...અને ખટાઉ આલ્ફ્રેડના પ્રપૌત્ર બન્યા મારા જીવનસાથી

28 June, 2022 01:44 PM IST  |  Mumbai | Sarita Joshi

રાજકુમાર ખરા અર્થમાં રાજકુમાર જેવા જ લાગતા. દૂધ પણ તેમની પાસે કાળું લાગે એવું તેમનું રૂપ અને સૌમ્યતા ગર્ભશ્રીમંત પરિવાર જેવી તો નમ્રતા અતિ જ્ઞાની એવા સજ્જન જેવી ‘મારે તારી સાથે મૅરેજ કરવાં છે, જો તને વાંધો ન હોય તો...’

આલબમમાંથી હાથમાં આવેલો એક ફોટો. ગુજરાતી ફિલ્મોની શરૂઆતના સમયનો આ ફોટો હોય એવું મને આછું-આછું યાદ આવે છે.

હું આખેઆખી ધ્રૂજી ગઈ જ્યારે મેં આ શબ્દો સાંભળ્યા હતા. હા, આ શબ્દો મને તેણે જ કહ્યા હતા જેને મેં બાર-તેર વર્ષની ઉંમરે કલકત્તામાં જોયો હતો અને એ પછી જેને મેં મારા ઘરમાં જોયો હતો. ઈરાનીશેઠનો ભાણેજ, જે પદ‍્માના દીકરાને જોવા માટે અમારા ઘરે આવ્યો હતો અને એ પછી મને અવારનવાર અમારા નાટકની ટૂર દરમ્યાન મળતો હતો.
‘મને તું નાનપણથી જ ગમતી, પણ ત્યારે મૅરેજનું પૂછવું વાજબી નહોતું અને એ પછી આપણે ક્યારેય મળ્યા જ નહીં.’
લગ્નનો પ્રસ્તાવ મૂકવાની સાથોસાથ તેણે મને ધીમેકથી મનની વાત પણ કહી દીધી. સાચું કહું તો હું ગભરાઈ ગઈ હતી. મેં તેને તરત જ કોઈ જવાબ આપ્યો નહીં, પણ બીજી વખત જ્યારે આ જ વાત નીકળી ત્યારે મેં તેને કહ્યું કે અમારે ત્યાં બધું આઈ નક્કી કરે એટલે તમે આઈ સાથે વાત કરી લો. ઈરાનીશેઠની હાજરીમાં તેણે આઈ સાથે વાત કરી અને આઈ પણ દરેક માની જેમ જ રાજી થઈ ગઈ.
મારી માને પણ એવું કે નાટક કંપનીમાં જ છોકરો મળી જાય અને તે પોતે પણ નાટક સાથે જોડાયેલો હોય તો મને મારું ગમતું કામ કરવા મળે. મને લગ્નનો પ્રસ્તાવ આવ્યો એ સમય સુધીમાં હું નાટકોમાં બહુ સારું કામ કરવા 
માંડી હતી અને મારી ઉંમર પણ લગ્ન લાયક થઈ ગઈ હતી. સોળ વર્ષ થઈ ગયાં હતાં મને. માને પણ પોતાની જવાબદારીઓમાં નિવૃત્તિ લેવી હતી, એવી જ રીતે જેવી રીતે દરેક માને પણ લેવી હોય છે.
એ રાજકુમાર વિશે જરા તમને વાત કરું.
lll
મારી પેઢીના લોકોને પૂછશો તો તેમણે ખટાઉ આલ્ફ્રેડનું નામ સાંભળ્યું જ હોય. એ સમયે ખટાઉ આલ્ફ્રેડ કરોડોપતિ હતા. અંગ્રેજ સરકાર પણ તેમને ખૂબ માન આપે. અનેક શિરપાવ પણ તેમણે ખટાઉ આલ્ફ્રેડને આપ્યા હતા. મને જેણે લગ્નનું પૂછ્યું એ રાજકુમાર આપણા ખટાઉ આલ્ફ્રેડના પ્રપૌત્ર. ખટાઉ આલ્ફ્રેડના દીકરા કાવસજી ખટાઉ અને તેમના દીકરા જહાંગીર ખટાઉના દીકરા એટલે રાજકુમાર.
