃશ્ય આવી રીતે લખાવું જોઈએ.’ હું કહેતો, ‘પહેલાં મેં જે લખ્યું છે એ સાંભળી લો. એ પછી તમે જેમ કહેશો એ પ્રમાણે ફેરફાર કરીશું.’ મોટા ભાગે એવું બનતું કે અમારા બન્નેના વિચાર એકસરખી દિશામાં જતા. તેઓ કહેતા, ‘પર્ફેક્ટ, મારે આ જ જોઈતું હતું.’
ફિલ્મના પહેલા ભાગમાં ચિન્ટુ (રિશી કપૂર) જોકરના નાનપણની ભૂમિકા ભજવે છે. એ ચૅપ્ટરના શૂટિંગની વિગતો ફાઇનલ કરવા અમે રાજ કપૂરના પુણે નજીકના લોણીના ફાર્મહાઉસ પર ગયા હતા. તેમણે પોતાના સ્કૂલના દિવસોની અનેક યાદોને એ દૃશ્યોમાં ઉમેરી હતી. ત્યાં અમે ૧૦ દિવસનું શૂટિંગ શિડ્યુલ નક્કી કર્યું હતું. બાળપણના દિવસોને યાદ કરીને તેઓ એકદમ ભાવુક થઈ ગયા હતા. એને ધ્યાનમાં રાખીને મેં એ દૃશ્યો એક વાર નહીં, અનેક વાર સુધાર્યાં. જ્યાં સુધી તેમને સંતોષ ન થયો ત્યાં સુધી હું એમાં ફેરફાર કરતો રહ્યો.
રાજ કપૂર એક ‘પૅશનેટ ફિલ્મમેકર’ છે. તેમની ‘ક્રીએટિવિટી’ને તેમની સાથે કામ કરતા કલાકારો અને ટેક્નિશ્યન્સને ‘કમ્યુનિકેટ’ કરવામાં માહેર છે. હું ભૂલતો ન હોઉં તો વિખ્યાત નવલકથાકાર લીન યુટાંગે કહ્યું હતું કે દરેક નવલકથા એ લેખકે તેના વાચકો પર મોકલેલો એક પ્રેમપત્ર છે. એ જ અર્થમાં રાજ કપૂર પોતાની ફિલ્મમાં ‘ઇમોશન’ અને ‘પૅશન’નું મિશ્રણ કરીને દર્શકોને પ્રેમપત્ર લખે છે. 
 રાજ કપૂર માટે ફિલ્મો બનાવવા સિવાયની બાકી બધી વાતો ગૌણ છે. મોટા ભાગે દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે, મિત્રો માટે મોટા ભાગનો સમય આપતી હોય છે. તેમની ખુશી, કાળજી અને સારાનરસા સમયમાં સાથે રહેવાનો પ્રયત્ન કરતી હોય છે. રાજ કપૂર આ સઘળું તેમની ફિલ્મો માટે કરે છે. રાજ કપૂરની ઇમેજ એક લવર બૉયની છે. દરેક પ્રેમીની જેમ તેઓ ‘નર્વસ’ પણ છે અને ‘ઓવર-કૉન્ફિડન્ટ’ પણ છે. દયાળુ સાથે ઈર્ષાળુ પણ છે. મોટા દિલના છે અને સંકુચિત પણ છે. મોકળાશ આપે તો સાથે ગૂંગળાવી પણ નાખે. પ્રશંસા કરતાં-કરતાં ક્યારે કટુતાભરી વાતો કરે એનો ભરોસો નહીં. સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી એ એકલતાથી ભરેલી પ્રવૃત્તિ છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે કલાકોના કલાકો રાજ કપૂર તેમના કૉટેજમાં એકલા બેસીને એક જ વાતની ચિંતા કરતા હોય છે કે ફિલ્મ કેવો આકાર લઈ રહી છે. 
