ઈસવીસન પૂર્વે થયેલા ચાણક્ય આજે પણ છે સંપૂર્ણ પ્રસ્તુત

22 September, 2021 04:00 PM IST  |  Mumbai | Rashmin Shah

ચાણક્ય આમ તો હવે એક ઇતિહાસ છે, પણ તેમણે લખેલી ‘ચાણક્યનીતિ’ આજની તારીખે પણ જીવનને બહેતર બનાવવામાં અવ્વલ છે

ઈસવીસન પૂર્વે થયેલા ચાણક્ય આજે પણ છે સંપૂર્ણ પ્રસ્તુત

‘ચાણક્યનીતિ’ મૂળ માગધી ભાષામાં લખાઈ હતી, જે ત્યાર પછી લોકોપયોગી બને એવા ભાવથી ચાર જ વર્ષમાં સંસ્કૃતમાં રૂપાંતરિત કરવામાં આવી અને એ પછી સમય જતાં દેશની ૪૨ અને વિશ્વની ૧૪ ભાષામાં એનો અનુવાદ થયો. ઈસવીસન પૂર્વે થઈ ગયેલા ચાણક્ય આજે પણ પ્રસ્તુત છે એની પહેલી નિશાની. ‘ચાણક્યનીતિ’ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ એટલે કે આઇઆઇએમ સહિત દેશની ૧૪ મૅનેજમેન્ટ સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે તો બાળાસાહેબ ઠાકરે, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ કબૂલી ચૂક્યા છે કે તેમની રાજનીતિમાં ‘ચાણક્યનીતિ’નો બહુ મોટો હાથ રહ્યો છે.
‘ચાણક્યનીતિ’ એ હકીકતમાં ચાણક્ય દ્વારા સમાજનાં આર્થિક, સામાજિક અને રાજકીય પાસાંઓને સબળાં બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું એક પ્રકારનું માર્ગદર્શન છે. જો એને સરળ શબ્દોમાં સમજવામાં આવે અને એને વાસ્તવિકતા સાથે જોડવામાં આવે તો એ આજે પણ એટલી જ ઉપયોગી છે. ચાણક્ય તરીકે પ્રસ્થાપિત થઈ ગયેલા અને છેલ્લાં ચોવીસ વર્ષથી ‘ચાણક્ય’ નાટક કરતા ઍક્ટર-ડિરેક્ટર મનોજ જોષી કહે છે, ‘ચાણક્ય દ્વારા રચવામાં આવેલી ‘ચાણક્યનીતિ’ એ હકીકતમાં તો લાઇફમાં શું કરવું અને શું ન કરવું એનું સીધું માર્ગદર્શન છે. જો નિયમિત અંતરે એનું પઠન કરતા રહેવામાં આવે તો લાઇફ છે એનાથી વધારે સરળ બને છે.’
પચાસ લાખથી વધુ વેચાણ | ચાણક્ય દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ચાણક્યનીતિ’ને આધાર બનાવીને વિશ્વમાં એક હજારથી વધારે પુસ્તકો લખાયાં છે. ‘ચાણક્યનીતિ’ની આજ સુધીમાં દેશમાં પચાસ લાખથી વધારે કૉપી વેચાઈ છે. હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, બૅન્ગોલી જેવી સ્થાનિક ભાષાઓ ઉપરાંત ‘ચાણક્યનીતિ’ અંગ્રેજીમાં પણ ચાલીસ રાઇટરે ટ્રાન્સલેટ કરી છે, જે દેખાડે છે કે આ પુસ્તક લાઇફ માટે કેટલું અગત્યનું છે. 
ચાણક્યનીતિ’માં કરીઅરથી લઈને પર્સનલ રિલેશનશિપ, ફાઇનૅન્સ, બિઝેનસ, સોશ્યલ રિલેશિનશિપ જેવા લાઇફના ઍસ્પેક્ટ્સને સમાવવામાં આવ્યા છે. ચાણક્યએ જ્યારે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી અને ચંદ્રગુપ્ત મૌર્યને શાસનની જવાબદારી સોંપી ત્યારે તેમણે મૌર્ય સામ્રાજ્યના વડા પ્રધાનપદની જવાબદારી સ્વીકારી હતી. આ જવાબદારીના ભાગરૂપે જ તેમણે ‘ચાણક્યનીતિ’ તૈયાર કરી, જેને મૌર્ય સમ્રાટથી માંડીને રાજ્યના તમામ પ્રધાનોએ ફૉલો કરવાની હતી. ‘ચાણક્યનીતિ’ રજૂ કરતી વખતે ચાણક્યએ મૌર્ય દરબારમાં કહ્યું હતું કે જે સમયે આ નીતિને ભૂલવામાં આવશે એ સમયે ભૂલનારાએ જ નહીં, તેની આસપાસ રહેલા સૌકોઈએ એનું દુષ્પરિણામ ભોગવવું પડશે. 
આ વાત કેવી અસરકારક છે એ તમને તો જ સમજાય જો તમે ‘ચાણક્યનીતિ’ વાંચો અને એને સમજવાની કોશિશ કરો. ‘ચાણક્યનીતિ’ની એક પણ વાત ગેરવાજબી કે પછી અયોગ્ય નથી. 
ચાણક્ય, નીતિ અને તેમનું જીવન | ચાણક્યનું જીવન સંઘર્ષમય રહ્યું છે. તેમનું ઓરિજિનલ નામ વિષ્ણુગુપ્ત હતું, પણ પિતાનું નામ ચણક હોવાથી તે ચાણક્ય તરીકે ઓળખાયા. ચાણક્યનું અપમાન પાટલીપુત્રના રાજા ધનનંદે કરતાં ચાણક્યએ સોગંદ લીધા હતા કે જ્યાં સુધી તે સત્તાપલટો નહીં કરે ત્યાં સુધી પોતાની શિખા નહીં બાંધે. ચાણક્યએ આ વાતની એવી તે ગાંઠ બાંધી લીધી કે તેમણે માત્ર રાજા તૈયાર કર્યો નહીં, તેને ટ્રેઇન પણ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્ય હસ્તક શાસન-પરિવર્તન કર્યું. 
એક તબક્કે ચંદ્રગુપ્ત મૌર્યએ એવી ઇચ્છા દર્શાવી હતી કે પોતાને બદલે ચાણક્ય શાસન ગ્રહણ કરે, પણ કિંગ બનવાને બદલે ચાણક્યએ દુનિયાને કિંગમેકરનો સિદ્ધાંત શીખવ્યો અને મૌર્ય યુગની શરૂઆત કરાવી. 
ચાણક્યના જીવન પરથી અજય દેવગન અને ફિલ્મ-ડિરેક્ટર નીરજ પાંડેએ ફિલ્મ અનાઉન્સ કરી છે જેમાં અજય દેવગન ચાણક્યનું કૅરૅક્ટર કરશે તો ચાણક્યના જીવન પર ઑલરેડી બે વાર ટીવી-સિરીઝ પણ બની છે અને આવતા સમયમાં ઍક્ટર-પ્રોડ્યુસર મનોજ જોષી પણ ચાણક્યના જીવન પર વેબસિરીઝ બનાવવાનું પ્લાનિંગ કરે છે.
મૌર્યકાળ દરમ્યાન તૈયાર કરવામાં આવેલાં નીતિસૂત્રોને ચાણક્યએ ‘ચાણક્યનીતિ’ના નામે પુસ્તકમાં ફેરવ્યાં જે આજે વિશ્વની અનેક યુનિવર્સિટી દ્વારા ભણાવવામાં આવી રહી છે.

