ગંગાસ્નાન કરતી વખતે પણ પાણીની સ્વચ્છતા તો જોવી પડે

20 June, 2021 09:33 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

પુસ્તકોનું પણ એવું જ છે. વાંચવાનું ઘણું છે, પણ બધું જ વાંચવું જરૂરી પણ નથી. મનગમતું પુસ્તક બીજી કે ત્રીજી વાર વાંચીએ છીએ ત્યારે એમાંથી નવા અર્થો સાંપડે છે તો ક્યારેક નિરાશા પણ થાય છે

પ્રતીકાત્મક તસવીર

સાઠની વય વળોટી ચૂકેલા મુંબઈના ગુજરાતી સાહિત્યરસિકો કૃષ્ણવીર દીક્ષિતના નામથી ખાસ અજાણ્યા નહીં હોય! લગભગ પંદર વર્ષ એટલે કે ૧૯૬૦થી ૧૯૭૫ના સમયગાળામાં (આ સમયગાળાના આંકડામાં ભૂલચૂક લેવીદેવી) મુંબઈમાં જે કોઈ ગુજરાતી સાહિત્યિક કાર્યક્રમો યોજાયા હોય એમાં મસ્તક ઉપર અડધી ટાલ સાથેની શ્વેતકેશી એક વ્યક્તિ અચૂક નોંધ કરતી દેખાય. આ વ્યક્તિ પ્રવચન ન કરે, પણ પ્રવચન-કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો તેમની આસપાસ ટોળે વળીને ઊભા રહી જાય. વળતા સોમવારે સાંધ્યદૈનિકમાં આ કાર્યક્રમનો રસપ્રદ વિગતવાર અહેવાલ છપાયો હોય. ‘કલમ અને કિતાબ’ નામના ઝવેરચંદ મેઘાણીએ શરૂ કરેલા આ અખબારી વિભાગનું સંપાદન ત્યારે કૃષ્ણવીર દીક્ષિત કરતા. જ્યાં દીક્ષિતજી પહોંચી ન શકે ત્યાંથી પણ આ કાર્યક્રમનો અહેવાલ અચૂક મેળવી લે અને ‘કલમ કિતાબ’માં એને સ્થાન આપીને હજારો વાચકો સુધી એની ધૂપ-સુગંધ તો અવશ્ય પહોંચાડે! આ ધૂપ-સુગંધના પમરાટ માટે દીક્ષિતજીનું કોઈ પોતાનું કે પારકું નહીં. માત્ર કાર્યક્રમની સાહિત્યિક સુગંધ જ તેમની!
  લગભગ સિત્તેર કે પંચોતેર વરસની વયે નિવૃત્તિકાળમાં દીક્ષિતજી મને અચાનક મળી ગયા. વાત-વાતમાં ભારે નિરાશાપૂર્વક કહે, ‘સાહિત્યિક કાર્યક્રમો સંખ્યાબંધ જોયા-સાંભળ્યા-લખ્યા, પણ હવે એક જ વાતનો વસવસો શું થાય છે કે વાંચવાનું પુષ્કળ સાહિત્ય રહી ગયું. હવે સમય ઓછો છે અને જે લખવાનું કે વાંચવાનું બાકી રહી ગયું છે એ તો થોકબંધ છે. હવે એ પૂરું નહીં થાય એનું દુઃખ છે.’  
  છેલ્લા સોળેક મહિનાથી વત્તાઓછા અંશે લૉકડાઉનની એક એકલતા અવસ્થા વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. લૉકડાઉન એટલે બધું બંધ. વ્યાવહારિક જીવનમાં બધું બંધ ક્યારેય રહેતું નથી. નોકરી-ધંધો કે અન્ય વ્યવસાય ફરજિયાત કરી શકાય નહીં ત્યારે ચાર દીવાલ વચ્ચે બેઠેલો માણસ આખરે શું કરે? ટેલિફોન, ટીવી, વાંચન તથા અન્ય સોશ્યલ મીડિયા મારફત માણસ સમય પસાર કરવાની કોશિશ કરે. પરસ્પર હળવું-મળવું તો બંધ જ હોય. આ સંજોગોમાં માણસ વાંચન તરફ પ્રેરાય એ સંભવ છે.