સિનેમાના માધ્યમ પ્રત્યે તેમનું સમર્પણ અને પાગલપન એવું છે કે તેમના વિરોધીઓ પણ તેમનું સન્માન કરે છે. તેમનામાં અનેક ત્રુટિઓ હશે, પરંતુ એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે કે સુંદરતાની સંગીતમય કલાત્મક રજૂ કરવામાં તેઓ બેજોડ છે. આ કારણે જ તેમને સાથી-કલાકાર રાજીખુશીથી સહકાર આપે છે. સિનેમા એક માધ્યમ તરીકે કેટલું પાવરફુલ છે એની સાચી ઓળખ કરાવવામાં રાજ કપૂરનો બહુ મોટો ફાળો છે. એ સિવાય તેમના પ્રત્યેનું માન વધે એવી તેમની એક બીજી આવડત છે અને એ છે પ્રેક્ષકોને શું ગમશે એ પારખવાની મહારત. તેઓ સારી રીતે જાણે છે કે દર્શકોને કઈ ચીજ ‘અપીલ’ કરશે. તેઓ નવા વિચારો, નવી રજૂઆત માટે હંમેશાં તૈયાર હોય છે, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે એ નવો ‘સ્ટોરી આઇડિયા’ લોકપ્રિય કરવો હોય તો એમાં દર્શકોનું મનોરંજન થાય એ રીતે  હળવાફૂલ અંદાજમાં પીરસવો જોઈએ. ઘણી વાર એવું બન્યું છે કે નવા વિચારોવાળી ફિલ્મ દર્શકો માટે પચાવવી મુશ્કેલ બની જાય છે, કારણ કે એની ટ્રીટમેન્ટ ગંભીર રીતે થઈ હોય છે.’ 
કે. એ. અબ્બાસનો ઇન્ટરવ્યુ રાજ કપૂરના વ્યક્તિત્વનાં બહુરંગી પાસાંઓને ઉજાગર કરે છે. એક ફિલ્મમેકર તરીકે રાજ કપૂર પોતાની ‘ફ્રીડમ ઑફ એક્સપ્રેશન’ને સંયમિત રાખવામાં નહોતા માનતા. એટલે બન્યું એવું કે ફિલ્મનું શૂટિંગ થતું હતું ત્યારે દરેક ભાગ એક અલગ ફિલ્મ બને એટલો લાંબો થતો જતો હતો. એનો અર્થ એવો કે ત્રણ ફિલ્મો બની શકે એટલું મટીરિયલ શૂટ થયું. રાજ કપૂરને એ વાતનો ખ્યાલ હતો કે એડિટિંગ તેમને માટે માથાનો દુખાવો બનશે. એમ છતાં શૂટિંગ વખતે તેમણે એ વિચારને બાજુએ મૂકીને પોતાની રીતે ફિલ્મને શૂટ કરી હતી. 
ડિરેક્ટર રાજ કપૂરની ખરી કસોટી એડિટિંગ સમયે થઈ. જ્યારે પોતાનાં જ દૃશ્યોનું એડિટિંગ કરવાનું આવતું ત્યારે કે. એ. અબ્બાસ કહેતા, ‘આ દૃશ્યમાં અભિનેતા રાજ કપૂર અદ્ભુત છે. હું મરી જઈશ, પરંતુ એના પર કાતર નહીં ચલાવવા દઉં.’ જ્યારે સાથી-કલાકારોનાં દૃશ્યોના એડિટિંગનો સવાલ આવતો ત્યારે પણ તેઓ એ જ કશમકશમાં રહેતા કે કયું દૃશ્ય રાખવું અને કયું એડિટ કરવું. એક પ્રોડ્યુસર તરીકે તેઓ જાણતા હતા કે એ દરેકે, તેમના સ્ટેટસની પરવા કર્યા વિના, પ્રમાણમાં નાની, પરંતુ અગત્યની ભૂમિકા સ્વીકારીને તેમને ‘ઑબ્લાઇજ’ કર્યા હતા. 
