સાચા અર્થમાં ઑડિયન્સનો જમાનો હવે આવ્યો છે

16 July, 2022 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી દૃષ્ટિએ મનોરંજનની દુનિયામાં આવી રહેલો આ બદલાવ દરેક રીતે વિન-વિન સિચુએશનનો છે. સારું કામ કરો તો ટકશો એ વાતથી જુઓ તો તમને દેખાશે કે કન્ટેન્ટની બાબતમાં લોકોનો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ રહ્યો છે

સાચા અર્થમાં ઑડિયન્સનો જમાનો હવે આવ્યો છે

મનોરંજનના જેટલા પર્યાય વધશે એટલો ઑડિયન્સ-પાવર વધશે અને જેટલો ઑડિયન્સ-પાવર વધશે એટલું જ સર્જકો પર શ્રેષ્ઠ પીરસવાનું દબાણ પણ વધશે. મારી દૃષ્ટિએ મનોરંજનની દુનિયામાં આવી રહેલો આ બદલાવ દરેક રીતે વિન-વિન સિચુએશનનો છે. સારું કામ કરો તો ટકશો એ વાતથી જુઓ તો તમને દેખાશે કે કન્ટેન્ટની બાબતમાં લોકોનો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ રહ્યો છે

આ તો હજી શરૂઆત છે... આગે આગે દેખો હોતા હૈ ક્યા. 
ખરેખર કહું છું, જોજો તમે, જે રીતે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું કૅન્વસ સતત મોટું ને મોટું થતું જાય છે એ જોતાં અને ફ્યુચરનું વિચારતાં મને તો જબરદસ્ત એક્સાઇટમેન્ટ આવતું જાય છે. તમારા કામને લોકો સમક્ષ મૂકવાના કેટલા બધા પર્યાય હવે છે અને એ કેટલી સારી બાબત છે. પહેલાં મારે ૨૦ મિનિટની એક શૉર્ટ ફિલ્મ પર કામ કરવું હોય તો એ કોણ જોશે અને કયા પ્લૅટફૉર્મ પર એની અવેલિબિલિટી થશે એવો પ્રશ્ન આવતો, પણ આજે એ નથી. આજે તમે માત્ર બે એપિસોડની વેબ-સિરીઝ બનાવવા માગો તો પણ બનાવી શકો અને એ જોનારા લોકો તમને મળશે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે ઉત્ક્રાન્તિ આવી છે એ મારી દૃષ્ટિએ હજી શરૂઆત જ છે. પહેલાં એન્ટરટેઇનમેન્ટના નામે માત્ર રેડિયો હતા, પછી ટીવી આવ્યાં, ફિલ્મો અને ટીવી બન્ને સરસ રીતે કો-એક્ઝિસ્ટ કરતાં હતાં ત્યાં ઓટીટી પ્લૅટફૉર્મનો ઉદય થયો. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નવું આવવાથી જૂનું ભુલાઈ જશે એવું ક્યારેય નથી થયું અને મારી દૃષ્ટિએ ક્યારેય નથી થવાનું. એનું કારણ છે ઑડિયન્સ. ઑડિયન્સને જેટલા પર્યાય મળશે એટલું એ વધુ એક્સપ્લોર કરશે. 
તમે વિચાર તો કરો કે આજે ઓટીટીને કારણે આખી દુનિયાનું કન્ટેન્ટ વન-ક્લિક પર છે. ભાષાનો બાધ નીકળી ગયો. વિશ્વની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું શ્રેષ્ઠ કન્ટેન્ટ તમારા રિમોટમાં છે ત્યારે ઑડિયન્સ તરીકે તમારો પાવર કેટલો વધી ગયો. જ્યાં ઑડિયન્સનો પાવર વધ્યો ત્યાં કલાકારો અને કન્ટેન્ટ-મેકર્સનાં ફલક પણ મોટાં થયાં. પહેલાં ટીવીવાળો માત્ર ટીવીમાં જ કામ કરે કે નાટકમાં હોય એ ભાગ્યે જ ફિલ્મોમાં કે સિરિયલોમાં આવે જેવા ભેદભાવ હવે નીકળી ગયા છે. આજે કોઈ પ્લૅટફૉર્મની મોનોપૉલી નથી રહી. મોટા ભાગના કિસ્સામાં જો હવે કોઈની મોનોપૉલી હોય તો એ છે શ્રેષ્ઠ કન્ટેન્ટ અને એ કન્ટેન્ટને મળેલી શ્રેષ્ઠ ટ્રીટમેન્ટની. પહેલાં એવું હતું કે અમુક જ પ્રકારની સ્ટોરી ચાલશે એવી ધારણા સાથે લોકો કામ કરતા. એના બેઝ પર જ સ્ક્રિપ્ટ બનતી. આજે ચિત્ર જુદું છે. દરેક પ્રકારના કન્ટેન્ટ માટે ઑડિયન્સ છે. તમારો સબ્જેક્ટ પસંદ કરે એવો વર્ગ છે જ અને ઓટીટી આવવાથી તમારું તેમના સુધી પહોંચવું આસાન થઈ ગયું. 