લૉકડાઉનના બે-ચાર દિવસ પસાર થયા પછી મને અચાનક દીક્ષિતજી યાદ આવ્યા. તેમણે કહ્યું હતું કે વાંચવાનું ઘણું બાકી છે. મારી પાસે અંગત લાઇબ્રેરીમાં સેંકડો પુસ્તકો છે. એમાંનાં મોટા ભાગનાં મેં વાંચ્યાં હોય છે. ક્યારેક તો કોઈ પુસ્તક બે કે વધુ વાર પણ વાંચ્યું હશે. કેટલાંક પુસ્તકો વાંચવા માટે નથી હોતાં, માત્ર જોવા માટે હોય છે. પુસ્તકનું મૂલ્ય જ વાંચી ન શકાય એવું હોય છે.
  થોડા સમય પહેલાં ગુજરાતની એક કૉલેજનાં પ્રાધ્યાપક બહેને મને ટેલિફોન કર્યો હતો. આ બહેન પીએચડી (PhD) થવા માટે અભ્યાસ કરી રહ્યાં હતાં. અભ્યાસનો વિષય હતો ‘મહાભારતના યુદ્ધમાં વપરાયેલાં શસ્ત્રો’. તેમણે મને પૂછ્યું કે આ શસ્ત્રો વિશેની માહિતી મળી શકે એવો કોઈ ગ્રંથ મારા ધ્યાનમાં છે ખરો? કોઈ ચોક્કસ ગ્રંથનું નામ તો મારા ધ્યાનમાં આવતું નહોતું એટલે આવાં શસ્ત્રો વિશે મેં વાંચેલા અથવા લખેલા કોઈક લેખને સંભારીને એનાં નામ આપ્યાં. આ બહેને વળતા ઉત્તરમાં કહ્યું કે આ વિષયમાં કોઈ ગ્રંથ હોય તો હું એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવા માગું છું. મેં તેમને કહ્યું કે ખરેખર તો આ શસ્ત્રો વિશેની માહિતી તો મહાભારતના મૂળ ગ્રંથમાંથી જ વાંચીને મેળવી શકાય. આના જવાબમાં બહેને કહ્યું કે મહાભારતનો આખો ગ્રંથ તો કેવી રીતે વંચાય, એનાં તો હજારો પૃષ્ઠો છે. મેં બહેનને કહ્યું, ‘બહેન, તમારે જો ડૉક્ટરેટ કરવું હોય તો મૂળ ગ્રંથો વાંચવા પડે. અન્યથા તમે કમ્પાઉન્ડર થઈ શકો, ડૉક્ટર નહીં.’ બહેને મારી વાત સ્વીકારી હશે કે નહીં એ હું જાણતો નથી.
  મહાભારતમાં સેંકડો પૃષ્ઠો છે એ આપણે જાણીએ છીએ. મહાભારત વિશે અનેક લેખકો સંખ્યાબંધ પુસ્તકો લખે છે. આવાં કેટલાંય પુસ્તકો ભેટ પુસ્તકો તરીકે મારી પાસે આવે છે. કેટલાંક પુસ્તકો પ્રસ્તાવના લખવા પણ મારી પાસે આવે છે. મહાભારત, રામાયણ કે અન્ય પૌરાણિક કથાનકોને કેટલી હદે નવેસરથી વિચારી શકાય એ તપાસવા જેવું છે. કેટલીક વાર તો એવું લાગે છે કે આ કથાનકો મૂળમાં વાંચ્યા વિના જ માત્ર ઉપરછલ્લાં વિધાનો ધ્યાનમાં રાખીને પુસ્તક લખાતું હોય છે. કનૈયાલાલ મુનશી વિશે એવું કહેવાય છે કે તેમણે લોપામુદ્રાની નવલકથા વેદના મૃદલ વાંચન વિના કરી હતી. મુનશીજીએ આ આક્ષેપ પાછળથી સ્વીકાર્યો પણ હતો. એવું પણ કહેવાય છે કે રાધાકૃષ્ણના સંબંધોમાં તેમના એક સંતાન વિશે એક નવલકથા આપણી