વારુ ત્યારે કહો જોઈએ, તમારી ફૅમિલીનું સાચું દુશ્મન કોણ?

11 September, 2020 02:19 PM IST  |  Mumbai | Manoj Joshi

વારુ ત્યારે કહો જોઈએ, તમારી ફૅમિલીનું સાચું દુશ્મન કોણ?

પ્રતીકાત્મક તસવીર

મોબાઇલ ફોનને કારણે બન્યું છે એવું કે દૂરના લોકો નજીક આવી ગયા છે, પણ નજીકના લોકો સાથેનું વ્યક્તિનું અંતર વધી ગયું છે. આશીર્વાદ જ્યારે અભિશાપમાં ફેરવાઈ જાય ત્યારે આવું બને, પણ આપણે જો ધારીએ અને ઇચ્છીએ તો આજે પણ આ અભિશાપને તમે આશીર્વાદના રૂપમાં લઈ શકો એમ છો અને એ જ પ્રકારે કરવું પણ જોઈએ.
મોબાઇલ માટેની આ સિરીઝ શરૂ થઈ એ સમયથી અનેક એવા મિત્રોના ફોન આવ્યા છે કે જેમને મોબાઇલને કારણે જીવનમાં આવેલું અંતર પરખાઈ ગયું છે અને એ અંતર ઓછું કરવા માગે છે, ફરીથી પરિવાર સાથે એક થઈને રહેવા માગે છે તેમના મનમાં એક મૂંઝવણ છે. આ મૂંઝવણ અમુક અંશે વાજબી છે. તેમનું કહેવું છે કે હવેના સમયમાં તમે કઈ રીતે સ્માર્ટફોનથી દૂર રહી શકો. અઘરું છે કે આજના સમયમાં તમે બધું ભૂલીને જૂના જમાનાનો ફોન વાપરવાનું શરૂ કરો અને એ રીતે સંપર્કમાં રહો. જરૂરી જરાય નથી કે તમે સ્માર્ટફોન વાપરવાનું છોડી દો. એ કરવાનું કહેવામાં પણ નથી આવ્યું. આ જે ચર્ચા શરૂ થઈ એ ચર્ચા સ્માર્ટફોનના વપરાશને લીધે નહીં, પણ એના ઓવરડોઝને લીધે શરૂ થઈ છે. આજના સમયમાં જે પ્રકારની કૉમ્પિટિશન છે અને જે પ્રકારની દોડાદોડ છે એ બન્નેની સામે ટકી રહેવા અને એને પહોંચી વળવા માટે સ્માર્ટફોનનો વપરાશ કરવો જરૂરી જ નહીં, આવશ્યક છે, પણ એ વપરાશની મર્યાદા આપણે નક્કી કરીને આપણે તૂટતા સંબંધો કે દૂર થઈ રહેલા સંબંધોને જાળવી રાખવાના છે.
સ્માર્ટફોનથી અનેકગણું કામ આસાન થઈ રહ્યું છે એ બધા જાણે છે અને એ આસાની થઈ છે એટલે જ તો ફૅમિલીની વધુ નજીક રહેવાની તક પણ ઊભી થઈ છે. મોબાઇલ વાપરો, જરૂર હોય એટલો વાપરો અને બિન્દાસ્ત વાપરો, પણ એક નિયમ બનાવો કે ઘરે આવ્યા પછી મોબાઇલનો વપરાશ માત્ર ફોન તરીકેનો થશે, સ્માર્ટફોન તરીકેનો નહીં. ઘરે આવીને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દેવાથી મોબાઇલ ખરા અર્થમાં સાદા ફોન જેવો જ થઈ જશે. વાત રહી, મોબાઇલમાં રહેલી ગૅલરી અને એમાં રહેલા સ્ટફની, તો એનો વપરાશ ઘરે આવ્યા પછી નહીં કરવાનો એવો પણ નિયમ બનાવી લો. જરૂરી હોય તો કોઈને પણ મેસેજ થઈ શકે છે, મેસેજ કરવા માટે ઇન્ટરનેટની જરૂર નથી. સિમ્પલ ટેક્સ્ટ-મેસેજ કરીને તમે કામની જાણકારી આગળ આપી શકો છો. આજે મોટા ભાગની સેલિબ્રિટીએ પણ પોતાના મોબાઇલના વપરાશ પર કેટલાક ચુસ્ત નિયમો બનાવી લીધા છે.
બનાવવામાં આવેલા આ નિયમો સંબંધોને માન આપીને ઘડવામાં આવ્યા છે. જો એ સંબંધોને સાચવી રાખવા અને સંબંધોમાં કોઈ પ્રકારની અંતરાશ ઊભી ન થાય એ માટે આવું સ્ટેપ લઈ શકતા હો તો આપણે પણ એ કરી જ શકીએ અને એ કરવું જ જોઈએ. દૂરના સંબંધોની લાયમાં દૂર થતા જતા નજીકના સંબંધોને સાચવવા આટલું તો કરવું જોઈએ.

manoj joshi columnists