સૌ સૌની જવાબદારી સમજે, એનાથી ઉત્તમ બીજું કશું નથી

27 October, 2020 03:47 PM IST  |  Mumbai | Manoj Joshi

સૌ સૌની જવાબદારી સમજે, એનાથી ઉત્તમ બીજું કશું નથી

પ્રતીકાત્મક તસવીર

હા, જરા પણ ખોટી વાત નથી. દરેક પોતાનું કામ કરે, દરેક પોતાની જવાબદારી સમજે અને દરેકેદરેક યોગ્ય રીતે પોતાનું કામ કરે તો એનાથી ઉત્તમ બીજું કશું નથી, પણ એવું નથી થઈ રહ્યું. ફિલ્મસ્ટારે રાજનેતાને સલાહ આપવી છે, ચૅનલ-ઑપરેટરે રેસ્ટોરાં-માલિકને સલાહ આપવા જવું છે, તો રેસ્ટોરાં-માલિકે કૉર્પોરેશનને સલાહ આપવી છે. સાંભળવામાં જરા તોછડાઈ લાગે એવા શબ્દોમાં કહીએ તો તમે તમારું કામ કરો, બેસ્ટ રીતે કરો અને ઉત્તમ રીતે કરવાની કોશિશ કરો. એનાથી શ્રેષ્ઠ બીજું કશું નથી.
દેશ કેમ ચલાવવો, રાજ્ય કેમ ચલાવવું એ રાજનેતાનું કામ છે અને એટલે જ તેઓ ત્યાં બેઠા છે અને આપણે આપણા સ્થાન પર છીએ. એક ફિલ્મ-ઍક્ટર તરીકે મારે આયુર્વેદાચાર્ય સાથે કોઈ સલાહમસ્વરા ન કરવા જોઈએ. જ્ઞાન હોય તો તમે સજેશન આપી શકો, પણ વાણીસ્વાતંત્રતાનો દુરુપયોગ તો બિલકુલ ન કરી શકાય. ના, ક્યારેય નહીં અને સહજ રીતે પણ નહીં. મને મારા કામની ફાવટ છે, એનો અર્થ એવો નથી નીકળી જતો કે હું દરેક તબક્કે અને દરેક મુદ્દે એક્સપર્ટ બનું. બને કે કોઈને પચીસ બૉલમાં સેન્ચુરી મારવામાં ફાવટ છે, પણ એનો અર્થ બિલકુલ એવો નથી થતો કે તેને બોલિંગ પણ આવડે જ છે. તે બોલિંગ કરી પણ લે, તો તેને કાયમી બોલર ગણવાની ભૂલ તો ન જ કરવી જોઈએ, સિવાય કે તે અપ્રૂવ્ડ ઑલરાઉન્ડર હોય અને આ અપ્રૂવ્ડ ઑલરાઉન્ડરનું સર્ટિફિકેટ પણ ઑથેન્ટિક વ્યક્તિ કે સંસ્થા પાસેથી મળેલું હોવું જોઈએ. ફૅન્સ તમને એવું સર્ટિફિકેટ આપે તો ન ચાલે અને ધારો કે તમે એને ઑથેન્ટિક સર્ટિફિકેટ ધારી પણ લો તો પછી જેકોઈ પરિણામ આવવાનું હોય એની જવાબદારી પણ તમારે જ લેવી પડે.
લૉકડાઉન દરમ્યાન વાણીસ્વાતંત્ર્યના નામે આપણે ત્યાં એવા-એવા સલાહકારો જન્મ્યા છે કે તમે જેની કલ્પના પણ ન કરી શકો. ક્યાંક ને ક્યાંક આ માટે સોશ્યલ મીડિયા પણ જવાબદાર છે, એવું પણ કહી શકાય. લખનારાઓ પણ હવામાં જીવે છે, વાંચનારાઓ પણ અધ્ધર જીવે છે. કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના. સોશ્યલ મીડિયા પર થઈ રહેલો બકવાસ કે પછી સોશ્યલ મીડિયા પર આવી રહેલી ભડાસમાં અંગત રાગદ્વેષ પણ એટલા જ જવાબદાર છે, એટલી સમજણ પણ વાંચનારામાં હોવી જોઈશે. પહેલી શરત તો એ જ કે વાણીસ્વાતંત્ર્યનો ગેરલાભ નહીં લેવાનો.
લાભ લેવાની પણ ક્ષમતા હોતી નથી, એવા સમયે લેવામાં આવતા ગેરલાભને કોઈ પણ હિસાબે વાજબી ગણી ન શકાય. જે જેનું કામ અને જે જેની જવાબદારી. બહુ સરળ અને સીધો હિસાબ છે આ અને આ જ હિસાબને વાજબી રીતે મૂલવવાનો છે. નુકતાચીની કરવાની માનસિકતા ધરાવનારાઓએ સહેજ પણ પોતાની લાયકાત અને પોતાની આવડત, ક્ષમતા ભૂલવું નહીં. ક્ષમતા જ્યારે ભુલાતી હોય છે ત્યારે અજાણતાં જ મુસીબત નોતરી બેસતા હોઈએ છીએ. અત્યારે એ જ થઈ રહ્યું છે. રાજકારણી જર્નલિસ્ટને સલાહ આપે છે અને ઍક્ટર પૉલિટિક્સમાં ચંચુપાત કરે છે. ના, એ કામ તમારું છે જ નહીં અને તમારે કરવાનું થતું પણ નથી. બેસ્ટ એ જ કે તમે તમારી જવાબદારી, તમારું કામ નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠતમ રીતે કરો.

manoj joshi columnists