હીરે કી શફાક રખતે હો તો અંધેરે મેં ચમકો સૂરજ કી રોશની મેં તો શીશા ભી ચમકતા હૈ!

22 September, 2021 03:30 PM IST  |  Mumbai | Pravin Solanki

મહિલા હૉકી ટીમની મોટા ભાગની ખેલાડીઓનું બાળપણ અને ઉછેર અત્યંત સાધારણ પરિસ્થિતિમાં, દયામણી ​સ્થિતિમાં થયાં છે. નાનપણમાં મોટા ભાગની ખેલાડીઓ દૂધ-દહીં, માખણ અને લીલાં શાકભાજીથી વંચિત રહી છે. માત્ર સૂકી રોટલી (રોટી) અને દાળ પર ગુજારો કર્યો છે.

હીરે કી શફાક રખતે હો તો અંધેરે મેં ચમકો સૂરજ કી રોશની મેં તો શીશા ભી ચમકતા હૈ!

એ એક હકીકત છે કે ગરીબોને ખાવા માટે ધાન નથી મળતું અને અમીરોને પચાવવા માટે પેટ  નથી મળતું. ટીવી પર રોજ જાહેરખબર કરતો કોઈ મશહૂર ખેલાડી કે ફિલ્મી કલાકાર કહેતો સંભળાય છે, ‘મેરી તંદુરસ્તી-તાકાત-સ્ફૂર્તિ કા રાઝ હૈ ફલાણા ફલાણા એનર્જી ડ્રિન્ક-હર્બલ કૅપ્સ્યૂલ-પ્રોટીનયુક્ત પાઉડર.’
  અનેક કંપનીઓ પોતાની પ્રોડક્ટ બજારમાં ખપાવવા માટે કરોડો રૂપિયાની જાહેરાત કરે છે  અને અધધધ કમાણી કરે છે અને આવી જાહેરાત કરનારા અભિનેતા-ખેલાડીઓ અઢળક પૈસા  કમાય છે. આવી પ્રોડક્ટ ખરીદનારા પણ મબલક કમાણી કરનારા જ હોય છે. ગરીબોને તો  એની કિંમતમાં મહિનાનું રૅશન આવી જાય. 
આ પ્રશ્ન મનમાં એટલા માટે જાગ્યો કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે મનની સ્ફૂર્તિ અને  તનની તંદુરસ્તી ખૂબ મહત્ત્વની હોય છે. ખેલાડીઓ માટે ફિટનેસ પાયાનો પ્રશ્ન હોય છે. તાજેતરમાં આપણે ૫૦ વર્ષ પછી લૉર્ડ્સના ગ્રાઉન્ડ પર ટેસ્ટ મૅચમાં વિજય મેળવ્યો અને આપણે ઘેલા-ઘેલા થઈ ગયા. ઑલિમ્પિકમાં ૭ મેડલ મળ્યા ને ધન્ય-ધન્ય થઈ ગયા. થવું જ જોઈએ, એમાં કોઈ ના નથી, પરંતુ બીજી બાજુનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી છે. કઈ બીજી બાજુ? 
૫૦ વર્ષથી આપણી ક્રિકેટ ટીમ શું કરતી હતી? આપણે વ્યક્તિગત રીતે અનેક વિક્રમો  સરજ્યા, પણ ટીમ તરીકે કેમ ઊણા ઊતર્યા? લગભગ દશેરાના દિવસે જ આપણો ઘોડો કેમ દોડતો નથી? ૫૦ વર્ષ સુધી આપણને લૉર્ડ્સમાં વિજય કેમ ન મળ્યો એની ચર્ચા ન થવી જોઈએ? 
એ જ રીતે ઑલિમ્પિક્સમાં આપણને સાત જ મેડલ? ૧૩૦ કરોડના આબાદીવાળા દેશમાંથી  આપણને ગણ્યાગાંઠ્યા રમતવીરો કેમ મળે છે? કારણ એટલું જ કે ક્રિકેટ સિવાય આજ સુધી   આપણા દેશમાં કોઈ રમતને સરકાર તરફથી કે પ્રજા તરફથી કોઈ પ્રાધાન્ય મળ્યું નથી. 
ઑલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓની હાલત વિશેનો એક લેખ વાંચીને ધ્રૂજી જવાયું. મોટા ભાગના ખેલાડીઓની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક છે. તાલીમ માટે નથી હોતું પૂરતું બજેટ, નથી હોતી પૂરતી સગવડ કે નથી હોતાં પૂરતાં સાધનો. રમતગમત માટેના કરોડો રૂપિયાના બજેટમાં ૬૦ ટકા જેટલા ક્રિકેટ પાછળ ખર્ચાય છે અને બાકીના ૪૦ ટકા અન્ય રમત માટે. 
આપણી મહિલા હૉકી ટીમની ખેલાડીઓના જુસ્સા ને જોમ વિશે આનંદ તો થયો, પણ તેમની હાલત વિશેનો અહેવાલ વાંચીને ઘડીભરમાં એ આંનદ ઓગળી ગયો. જાણવા મળ્યું કે મહિલા હૉકી ટીમની મોટા ભાગની ખેલાડીઓનું બાળપણ અને ઉછેર અત્યંત સાધારણ પરિસ્થિતિમાં, દયામણી ​િસ્થતિમાં થયાં છે. નાનપણમાં મોટા ભાગની ખેલાડીઓ દૂધ-દહીં, માખણ અને લીલાં શાકભાજીથી વંચિત રહી છે. માત્ર સૂકી રોટલી (રોટી) અને દાળ પર ગુજારો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સુશીલા ચાનુ કહે છે, ‘બહુ કપરા સંજોગોમાં અમે ટ્રેઇન થયાં છીએ. ક્યારેક ઘરમાં   રૅશન લાવવાના પણ પૈસા નહોતા. કેટલીક વાર ઉધાર લઈ આવ્યા, પછી તો ઉધાર આપવાની પણ લોકોએ ના પાડી દીધી. અમે ૬ ભાઈ-બહેન છીએ અને પપ્પા ડ્રાઇવર છે.’ 
સલીમા ટેટેને પૂછવામાં આવ્યું કે ફિટનેસ માટે તમે સપ્લિમેન્ટ્સમાં શું લેતાં હતાં? એના જવાબમાં તેણે ભીની આંખે કહ્યું, ‘સર સપ્લિમેન્ટ્સ તો બહુ દૂરની વાત છે, અમને તો શુદ્ધ પાણી પણ મળતું નહોતું. રમત માટે પહેરવા યોગ્ય કપડાં તો ઠીક, પગમાં જૂતાંના વાંધા હતા. મને ૨૦૧૩માં જ્યારે પ્રૅક્ટિસમાં જૂતાં મળ્યાં ત્યારે મેડલ મળ્યા જેટલો આનંદ થયો હતો.’ 
ગોલકીપર સવિતા પુનિયાની દાસ્તાન પણ જુદી નથી. તે કહે છે, ‘અમારો સંયુક્ત પરિવાર છે. પિતાનો પગાર ૯૦૦૦ રૂપિયા છે, મારી હાઇટને કારણે કોચ મને ગોલકીપરની તાલીમ આપવા રાજી તો થયા, પણ મારી પાસે હૉકી-કિટ નહોતી. કોચે કહ્યું, ‘કિટની સગવડ કરો તો કામ બને.’ કિટની કિંમત હતી ૧૮,૦૦૦ રૂપિયા. મારા હોંસલાની પાંખ ત્યારે તૂટી ગઈ, પણ એક દિવસ મારા આશ્ચર્ય વચ્ચે પપ્પા ઉધારી કરીને હૉકી-કિટ લઈને ઘરે આવ્યા. મારા સપનાને નવી પાંખ મળી, પણ કુટુંબમાં કડવાશ ભળી.’ 