અત્યારનો જે સમય છે એ પ્રયોગાત્મક સ્તરે કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે એમ પણ કહી શકાય. મને યાદ છે કે ગુજરાતી ભાષામાં જ્યારે અમે ‘હું ચંદ્રકાંત બક્ષી’ અને ‘મોહનનો મસાલો’ મોનોલૉગ શરૂ કર્યા ત્યારે એ પ્રયોગ હતો. વાર્તા કહેવાની એ રીત નવી હતી. એ સમયે રાઇટ ઑડિયન્સ સુધી પહોંચવાનો જે પડકાર અમે ફેસ કર્યો હતો એ હવે ઘણા ઓછા અંશે કરવો પડે. જેમ કે ‘મોહનનો મસાલો’ મોનોલૉગ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં એક દિવસે ત્રણ જુદા-જુદા શોમાં કરતો હતો. એ જો હવે ઓટીટીના માધ્યમથી કરાય તો ઘણા વધારે લોકો સુધી પહોંચી શકાય. વેબ-સિરીઝના માધ્યમે ઘણાં બંધનો ઓછાં કરી નાખ્યાં છે. બે વાત છે અહીં. એક તો, તમે તમારી કથાની સ્ટ્રેન્ગ્થ અને જરૂરિયાત પ્રમાણે એને લંબાવી કે ટૂંકાવી શકો છો. જેમ કે અત્યારે અમે ગાંધીજીની એક વેબ-સિરીઝ પર કામ કરીએ છીએ, એમાં સમયની મોકળાશને કારણે મહાત્મા ગાંધીના ઘણા પ્રસંગોને સમાવવા સરળ થઈ ગયા જે બે કલાકની ફિલ્મ કે નાટકમાં શક્ય નહોતું. વેબ-સિરીઝમાં સમયનો બાધ નથી, ફૉર્મેટનું કોઈ બંધન નથી. સ્ટારડમની ચિંતા કરવાની નથી, જે ફિલ્મોમાં હોય. મોટો સ્ટાર હોય તો જ ફિલ્મમાં વજન પડે અને એ પછી પણ તમારે ટાઇમ અને ચોક્કસ બંધનને પણ ધ્યાનમાં રાખવાનું. વેબ-સિરીઝની બેસ્ટ વાત એ છે કે એમાં સ્ટારડમ કરતાં પણ કલાકારને પ્રાધાન્ય મળે.
‘ધી સ્કૅમ’નો મારો અનુભવ કહું... 
અમે જ્યારે ‘ધી સ્કૅમ : 1992’ પર કામ કરતા ત્યારે એમાં મુખ્ય વાત તો શૅરબજારની જ હતી. આપણે ત્યાં મોટો વર્ગ એવો છે જેમને શૅરબજારની ટર્મિનોલૉજી નથી સમજાતી. સ્ક્રિપ્ટિંગ સમયે જ આ પ્રશ્ન આવ્યો કે આપણે કૉમનમૅનને શૅરબજારનું એજ્યુકેશન આપવું પડશે એટલે અમારા ડિરેક્ટર અને શોના ક્રીએટિવ હંસલ મહેતાએ કહેલું કે ઑડિયન્સને એન્ટરટેઇનમેન્ટના ફૉર્મેટમાં એજ્યુકેશન પણ આપતા જઈશું અને એ જ ફૉર્મેટ આપણે સિરીઝમાં રાખીશું. હકીકતમાં એવું જ બન્યું. 
હવે માત્ર હસવું કે ઇન્ટેન્સ સીન જોવા કે રડવું એટલા પૂરતું જ મનોરંજન મર્યાદિત નથી રહ્યું. ઇન ફૅક્ટ હવે એવું થયું છે કે જે ઑડિયન્સ નાટકો જોતી એ ઑડિયન્સ હવે આ પણ જુએ છે. જો તેમને ગમે તો કન્ટિન્યુ કરે અથવા તો અધવચ્ચે પડતું મૂકે. કહેવાનો ભાવાર્થ એ કે રિમોટ કન્ટ્રોલ ઑડિયન્સના હાથમાં છે. આ જ કારણ છે કે ઍક્ટર તરીકે હું જ્યારે વિચારું ત્યારે મને સ્કાય ઇઝ ધ લિમિટ દેખાય છે. તમે ઍક્શન હીરો જ હો કે ચૉકલેટી હીરોની ઇમેજમાં બંધાયેલા રહો કે માત્ર પૉઝિટિવ રોલ જ કરો જેવાં પેરામીટર્સ હવે નથી રહ્યાં અને આવનારા સમયમાં હજી વધારે બદલાશે. દરેક ઍવન્યુને તમે એક્સપ્લોર કરી શકો, કોઈ બંધન વિના તમને સ્ટોરી આઇડિયામાં દમ લાગે અને તમે પ્રોજેક્ટ સાથે બીજા કોઈ પણ જાતના કૅલ્ક્યુલેશન વિના જોડાઈ શકો એ આ સમય છે. 