સ્ટોરી શૉર્ટકટ

‘ચાણક્યનીતિ’ કોઈ કથા નથી, પણ એ જીવન સાથે જોડાયેલા એવા સામાજિક, આર્થ‌િક અને માનસિક ક્ષેત્રમાં ઉપયોગ‌ી પુરવાર થાય એવા સિદ્ધાંતો શીખવવાનું કામ કરે છે. મૌર્ય સંસ્કૃતિમાં ફિલોસૉફર અને ઇકૉનૉમિસ્ટની ભૂમિકા ભજવનારા ચાણક્યનાં નીતિસૂત્રો પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ ઉપયોગી છે તો સાથોસાથ મૅનેજમેન્ટ ક્ષેત્રમાં પણ અત્યંત મહત્ત્વનાં પુરવાર થયાં છે. ‘ચાણક્યનીતિ’માં ચાણક્યએ કહ્યું છે કે બુદ્ધિથી વિશેષ કીમતી આ જગતમાં કશું નથી. સંપત્તિ અને રૂપ જેવું ધન હાથમાંથી સરકી શકે, પણ બૌદ્ધિકતા ક્યારેય હાથમાંથી સરકતી નથી. ચાણક્યએ જ કહેલી હજી એક અગત્યની વાત જે આજના સમયમાં અત્યંત વાજબી છે. જીવન બહુ ટૂંકું છે માટે ભૂલ કરીને બધું શીખવાને બદલે બીજાની ભૂલમાંથી લેસન લેતાં શીખી જવું. ચાણક્યની ત્રીજી અગત્યની વાત. અંગત વાત ક્યારેય કોઈની સાથે શૅર કરવી નહીં. સામેની વ્યક્તિ આવતી કાલે દુશ્મન બનશે તો તે અંગત વાતનો દુરુપયોગ કરી શકે છે. 
જીવનમાં અપનાવવા જેવી અનેક શીખ ‘ચાણક્યનીતિ’માં આપવામાં આવી છે. એ પૈકીની ચોથી અગત્યની વાત. ખાસ મિત્રને ક્યારેય દુશ્મન બનાવવો નહીં. મિત્રમાંથી દુશ્મન બનેલો સૌથી માર્મિક જગ્યા પર વાર કરી શકે છે. ‘ચાણક્યનીતિ’માં દર્શાવેલી નીતિ પૈકીની સાતમી અને અગત્યની નીતિ. કાયદો માત્ર સમાજ અને રાષ્ટ્ર માટે ન હોય, જાત માટે પણ હોય અને એ તમારે જાતે બનાવવા પડે. જે જાતને કાયદાના દાયરામાં રાખે છે તે ભાગ્યે જ દુખી થાય છે.

columnists Rashmin Shah