જેને જીવનમાં મેં પહેલી વાર કલકત્તામાં જોયો. બે-ચાર દિવસની એ આંખોની વાતો અને એ પછી સીધો અમારા ઘરે મેં જોયો. મેં કહ્યું એમ મારી ઉંમર એ સમયે સોળેક વર્ષની અને રાજકુમાર પણ નાનો હતો. અઢાર-ઓગણીસ વર્ષની ઉંમર હશે તેની અને તેણે મને લગ્ન માટે પૂછ્યું. મેં તો કહ્યું કે આ બધું મારી આઈ નક્કી કરે એટલે પહેલાં તેની સાથે તમારે વાત કરવી પડે. તેને કોઈ વાંધો નહોતો, વિરોધ નહોતો અને ક્ષોભ પણ નહોતો. દીકરીઓ મારે તમને અહીં એક વાત કરવી છે. તમારો બૉયફ્રેન્ડ જો તમને તેના પરિવારના સભ્યોને મેળવવામાં ખચકાટ કરે કે પછી તે મળવા રાજી ન થાય તો જરા ચેતજો. એવું નથી કે બધાના મનમાં પાપ હોય. ઘણા યુવકના ઘરમાં એવા સંજોગો હોય તો તે તમને મેળવી ન શકે કે પછી તે તમારી ફૅમિલીથી પણ અંતર રાખે, રાખવું પડે તેણે; પણ દરેકને એ વાત લાગુ નથી પડતી એટલે જરા તમારી બુદ્ધિ વાપરજો અને નક્કી કરજો કે તે શું કામ તમને પોતાની કે પછી પોતાને તમારી ફૅમિલીથી દૂર રાખે છે. અહીં હું ફરીથી કહીશ કે બધાને આ વાત લાગુ નથી પડતી, પણ મોટા ભાગનાને આ વાત લાગુ પડે છે એ દીકરીઓ ભૂલે નહીં.
lll
રાજકુમાર તરત જ આઈને મળવા માટે તૈયાર થઈ ગયો અને હું મારાં નાટકોની ટૂર પર હતી ત્યારે રૂબરૂ જઈને આઈને મળી પણ આવ્યો. આઈ પણ તેને ઓળખતી હતી એટલે એવો તો કોઈ પ્રશ્ન નહોતો. બહેન પદ‍્માનો પારિવારિક દિયર થાય. ઈરાનીશેઠનો ભાણેજ એટલે ખાનદાન વિશે બીજી કોઈ વાત વિચારવાની નહોતી. ઉંમરલાયક પણ મારા જેટલો જ અને રૂપ-રૂપનો અંબાર. હા, આ મારો શબ્દપ્રયોગ એકદમ વાજબી છે. સામાન્ય રીતે આ શબ્દ છોકરીઓ માટે વપરાય, પણ રાજકુમાર માટે હું આજે પણ વાપરવા તૈયાર છું. એવો તે રૂપાળો કે દૂધ તેની સામે પાછું પડે. અંગ્રેજ જ જોઈ લો એવી પર્સનાલિટી અને સાત પેઢી બેઠાં-બેઠાં ખાય તો પણ ખૂટે નહીં એટલી સંપત્તિ. સૌમ્યતા એવી કે ભલભલા લોકો પાણી-પાણી થઈ જાય.
એક દીકરીની માને બીજું શું જોઈએ છોકરામાં?
મારી માએ રાજી-રાજી આ લગ્ન માટે હા પાડી દીધી. હું દલીલ ન કરું એ માટે તેણે મને પણ સમજાવી હતી...
‘ઇન્દુ, તું જો તો ખરી. તન-મન-ધન એમ બધેબધી બાબતમાં કેવો ચડિયાતો છે. દીવો લઈને શોધવા જઈએ તો પણ આવો છોકરો આપણને ન મળે અને તે છોકરો સામે ચાલીને તારો હાથ માગે છે. પાંચેય આંગળીએ તેં ગોરમા પૂજ્યાં હોય તો જ આવું માગું આવે અને એય ઘરના આંગણે...’
રાજકુમાર મને ગમતો જ હતો. આઈ પણ એ જાણતી હતી. આઈએ નક્કી કરી લીધું કે આપણે સમય પણ વધારે નથી બગાડવો. 
