બેસ્ટ વર્કઆઉટ પ્લેસ છે કિચન

27 July, 2021 07:22 PM IST  |  Mumbai | Rashmin Shah

અનેક ટીવી સિરિયલ અને ‘ફેકબુક ધમાલ’ જેવી ગુજરાતી ફિલ્મની સ્ટાર નીલમ સુથાર દસેક વર્ષની હતી ત્યારથી યોગ કરે છે. નીલમનો ફિટનેસ મંત્ર છે ગાર્ડનિંગ, યોગ અને હૂલાહૂપ એમ ત્રણ ફિટનેસમંત્ર ધરાવે છે

નીલમ સુથાર

હું દૃઢપણે માનું છું કે ફિટનેસ અને નેચરને સીધો સંબંધ છે. જો તમે નેચર સાથે વધુમાં વધુ રહેવાનું શરૂ કરો તો આપોઆપ તમે ફિટનેસની બાબતમાં સજાગ થવા માંડો અને એ પણ કોઈ પણ જાતના આર્ટિફિશ્યિલ રસ્તાઓ વાપર્યા વિના. 
મારું નાનપણ નેચરની વચ્ચે અરવલ્લીમાં જ પસાર થયું છે. રમવા માટે રમકડાં નહીં પણ પર્વત, નદી અને જંગલ. એ બધામાં રહીને તમે મોટાં થયા હો એટલે નૅચરલી તમારો જીવ નેચર સાથે વધુ જોડાયેલો હોય. મારાં પપ્પા-મમ્મી પણ લગભગ એવાં જ. પપ્પા મહેશભાઈ સુથાર સર્કલ ઑફિસર. તેમની અન્ડરમાં ૪૪ ગામ. મમ્મી કપિલબહેન ગાયત્રી મઠનાં ફૉલોઅર એટલે શ્રદ્ધા અને યોગ તેમના માટે ખાસ. પપ્પાએ એક ગામથી બીજા ગામ જવાનું હોય એટલે તે બસ, કાર કે સ્કૂટરની રાહ ન જુએ. ચાલતા થઈ જાય. રસ્તામાં કંઈ મળે તો ઠીક બાકી ચાલીને એક ગામથી બીજા ગામ પહોંચે. દિવસમાં પંદર-વીસ કિલોમીટર ચાલ્યા પછી પણ પપ્પાને મેં મારી સાથે રમતા જોયા છે. કુદરતી માહોલની આ કમાલ છે. તમે મને ઑપ્શનમાં દુબઈ સામે નર્મદાનાં જંગલો આપો તો હું જંગલ પહેલાં પસંદ કરીશ. ઑસ્ટ્રેલિયા સામે હું અરવલ્લીમાં રહેવાનું વધારે પ્રિપફર કરીશ. હું હંમેશાં કહેતી આવી છું કે ઍટ ધી એન્ડ, નેચર જ જીતે છે તો પછી નેચર સાથે રહીને આપણે એના જેવા શું કામ ન થવું.
નેચરના કોઈ નિયમ તોડવાના નહીં અને બને એટલું વધારે નેચર સાથે રહેવાનું. જો નેચરના નિયમો પાળીને જંગલમાં કોઈ પ્રાણીને ડાયાબિટીઝ કે કૅન્સર નથી થતાં તો આપણે પણ એ જ નેચરને ફૉલો કરીએ. તમે ક્યારેય કોઈ સિંહ કે વાઘને વર્કઆઉટ કરતો જોયો? કોઈ હરણને ઓવરવેઇટ જોયું? નહીંને, તો પછી આપણે સિટીમાં રહીને એ પ્રકારની લાઇફસ્ટાઇલને શું કામ ન અપનાવી શકીએ?
મારા ઘરમાં નાનામોટા મળીને દોઢસોથી વધારે પ્લાન્ટ હશે. હું રીતસર એ પ્લાન્ટ્સ સાથે મારો ટાઇમ એન્જૉય કરું છું. અમે વાતો પણ કરીએ અને એકબીજાની માવજત પણ કરીએ. 
સૂર્યોદય સાથે સવાર શરૂ
હા, સૂર્યોદય જાગવા માટે જ થાય છે એટલે લાઇફ એ જ રીતે સેટ કરવી જોઈએ કે મોડામાં મોડા છ સુધીમાં જાગી જવું. મારો દિવસ છ વાગ્યે જ શરૂ થાય છે. ફ્રેશ થઈ હું પહેલાં યોગ કરું અને એ પછી હુલા હૂપ. વીક-ડેઝમાં હું ત્રીસ મિનિટ યોગ કરું તો વીક-એન્ડમાં પિસ્તાલીસ મિનિટ યોગ કરવાના. હું દસેક વર્ષની હતી ત્યારથી યોગ કરું છું અને હુલા હૂપ સાતેક વર્ષથી કરું છું. હુલા હૂપથી ઓવરઑલ બૉડી ફ્લેક્સિબિલિટી આવે છે તો ઍબ્ડોમીન અને હિપ્સ ફૅટ ઘટાડવાનું કામ કરે છે. ઍબ્ડોમીન અને હિપ્સની ફૅટ સૌથી વધારે હઠીલી ફૅટ કહેવાય છે. હુલા હૂપ બેસ્ટ રસ્તો છે એ બધી ફૅટ ઓગાળવાનો. હુલા હૂપ બેસ્ટ સ્ટ્રેસ-રિલીવર છે. 