તેમને અનેક લોકો પોતપોતાની રીતે સજેશન આપતા. રાજ કપૂર દરેકને શાંતિથી સાંભળતા. અંતિમ નિર્ણય શું લેવો એની ચર્ચા કે. એ. અબ્બાસ સાથે કરતા ત્યારે જવાબ મળતો, ‘રાજ, દરેકની વાત સાંભળ, પણ અંતે તો તારું મન જે કહે એ જ કર. એ ભૂલતો નહીં કે આ દુનિયામાં એક જ ફિલ્મ છે; ‘મેરા નામ જોકર’. અને એનો એક જ ડિરેક્ટર છે રાજ કપૂર; સઘળી જવાબદારી તેના પર છે. તે જે કહે એમ જ તું કર.’
અને એવું જ થયું. જ્યારે ફાઇનલ પ્રિન્ટ તૈયાર થઈ ત્યારે અમે સૌ દંગ રહી ગયા. એડિટિંગમાં તેમણે અદ્ભુત કમાલ કરી. ટુકડે-ટુકડે મેં આખી ફિલ્મ અનેક વાર જોઈ હતી, પરંતુ જ્યારે સળંગ ફિલ્મ એકસાથે જોઈ ત્યારે અહેસાસ થયો કે આ માણસ જિનીયસ છે. ફિલ્મ પૂરી થતાં જ અમે સૌએ આ મહાન ફિલ્મમેકરને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. એ ક્ષણે અમે એ ભૂલી ગયા કે એ ‘ફિનિશ્ડ પ્રોડક્ટ’માં અમારો સૌનો ફાળો હતો. બહુ ઓછી વાર એવું બને છે કે તમે તમારી સ્ક્રિપ્ટને જે રીતે ‘વિઝ્‍યુઅલાઇઝ’ કરી હોય એ ધાર્યા કરતાં પણ વધુ સારી રીતે પડદા પર જોવા મળે.’ 
‘મેરા નામ જોકર’ના નિર્માણની આ વાતો વિગતવાર રીતે કરવાનું કારણ એટલું જ કે રાજ કપૂરે તેમનું સર્વસ્વ આ ફિલ્મ માટે હોડમાં મૂકી દીધું હતું. ફિલ્મના શૂટિંગ સમયે અનેક કિસ્સા એવા બન્યા કે એ ન જાણીએ તો એ વાતનો ખ્યાલ ન આવે કે આ પ્રોજેક્ટમાં રાજ કપૂરની ‘ઇન્ટેન્સિટી’ કેટલી હતી.
આજ પહેલાં ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં એવું નહોતું બન્યું કે આટલી મોટી સંખ્યામાં વિદેશી કલાકારો શૂટિંગ માટે ભારત આવ્યા હોય. જેમ વિદેશમાં શૂટિંગ કરવાનો ‘ટ્રેન્ડ’ ફિલ્મ ‘સંગમ’થી શરૂ થયો એ જ રીતે રાજ કપૂર પહેલા પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી કલાકારોને ભારત બોલાવ્યા હોય. હા, એ પહેલાં છૂટાછવાયા એકાદ-બે વિદેશી કલાકારો શૂટિંગ માટે ભારત આવતા હતા, પરંતુ એકસાથે ૨૦ વિદેશી કલાકારો અને મોટી સંખ્યામાં ‘ઍનિમલ ટ્રેઇનર્સ’ અહીં નહોતા આવ્યા. 
આ કલાકારો રશિયાથી ૧૯૬૮ના ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં આવ્યા. ભલે આપણા માટે એ શિયાળો હતો, પણ જે દેશમાં શિયાળામાં તાપમાનનો પારો ઝીરો ડિગ્રીથી નીચે રહેતો હોય એવા લોકો માટે તો આ ઉનાળો હતો. મુંબઈની ગરમીથી કલાકારો અને જાનવરો પરેશાન હતાં. આને કારણે શૂટિંગમાં ઘણી તકલીફ ઊભી થઈ હતી. ખાસ કરીને પોલર રીંછ, જેને માટે સર્કસના તંબુની ગરમી અને શૂટિંગ માટેની પાવરફુલ આર્ક લાઇટ્સ અકળામણ હતી. 