આઈ અને રાજકુમાર બન્ને મળ્યાં ત્યારે અમારા નાટકની કાઠિયાવાડની ટૂર ચાલતી હતી. ત્યાં મને આ સમાચાર ઈરાનીશેઠે પહેલાં આપ્યા અને એ પછી રાજકુમાર મને ત્યાં રૂબરૂ મળવા માટે આવ્યો. તેની પાસે ગાડી હતી. સૉરી, ગાડીઓ હતી. એટલાં બધાં તેમનાં કામો ચાલતાં હતાં કે તેમને પોતાને પણ ખબર ન હોય કે તેમણે હમણાં નવું કામ શરૂ કર્યું. હું એક ઉદાહરણ આપું.
એક વખત અમે બન્ને સાથે હતાં ત્યારે એક ભાઈ તેમને મળવા આવ્યા. બે-ચાર મિનિટની વાત પછી તેમણે રાજકુમારને એવું કંઈક પૂછ્યું કે તમે ઑફિસે ક્યારે પહોંચવાના છો? પેલા ભાઈનો સવાલ સાંભળીને અચાનક જ રાજકુમાર મૂંઝાયા અને તેમણે સામે પૂછ્યું કે મારા ઑફિસે પહોંચવાની સાથે તમારે શું લાગેવળગે?
પેલા ભાઈએ વિનમ્રતાથી કહ્યું કે હું તમારી કંપનીમાં કામ કરું છું અને તમારો નવો સેક્રેટરી છું. રાજકુમાર પણ ઝંખવાણા થઈ ગયા અને તેમણે માફી માગી. જોકે એ દિવસે મને ખબર પડી હતી કે તેમની ઑફિસોમાં સેંકડો લોકો કામ કરે છે અને કેટલા લોકો કામ કરે છે એનો આંકડો તેમની પાસે પણ નહોતો.
lll
તેમણે મને નાટકની ક્યારેય ના પાડી નહોતી. તેમની સાઇડથી હંમેશાં હા હતી. મેં તમને અગાઉ કહ્યું એમ લગ્ન પહેલાં જ મેં તેમને કહ્યું હતું કે આ જે કમાણી છે એ હું મારી આઈને મોકલાવીશ અને તે હસ્યા હતા...
‘સરિતા, તને ખબર છે તું શું બોલે છે?!’
એ સમય સુધી મને તેમની આર્થિક પરિસ્થિતિ વિશે બહુ ખબર નહોતી એટલે હું તો મારા મનની વાત તેમને કહેવા માગતી હતી, પહેલેથી ચોખવટ કરવા માગતી હતી. જોકે પછી ધીમે-ધીમે મને ખબર પડી કે મારી આખા મહિનાની જે આવક છે એટલી આવક તેમની અડધા દિવસની છે! જોકે એ ખબર નહોતી એટલે જ મેં ચોખવટ કરતાં કહ્યું હતું...
‘જ્યાં સુધી મારી આઈ, મારા ભાઈઓ સધ્ધર ન થાય ત્યાં સુધી હું જે કંઈ કમાઉં એ બધું મારી આઈ, મારા ભાઈઓને આપીશ...’
‘પૈસા જ નહીં, તું આપણે ત્યાંથી પણ 
તેમને જે મોકલવું હોય એ મોકલજે...’ તેમણે હસીને કહ્યું, ‘એ માટે પણ તારે મને પૂછવાની જરૂર નથી. બસ, માણસોને કહી દેવાનું. તેઓ જઈને આપી આવશે...’
એક જ વર્ષ સાહેબ, એક જ વર્ષમાં અમારાં મૅરેજ થઈ ગયાં.

રાજકુમાર તરત જ આઈને મળવા માટે તૈયાર થઈ ગયો અને હું મારાં નાટકોની ટૂર પર હતી ત્યારે રૂબરૂ જઈને આઈને મળી પણ આવ્યો. આઈ પણ તેને ઓળખતી હતી એટલે એવો તો કોઈ પ્રશ્ન નહોતો. બહેન પદ‍્માનો પારિવારિક દિયર થાય. ઈરાનીશેઠનો ભાણેજ એટલે ખાનદાન વિશે બીજી કોઈ વાત વિચારવાની નહોતી. ઉંમરલાયક પણ મારા જેટલો જ અને રૂપ-રૂપનો 
અંબાર.

columnists sarita joshi