મેં મારી ઍક્ટિવિટી ઘરમાં જ એ રીતે સેટ કરી છે કે મારું વર્કઆઉટ મારાં રૂટીન કામોમાં જ થઈ જાય. કિચનને હું બેસ્ટ વર્કઆઉટ પ્લેસ કહીશ પણ હા, એ કરવાની તૈયારી હોવી જોઈએ અને કૉન્સન્ટ્રેશન રાખતાં આવડવું જોઈએ. કિચનમાં ઓછાંમાં ઓછાં ઇક્વિાપમેન્ટ્સ વાપરવાની આદત પાડશો તો તમને પણ આ વાત સમજાઈ જશે. હું ભાગ્યે જ કોઈ ઇક્વિનપમેન્ટ્સ વાપરતી હોઈશ. જો બહારના કામની જવાબદારી હોય કે પછી શૂટ હોય તો પણ ટ્રાય તો એવી જ કરું કે ઇક્વિોપમેન્ટ્સ ન વાપરું. જૂસ અને ચટણી જેવી વરાઇટી માટે પણ ધ્યાન રાખું કે દેશી પદ્ધતિથી જ એ બનાવું.
કિચનમાં મેં યોગને જોડીને પંદર આસન એવાં બનાવ્યાં છે જે તમે કોઈની પણ હેલ્પ લીધા વિના જાતે કરી શકો અને ફિટનેસ જાળવી શકો. આ આસન માટે પ્લૅટફૉર્મ અને કિચનની બારસાખ બે જ બસ થઈ જાય એમ છે. હું કહીશ કે આપણે ત્યાં રસ્તાઓ ઘણા છે પણ એ વાપરવા માટેની ઇચ્છાઓ ઓછી છે. ગુજરાત અને મુંબઈમાં હવે તો એવી-એવી સોસાયટીઓ બને છે કે જેમાં જિમથી માંડીને યોગ સેન્ટર સુધ્ધાં અંદર જ હોય અને એ પછી પણ એ બાબતમાં જાગૃતિ નથી આવી. આ શરમની વાત છે. આપણે આપણી હેલ્પ માટે તો જાગવું જ પડે. બીમાર પડીને હેરાન થવા કરતાં બહેતર છે કે આજે થોડી હેરાનગતિ સ્વીકારીને માંદગીને દૂર જ છોડી દઈએ. જે પુરુષો વર્કઆઉટને ટાઇમપાસ ગણીને સમયની બરબાદી ગણાવે છે તેમને પણ હું કહીશ કે આજે કમાયેલા પૈસા કાલે દવામાં ખર્ચાય એના કરતાં થોડી ઓછી ઇન્કમ વચ્ચે બેસ્ટ લાઇફસ્ટાઇલ ડેવલપ કરવી જોઈએ.
સૅલડ, સૂપ અને સ્પ્રાઉટ્સ
મેં કહ્યું એમ, નેચરને આંખ સામે રાખીને જ તમારે તમારી ફૂડ પૅટર્ન બનાવવી જોઈએ. મારી વાત કરું તો મારું ફૂડ ઇન્ટેક સાદું અને સરળ છે. સવારે બ્રેકફાસ્ટમાં ઘરના બધા માટે સ્પ્રાઉટ્સ હોય જેમાં મગ, મઠ, ચણા, રાજમા, ચોળી અને વાલ જેવાં બધાં કઠોળ હોય અને એમાં શાકભાજી પણ હોય જેને બાફવાં ન પડે. બ્લૅક સૉલ્ટ અને એ પણ નામપૂરતું અને નામપૂરતું બ્લૅક પેપર. બસ, આ મૉર્નિંગ બ્રેકફાસ્ટ. આ એક જ આઇટમ સૌકોઈએ ખાવાની અને એ પણ પેટ ભરીને. તમે કહો કે ઍવરેજ દરેક બસોથી અઢીસો ગ્રામનો આ નાસ્તો થાય. ક્યારેક ઇચ્છા થાય તો રાગી-મકાઈ-બાજરાના મિક્સ લોટની ભાખરી હોય અને એની સાથે ચા હોય, પણ એ સૌથી છેલ્લે. બ્રેકફાસ્ટ એટલો હેવી છે કે બપોરે લંચ પણ તમે સ્કિપ કરી શકો. 
લંચમાં સૂપ, બૉઇલ કરેલી શાકભાજીની સબ્ઝી અને બાજરીની રોટલી અને પછી રાતે ડિનર. આખા દિવસમાં જો ભૂખ લાગે તો ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ ખાવાનાં. ડિનરમાં સૂપ, સૅલડ અને કાં તો ખીચડી અને દૂધ. અમારા ઘરમાં ઘઉંનો લોટ સૌથી ઓછો ખવાય છે. ઘઉં આપણી આઇટમ છે જ નહીં. ઘઉં ઠંડા પ્રદેશમાં વધારે ખવાય પણ બ્રિટિશરો આપણને ઘઉંની આદત પાડતા ગયા. બાકી આપણે ત્યાં તો બાજરી, જુવાર અને ચોખાનું જ ચલણ હતું. વર્કઆઉટ, યોગ કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં તમે તમારા ડાયટ પર ધ્યાન આપવાનું ચાલુ કરી દેજો. એ પછી શરૂ કરાયેલું વર્કઆઉટ રિઝલ્ટ પણ સુપર્બ દેખાડશે.

 ગોલ્ડન વર્ડ્સ
હુલા હૂપથી ઓવરઑલ બૉડી ફ્લેક્સિબિલિટી આવે તો ઍબ્ડોમીન અને હિપ્સની સૌથી વધારે હઠીલી ફૅટ કહેવાય એ પણ રિડ્યુસ થાય.

columnists Rashmin Shah