ફિલ્મમાં પોલર રીંછનાં અગત્યનાં રમૂજી  દૃશ્યો હતાં. એમની સારસંભાળ માટે આર. કે. સ્ટુડિયોમાં એક સ્પેશ્યલ શામિયાનો બનાવવામાં આવ્યો હતો. બરફનાં મોટાં-મોટાં ચોસલાં અને વિશાળ  પંખાઓની વ્યવસ્થા કરીને દિવસરાત શામિયાનાનું વાતાવરણ ઠંડું રાખવામાં આવતું. એમ છતાં રીંછના શરીર પરના વાળ ખરવા લાગ્યા. એમને સૌથી વધુ મજા ત્યારે આવતી જ્યારે પાણીની મોટી ટાંકીમાં એ નાહવા પડતાં (આ એ જ ટાંકી હતી જેમાં  ધુળેટીના દિવસે રાજ કપૂર પોતાના મહેમાનોને ડૂબકી મરાવતા).
ફિલ્મમાં એક રમૂજી દૃશ્ય હતું જેમાં રીંછો એક કારમાં બેસીને સર્કસનો રાઉન્ડ મારે છે. એ ગાડીને થોડી કલરફુલ બનાવવા એના પર નવો કલર કરવામાં આવ્યો. બન્યું એવું કે શૂટિંગના દિવસે રીંછો ગાડીમાં બેસે જ નહીં, કારણ કે ગાડીને જે નવો કલર કર્યો એની ગંધને હિસાબે તેઓ અંદર બેસવા રાજી નહોતાં. માંડ-માંડ આ દૃશ્યનું શૂટિંગ થયું. આવા તો અનેક નાના-મોટા પ્રૉબ્લેમને કારણે શૂટિંગ લાંબું ચાલ્યું. 
ઈશ્વરનો પાડ માનવો જોઈએ કે સર્કસના શૂટિંગ દરમ્યાન કોઈ મોટો અકસ્માત ન થયો. આટલા મોટા પાયા પર જ્યારે શૂટિંગ થતું હોય, વારંવાર રીટેક થતા હોય, મુખ્ય કલાકારો સાથે અનેક એક્સ્ટ્રા આર્ટિસ્ટ અને સર્કસના ખેલાડીઓ કામ કરતા હોય ત્યારે નાની-મોટી દુર્ઘટનાની શક્યતા વધી જાય છે. ફિલ્મના કલાકારો માટે અભિનય સહજ હોય, પરંતુ સર્કસના ખેલાડીઓ જેવી આવડત ન હોય. સર્કસના ખેલાડીઓને નવાં-નવાં કરતબમાં મહારત હોય, પરંતુ શૂટિંગ કરવાનો મહાવરો ન હોય. આ બન્ને વચ્ચે બૅલૅન્સ જાળવીને કામ કરવું એ નાનીસૂની વાત નહોતી. 
વાત આટલેથી અટકતી નથી. આ સિવાય બીજા અનેક ટેક્નિકલ પ્રૉબ્લેમ સર્કસના શૂટિંગ સમયે ઊભા થયા હતા. એ દરેકનો સામનો રાજ કપૂરે મક્કમતાથી કર્યો, કારણ કે તેઓ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. 

ફિલ્મમાં એક રમૂજી દૃશ્ય હતું જેમાં રીંછો એક કારમાં બેસીને સર્કસનો રાઉન્ડ મારે છે. એ ગાડીને થોડી કલરફુલ બનાવવા એના પર નવો કલર કરવામાં આવ્યો. બન્યું એવું કે શૂટિંગના દિવસે રીંછો ગાડીમાં બેસે જ નહીં, કારણ કે ગાડીને જે નવો કલર કર્યો એની ગંધને હિસાબે તેઓ અંદર બેસવા રાજી નહોતાં. માંડ-માંડ આ દૃશ્યનું શૂટિંગ થયું. આવા તો અનેક નાના-મોટા પ્રૉબ્લેમને કારણે શૂટિંગ લાંબું ચાલ્યું. 

columnists rajani mehta