એવું કહેવાય છે કે ઍક્ટરે હંમેશાં પાણી જેવા હોવું જોઈએ, પાણીથી તમે ચા પણ બનાવી શકો અને શરબત પણ બનાવી શકો. જુદાં-જુદાં કૅરૅક્ટર્સના શેડ્સને તમારી અંદર ઢાળી શકો અને કિરદારમાં જીવ પૂરીને તેને જીવંત બનાવી શકો તો ૧૦૦ ટકા તમારી ઍક્ટિંગ લોકોનાં હૃદય સુધી પહોંચે. અત્યારે તમે નાવીન્યસભર કિરદાર ભજવી શકો છો અને એને માટેના પર્યાય ઘણા વધ્યા છે. હું હંમેશાં કહેતો રહ્યો છું કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી એ ગણિત નથી, પણ સાયન્સ છે અને સાયન્સમાં પ્રયોગ જ હોય. નાટકોમાં પણ આપણે પ્રયોગ શબ્દ વાપરીએ છીએ. દરેક વખતે જોશો તો તમને લાગશે કે આપણે અહીં એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ઘણી વાર એવું બને કે સારી ફિલ્મ પણ ન ચાલે. ઑડિયન્સ આપણી ભોળી છે તે તો માત્ર એટલું જ કહી શકે કે આમાં મજા આવી અને આમાં મજા ન આવી. જોકે મજા ન આવવા પાછળ માત્ર કથાવસ્તુ સારી નહોતી કે ઍક્ટિંગ બરાબર નહોતી કે સિનેમૅટોગ્રાફી નબળી હતી કે ડાયલૉગ્સ દમદાર નહોતા કે વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સ મજા આવે એવી નહોતી કે એનું પ્રમોશન પૂરતું નહોતું થયું કે એવું તો ઘણું બધું હોઈ શકે. આવાં અનેક કારણો છે જેને લીધે એક પ્રયોગ નિષ્ફળ જઈ શકે. અહીં કોઈ ફૉર્મ્યુલા કામ જ નથી કરતી અને એટલે જ એને એક્સપેરિમેન્ટ કહે છે.
આ જ સંદર્ભમાં છેલ્લી વાત કહી દઉં. છેલ્લા ઘણા સમયથી સાંભળતો આવ્યો છું કે વેબ-સિરીઝમાં સેન્સરશિપને ગંભીરતાથી નથી લેવાતી. અભદ્ર ભાષાનો બિનજરૂરી પ્રયોગ થાય છે અને વધારે પડતા બોલ્ડ સીન સાથે વેબ-સિરીઝ બને છે. પૂરેપૂરી પ્રામાણિકતા સાથે કહું તો આ ફાઉન્ડેશન સાથે આવેલી વેબ-સિરીઝ બહુ ચાલી નથી, પણ કથાવસ્તુની અનિવાર્યતા મુજબ જો કોઈ પ્રકારની ભાષાનો ઉપયોગ વાતને તીવ્રતા આપવામાં મદદરૂપ થતો હોય તો એને વખોડવો શું કામ જોઈએ. જો એની અનિવાર્યતા હોય અને એ વાજબી જગ્યાએ હોય અને એવા સમયે એ બોલાતું હોય તો જોનારાને પણ એ ખૂંચશે નહીં. કારણ કે એ સ્ટોરીના પ્રવાહનો હિસ્સો છે. કોઈ ટ્રક-ડ્રાઇવર ચાની રેંકડી પર ઊભો હોય અને સામેથી કોઈ સુંદર સ્ત્રી પસાર થાય ત્યારે તેના મોઢેથી એ સ્ત્રી માટે તેના મિત્ર સામે જે ભાષા નીકળે એ કોઈ ભુદાનનો કાર્યકર કે સમાજસેવક બોલે એવી ભાષા તો ન જ હોયને. બીજી વાત, ક્યાં-ક્યાં આપણે સેન્સર લાવીશું. આટલાં વર્ષોથી દરેક એન્ટરટેઇનમેન્ટ પ્લૅટફૉર્મ પર સિગારેટ અને દારૂનો સીન હોય ત્યાં એ હેલ્થ માટે હાનિકારક છે એવી વૉર્નિંગ આવતી જ હોય છે, પણ એ વાંચીને કેટલા લોકોએ સ્મોકિંગ કે ડ્રિન્ક્સ લેવાનું છોડી દીધું?
દરેક જગ્યાએ સેન્સરશિપની અસર નથી થતી. ઘણી બાબતો સેલ્ફ ડિસિપ્લિન સાથે જોડાયેલી હોય છે, પણ આખી વાતનો સાર એટલો જ છે કે હવે ઑડિયન્સનો જમાનો છે એટલે કન્ટેન્ટની ગુણવત્તામાં બહુ પૉઝિટિવ સુધારા દૂર નથી.

 કોઈ ટ્રક-ડ્રાઇવર ચાની રેંકડી પર ઊભો હોય અને સામેથી કોઈ સુંદર સ્ત્રી પસાર થાય ત્યારે તેના મોઢેથી એ સ્ત્રી માટે તેના મિત્ર સામે જે ભાષા નીકળે એ કોઈ ભુદાનનો કાર્યકર કે સમાજસેવક બોલે એવી ભાષા તો ન જ હોયને.

columnists Pratik Gandhi saturday special