ભાષામાં છે. દ્રૌપદી અને કર્ણ વચ્ચેના સંબંધોને તથા દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચેના સંબંધોને પણ કથાસાહિત્યમાં આલેખાય છે. હમણાં શ્રી વિનોદ જોષીએ લખેલા ખંડકાવ્ય ‘સૌરહૈદ્રી’માં વિરાટ નગરીમાં ગુપ્તવાસ દરમિયાન રહેતી દ્રૌપદી કીચકને જોઈને કેવી જાતીય વિચલિત અવસ્થામાં આવી જાય છે એની વાત આલેખી છે. એક ખૂબ સરસ કાવ્યને જ્યારે સૌહાર્દની અવસ્થામાં જોઈએ છીએ ત્યારે થોડીક અસ્વસ્થતા તો થાય જ છે.
  લૉકડાઉનના દિવસો જેમ-જેમ લંબાતા ગયા તેમ-તેમ મારી લાઇબ્રેરીનાં પુસ્તકો મેં ફરી-ફરી ઉથલાવવા માંડ્યાં. મહાભારત આ અગાઉ મેં ચાર વાર વાંચ્યું છે. ફરી એક વાર એનાં પૃષ્ઠો ઊથલાવ્યાં. જેમ-જેમ આ પૃષ્ઠો આગળ વધતાં ગયાં તેમ-તેમ એમાંથી સાવ નવી વાત, સાવ નવાં અર્થઘટનો સાથે આંખો ચડી ગઈ. મનગમતું પુસ્તક બીજી કે ત્રીજી વાર વાંચીએ છીએ ત્યારે એમાંથી નવા અર્થો સાંપડે છે. ક્યારેક નિરાશા પણ થાય છે. તરુણ અવસ્થામાં રમણલાલ વસંતલાલ દેસાઈ અને વિ. સ. ખાંડેકર તથા કનૈયાલાલ મુનશી મારા પ્રિય લેખક હતા. હજી આજેય છે, પણ માત્ર ફેર જરૂર થયો છે. રમણલાલની ‘દિવ્યચક્ષુ’ નવલકથા પહેલી વાર વાંચી ત્યારે મને ખૂબ ગમેલી. વરસો પછી પરિસંવાદમાં રમણલાલ વિશે બોલવાનું થયું ત્યારે આ નવલકથા ફરી વાર વાંચી હતી. આ બીજા વાંચનને ‘દિવ્યચક્ષુ’નાં નાયક અને નાયિકા અરુણ અને રંજન બન્ને વિશે મારા મનોગતમાં ભારે ફેરફાર થઈ ગયો હતો. કૉલેજકાળમાં સાથે ભણતી કોઈક સહાધ્યાયિનીને પચાસેક વરસ પછી તેનાં પૌત્ર-પૌત્રીઓ સાથે કોઈક બગીચામાં પૃષ્ઠદેહે ફરતી જોઈએ એવું એ ક્ષણે લાગ્યું હતું.
 આમ છતાં પુસ્તકો જેમ-જેમ ઉથલાવતો ગયો, ફરી-ફરી વખત વાંચતો ગયો એમ એનાં કથાનકો અને સર્જકની સર્જનયાત્રા વિશે નવી-નવી જાણકારીઓ બહારથી આયાત કરેલી નથી હોતી અને સ્વયં શોધવી પડે છે.
  આ લૉકડાઉનના સવા વરસના ગાળામાં જે પુસ્તકો ફરી વાર વાંચ્યાં અથવા જે નહોતાં વાંચ્યાં એ હાથવગાં થયાં. દીક્ષિતજીની મનોવ્યથા સમજી શકાય એવી છે.
  ક્યારેક ગણપતિએ કરેલી માતા-પિતાની પ્રદક્ષિણા પણ યાદ આવતી ગઈ. કાર્તિકસ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને તોય ગણપતિથી બીજા ક્રમે જ રહ્યા. ગણપતિએ માતા-પિતાની પ્રદક્ષિણા કરીને પૃથ્વી પ્રદક્ષિણા પણ કરી લીધી. પુસ્તકોની સૃષ્ટિમાં પણ આવું જરૂરી છે. વાંચવાનું ઘણું છે, પણ બધું જ વાંચવું જરૂરી પણ નથી.

columnists dinkar joshi