રાની રામપાલે જે વાત કરી એનાથી ચોંકી જવાયું. તેણે કહ્યું, ‘મોટા ભાગે આપણા દેશમાં મહિલા હૉકી પ્લેયર નાના ગામ કે શહેરમાંથી જ આવે છે એનું કારણ એક જ છે કે ચાલો, બીજું કાંઈ નહીં, હૉકી રમવાથી ઘરમાં અનાજ-પાણીની વ્યવસ્થા તો થઈ જશે. ટેનિસ પ્લેયર કે બીજી અન્ય રમતના ખેલાડીઓને તેમનાં મા-બાપ કારમાં લેવા-મૂકવા આવે, તમામ સુવિધા પૂરી પાડે, શક્તિવર્ધક તમામ સપ્લિમેન્ટ્સ પૂરાં પાડે, સ્પેશ્યલ કોચની સુવિધા મળે. અમારા નસીબમાં એવું નથી હોતું. અમારી પાસે હોય છે ટકી રહેવાની તમન્ના, જીતવાનું ઝનૂન અને  ગામ તથા દેશનું નામ રોશન કરવાનો દૃઢ સંકલ્પ.’ 
 આ વાતની પૂર્તિ આપે છે યો યો ટેસ્ટ. ક્રિકેટ-ટીમમાં સામેલ થવા માટે દરેક ખેલાડીએ પહેલાં યો યો ટેસ્ટ આપવી પાડે છે. હાલમાં વિરાટ કોહલીનો યો યો ટેસ્ટનો સ્કોર ૧૯ છે અને તે સર્વશ્રેષ્ઠ છે. બાકીનાનો ૧૭ની આસપાસનો છે, જ્યારે મહિલા હૉકી ટીમના ખેલાડીઓનો સ્કોર ૧૯થી ૨૧નો છે અને કોઈનો ૨૨ પણ છે!! એ દર્શાવે છે કે કોઈ પણ સપ્લિમેન્ટ્સ કરતાં દેશી ખોરાક, લીલાં શાકભાજી, દૂધ-દહીંનું મહત્ત્વ ઘણું વધારે છે.
 અહેવાલ છે કે ક્રિકેટરો મોટા ભાગે સ્પાર્કલિન્ગ વૉટર જ પીએ છે જે ફ્રાન્સથી મગાવવામાં  આવે છે અને મહિને અંદાજે ખર્ચ છે ૩૬૦૦૦ રૂપિયા. વળી ક્રિકેટરોની સરખામણીમાં અન્ય  રમતવીરોને પૈસા, પ્રતિષ્ઠા, પબ્લિસિટી ખૂબ ઓછી મળે છે. ટીવીની જાહેરાતમાં, જ્યાંથી મોટી રકમની કમાણીનો સંભવ છે એમાં ભાગ્યે જ સ્થાન 
મળતું હતું, પણ હાલમાં નીરજ ચોપડાએ એ મહેણું ભાંગ્યું છે અને વિરાટ કોહલી પછી બીજા સ્થાને છે.  
(ગયા અઠવાડિયાની કૉલમમાં શીર્ષક હતું ‘દિલ કી બાત કો દિલ મેં હી રહને દો, કુછ લફ્ઝ કાગઝ પે મૈલે હો જાતે હૈ!’, પરંતુ ભૂલથી ‘કુછ‘ શબ્દને બદલે ‘છહ‘ છપાયું હતું, એ બદલ માફી. - તંત્રી )
સમાપન
બે સવાલ ઊઠે છે; નાનાં ગામડાંઓ કે શહેરોમાંથી ઑલિમ્પિક્સ માટે રમતવીરો  મળ્યા છે, મોટાં શહેરોમાંથી કેમ નહીં? શું હોંસલા અને હામ માટે ગરીબી આશીર્વાદરૂપ છે?
 મેં વહેતાં ઝરણાંને જોયું ત્યારે ખબર પડી કે પહાડ પણ પીગળી શકે છે.  
સુરેશ દલાલ

columnists Pravin Solanki