ઠાકરેરાજ : એક એવા યુગનો આરંભ જેનો ઇંતજાર દસકાઓથી મહારાષ્ટ્રને હતો

29 November, 2019 12:18 PM IST  |  Mumbai | Manoj Joshi

ઠાકરેરાજ : એક એવા યુગનો આરંભ જેનો ઇંતજાર દસકાઓથી મહારાષ્ટ્રને હતો

ઉદ્ધવ ઠાકરે

ગઈ કાલે સાંજે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા ત્યારે એક એ યુગનો આરંભ થયો જે યુગની રાહ દસકાઓથી મહારાષ્ટ્રની પ્રજા જોઈ રહી હતી. ઠાકરેપરિવારમાંથી કોઈ આગેવાની લે, રાજ્યની ધુરા સંભાળે અને રાજ્યને નવી દિશા આપે. અઢળક અને મબલક લોકોએ આ વાત બાળ ઠાકરેને સમજાવી હતી અને બાળ ઠાકરે પણ સમજતા હતા, પરંતુ તેમને ખબર હતી કે સત્તા પર આવ્યા પછી તેઓ દરેક દિશામાં જોઈ નહીં શકે અને એટલે જ તેમણે આ લોકઇચ્છા પર ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. જ્યારે સત્તા પર શિવસેના આવી અને તેમને સત્તા પર આવવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે પણ બાળ ઠાકરેએ મનોહર જોષીને આગળ કર્યા હતા. બાળ ઠાકરેની એક ખાસિયત સૌકોઈના ધ્યાન પર છે.

બાળ ઠાકરેએ કોઈ પદ, એક પણ સ્થાન પોતે કે પોતાના પરિવારને લેવા નથી દીધું, ક્યારેય નહીં. મેયરપદ હોય કે કૉર્પોરેશનમાં મહત્ત્વનું પદ મેળવવાની વાત હોય. મહારાષ્ટ્ર વિધાનસભાનું ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ હોય કે પછી મુખ્ય પ્રધાનપદ હોય. અરે, સંસદભવનમાં પણ તેમણે ક્યારેય કોઈ સત્તાની તૈયારી નથી દેખાડી. બહુ ઓછા લોકોને ખબર છે કે અટલ બિહારી વાજપેયી ઇચ્છતા હતા કે બાળ ઠાકરે તેમની સરકારમાં ઉચ્ચ સ્થાન મેળવે, પણ બાળ ઠાકરે એ માટે પણ રાજી નહોતા. ‘હમ જહાં ખડે રહેતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ’ એ તેમનો આદર્શ હતો અને આ જ તેમનો સિદ્ધાંત હતો. બાળ ઠાકરેએ ખરા અર્થમાં આ જ વાતને સાકાર કરી દેખાડી છે.

મુંબઈમાં પગ મૂકનારો ધુરંધર પણ મુંબઈ આવ્યા પછી મળવા માટે બાળ ઠાકરે પાસે જાય, પણ બાળ ઠાકરે કોઈને મળવા માટે બહાર ન નીકળે. આ તેમની ઇજારાશાહી હતી અને આ ઇજારાશાહીને અકબંધ રાખવા માટે જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ પદ ગ્રહણ નહીં કરે. ચાણક્ય. ચાણક્યનું આધુનિક સ્વરૂપ બાળ ઠાકરે હતા અને એ સ્વરૂપને તેમણે અનેક રીતે, અનેક મુદ્દે સાકાર પણ કર્યું હતું. બેઉ બાજુ પગ રાખવાની નીતિ ક્યારેય ઠાકરેપરિવારમાં રહી નથી અને કદાચ આ મુંબઈકરની ફિતરત પણ છે. કાં તો આ બાજુએ હોઈએ અને કાં તો સામેના પક્ષે હોઈએ. નરો વા કુંજરો વા. ના, ક્યારેય નહીં. બાળ ઠાકરેએ હંમેશાં સ્પષ્ટ નીતિ રાખી હતી અને તેમની સ્પષ્ટ નીતિએ ફક્ત મરાઠાઓને જ નહીં, મહારાષ્ટ્રના ખેડૂતોને પણ હક અપાવવાનું કામ કર્યું હતું. મરાઠાઓ માટે મને એક નાનકડી ચોખવટ કરવી છે.

બાળ ઠાકરેએ મહારાષ્ટ્રિયનનો પક્ષ લીધો તો એમાં કશું ખોટું નથી થયું. હું જ્યાં હોઉં, જેમનો હોઉં તેમનો પક્ષ લઉં તો એમાં કોઈ પ્રકારની નીતિરીતિને અન્યાય નથી થઈ રહ્યો. આ અગાઉ પણ આ જ વાત કહી છે અને ભવિષ્યમાં પણ આ વાતને આટલી જ સ્પષ્ટતા સાથે કહીશ. મારા લોકો મારું ધ્યાન ન રાખે તો કોણ રાખવાનું? મારા લોકોએ જ મારું ધ્યાન રાખવું પડે અને તેમની પાસેથી જ મારી અપેક્ષા હોય. જો એ અપેક્ષા ફળીભૂત થશે તો ઠાકરેરાજ સાર્થક નીવડશે અને સાચું કહું તો, ઠાકરેની સરકાર પાસેથી આ જ અપેક્ષા મહારાષ્ટ્રને છે. મહારાષ્ટ્રનો વિકાસ અને મહારાષ્ટ્રની શાન હવે સાબિત કરશે કે આટલાં વર્ષો સુધી ઠાકરેપરિવારની રાહ જોઈ છે એ સાર્થક હતી કે નહીં?

‌બીજી કોઈ વાત અત્યારે કહેવાની રહેતી નથી. માત્ર ત્રણ જ શબ્દો કહેવાના છે, ઑલ ધ બેસ્ટ.

columnists manoj joshi